ભારત એટલે બળાત્કારીઓનો દેશ જ્યાં દર ચાર રસ્તે બળાત્કાર થાય છે

0
532
Photo Courtesy: vectorstock.com

જો તમે ગયે અઠવાડિયે ફેસબુક પર ‘hit’ ગયેલી એક પોસ્ટમાં જણાવેલી બાબતને ગંભીરતાથી માની લેશો તો આ આર્ટીકલના ટાઈટલ સાથે તમે સહમત થઇ જશો કે ભારત બળાત્કારીઓથી ઠાંસોઠાંસ ભરેલો દેશ છે જ્યાં દર સેકન્ડે દર ચાર રસ્તે બળાત્કાર થતા હોય છે. કદાચ તમને લિબરલ વિચારધારા ધરાવતા નિવાસી અને બિનનિવાસી ભારતીયોનું કાળજું કંપાવી નાખતી એ તસ્વીર વિષે જ્ઞાન ન હોય એવું બને તો એમાં તમારો જરાય વાંક નથી.

Photo Courtesy: vectorstock.com

આ એક એવી તસ્વીર હતી જેને શેર કરતા શું તેની તરફ નજર માંડતા પણ કોઇપણ ભારતપ્રેમી વ્યક્તિ ખંચકાય પરંતુ આપણા દેશ પ્રત્યેના પોતાના અંગત, રાજકીય, વ્યક્તિગત કે અન્ય ગમાઅણગમાને પ્રોત્સાહન મળતું હોવાથી દેશની છબીને કોરાણે મૂકીને તેને ફેસબુક પર તો ખૂબ શેર કરવામાં આવી. જો તમે એ તસ્વીર નથી જોઈએ તો તમને ટૂંકમાં એ વિષે જણાવીએ.

કોઈ આર્ટિસ્ટે તૈયાર કરેલા એ ચિત્રમાં એક સ્ત્રીના યોનીપ્રદેશને ભારતના નકશામાં પરિવર્તિત કરવામાં આવ્યો હતો અને સમગ્ર તસ્વીર લાલ રંગે રંગી નાખવામાં આવી હતી જાણેકે એ યોનીમાંથી બળાત્કારને લીધે અસ્ખલિત રક્તસ્ત્રાવ થઇ રહ્યો છે. નીચે બે લીટીઓ પણ લખીને મુકવામાં આવી હતી જે કોઇપણ રાષ્ટ્રપ્રેમી ભારતીયના હ્રદયમાં ભારતના નકશાનું અપમાન થયેલું જોઇને ઓલરેડી પડી ચુકેલા ઉંડા ઘા પર ટનબંધ મીઠું મરચું ભભરાવવા જેવું હતું. આમાંથી પહેલી લાઈન હતી… “This country bleeds in its rape culture” અને બીજી લીટી હતી… “AS IF A NYONE CARES”.

ભારતના ધ્વજ કે નકશા અંગે સામાન્ય ભારતીય કેટલો સંવેદનશીલ છે તેની આપણને બધાને ખબર છે. કોઈ નકશામાં પાકિસ્તાનના કબ્જામાં રહેલા કાશ્મીરને અથવાતો અરુણાચલ પ્રદેશને જો ભારતનો હિસ્સો ન ગણવામાં આવે તો આમ ભારતીય નાગરીકનો પારો આસમાને જતો રહેતો હોય છે. જ્યારે અહીં તો ભારતના નકશાને સ્ત્રીનો અસ્ખલિત રક્તસ્ત્રાવ કરતી યોનીપ્રદેશ તરીકે દર્શાવવામાં આવ્યો અને એ પણ સમગ્ર દેશને બળાત્કારીઓ નો દેશ જણાવીને. હવે આવી તસ્વીર જોઇને, દેશનું અપમાન થતું જોઇને જો સામાન્ય ભારતીયનો ગુસ્સો આસમાને ન જાય તો જ નવાઈ.

પણ, આપણે ત્યાં મુક્ત વિચારધારાને નામે બધુંજ ચાલે છે. જો ‘ભારત તેરે ટુકડે હોંગે’ જેવા પ્રખર દેશવિરોધી સૂત્રને પણ આ મુક્ત વિચારધારાનો હિસ્સો ગણી લેવામાં આવતો હોય તો તેની સરખામણીમાં  ઉપરોક્ત તસ્વીરમાં કરવામાં આવેલું ભારતનું અપમાન તો સહ્ય ગણી શકાય.

