100 બોલની ક્રિકેટ મેચ એટલે ECB નું નવું લોજીક વગરનું ડીંડક

0
332
Photo Courtesy: dnaindia.com

યાદ કરો એ દિવસો જ્યારે ECB એટલેકે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે લગભગ પંદર વર્ષ અગાઉ Twenty20 ક્રિકેટનો આઈડિયા ફક્ત વહેતો જ નહોતો કર્યો પરંતુ તેને પોતાના ડોમેસ્ટિક ક્રિકેટમાં અમલી પણ બનાવી દીધો હતો. આ સમયે BCCI એ તેને ‘ચડ્ડી ક્રિકેટ’ કહીને તેની મજાક ઉડાડી હતી આટલુંજ નહીં 2007ના સર્વપ્રથમ ICC World Twenty20 માં ભારતની ટીમ મોકલવી કે નહીં તે અંગે BCCI ખુદ અવઢવમાં હતું.

Photo Courtesy: dnaindia.com

પરંતુ, એ ટુર્નામેન્ટ મહેન્દ્ર સિંઘ ધોનીની કૂલ કપ્તાનીમાં ભારત જીતી લાવ્યું. ભારતે લગભગ ચોવીસ વર્ષ બાદ કોઈ વર્લ્ડ કપ જીત્યો હતો અને આથી સમગ્ર ટીમને મુંબઈમાં ડબલ ડેકર બસમાં ફેરવવામાં આવી હતી. પછી તો BCCIને આ ફોર્મેટમાં કુબેરનો ખજાનો દેખાયો અને આપણને Indian Premier League એટલેકે IPL મળી જેનું અત્યારે અગિયારમું સંસ્કરણ આપણે જોઈ રહ્યા છીએ.

આ પારાયણ કરવા પાછળનું કારણ એક જ છે કે પંદર વર્ષે ECBએ ફરીથી કળા કરી છે અને હવે તે એક સાવ નવું નક્કોર ફોર્મેટ લાવવા જઈ રહ્યું છે. ECBએ આ ફોર્મેટની ચર્ચા ક્રિકેટના નિયમોના ગાર્ડિયન એટલેકે MCC સાથે ઓલરેડી કરી દીધી છે અને ભલું હશે તો ઈંગ્લેન્ડમાં આ નવા ફોર્મેટની ક્રિકેટ મેચો એકાદ વર્ષમાં રમાતી જોવા મળશે. બાય ધ વે આ નવું ફોર્મેટ એટલે 100 બોલની ક્રિકેટ મેચ!

તમને ગમશે: બિશ્નોઈ સમાજના પ્રાણીપ્રેમે સલમાન ખાનને જેલ ભેગો કર્યો

જ્યારે Twenty20 ક્રિકેટ નવું નવું હતું ત્યારે એક મજાક બહુ લોકપ્રિય થઇ હતી કે પહેલા પાંચ દિવસની ટેસ્ટ રમાતી પછી એક દિવસની મેચો ચાલુ થઇ અને હવે ત્રણ કલાકની, જો જો એક સમય એવો આવશે કે માત્ર ટોસ કરીને વિજેતા જાહેર કરી દેવામાં આવશે. જ્યારે 100 બોલની ક્રિકેટ મેચ અંગે પહેલીવાર વાંચ્યું ત્યારે આ મજાક સૌથી પહેલી મનમાં આવી ગઈ હતી. એક રીતે જોવા જઈએ તો આ પ્રકારે માત્ર 100 બોલ પ્રતિ ઇનિંગ રમાડવા પાછળ કોઈ લોજીક દેખાતું નથી.

ECB દ્વારા પ્રસ્તાવિત આ ફોર્મેટ વિષે જે માહિતી મળી છે તે અનુસાર પહેલી પંદર ઓવર સામાન્ય રીતે રમાય છે એ રીતે જ રમાશે અને પછી 10 બોલની એક ઓવર નખાશે અને આ રીતે કુલ 100 બોલમાં એક આખી ઇનિંગ રમવામાં આવશે. ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટ એટલેકે Twenty20માં એક ઈનિંગમાં કુલ 120 બોલ નાખવાના હોય છે તો વીસ બોલ ઓછા નાખવાથી ક્રિકેટમાં એવી તે કેવી મોટી ક્રાંતિ આવી જવાની છે? વધુમાં વિચાર કરીએ તો વધારા ના વીસ બોલ એટલેકે કુલ ચાળીસ બોલ નાખવામાં અડધો કલાક વધુ જાય છે, તો સમયની દ્રષ્ટિએ પણ આ નવા ફોર્મેટથી કોઈ ખાસ ફેર પડવાનો નથી.

