પ્રેમ એટલે એકવાર થાય અને પછી બેટરી વધારે ખાય. પ્રેમની સારી અને ડાહી વાતોનો આપણે ત્યાં ટ્રેન્ડ છે. દરેક પૂર્તિઓ, મેગેઝીન અને લેખોમાં પ્રેમની સમજણો સમજાવવામાં આવે છે. જયારે સોશિયલ મીડિયા પર પ્રેમના જોક્સ વાઈરલ છે. હકીકત બંનેની વચ્ચે જીવે છે. લેખકો લખે છે એટલો પ્રેમ સીરીયસ ‘બ્લેક’ પણ નથી અને જેટલો હસી કાઢીએ છીએ એટલો નાખી દીધા જેવો પણ નથી. જો કે પ્રેમના તબકકા હોય છે. એ તબક્કા પ્રમાણે આપણે પ્રેમની ગંભીરતાને માપી શકીએ. જો 1 થી 10ની સ્કેલમાં પ્રેમને માપીએ તો શરૂઆતના તબક્કામાં 10 હોઈ શકે અને પછી સાપ-સીડીની રમત.

પ્રેમ એ બંને પક્ષે અલગ-અલગ રીતે વ્યાખ્યાયિત થયેલું પદ છે. બંને પ્રેમીઓ માટે પ્રેમની વ્યાખ્યા અલગ હોય (એ પ્રેમની ગંભીરતા). એટલે બંને પક્ષ પોત-પોતાની વ્યાખ્યા પ્રમાણે પ્રેમ કરે, (એ પણ પ્રેમની ગંભીરતા) અને તેનું પરિણામ આવે એ પ્રેમની ઉપજના ફોરવડીયા જોક્સ. અને એ જોક્સ શરુ થાય એ પહેલા કુરુક્ષેત્રના દ્રશ્યો સર્જાઈ શકે. બસ, પછી આ રૂટીન બને. એટલે જ તો પ્રેમ એકવાર થાય અને પછી (આપણા મગજની) બેટરી વધારે ખાય.
એની વે, આ તો ખાલી વાતો થઇ પણ સાચું તો એ જ છે કે પ્રેમ વગરના જીવનમાં મજા નથી. શું કામ? કેમકે તેમાં એકબીજાની રાહ નથી, એકબીજાનો ખભો નથી, એકબીજાની યાદો કે વાતો નથી, એકબીજા સાથે ઝગડવાના કારણો નથી, જીવનરૂપી રોડ ક્રોસ કરવા કોઈ સહારો નથી અને સૌથી મોટી વાત આપણા જીવનમાં કઈ ખોટું થાય તો દોષનો ટોપલો ઓઢાડવા કોઈ વ્યક્તિ પણ નથી.
પણ એ જે હોય એ પ્રેમમાં પડવાની અને તેની યાદો વાગોળવી એ દરેક માટે મનભાવત છે. ક્યારેક તમે ઝગડો કરો છો તમારા પાર્ટનર સાથે તો કરી લો કોઈ વાંધો નથી, પણ પછી એ ઝગડાઓને જ એકબીજાના વાંકને વાગોળવાના બદલે તમે ક્યારેક એ પણ વાગોળી શકો કે પેલી વાર કઈ રીતે મળ્યા હતા, એ સમયે બંનેની પરીસ્થિતિ અને સાથે-સાથે બંનેના ઉથલપાથલ વિચારો. પ્રેમમાં પડ્યા બાદ તમે જે શહેરમાં રહો છો એ આખું શહેર તમને પ્રેમમાં લાગશે, તમને એ શહેર સાથે એ દરેક વસ્તુ સાથે લાગણી હશે જેની સાથે તમે એક વાર પણ જોડાયા હશો તમારા પ્રેમ કાળ દરમિયાન. પછી એ પહેલા-વહેલા દાળ પકવાન હોય, માંડ મળેલી પાર્કિંગની જગ્યા હોય, થિયેટરનો કોઈ ખૂણો હોય કે પછી ખાધેલો તડકો હોય.
પ્રેમની વ્યાખ્યા કોઈ રીતે ક્યારેય નક્કી ન કરી શકાય અને કરવું પણ શું કામ? પ્રેમના વિષય પર ખુબ લખાયું પણ આમ છતાં એમાંની એક પણ તમારી પ્રેમકથા નથી કેમકે એ તો માત્ર તમે જ રચી શકો ને! તો તમે પ્લીઝ કોઈમાંથી શીખતા નહિ કે પ્રેમ કેમ થાય અથવા તો કઈ રીતે વ્યક્ત કરી શકાય વગેરે… બસ તમે તમારા પ્રેમને વહેવા દો, ઉડવા દો, લડવા દો, રડવા દો બસ જીવવા દો.
eછાપું
તમને ગમશે: જો ખીચડી રાષ્ટ્રીય ખોરાક જાહેર થાય તો ?