“This country bleeds in its rape culture” – આ વાક્યનો સીધોસાદો અનુવાદ એમ જ થઇ શકે કે આ દેશ (એટલેકે ભારત) બળાત્કારની સંસ્કૃતિમાં લોહીલુહાણ થઇ ગયો છે. Is it so? ગયા શનિવારે આ જ કોલમમાં આપણે ચર્ચા કરી હતી કે દેશના સરેરાશ પુરુષની છબી બળાત્કારી બનાવવાની જાણેકે મુહિમ ચાલી રહી હોય એવું લાગે છે. ઉપરોક્ત લીટી જાણેકે એ જ મુહિમનો હિસ્સો હોય એવું લાગી રહ્યું છે. તમે લિબરલ વિચારધારા ધરાવતા હોય તો પણ ઉપરવાળાએ આપેલી અક્કલ વાપરીને જરા બે સેકન્ડ તો વિચાર કરો કે કોઇપણ દેશમાં કોઇપણ પ્રકારની સંસ્કૃતિ ચાલતી હોય તો એનો મતલબ શો હોઈ શકે?

ઉદાહરણ તરીકે આપણે ઓસ્ટ્રેલિયામાં સ્પોર્ટ્સ સંસ્કૃતિ ચાલે છે એવું કહીએ તો મોટાભાગના ઓસ્ટ્રેલિયનો માત્ર ટીવી પરના ખેલપ્રેમી ન રહેતા દરેક પ્રકારની રમત ખુદ રમે અને બાળકોને પણ શીખવાડે અને પ્રોત્સાહન આપે એવો મતલબ કાઢી શકાય. અહીં દરેક સ્કૂલો, કોલેજો અને ઇવન કાર્યસ્થળોએ રમત રમવાની અને શિખવાની ખાસ વ્યવસ્થા હોય છે. આ જ સંસ્કૃતિને કારણે ઓસ્ટ્રેલિયાએ ક્રિકેટ ઉપરાંત, ફૂટબોલ, ટેનિસ અને રગ્બીમાં પણ સારુંએવું કાઠું કાઢ્યું છે અને હાલમાં જ પૂર્ણ થયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ઓસ્ટ્રેલિયા પદક તાલિકામાં પ્રથમ સ્થાને રહ્યું હતું. ટૂંકમાં ઓસ્ટ્રેલિયામાં જો સ્પોર્ટ્સ સંસ્કૃતિ ચાલે છે તો ત્યાં ઘેરેઘેર સ્પોર્ટ્સ અંગે કોઈને કોઈ પ્રવૃત્તિ ચાલતી હશે એવું માની લઇ શકાય.

હવે back to rape culture of India. જો ઓસ્ટ્રેલિયાના સ્પોર્ટ્સ કલ્ચરની વ્યાખ્યાનો શબ્દેશબ્દને ભારતની કહેવાતી બળાત્કારી સંસ્કૃતિમાં પરિવર્તિત કરવામાં આવે તો કદાચ ભારતમાં દરેક નગર, ગ્રામ, તેના દરેક ચાર રસ્તા, દરેક ભાગોળ અને દરેક આવાસમાં બળાત્કાર જ બળાત્કાર થાય છે. ભારતની સ્કુલોમાં અને કોલેજોમાં બળાત્કાર કેવી રીતે કરાય એનો દર અઠવાડિયે એક પીરીયડ ચલાવવામાં આવતો હશે. ભારતની ઓફિસોમાં દર મહીને શ્રેષ્ઠ બળાત્કારીને મેનેજમેન્ટ દ્વારા પુરસ્કાર આપવામાં આવતો હશે, દરેક ભારતીય પોતાના બાળકને બળાત્કાર કેવી રીતે થાય તેની પોતાના ઘરમાં જ તાલીમ આપતો હશે અને તેને સતત બળાત્કાર કરવા માટે પ્રોત્સાહિત કરતો હશે એવો મતલબ આસાનીથી કાઢી શકાય.

