વાલીઓ માટે ચેન્નાઈની સ્કૂલનું ‘હોલીડે હોમવર્ક’ – અબ આયા ઊંટ પહાડ કે નીચે!

0
500
Photo Courtesy: newshunt.com

માતાપિતાને પણ બાળકોના વેકેશનમાં હોમવર્ક આપવાવાળી ચેન્નાઈની શાળા વિષે વધુ જાણીએ તે પહેલા આપણે આ પાછળની થોડી પૃષ્ઠભૂમિ જાણી લઈએ?

‘એલન સેન્ડસ્ટર’ નામની નોર્વેમાં એક યુવાન પ્રોફેસર માતા છે જેણે 2011માં એક રિસર્ચ પેપર લખેલું. એમના મત મુજબ કુદરતે માનવ ઘડતરનાં ભાગરૂપે મૂકેલા જોખમોની આદત આપણા બાળકોને બચપણથી પાડવી જોઈએ – ઊંચાઈનો ડર (મોટા થયા પછી આ ડર કાયમી બની જાય છે), છરી-પક્ક્ડ-કાતર-હથોડી જેવા ટૂલ્સનો ઉપયોગ, આગ કે પાણીનો સામનો (એટલે સ્વિમિંગ ઇઝ મસ્ટ અને આગ બુઝાવતા આવડવી જોઈએ), રફ એન્ડ ટફ આક્રમકતા (બોક્સિંગ, કુસ્તી કે કરાટે), સ્પીડનો ડર (વાહન ચલાવવામાં મોટા થઈને અવરોધ ન બને) અને પોતાની જાતે નિર્ણયો લેવાનો ડર! આ બધા જ જોખમો કે ડર આપણને ખબર છે પણ લગભગ બાળકોને આ ડરનો સામનો કરતા આવડતું નથી. ચંદ્રકાંત બક્ષી કહેતા એમ ગુજરાતી મા-બાપ પોતાના બાળકની 80% જિંદગી જીવી આપે છે. એટલે ‘એ નહીં કરવાનું’, ‘ભપ્પ થઈ જવાય’, ‘વાગી જાય’, ‘એ ના ખવાય, પેલું ના પીવાય’ – આવા વાક્યોથી આપણે બાળકને ટોક્યા કરતાં હોય છે. વેકેશનમાં તો આવું ખાસ જોવા મળે છે.

Photo Courtesy: newshunt.com

વેકેશનની વ્યાખ્યા સમજવા જેવી છે: વેકેશન એટલે પરીક્ષાના પંજામાંથી છૂટેલા બાળકોની મજા તરફની ગતિ. વેકેશન એટલે મામાના ઘરે જવાની મસ્તી. વેકેશન એટલે ભણતરને ભૂલીને રમતનો રાજીપો. વેકેશન એટલે મન ફાવે તેમ ઊંઘવું-ખાવું-નહાવું-રમવું-મ્હાલવું. આપણી શાળાઓમાં ઉનાળાની રજા, ફક્ત મજા નહીં પણ વિદ્યાર્થીઓ માટે હોમવર્કની સજા લઈને આવે છે. આ હોમવર્ક લગભગ સ્ટાન્ડર્ડ શૈક્ષણિક અભ્યાસક્રમ સુધી જ મર્યાદિત હોય છે. (મને યાદ છે કે વેકેશનમાં અમને રોજ ૧૧ થી ૩૦ ના ઘડિયા (આંક) લખવાનું હોમવર્ક અપાતું). ચાલો લિસ્ટ બનાવીયેઃ એવી કોઈ પણ પ્રવૃત્તિઓ યાદ છે કે જે આપણને સ્કૂલમાંથી હોમવર્ક તરીકે આપવામાં આવી હોય (સમર કેમ્પની વાત અલગ છે!) અને આપણા જીવનમાં એ પ્રવૃત્તિની કોઈ અસર કે મોટે પાયે ઉપયોગ થયો હોય? પાયથાગોરસનો પ્રમેય કે મેન્ડેલીફનો કોઠો જાહેરજીવનમાં વપરાતો નથી. કદાચ થોડાક ઉદાહરણો સિવાય, વી આર શ્યોર કે આપણી ઔપચારિક શિક્ષણ વ્યવસ્થાની સ્થાપનાથી આજ સુધી કોઈ કેસ સામે આવ્યો નહીં હોય. વેકેશન હોય ત્યારે બાળકને ભણતર સિવાયની કોઈ બીજી પ્રવૃત્તિમાં સામેલ કરવા, બાળકની ઈચ્છાશક્તિ, યાદશક્તિ, અભિરુચિના વિકાસ(!) માટે મોંઘીદાટ ફી ભરીને ‘સમર-કેમ્પ’ માં મોકલવામાં આવે છે, પણ દુનિયામાં ચારે-તરફ બનતી રોજબરોજની ઘટનાઓ, નવા નવા સંશોધનો, સામાન્ય જ્ઞાન અને અવનવાં નૂસખાઓને આપણે કાં તો નજરઅંદાઝ કરીયે છીએ કાં તો ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લઈ લઈએ છીએ.

