એક પોદળા વિષે ઉપમા અલંકારમાં નિબંધ

0
34
Photo Courtesy: npr.org

પોદળા વિષે નિબંધ? વેલ, જો મનુષ્યજીવન સાથે જોડાયેલી બાકીની અન્ય બાબતો અંગે નિબંધો લખી શકાતા હોય તો પોદળા પર નિબંધ કેમ નહીં? અમારા યશવંતભાઈનો આ નિબંધ તમને જરૂર ગમશે.

– ટીમ eછાપું

Photo Courtesy: npr.org

ગુરુદેવે વર્ગમાં પ્રવેશ કર્યો ત્યારે શિષ્યોએ ઊભા થઈને ‘નમસ્તે ગુરુદેવ’ કહ્યું. ગુરુદેવે સર્વેને સ્થાન ગ્રહણ કરવા આદેશ આપ્યો.

ગુરુદેવ બોલ્યા: ‘વહાલા શિષ્યો, મેં તમને ઉપમા અલંકાર વિષે સમજ આપી છે. આજે ઉપમા અલંકારના સહારે હું એક વાર્તાની શરૂઆત કરું છું. તમારે આ વાર્તા વારાફરતી આગળ વધારવાની છે. તમારે ધ્યાન એટલું રાખવાનું છે કે, વાર્તા આગળ વધારતી વખતે ઉપમા અલંકારનો પ્રયોગ થતો રહેવો જોઈએ. ધ્યાન રહેશેને?’

‘રહેશે. જરૂર રહેશે.’ શિષ્યોએ ઉત્તર આપ્યો.

ગુરુદેવે વાર્તા શરૂ કરી. ‘તેજાબી ઘરાનાના એક લેખકનું મસ્તક, આક્રોશના ભરાવો થવાથી એવું તો ફૂલી ગયું કે, જેવું કોઈ શેઠિયાનું પેટ વાયુનો ભરાવો થવાથી ફૂલી જાય. આક્રોશમુક્ત થવાના આશયથી લેખકે એક લેખ લખી કાઢ્યો અને એ લેખ સાહિત્યના ચોકમાં જઈને મૂક્યો. પરિણામે, ભેંસ પોદળો મૂકે ને થાય એવો ‘ભફ’ અવાજ થયો. હવે તમે બધાં આ વાર્તા ઉપમા અલંકારની સહાયથી આગળ વધારો. ’

શિષ્યોએ હોંશે હોંશે આ વાર્તા આગળ વધારી.

તમને ગમશે: મને ચિકનગુનિયા થયો……

શિષ્ય [૧] : ‘ભેંસના પોદળાનો ‘ભફ’ અવાજ સાંભળીને ટીવીની ન્યૂઝચેનલો જેવા કાગડાઓએ કા..કા..કા..કા કરી મૂક્યું.’

શિષ્ય [૨] : ‘કાગડાઓનો કાકારવ સાંભળીને, દેશના ઊંઘતા વહીવટીતંત્ર જેવો શ્વાનસમુદાય સફાળો ઊભો થઈ ગયો અને કશું અજુગતું બન્યું હોવાની સંભાવના સાથે કાન ટટ્ટાર કરીને થ્રીજી અને ફોરજી ના સંદેશાઓ ઝીલવા લાગ્યો અને પોદળા તરફ શંકાસ્પદ દૃષ્ટિએ જોઈને હવામાન ખાતાની આગાહી જેવા સૂર ઉચ્ચારવા લાગ્યો.’

શિષ્ય [૩] : ‘વિદેશની સફરે નીકળેલા પ્રધાન જેવી એક બિલાડીએ શ્વાનસસમુદાયનો અવાજ સાંભળીને ‘મ્યાઉ મ્યાઉં’નાં દબાતા અવાજ સાથે પોતાનો પ્રવાસ ટુંકાવીને એક ઘરના ઓરડા તરફ દોટ મૂકી.’

