કટાક્ષ – એક નિષ્પક્ષ પત્રકારનો બેબાક અને બેખોફ ઇન્ટરવ્યુ

0
430
Photo Courtesy: mediaskills.com

આજે આપણે એક ખાસ ઇન્ટરવ્યુ માટે ભેગા થયા છીએ. આ ઇન્ટરવ્યુ છે એક નિષ્પક્ષ પત્રકારનો જે છેલ્લા બે દાયકાથી એમનું anti establishment પત્રકારત્વ કરતા રહ્યા છે, આ એક એવી quality છે જેને હાલના સમયમાં તદ્દન નિષ્પક્ષ પત્રકારત્વ તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો મળીએ નિષ્પક્ષ પત્રકારને.

“સર, મારો પહેલો સવાલ છે કે તમને પત્રકાર બનવાનું મન કેમ થયું?”

“વાત લગભગ 2001ની છે જ્યારે હું વટવાથી અમદાવાદ અપ ડાઉન કરતો હતો. કાલુપુર રેલવે સ્ટેશન બહાર પાનના ગલ્લે ધરતીકંપ બાદ સરકારની ઘોર નિષ્ફળતા વિષે ચર્ચા ચાલતી હતી અને એમાં મારા સરકાર વિરોધી કેટલાક વાક્યોને ત્યાં બીડી પીતા એક વરિષ્ઠ પત્રકારે પકડી લીધા અને મને કહ્યું કે ચલ તને પત્રકાર બનાવી દઉં, એટલે હું પત્રકાર બની ગયો.”

“પાનના ગલ્લાની ચર્ચામાંથી સીધા પત્રકાર? સમજાયું નહીં.”

“એ વખતે મનેય નહોતું સમજાયું અને સાચું કહું તો અત્યારેય નથી સમજાયું પણ એટલું જરૂર સમજ્યો છું કે સરકારની બેફામ ટીકા કરીએ પછી તે પાનના ગલ્લે હોય કે છાપામાં કે ઇવન ટીવી પર, તમે ચાલી જાવ છો. જુઓ આજે અઢાર વર્ષે એક નિષ્પક્ષ અને મોટા સર્ક્યુલેશન ધરાવતા અખબારનો એડિટર બની જ ગયો છું ને? એકાદ વખત તો વિશ્વમાં સૌથી નિષ્પક્ષ ગણાતી ન્યુઝ સંસ્થાની વેબસાઈટ માટે પણ સરકાર વિરુદ્ધ ભરડી ચુક્યો છું. આ બધું કરવા માટે હું વગર પત્રકારત્વનો કોર્સ કરે સક્ષમ બની શક્યો છું.”

Photo Courtesy: mediaskills.com

“નિષ્પક્ષ પત્રકારત્વ એટલે સરકારનો વિરોધ જ કેમ? તમે સરકારના સારા કાર્યો પણ હાઈલાઈટ કરી શકો છો, એટલેકે ખરેખર નિષ્પક્ષતા દેખાડવા માટે.”

“કારણકે અમને એના સિવાય બીજું કશુંજ શિખવાડવામાં આવતું નથી. એક વખત મિડિયા હાઉસનો ધંધો લઈને બેઠા એટલે પછી એને સરકારનો વિરોધ જ કરવો પડે અને તો જ લોકોની નજર એના પર પડે અને એ સમાચાર વેંચાય. મને જેમણે નોકરી અપાવી એ વરિષ્ઠ પત્રકાર મહોદય કાયમ કહેતા કે anti-establishment એટલે બોલિવુડની મસાલા ફિલ્મ બાકી સરકારી યોજનાઓ જે સફળ ગઈ છે એના વખાણ કરવા બેસીએ તો સાવ આર્ટ ફિલ્મ જેવું મોળુંમોળું લાગે.”

“ઘણીવાર સરકારનો વિરોધ કરવામાં, છાપું વેંચવામાં કે પછી TRP વધારવામાં પત્રકારો ખોટા સમાચારો દ્વારા અફવા પણ ફેલાવતા હોય છે એનું શું?”

“જુઓ, સરકારને on the toes રાખવી એ અમારી ફરજમાં આવે છે અને everything is fair in love and war.”

“તો પછી મોટાભાગના પત્રકારો સોશિયલ મિડિયા જ અફવા અથવાતો ફેક ન્યૂઝ ફેલાવે છે એવો આરોપ કેમ લગાડતા હોય છે?”

“કારણકે એ લોકો એમ કરીને સરકારને વહાલા થવા જતા  હોય છે. મારા મતે સરકારનો વિરોધ જ થવો જોઈએ અને તો જ ખરી નિષ્પક્ષતા આવશે.”

