ગરમીએ હવે એનો પગદંડો બરાબરનો જમાવી દીધો છે અને સાથે સાથે વેકેશનની સીઝન પણ આવી ગઈ છે એટલે ફેમીલી આઉટીંગ, ફ્રેન્ડસ નાઇટ-આઉટ વગેરે વગેરેનું પ્રમાણ પણ વધ્યું. પરિણામે બરફગોળા, શેરડીનો રસ, આઈસ્ક્રીમ વગેરેનું કન્ઝમ્પશન પણ વધ્યું.
સોશિયલ મીડિયામાં નજીકના ભૂતકાળમાં થયેલા ગાંઠીયા-ફાફડા અને હાલમાં થયેલા બરફગોળા વિવાદને પગલે આજે એક અલગ ચર્ચા અહી માંડીએ, એ છે આઈસ્ક્રીમના કન્ઝમ્પશનની.

થોડાક સમય પહેલા થયેલા એક સર્વે પ્રમાણે, ભારત એ આઈસ્ક્રીમના કન્ઝમ્પશનમાં દુનિયામાં ચોથું સ્થાન ધરાવે છે (અમેરિકા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા પછી). ભારતભરમાં થતા આઈસ્ક્રીમના કુલ વપરાશના 30% વપરાશ ગુજરાત અને દિલ્હીમાં થાય છે, અને એમાંનો 35% આઈસ્ક્રીમનો વપરાશ ખાલી અમદાવાદમાં થાય છે, જે ભારતના અર્બન કન્ઝમ્પ્શનમાં સૌથી વધુ છે!
અમદાવાદીઓની આ ઘેલછા પાછળનું કારણ એ છે કે અહી અલગ અલગ જાતના, અલગ અલગ કવોલીટીના, અવનવી ફ્લેવર્સનાં અનેક વિકલ્પ અવેલેબલ છે. અહી હજુ આજે પણ અસલ દેશી પદ્ધતિથી બનાવેલો સંચાનો આઈસ્ક્રીમ પણ એટલા જ પ્રેમથી ખવાય છે જેટલા પ્રેમથી જીલેટો કે ફ્રોઝન ડેઝર્ટ ખવાય છે. અહી વેનીલા, બી.પી.કે. અને કાજુદ્રાક્ષ જેવી જાણીતી ફ્લેવર જેટલો જ ઉપાડ હેવમોરના ગુલાબજાંબુ કે શંકર્સના ચીઝકેક આઈસ્ક્રીમનો છે. તાઈવાનમાં હજી હમણાં ચીલી ફલેવરનો આઈસ્ક્રીમ આવ્યો છે, જ્યારે અમદાવાદમાં આદુ-મરચાનો લગભગ બે-અઢી દાયકાથી મળે છે. હમણાં હમણાં નાઈટ્રોજન આઈસ્ક્રીમની જેમજ તવા આઈસ્ક્રીમ પણ અહી એટલા જ પ્રખ્યાત થાય છે અને કુલ્ફી તો હંમેશાથી લોકપ્રિય રહી છે.
વાડીલાલ અને હેવમોર જેવી અમદાવાદમાં નાના પાયે શરૂ થયેલી આઈસ્ક્રીમ બ્રાન્ડ્સ આજે મલ્ટી-મિલિયન બ્રાન્ડ્સ બની ગઈ છે. તો એની સામે પટેલ કે જયસિંહ કે પછી ઘરગથ્થું શરૂ થયેલી આઈસ્ક્રીમ બ્રાન્ડ ક્વોલિટી કે જે દેરાણી-જેઠાણીના નામે જાણીતી છે (જેની શરૂઆત પાછળની વાર્તા પણ તેમના આઈસ્ક્રીમ જેટલી જ દિલચસ્પ છે, પણ તે ક્યારેક ફરી) તે પણ એટલી જ લોકપ્રિય છે અને અન્ય રાજ્યમાંથી આવતા પોતાના મહેમાનોને અહી આઈસ્ક્રીમ ખવડાવવાનું એક એવરેજ અમદાવાદી ચૂકતો નથી.
તો આ ઉનાળામાં let’s celebrate this ultimate craze of city! ચીઝ અને મેયોનીઝ તો આવે-જાય, આઈસ્ક્રીમ હંમેશા આ શહેરની પહેલી પસંદ રહેશે!
પોમોગ્રેનેટ નો-ચર્ન આઈસ્ક્રીમ
સામગ્રી:
3 દાડમ
1 લીંબુનો રસ
1 ½ કપ આઇસિંગ સુગર
2 કપ હેવી ક્રીમ
રીત:
- બે દાડમનો રસ કાઢી, તેમાં લીંબુનો રસ ભેળવી, તેને બરાબર ગાળી લો.
- તેમાં આઇસિંગ સુગર ઉમેરી તે ઓગળે ત્યાંસુધી બરાબર ભેળવો.
- બીજા એક બાઉલમાં હેવી ક્રીમ લઇ, તેને સોફ્ટ પીક થાય ત્યાંસુધી ફેંટી લો.
- તેમાં દાડમ-લીંબુનો રસનું મિશ્રણ, આછા ગુલાબી રંગ પકડાય ત્યાંસુધી, ધીરે ધીરે ઉમેરો.
- મિશ્રણને એક એર-ટાઈટ કન્ટેનરમાં ભરી લગભગ 4 કલાક માટે ફ્રીજમાં સેટ થવા દો.
- સર્વ કરતા પહેલા દાડમના દાણાથી સજાવીને પીરસો.
ડેઅરી-ફ્રી મેંગો આઈસ્ક્રીમ
સામગ્રી:
1 કપ કેરીના ટુકડા, ફ્રોઝન
2 કેળા, છોલી ને ફ્રીઝ કરેલા
સજાવટ માટે ડાર્ક ચોકલેટ
રીત:
- કેળા અને કેરીના ટુકડાને બ્લેન્ડરમાં એકરસ થાય ત્યાંસુધી ફેરવી દો.
- ડાર્ક ચોકલેટ થી સજાવી, તરત જ પીરસો
મેંગો પરફે
સામગ્રી:
1 કપ વેનીલા આઈસ્ક્રીમ, ફેંટીને સ્મૂધ કરેલો
2 ટેસ્પૂન બદામનો ભૂકો
1 કેરી, પ્યુરી કરેલી
થોડા ડ્રાયફ્રૂટ, બારીક કાપેલા
રીત:
- કાચના એક ગ્લાસમાં નીચે આઇસક્રીમ ભરો, લગભગ ૨-૩ ટેસ્પૂન જેટલો
- તેના પર લગભગ અડધા જેટલી કેરીની પ્યુરી ભરો.
- તેના પર ડ્રાયફ્રુટ ગોઠવો.
- ફરીથી આ જ પ્રમાણે લેયર બનાવો.
- લગભગ 1 કલાક માટે ઠંડુ કરી, સર્વ કરો.
eછાપું
તમને ગમશે: સ્ત્રીઓના એ 15 લક્ષણ જેનાથી પુરુષો આકર્ષિત થાય છે