જ્યારે દેશમાં કોઇપણ માનવસર્જિત દુર્ઘટના બને ત્યારે આપણે લાગણીશીલ બની જઈને અત્યંત extreme પ્રતિભાવ આપી દેતા હોઈએ છીએ. જેમકે કોઈ ભયંકર રેલ દુર્ઘટના બને તો રેલ મંત્રીના રાજીનામાંથી માંડીને રેલ દ્વારા મુસાફરી જ બંધ કરી દેવા જેવી પ્રતિક્રિયા આવે, કે પછી આતંકવાદીઓ આપણા સૈનિકોના કેમ્પ પર હુમલો કરે ત્યારે પાકિસ્તાનને ચોવીસ કલાકમાં જ  સબક શીખવાડી દેવાની કે પછી સરકારની નાકામી પર આપણે ઘણું બધું બોલી નાખતા હોઈએ છીએ. આ પ્રકારનું reaction આપણે આપીએ એ કુદરતી છે અને  સ્વાભાવિક પણ છે, પણ તેનાથી આપણે આપણા સમાજ, આપણા રાજ્ય કે આપણા દેશનું અપમાન નથી કરતા.

જ્યારે અહીં તો સમગ્ર દેશમાં બળાત્કારી સંસ્કૃતિ વિદ્યમાન હોવાની વાત એટલી સરળતાથી કહી દેવામાં આવી જાણેકે આખો દેશ rapists થી ખદબદતો હોય. અને હા બીજી લીટી “AS IF A NYONE CARES”!! કેમ ભાઈ? દેશની માસુમ બાળકીઓ કે પછી મહિલાઓ પર નરાધમો અત્યાચાર કરે છે ત્યારે તેનો આક્રોશ છાપાઓમાં, મિડીયામાં અને છેલ્લા ઘણા વર્ષોથી સોશિયલ મિડીયામાં તમને દેખાઈ નથી આવ્યો કે પછી તમારી એ તસ્વીર hit જાય એટલે જાણીજોઈને એ આક્રોશ સામે જોવામાં નથી આવ્યું કે પછી તમારા પડેલા ધ્યાનને તમે છુપાવી દીધો છે? શું નિર્ભયાની ઘટના બાદ દેશભરમાં ઉઠેલો વિરોધ તમે ભૂલી ગયા?

એ વાત અલગ છે કે નિર્ભયાની ઘટના બાદ જે રીતે સરકારોએ બળાત્કારીઓને સબક મળે એવો કાયદો ઘડીને તેનું અમલીકરણ કરવું જોઈતું હતું તે ન થઇ શક્યું, પણ નેતાઓને લીધે સમગ્ર ભારતીય સમાજ પોતાની સંવેદના ગુમાવી ચૂક્યો છે એવું તમે કેવી રીતે નક્કી કરી શકો? આસિફા પર થયેલા જઘન્ય બળાત્કાર પર લગભગ દરેક ભારતીયે પોતાનો રોષ સોશિયલ મિડિયા પર કે પછી કેન્ડલ માર્ચ કરીને દર્શાવ્યો જ હતો તો શું આ ‘CARE’ની વ્યાખ્યામાં નથી આવતું? કદાચ ના કારણકે એ ચિત્ર બનાવનાર કલાકારને ‘ASIFA’ શબ્દનો માત્ર કલાત્મક ઉપયોગ જ કરી લઈને વાહવાહી મેળવવી હતી.

જ્યારે આ પ્રકારના ચિત્રનો યોગ્ય રીતે જ વિરોધ થયો ત્યારે દેશનું અપમાન થતું ન જોઈ શકનારાઓની મુક્ત વિચારધારા ધરાવનારાઓ દ્વારા મશ્કરી પણ ઉડાડવામાં આવી. જો કે આમ કરવું એ લિબરલ હોવાની પ્રથમ નિશાની છે. ખબર નહીં પણ કેમ લિબરલ વિચારધારા ધરાવતી વ્યક્તિના priority list માં દેશ કાયમ છેલ્લે જ આવે છે અથવાતો સાવ નથી આવતો પણ હા જ્યારે એ બાબતે એમનું ધ્યાન દોરવામાં આવે ત્યારે તે કોઇપણ રાષ્ટ્રપ્રેમી કરતા પોતે દેશને કેટલો વધારે પ્રેમ કરે છે એની અટપટી દલીલો કરવા બેસી જાય છે.