“શું તમને નથી લાગતું કે સોશિયલ મિડીયાના આવવાથી મેઈન સ્ટ્રીમ મિડિયા ઘણીવાર ફેક ન્યૂઝ દ્વારા અફવા ફેલાવવાનું કામ કરતું હતું તેના પર કાબુ આવ્યો છે?”

“મારા મતે તો સોશિયલ મિડિયા પર જ પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. નહીં તો મિડિયા પર અને ખાસ કરીને તટસ્થ મિડિયા પરથી લોકોનો વિશ્વાસ ડગમગી જશે.”

“પરંતુ સોશિયલ મિડિયાએ તો ઘણા પત્રકારોના, આઈ મીન તટસ્થ પત્રકારોના જુઠ્ઠાણાં પકડી પાડ્યા છે, જેમકે ગત વિધાનસભા ચૂંટણી દરમ્યાન શાસક પક્ષની સભાઓમાં સભા શરુ થવાના કલાકો અગાઉ ખાલી ખુરશીઓના ફોટા પાડીને બીજા દિવસે ફેસબુક પર પોસ્ટ મુકવી કે આમની સભા નિષ્ફળ ગઈ છે. પછી સોશિયલ મિડીયામાં એક્ચ્યુઅલ સમય સાથે એમની સભાનો સમય દેખાડવામાં આવે જેમાં ખુબ ભીડ દેખાતી હોય.”

“એટલેજ તો કહું છું કે સોશિયલ મિડિયા પર પ્રતિબંધ મુકીને તટસ્થ મિડિયા પરનો પ્રજાનો વિશ્વાસ કાયમ રાખવો જોઈએ.”

તમને ગમશે: …અને Youthzone Dance Academy દ્વારા રચાઈ ગયો Hulahoop નો વર્લ્ડ રેકોર્ડ

“સાંભળ્યું છે કે તમે દેશવાસીઓના એક ખાસ હિસ્સાને અસહિષ્ણુ કહીને એમની મજાક ઉડાડો છો પરંતુ સોશિયલ મિડિયા પર જેવા તમારો તાર્કિક વિરોધ થાય કે પછી તમારી હળવી મજાક થાય તરત જ તમે એ વ્યક્તિને ટ્રોલ જાહેર કરીને બ્લોક કરી દો છો? તો આ તમારી અસહિષ્ણુતા ન કહેવાય?”

“બિલકુલ નહીં અમે એટલા સહિષ્ણુ છીએ કે ફક્ત બ્લોક જ કરીએ છીએ, અમારું ચાલે તો અમને ખુલ્લા પાડનાર વ્યક્તિનું  કેરેક્ટર એસેસીનેશન કરીને એની જિંદગી બગાડી નાખીએ, પણ અમે સહિષ્ણુ રહીને એને માત્ર બ્લોક કરીને માફ કરી દઈએ છીએ.”

“તમારા પર અને તમારા ઘણાબધા પત્રકારમિત્રો પર આરોપ છે કે તમે બધા 2002થી આગળ જ નથી વધ્યા. ભારત આજે ક્યાંનું ક્યાં પહોંચી ગયું છે?”

“તમને ખબર હોય તો જુના જમાનામાં દરેક ઘરમાં એક કોઠાર રહેતો હતો જ્યાં આખા વર્ષનું અનાજ ભરવામાં આવતું. 2002 અમારા બધા માટે વર્ષોના વર્ષો અમારી દાળ રોટી ચાલી જાય એવો વિશાળ કોઠાર છે, hope you got my point.”

“પરંતુ પંદર વર્ષમાં તો ઘણું બધું ભુલાઈ જાયને?”

“2002માં મારા લગ્ન પણ થયા હતા, શું તમને લાગે છે કે હું એ સાલ આમ સાવ આસાનીથી  ભૂલી શકીશ?”

“ઘણા કહેવાતા તટસ્થ પત્રકારો આજે પણ માનીતા આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય મિડિયાની વેબસાઈટ પર એની એ 2002ની સ્ટોરી રિસાયકલ કરીને છાપે રાખે છે તેનું શું? વાચકોને કંટાળો નહીં આવતો હોય?”

“શું, CID, Crime Petrol અને સાવધાન ઇન્ડિયા જોઇને લોકો કંટાળે છે?”