શિષ્ય [૪] : ‘બિલાડીનો અવાજ સાંભળીને, દેશને કોતરી રહેલા ભ્રષ્ટાચારીઓ જેવા ઊંદરડાઓએ પોતપોતાનાં દર તરફ દોટ મૂકી.’

શિષ્ય [૫] ‘એક ઊંદરડાની દરની બહાર રહી ગયેલી, તપાસ સમિતિના રિપોર્ટ જેવી લાંબી પૂંછડી જોઈને, સત્તાપ્રાપ્તિ માટે કોઈ નેતા જેવી દોટ મૂકે, એવી દોટ બિલાડીએ મૂકી. પરંતુ, ચપળ બેટ્સમેન જેવો એ ઊંદરડો સલામત રીતે દરમાં પ્રવેશી ગયો. નિરાશ થયેલી બિલાડી એક ખૂણામાં બેસીને, ચૂંટણીની રાહ જોતા વિરોધપક્ષના નેતાની જેમ, ઊંદરડો ફરીથી દરની બહાર આવે એ પ્રસંગની પ્રતિક્ષા કરવા લાગી.’

શિષ્ય [૬] : ‘એ દરમ્યાન ભેંસના પોદળા પાસેથી પસાર થઈ રહેલા, મુક્ત બજારનો ભોગ બનવા જઈ રહેલા ગ્રાહક જેવા બકરાં સમુદાયે યથાશક્તિ લીંડીવિસર્જન કર્યું.’

‘બસ કરો. બસ કરો.’ ગુરુદેવ બોલ્યા: ‘નરેન્દ્ર મોદીએ ગલૂડીયાનું ઉદાહરણ આપ્યું ને દેશના સમાચાર માધ્યમો ગલૂડીયા પર તૂટી પડ્યાં એમ તમે ભેંસ અને પોદળા પર તૂટી પડ્યા છો અને કેટકેટલાં પ્રાણીઓને વચ્ચે લાવી રહ્યા છો. તમે એક શબ્દ પકડીને વિવાદ કરવા નીકળી પડેલા સમાચાર માધ્યમો જેવા છો. અરે મૂળ વાત, એક લેખક અને એના લેખની છે. ભેંસ અને પોદળાની નથી. ભેંસ અને એનો પોદળો તો માત્ર ઉપમા છે. લેખક અને લેખની તો કોઈ વાત કરો. આવો દોષ સમાચાર માધ્યમોમાં ચાલે, પરંતુ વાર્તામાં ન ચાલે.’

સહુથી ચતુર એવો શિષ્ય [૭] બોલ્યો: ‘લેખકની આક્રોશમુક્તિના કારણે સાહિત્યિક વાતાવરણ, કોઈ શેરીમાં કજિયો થવાથી ઉત્પન થતાં વાતાવરણ જેવું થઈ ગયું. દેશમાં કોઈ સ્થાને દુર્ઘટના થયા પછી એ સ્થાનની મુલાકાત લેવા આવેલા ગૃહપ્રધાન જેવા એક વિવેચક, એ લેખની મુલાકાતે આવી પહોંચ્યા. એમણે લેખકના લેખનું સૂક્ષ્મ વિવેચન કર્યું અને અંતે લેખકની સર્જકતાનો બચાવ કર્યો.’

‘સુંદર! અતિસુંદર!’ ગુરુદેવ બોલ્યા: ‘હે શિષ્યો, તમે ઉતાવળા છો છતાં ઉત્સાહથી ભર્યા ભર્યા છો. તમારી તર્કશક્તિ અને દલીલશક્તિ દિવસે ને દિવસે વધતી જાય છે. કોઈ પણ ઘટનાને વિસ્તૃત કરવામાં તમે કુશળ થઈ ગયા છો. આ વિશ્વમાં કોઈ એવું છે કે જે તમને મારાથી પણ વધારે શીખવાડી રહ્યું છે. મને જવાવશો કે, એ કોણ છે?’

જવાબમાં શિષ્યો એક જ સૂરમાં બોલવા લાગ્યાં: ‘ફેસબુક… ફેસબુક… ફેસબુક… ફેસબુક…’

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here