“અખિલ ભારતીય પારકી પંચાત એસોશિયેશન”ની રચના વિષે તમે શું વિચારો છો?

0
388
Photo Courtesy: theodysseyonline.com

ગામ હોય, સીમ હોય, શહેર હોય કે મહાનગર હોય, આ બધી જગ્યાએ રહેણીકરણીમાં, લાઈફ સ્ટાઈલમાં કે જીવનધોરણમાં ફરક હોઈ શકે છે. પણ એક વાત છે જે આ બધામાં કોમન છે. અને જે છે પારકી પંચાત. એટલે કે બીજાના અંગત જીવનમાં શું ચાલી રહ્યું છે? કેમ ચાલી રહ્યું છે? એનું બેકગ્રાઉન્ડ, એનો ઈતિહાસ, ભૂગોળ અને ભવિષ્ય સુધીની નિરર્થક ચર્ચા કે જેનાથી એ ચર્ચાના નાયક કે નાયિકાને લેશમાત્ર લેવાદેવા હોતી નથી. મોટા ભાગના કિસ્સાઓમાં આ આખીય ચર્ચાને સત્ય સાથે પણ લેવા દેવા હોતી નથી.

ગુજરાત એવો પ્રદેશ છે જ્યાં લોકો બાજુવાળાની ગાડીની ચોઈસથી માંડીને અમેરિકાની ડીફેન્સ પોલીસી સુધીની ગોસિપ કરતા જોવા મળે છે. ખબર નથી કેમ પણ જાણે અજાણે લોકોનો પંચાતિયો સ્વભાવ ઉજાગર થઇ જતો હોય છે.

Photo Courtesy: theodysseyonline.com

ઘણી બધી જગ્યાઓએ જોયેલી અને/અથવા સાંભળેલી પંચાતો પરથી વિચાર આવ્યો કે જો માનનીય ગુજરાત સરકાર હાલની શિક્ષણ વ્યથામાં (સોરી, વ્યવસ્થામાં) “પારકી પંચાત” નામનો કોર્સ ઉમેરે, અને એનું એક સેપરેટ પેપર રાખવામાં આવે અને એમાં મળેલા માર્ક્સ પ્રમાણે “પારકી પંચાત કરવાની ક્ષમતા”નું સર્ટીફીકેટ આપવામાં આવે તો? તો થાય એવું કે પહેલા તો એ કોર્સ કરી શકવા માટેની ન્યુનતમ ઉંમર ૨૮ વર્ષથી લઈને ૭૮ વર્ષ રાખી શકાય, કારણ કે આ પચાસ વર્ષના ગાળામાં માણસની ઉંમર અને ગોસિપ કરવાની ક્ષમતા સમપ્રમાણમાં વધતી હોય છે. બાળકો આ કોર્સ ન કરી શકે કારણ કે તેઓ ઓલરેડી એટલા બધા કોર્સ કરી રહ્યા હોય છે કે જેની કોઈ હદ નથી.

સ્ત્રીઓને કોઈ પણ જાતના પ્રમાણપત્ર વગર આ કોર્સની સીટ્સમાં નિયમોની પેલેપાર જઈને 60% રીઝર્વેશન આપવામાં આવશે અને જે પુરુષો પાન કે માવા ખાતા હોય એમને 30% રીઝર્વેશન મળી શકશે. પણ માવા કે પાન ખાતા પુરુષોએ આ રીઝર્વેશનનો લાભ લેવા માટે સરકાર માન્ય પાનની દુકાનેથી એક સર્ટીફીકેટ ઈશ્યુ કરાવવાનું રહેશે જે પરીક્ષા સમયે સાથે લાવવાનું રહેશે. જો પાનવાળો તમારી ઉધારીના કારને તમને સર્ટીફીકેટ આપવાનો ઇનકાર કરે તો એના એ ડીસીઝનને કોઈ પણ કોર્ટમાં પડકારી શકાશે નહિ.

આ કસોટીના આધારે મળતા પ્રમાણપત્રના ઉપયોગ થકી તમને એવા લાભો મળશે જેની તમે કલ્પના પણ નહિ કરી હોય! જેમ કે, જો તમે તમારા તમારા જ રાજ્યમાં રેગ્યુલર ગોસિપ કરવાના સ્થળથી દુર કોઈ અન્ય શહેરમાં હોવ તો એ જે-તે શહેરના કોઈ પણ “પારકી પંચાત ઉદ્યોગ એકમ” પર જઈને આ પ્રમાણપત્ર બતાવવાથી કોઈ પણ જાતની આનાકાની વગર તમને ત્યાં ચાલતી પંચાતમાં ભાગ લેવાનો લ્હાવો મળશે. જે સ્ત્રી કે પુરુષ (કે જે પારકી પંચાત કરવામાં સ્ત્રીની લાક્ષણિકતાઓ ધરાવતો હોય) આ કોર્સની પરીક્ષામાં ટોપ કરે એને રાજ્યમાંથી દેશ લેવલે ચાલતી “પારકી પંચાત સંશોધન સંસ્થા”માં પ્રતિનિધિ તરીકે મોકલવામાં આવશે.