જો કે, આ વેકેશનમાં ચેન્નાઈમાં એક ઉચ્ચતર માધ્યમિક શાળાએ એક મજાનો ચીલો ચાતર્યો. ‘હમકો તો રાહે થી ચલાતી, વોહ ખુદ અપની રાહ બનાતા’ ની જેમ સ્કૂલના આચાર્યાએ એક પરિપત્ર (Circular) બહાર પાડ્યું, જેમાં વિદ્યાર્થીઓને નહીં પણ વાલીઓએ વેકેશનમાં હોમવર્ક કરવાનું! કેવી મજાની વાત!

‘અન્નાઈ વાયોલેટ મેટ્રિક્યુશન અને ઉચ્ચતર માધ્યમિક શાળા’ના આચાર્યા એસ. અનબુવાડિવુ દ્વારા પ્રકાશિત સર્ક્યુલરમાં માતાપિતા માટે હોલીડે અસાઈનમેન્ટનું  એટલેકે હોમવર્ક નું એક લિસ્ટ છે. આ લિસ્ટ અપ્રત્યક્ષ રીતે વિદ્યાર્થીઓના લાભ માટે છે. લિસ્ટ વાલીઓને સક્રિયપણે બાળકની વિકાસલક્ષી પ્રવૃત્તિઓમાં સામેલ કરવા માટે પ્રોત્સાહિત કરે છે, જેથી બાળકો સમાજ અને વિવિધ વ્યવસાયોથી વધુ વાકેફ અને સંવેદનશીલ બને. બાળકના નાની ઉંમરે સંબંધ-નિર્માણમાં મદદરૂપ એવા આ સર્ક્યુલર તરફ એક નજર નાખીએઃ

Photo Courtesy: mycity4kids.com

ડિયર પેરેન્ટ્સ,

અમને આનંદ છે કે ગયા 10 મહિનામાં અમે તમારા બાળકની સારસંભાળ રાખી શક્યા. તમારું બાળક સ્કૂલમાં આવવા માટે હંમેશા રાજી હોય એ જ અમારા કામની પ્રશંસા! પણ હવેના બે મહિના તમારે પોતાના બાળકના વિકાસમાં મદદરૂપ થવાનું છે. અહીં વેકેશન રસપ્રદ અને આનંદદાયી બનાવવાની થોડી ટીપ્સ આપું છું:

 1. દરરોજ ઓછામાં ઓછા બે વાર તમારા બાળકની સાથે ભોજન લો. જમતી વખતે બાળકને આપણા ખેડૂતોએ કરેલી મહેનતનું મહત્ત્વ સમજાવો. અન્નનો બગાડ ન કરવાનું શીખવો.
 2. જમી લીધા પછી પોતાની થાળી બાળકો પોતે જ ધુએ એવો આગ્રહ રાખો. આવું કરવાથી બાળકને મજૂરી અને લેબરની મહત્તા સમજાશે.
 3. તમારી સાથે રસોઈ બનાવવામાં એમને સામેલ કરો. તેમનું વેજીટેબલ સલાડ કે ફ્રુટ સલાડ એમને જાતે જ બનાવવા દો.
 4. રોજ પાંચ નવા અંગેજી શબ્દો શીખો અને એક નોટબુકમાં લખો.
 5. ત્રણ-ચાર પાડોશીઓને ત્યાં જાઓ, તેમની સાથે સંબંધ બાંધો અને વધારો.
 6. બાળકને લઈને એમના દાદા-દાદી, નાના-નાનીને મળવા જાઓ. બાળકને તેમની સાથે ખુલ્લા મને રમવા દો. બાળકના વિકાસમાં એમનો પ્રેમ અને લાગણીઓ ખૂબ જ મહત્ત્વના છે.
 7. તમારી ઓફિસ કે જોબ પર એકાદ દિવસ બાળકને પણ લઈ જાઓ. તમે શું કામ કરો છો એ તો સમજાશે પણ એથી મહત્ત્વનું તમે તમારા ફેમિલીને સપોર્ટ કરવા માટે કેટલી મહેનત કરો છો એ પણ દર્શાવો.
 8. તમે જ્યાંના રહેવાસી હો, ત્યાંના લોકલ તહેવારો અને લોકલ માર્કેટમાં લઈ જાઓ.
 9. ઘરમાં એક નાનું કીચન ગાર્ડન બનાવવા માટે બાળકને પ્રોત્સાહીત કરો. છોડ-ઝાડ વિશેની એમની સમજ વિકસાવો અને જીવનમાં એમનું મહત્ત્વ સમજાવો.
 10. તમારા કુટુંબની જૂની-નવી વાતો અને તમારા બાળપણની વાતો તેમને કહો.
 11. સોફા અને પલંગ પરની આરામદાયક જિંદગીથી બહાર બાળકને ખુલ્લા મેદાન અને પાર્કમાં રમવા મોકલો. પડે, આખડે, વાગે તો વાગવા દો. કપડાં ગંદા થાય તો થવા દો…દાગ અચ્છે હૈ.
 12. કોઈ નાનું ગલુડિયું કે બિલાડીનું બચ્ચુ કે કોઈ પક્ષી, માછલી, કાચબો જેવા પ્રાણી-પક્ષીઓને પાળવાની પરવાનગી આપો.
 13. તેમને થોડા લોકગીતો શીખવો. રંગીન વાર્તાઓની ચોપડીઓ અને બેડટાઈમ સ્ટોરીઝ આર મસ્ટ!
 14. ટી.વી., મોબાઈલ, લેપટોપ જેવા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સથી બાળકોને દૂર રાખો. બાકીની આખી જિંદગી તેમણે એની સાથે જ વિતાવવાની છે.
 15. બાળકની આંખમાં જુઓ અને ભગવાનનો પાડ માનો કે તમને દુનિયાનું સૌથી સરસ ગીફ્ટ મળ્યું છે.

આ ફક્ત હોમવર્ક લિસ્ટ નથી. આ તો વિવિધ મહત્વપૂર્ણ મૂલ્યો અને જીવનનાં પાઠ છે. વેકેશનમાં બાળકને અઠવાડિયા માટે હીલ-સ્ટેશને લઈ જવાથી મા-બાપની જવાબદારી પૂરી નથી થઈ જતી, બાળકોને ક્વાલિટી ટાઈમની જરૂર છે. ખેડૂતો-મજૂરો પ્રત્યે લાગણી વિકસાવવા અને અન્નનો બગાડ નહીં કરવાની શિખામણ બાળકને શિક્ષક પણ આપી શકે પણ મા-બાપ આપે એમાં એક અલગ વાત્સલ્ય ઉમેરાય છે. બિગ-બાસ્કેટમાંથી ઓનલાઈન શાકભાજી ઓર્ડર કરવામાં કોથમીરની ઝૂડી સાથે મીઠા લીમડાની ડાળખી મફતમાં માગતી ગૃહિણીઓના દ્રશ્યો દેખાતા ઓછા થઈ ગયા છે. માર્કેટમાં જઈએ તો ખબર પડે કે સરગવાની સિંગની સિઝન છે કે વટાણાની! ગુજરાતી વાલીઓ પોતે જ લોકગીતો અને લોકસંગીતથી દૂર થઈ રહ્યા છે. ઝવેરચંદ મેઘાણીએ લખેલા ‘રઢિયાળી રાત’ના ચાર ભાગ નવરાત્રી સિવાય લગભગ ભૂલાઈ ગયા છે. બાળકોને દાદા-દાદી સાથે વધુ સમય વિતાવવા, અને પોતાના બાળપણથી વાર્તાઓ શેર કરવાથી, બાળકોની ભાવનાત્મક અને માનસિક વૃદ્ધિ થાય છે. તેમના કુટુંબ અને સમાજ પ્રત્યેની સભાનતા કેળવાય છે.