એવું પણ નથી કે Twenty20 ફોર્મેટ નિષ્ફળ ગયું છે અને એટલે આ નવી જાતનું ક્રિકેટ ECB લાવવાનો પ્રસ્તાવ મૂકી રહ્યું છે. ઉલટું ક્રિકેટના સૌથી યુવાન ફોર્મેટને અત્યારસુધીમાં સૌથી વધુ લોકપ્રિયતા મળી છે અને જે ખેલાડીઓ જે જીવનભર ડોમેસ્ટિક ક્રિકેટ રમીને સંતોષ માની લેતા તેમને પણ હવે વિશ્વ કક્ષાએ ઝળકવાનો મોકો મળ્યો છે. વળી, આ ફોર્મેટમાં થતા નાણાનો વરસાદ તો જુદો જ. આમ Twenty20 ફોર્મેટથી કોઈનેય વાંધો નથી તો આમ અચાનક 100 બોલના ક્રિકેટ પર ચર્ચા શા માટે?

જ્યારે આ ફોર્મેટ અંગે ભૂતપૂર્વ ક્રિકેટ ખેલાડીઓ અને ક્રિકેટ પંડિતો વચ્ચે Twitter પર ચર્ચા ચાલી ત્યારે ECB દ્વારા એવી દલીલ બિનઅધિકારીક રીતે ફેલાવવામાં આવી કે આ તો જે લોકોને હજીપણ ક્રિકેટ ગમતું નથી તે લોકોને અથવાતો જેમને ક્રિકેટ વિષે કોઈજ માહિતી નથી તેમના માટે આ ફોર્મેટ વિચારવામાં આવ્યું છે અને તેને પરિવારો વચ્ચે લોકપ્રિય કરવામાં આવશે. જો આમ જ હોય તો કદાચ કોઈને ખાસ વાંધો ન હોઈ શકે. તેમ છતાં માત્ર વીસ બોલ પ્રતિ ઇનિંગ ઘટાડીને ક્રિકેટને ક્રિકેટથી અજાણ લોકો વચ્ચે લઇ જઈને કેવી રીતે લોકપ્રિય કરી શકાશે એ લોજીક હજી પણ ગળે ઉતરતું નથી.

પરંતુ ઇંગ્લેન્ડના જ અમુક ખણખોદીયા પત્રકારોએ ખોદી કાઢ્યું, એટલેકે શોધી કાઢ્યું કે ખરેખર તો ECB સ્થાનિક બ્રોડકાસ્ટરના દબાણમાં આવી જઈને આ પ્રકારનું નવું ફોર્મેટ લાવી રહ્યું છે. જો આમ થાય તો મેચ નો સમય હજી પણ ઓછો થાય અને એ સમયમાં બ્રોડકાસ્ટરને વધુ જાહેરાત મળે! જો આ વાત સાચી હશે તો ECB ક્રિકેટની જબરદસ્ત કુસેવા કરી રહ્યું છે એમ કહી શકાય, કારણકે આવી રીતે જેમ પેલી મજાક અનુસાર ક્રિકેટ માત્ર પૈસા કમાવા માટે નાનુંને નાનું થતું જશે તો તેનો મૃત્યુઘંટ બહુ જલ્દીથી વાગી જશે.

કોઇપણ લોજીકથી કે દલીલથી દિવસના માત્ર ચાલીસ બોલ અને અડધો કલાક ઘટાડીને ECB આ 100 બોલના ક્રિકેટથી કયો કાંદો કાઢી લેવાનો છે તે સમજાતું નથી. આશા કરીએ કે જો આ ફોર્મેટ ઈંગ્લેન્ડમાં અપનાવ્યા બાદ તેને વિશ્વકક્ષાએ લઇ જવાની કોશિશ ECB જ્યારે પણ કરે ત્યારે BCCI અને અન્ય ક્રિકેટ બોર્ડસ તેનો મજબૂતાઈથી વિરોધ કરે અને તેને ત્યાંને ત્યાં જ દબાવી દે, નહીં તો ક્રિકેટ એક મજાક બનીને રહી જશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here