હવે આ “પારકી પંચાત સંશોધન સંસ્થા” એક એવું એકમ હશે જ્યાં “પારકી પંચાત” વિષય માટેનું રીસર્ચ અને ડેવલોપમેન્ટ થતું હશે. અહી “પારકી પંચાત”ના નવા નવા પ્રકારોની શોધ કરવામાં આવશે. જેમ કે,

1) ઈર્ષ્યા પ્રેરિત “પારકી પંચાત” : પારકી પંચાતનો આ એવો પ્રકાર છે જે આજુબાજુના ઘરોમાં નાની સાયકલથી માંડીને મોટી મર્સિડીઝ આવે ત્યારે આપોઆપ છલકી ઉઠે છે અને વગર લેવાદેવાએ પંચાતિયા લોકો શેર લોહી બાળી દેતા હોય છે. આ પ્રકારમાં જે ટોપર પોતાનામાં ઈર્ષ્યા ઉપજાવવા માટે આજુબાજુના ઘરોમાં લવાતી વસ્તુઓના લીસ્ટની યાદીમાં નામ ઉમેરવામાં સફળ રહેશે એને “પંચાત શ્રી”નો અવોર્ડ આપવામાં આવે એવી જોગવાઈ કેન્દ્ર સરકાર કરશે.

2) “હું આની જગ્યાએ હોત તો….” પ્રેરિત પારકી પંચાત : આ પ્રકાર એવા લોકોની સંપત્તિ ગણવામાં આવે છે જેઓ કાં તો ગયા જન્મમાં દુનિયાના સૌથી મહાન તત્વચિંતક બનવાની પ્રક્રિયામાં અધવચ્ચે જ યમરાજને ત્યાં જ્ઞાનીઓની શોર્ટેજના કારણે મૃત્યુને ભેટી ગયા હોય. આવ લોકો “જો હું બાજુવાળાની જગ્યાએ હોત તો આવી પત્ની ન લાવત” થી માંડીને “જો હું પુતિનની જગ્યાએ હોય તો..” સુધીની તમામ ગોસિપ પર એકહથ્થુ શાસન ધરાવતા હોય છે. આ પ્રકારમાં ઉપર્યુક્ત કોર્સમાં ટોપર બનેલા સ્ત્રી કે પુરુષને દુનિયાભરની વિવિધ પોસ્ટ પર જો પોતે હોત તો શું કરી શકત એની બડાઈઓ હાંકવાની સર્વોત્તમ ઉંચાઈના સંશોધન માટે “પંચાત ભૂષણ”નો એવોર્ડ આપવામાં આવે એની જોગવાઈ કેન્દ્ર સરકારે કરવાની રહેત.

3) કોઈ પણ જાતના કારણ વગરની પારકી પંચાત : આ પ્રકાર પોતાનામાં જ એક વિશિષ્ટ અને અજાયબ છે. આ પ્રકાર અંતર્ગત ઉપર્યુક્ત બંને યાદીમાં ન આવતા વિષયો વિષે સંશોધન કરવા માટે ટોપર્સને મેસોપોટેમીયામાં કે નાઇલ નદીને કાંઠે મોકલવાની જોગવાઈ કરવામાં આવશે. જ્યાં તેઓ માનવ જાત અને ગોસિપ વચ્ચેના વર્ષો જુની સભ્યતામાં કોઈ અવશેષો છે કે કેમ તેની તપાસ કરશે. અને જો તેઓ એવી કોઈ બાબત શોધવામાં સફળ થયા કે જેના વડે કોઈ પણ કારણ વગર પારકી પંચાત કરી શકાશે, તો માનનીય વડાપ્રધાન ખુદ પોતાના બીઝી શીડ્યુલમાંથી સમય કાઢીને એ મહાનુભાવને “પંચાત રત્ન” એવોર્ડ એનાયત કરશે.

“પંચાત રત્ન” એવોર્ડ વિજેતા વ્યક્તિ સમગ્ર ભારતના વિવિધ ગોસિપ કરવાના સ્થળોએ જઈ શકશે અને ત્યાં પંચાત કરતા લોકોને સાચી અને સુદ્રઢ પંચાત કેવી રીતે કરી શકાય એ વિષે જાણકારી અને ટીપ્સ આપશે.

“પારકી પંચાત”ના આ કોર્સની કસોટીમાં ફેઈલ થનાર વ્યક્તિ પર ફરીથી બીજી કસોટી આવે અને એમાં ઉત્તીર્ણ થાય ત્યાં સુધી ગોસિપ કરવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવશે. જો પ્રતિબંધ લાગ્યા બાદ તેઓ કોઈક જગ્યાએ ગોસિપ કરતા નજરે ચઢશે તો “અખિલ ભારતીય પારકી પંચાત એસોશિયેશન”ની કલમ ૨૦૩(અ) મુજબ એમને આગામી કોઈ પણ કોર્સની પરીક્ષામાં બેસવા દેવામાં નહિ આવે અને એમના પંચાતપણાના ઓથેન્ટીકેશનની જવાબદારી સરકારની રહેશે નહિ જેની એમની પંચાતમાં ભાગ લેનારા તમામ નાગરિકોએ નોંધ લેવાની રહેશે.

(આચમન : આ લેખમાં પ્રયોજેલા તમામ વિચારો લેખકના પોતાના છે. જો સરકાર આવું કોઈ મીનીસ્ટ્રીની સ્થાપના કરવાનું વિચારે તો પ્રમુખપદે ચૂંટાઈ આવવા માટે તત્પર હોય એવી લેખકની નજરમાં એકથી એક ચડિયાતી નોટો તૈયાર છે, જેમની માહિતી આપવામાં લેખકની કોઈ જાતની મોટાઈ કે અંગત સ્વાર્થ નહિ હોય જેની સરકારશ્રીને જાણ થાય)    

તમને ગમશે: સોશિયલ મીડિયાનો વધારે પડતો વપરાશ કિશોરો માટે હાનીકારક નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here