બાળકોમાં પર્યાવરણીય સભાનતા વધારવા – કિચન ગાર્ડન, પાલતુ પ્રાણીઓને અપનાવવાની ટિપ્સ પણ આપી છે. તમામ મનોરંજક પ્રવૃત્તિઓ વચ્ચે, શાળા તેના મૂળભૂત સિદ્ધાંતોને ભૂલી નથી અને આચાર્યે કેટલીક એવી પણ બાબતો લખી છે જે શૈક્ષણિક દ્રષ્ટિએ મહત્ત્વની છે. જેમ કે અંગ્રેજીમાં પાંચ નવા શબ્દો શીખો અને તેમને નોટબુકમાં લિસ્ટ બનાવો. બાળકો માટે રંગબેરંગી ચિત્રો સાથે કેટલીક સ્ટોરીબુક્સ મેળવો અને વાંચો. ગુજરાતી નહીં તો હિન્દી, અંગ્રેજી કે બીજી કોઈપણ ભાષામાં વાર્તાઓના પુસ્તક વસાવવા જરૂરી છે. મોગલીની જંગલબુક ઘરે લાવશો તો બાળકને બગિરા અને શેરખાન વિશેની જાણકારી મળશે. એલિસ એકલી જ કેમ વન્ડરલેન્ડમાં રહે, આપણા બાળકની વિચારશકિત એટલી વિકસાવીએ કે એ પણ પોતાના હવાઈ કિલ્લા બાંધે. બેડટાઈમ સ્ટોરીઝનો તો આખો એક સંસાર છે – બકોર પટેલ, તોફાની ટપૂડો, તેનાલીરામ અને બિરબલ, વિક્રમ વેતાળ, બત્રીસ પૂતળી, છકો-મકો, હાથીશંકર ધમધમિયા….છેવટે, આ અસાધારણ પરિપત્ર માતાપિતા માટે એક મર્મભેદક નોંધ પર પૂર્ણ થાય છે, જે તેમને તેમના બાળકોની ઉપલબ્ધી માટે અને તેમના અસ્તિત્વ માટે આભારી હોવા માટે કહે છે.

વાલીઓએ હોમવર્ક ના આ લિસ્ટમાંથી શું શું કર્યું એની જાણકારી આચાર્યને કેવી રીતે મળે? એ માટે આચાર્યાએ સર્ક્યુલરના અંતમાં લખ્યું છેઃ આ અસાઈન્મેન્ટના ફોટો સ્કૂલને ઈમેલ કરવાના અથવા તો ફોટોનો આલ્બમ બનાવીને સ્કૂલ ખૂલે ત્યારે લઈ આવવાનો.

પડઘોઃ

જે ઝાડથી પંખીનો માળો ધબ દઈ તૂટી પડે,

એ ઝાડને શું થાય છે, એ પણ જરા શિખવાડજો.

અકબર, શિવાજી, શાહજહાં, રાણા કે પાણીપત પછી,

આકાશ પણ વંચાય છે, એ પણ જરા શિખવાડજો.

જો વર્ગમાં એકાદ ખિસકોલી સહજ આવી ચડે,

તું કેમ છે? – પુછાય છે, એ પણ જરા શિખવાડજો.

સો માંથી છન્નુ લાવવાની જીદ કરે જ્યારે બધા,

શૈશવ કેવું રહેંસાય છે, એ પણ જરા શિખવાડજો.

ઝાકળનું ટીપું ફૂલ પર બેસીને સૃષ્ટિને જુએ,

દર્શન એને કહેવાય છે, એ પણ જરા શિખવાડજો.

અંતે શીખીને બહુ બધું, ભૂલી જવાનું હોય છે,

જે આવે છે એ જાય છે, એ પણ જરા શિખવાડજો.

હિતેન આનંદપરા

eછાપું

તમને ગમશે: તજ તમારા વજનને ઘટાડવામાં કેવી રીતે મદદરૂપ બનશે?

                   તમારા શર્ટ પાછળ લૂપ કેમ હોય છે? આ રહ્યું તેનું રસપ્રદ કારણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here