એક તો દેશના નકશા સાથે તમે છેડછાડ કરો, સમગ્ર દેશને બળાત્કારી સંસ્કૃતિમાં લિપ્ત હોવાનું જાહેર કરો અને પાછું દેશને આવા ભાવનાશીલ મુદ્દા અંગે પડી નથી એવું પણ પરાણે થોપી દો અને પછી તેનો યોગ્ય વિરોધ કરવામાં આવે ત્યારે વિરોધીઓને અક્કલ વગરના કે પછી ‘કટ્ટર રાષ્ટ્રવાદી’નો ટોણો મારી તેના IQ પર મજાક ઉડાડો? આ મુક્ત વિચારધારા હોય તો તે one way traffic જેવી વિચારધારા છે જ્યાં વિરોધી મતને કોઈજ સ્થાન નથી અને આશ્ચર્ય એ વાતનું થાય છે કે તેની વકીલાત પણ પાછી તમે જ લોકો કરતા હોવ છો.

અલબત્ત સ્ત્રી સન્માન વિષે દેશમાં રહેલા દુકાળની તમે ટીકા કરી શકો, દેશને પ્રેમ કરનાર આમ નાગરિક પણ આ ટીકા કરી જ રહ્યો છે, પરંતુ સમગ્ર દેશને એક રંગે રંગી નાખવો અને પછી તેની મજાક પણ ઉડાડવી એ યોગ્ય નથી અને તેનો વિરોધ થશે જ. દુઃખની વાત એ છે કે કેટલાક બિનનિવાસી ભારતીયો જેમને પોતાના ભારત છોડી ગયા બાદ જ દેશની તમામ બદીઓ દેખાવા લાગી છે અને તેનું વર્ણન કરીને તેમને આનંદ પણ આવે છે, તેમની ધૂનમાં તેમને વહાલા થવા જતા કેટલાક ભારતીય નાગરિકો પણ સામેલ છે જે દેશની છબી ધુમિલ કરવામાં busy થઇ ગયા છે. જો કે આ હકીકત નવી નથી અને ક્યારેય જૂની થશે પણ નહીં.

જેમના હ્રદયમાં ભારતને આગળ લઇ જવાની ઈચ્છા છે અને દેશ માટે કશુંક કરી છૂટવાની તમન્ના છે અને દેશની માતાઓ, બહેનો અને બાળકીઓનું સન્માન જાળવી રાખવાની અદમ્ય ઈચ્છા છે, એ પોતાના ઘરમાં રહેલા કુમારો એટલેકે છોકરાઓને એ અંગે જાગૃત કરે તે આજના સમયમાં સર્વથા યથાર્થ રહેશે. દેશમાં છેલ્લા ઘણા સમયથી બળાત્કારની ઘટનાઓ વધી છે એ હકીકતથી કોઈજ ઇન્કાર ન થઇ શકે. આપણે જાતે આ પ્રકારની ઘટનાઓ અત્યારે જો રોકી ન શકતા હોય તો આવનારી પેઢીમાં આ બદી ન ફેલાય તેની કોશિશો આપણે અત્યારેજ કરવી જોઈએ. માટે જ ઘરના કુમારોને સ્ત્રી સન્માન શીખવાડો, સ્ત્રીની સાથે તંદુરસ્ત દોસ્તી કરતા પણ શીખવાડો. જે દિવસે ભારતના પુરુષ અને સ્ત્રી વચ્ચે દોસ્તીની ભાવના રંગ લાવશે તે દિવસે ભારતમાં બળાત્કારની સંખ્યા પર આપોઆપ કાબુ આવી જશે.

આમ થતા સમય લાગશે, પણ એ સિવાય આપણી પાસે અન્ય કોઈજ રસ્તો નથી આથી હકારાત્મક બનીને આપણે આપણા બાળકોને યોગ્ય શિક્ષણ આપીએ એ જ યોગ્ય રહેશે.

આચારસંહિતા

લિબરલ: “બાળકીઓ પર બળાત્કાર? ના ચાલે! બળાત્કારીઓ બળાત્કાર કરતા ધ્રુજી ઉઠે એવો કડક કાયદો હોવો જોઈએ.”

સરકાર: “બાર વર્ષની નીચેની બાળકીઓના બળાત્કારીઓને હવેથી મૃત્યુદંડની સજા થશે.”

લિબરલ: “આ જરા વધુ પડતું છે, દરેકને જીવવાનો અધિકાર છે.”

૨૭.૦૪.૨૦૧૮, શુક્રવાર

અમદાવાદ

eછાપું

તમને ગમશે: ચાલો Emirates ના માત્ર ફર્સ્ટ ક્લાસ કેબિન ધરાવતા એરક્રાફ્ટની સફરે

                    રણોત્સવ – કચ્છ નહીં દેખા તો કુછ્છ નહીં દેખા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here