“અચ્છા, જ્યારે પત્રકારો કોઈ રાજકીય પાર્ટીને સતત ટાર્ગેટ કરીને તેની વિરોધી પાર્ટીના કુકર્મો વિષે કશું જ બોલો ત્યારે તમે નિષ્પક્ષ કહેવાઓ પણ અમુક પત્રકારો જ્યારે સરકારની સાચી બાજુની તરફેણ કરી હોય ત્યારે તમે તેને કેમ ગોદી મિડિયા કહીને ઉતારી પાડો છો? તમે પણ કોઈની ગોદમાં બેઠા જ છો ને?”

“ફરક છે. અમે પૈસા લઈને માત્ર અમારા આકાઓની સેવા જ કરીએ છીએ જ્યારે આ ગોદી મિડિયાવાળા તો ઘણીવાર સરકારની વિરુદ્ધ પણ થઇ જાય છે જ્યારે સરકારનો ખરેખર વાંક હોય. તમને નહીં સમજાય આ બધું હાઈલેવલની વાત છે.”

તમને ગમશે: ખરેખર શું છે આ ભારતની સર્વપ્રથમ રો-રો ફેરી સર્વિસ?

“લોકો એમ પણ કહે છે કે સરકારનો વિરોધ ભલે હોય પરંતુ જ્યારે દેશની વાત આવે ત્યારે પત્રકારોએ એક થઈને દેશ સાથે રહેવું જોઈએ. જેમકે સર્જીકલ સ્ટ્રાઈક વિષે દેશની સેનાએ જાહેરાત કરી હતી તો પણ પત્રકારોએ તેની સત્યતા અંગે સવાલ ઉઠાવ્યા હતા અને નક્સલવાદી ઘટના બાદ ભારતીય સૈનિકોને ભડાકે દઈ દીધા આ પ્રકારની હેડલાઈન્સથી મિડીયાએ દૂર રહેવું જોઈએ એવી ભાવના સમગ્ર દેશમાં હતી.”

“જુઓ આને જ તટસ્થતા કહેવાય. સરકાર તો ગમેતે દાવો કરે આપણે એનો વિરોધ જ કરવાનો એટલે બેલેન્સ જળવાય, અને…”

“…પણ આનો ફાયદો પાકિસ્તાની મિડીયાએ પણ લીધો કે જુઓ ભારતીય મિડિયાને જ સર્જીકલ સ્ટ્રાઈક પર શંકા છે.”

“તો ભારતીય મિડિયાનો પણ ફાયદો જ થયો ને? જેવું પાકિસ્તાની મિડિયાએ વિરોધ કર્યો એટલે અમે એમના ખખડધજ આર્મી ઓફિસરોને અમારા સ્ટુડિયોમાં બેસાડી દીધા આંતરરાષ્ટ્રીય મિડીયામાં ભારતીય મિડીયાની અને તેના એક લિબરલ હિસ્સાને તટસ્થ હોવાની નોંધ લેવામાં આવી અને પાકિસ્તાનમાં પણ અમારા TRP વધી ગયા.”

“હમમ.. અને પેલી ભડાકે દઈ દીધા વાળી હેડલાઈન વિષે? શું એ યોગ્ય હતી? આપણા જ સૈનિકો જ્યારે દેશની અંદર રહેલા આતંકવાદીઓ દ્વારા હણાય ત્યારે તેમને શહીદ કહીને સન્માન આપવું જોઈએને?”

“એની સામાન્ય પ્રજાને ખબર ન પડે. છાપાની headlines માં diction નું ધ્યાન રાખવું પડે અને તો જ એની વાચકના મન પર ધારી અસર પાડી શકાય. આ બધું અમને પત્રકારોને જ ખબર હોય.”

“તો પછી છાપું પત્રકારો માટે છપાય છે કે સામાન્ય માણસ માટે?”

“બસ આને જ ભક્તિ કહેવાય. તમે ભક્ત લોકોને આંધળી ભક્તિ સિવાય બીજું કશું આવડતું જ નથી, મારી પાસે બીજા પણ કામ છે. હજી મારે દેશ કેટલો કોમવાદી થઇ ગયો છે, ઠેરઠેર બળાત્કાર થઇ રહ્યા છે, દેશની લઘુમતી ભયમાં છે, આવા બધા સમાચારો લખવાના છે. ચાલો હું જાઉં, બાકી બોલ્યું ચાલ્યું માફ કરજો.”

તો છેવટે આ તટસ્થ પત્રકારે પોતાની તટસ્થતા દેખાડી દીધી અને અમને અંધભક્ત કહીજ દીધા માત્ર એટલા માટે કારણકે અમે તેમને કેટલાક અણગમતા સવાલો કર્યા.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here