કેન્દ્ર સરકારના Digital India પર ખાસ ભાર મુકવાના સારા ફળ મળવા લાગ્યા છે. દેશના આયકર વિભાગે છેલ્લા પાંચ વર્ષમાં માત્ર પોસ્ટેજ રૂપી ખર્ચમાં ઘટાડો કરીને રૂ. 977 કરોડ જેટલી ભારે બચત કરી છે. છેલ્લા પાંચ વર્ષમાં આયકર વિભાગે કરદાતાઓ સાથે માત્ર ઈમેઈલ દ્વારા જ સંપર્ક કરવાનો નિર્ણય લીધો છે જેને લીધે પોસ્ટેજ નો આટલો મોટો ખર્ચ બચવા પામ્યો છે. ગત નાણાકીય વર્ષની વાત કરીએ તો ગયા વર્ષના અંત સુધીમાં મળેલા આંકડાઓ અનુસાર આયકર વિભાગે પોસ્ટેજ માં રૂ. 212.37 કરોડ બચાવ્યા છે જ્યારે 2013-14ની સરખામણીએ દેશમાં કરદાતાઓની સંખ્યા બમણાથી પણ વધી ગઈ છે.

2017-18માં કરદાતાઓને 14.15 કરોડ ઈમેઈલ મોકલવામાં આવ્યા હતા જે 2016-17માં 6.56 કરોડ જેટલા હતા. આમ એક વર્ષમાં આયકર વિભાગે પોતાના કરદાતાઓ સાથે ઈમેઈલ દ્વારા થતા સંપર્ક માટે પણ બમણાથી વધારે ઈમેઈલ્સ મોકલ્યા છે. બેંગ્લોરમાં આવેલા સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટર (CPC) દ્વારા કરદાતાઓને 73.73 કરોડ જેટલા ડિજીટલ સહી સાથેના સૂચનો મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત 67.96 કરોડ SMS એલર્ટ્સ પણ મોકલવામાં આવ્યા હતા. નાણા મંત્રાલયના ડેટા અનુસાર 4.17 કરોડ જેટલી જ સૂચનાઓ આ સમય દરમ્યાન સ્પિડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવી હતી.
આયકર વિભાગની ગણતરી અનુસાર પ્રતિ સ્પિડ પોસ્ટ તેને રૂ. 15ની સરેરાશ બચત થઇ હતી.
CPC દ્વારા 2017-218માં કુલ 5.62 કરોડ IT રીટર્ન્સને પ્રોસેસ કર્યા હતા જ્યારે ગત નાણાકીય વર્ષમાં આ સંખ્યા 4.57 કરોડ જેટલી રહી હતી. આ ઉપરાંત CPCએ સાથેસાથે 1,25,978 વેલ્થ ટેક્સના રીટર્ન્સ પણ ઈલેક્ટ્રોનિકલી પ્રોસેસ કર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.
તમને ગમશે: હવે આપણને બહુ જલ્દીથી મળવા આવશે Marvel Studio ની Captain Marvel
આયકર વિભાગની નીતિ ઘડતી શાખા એટલેકે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીઝ (CBDT) એ ઈલેક્ટ્રોનિક સંપર્કને પણ પોતે લીધેલા સંખ્યાબંધ પગલાઓનો ભાગ બનાવ્યો છે. હવે ઇન્કમ ટેક્સ રીટર્ન્સ નું પણ e ફાઈલિંગ થાય છે. આ ઉપરાંત કોઇપણ કરદાતાને કોઈ વાંધો હોય કે ફરિયાદ હોય તો તેનું પણ ઓનલાઈન નિવારણ કરવામાં આવે છે. આમ આયકર વિભાગ સંપૂર્ણપણે ડિજીટલ થઇ ચૂક્યો છે.
31 ડિસેમ્બર 2016 સુધીમાં આયકર વિભાગને કુલ 6.01 લાખ ફરિયાદો મળી હતી જેમાંથી એક ડેટા અનુસાર 5.98 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારની તમામ પ્રકારની ફરિયાદો માટે E-Nivaran નામક વેબ પોર્ટલ છે તેના પર 3.83 લાખ ફરિયાદો આવી હતી જેમાંથી 3.80 લાખ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો હતો.
આ રીતે Digital India એ માત્ર વાતોના વડાં જ નથી જે રીતે વિપક્ષો અને દેશના મિડીયાનો કેટલોક હિસ્સો આક્ષેપ મુકતો હોય છે. સરકારના Digital India ના પ્રયાસ દ્વારા પોસ્ટેજ રૂપી જરૂરી ખર્ચમાં પણ જો આટલો બધો બચાવ કરવામાં આવતો હોય અને તે પણ માત્ર એક વિભાગમાં તો એ વિચારવાનું મન જરૂર થઇ જાય છે કે સરકારના અન્ય વિભાગોમાં પણ આ જ રીતે કેટલી બધી બચત થઇ ચૂકી હશે. સરવાળે ફાયદો તો દેશની તિજોરીને જ છે ને?
eછાપું