ભારતના દરેક ગામડે વીજળી પહોંચવાથી દેશને જબરદસ્ત ફાયદો થશે

0
342
Photo Courtesy: hindustantimes.com

શનિવારે સાંજે સાડાપાંચ વાગ્યે મણીપુર રાજ્યના સેનાપતિ જીલ્લાના લેઈસેંગ ગામમાં વીજળી પહોંચી હતી. આ સાથે ભારતનું દરેક ગામડું હવે વીજળી ધરાવતું થઇ ગયું છે. દેશને આઝાદ થયે સિત્તેર વર્ષ જેટલો સમય વીતી ગયો અને છેક આજે કેમ ભારતનું દરેક ગામડું ઝળહળ્યું એ સવાલ દેશના પૂર્વ શાસકોને કરવાનું મન કદાચ દરેક ભારતીયને થતું હોય તો કોઈનેય નવાઈ નહીં લાગે.

Photo Courtesy: hindustantimes.com

2015ની પંદરમી ઓગસ્ટે પોતાના રાષ્ટ્રજોગા સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવનારા 1000 દિવસમાં ભારતના દરેક ગામડામાં વીજળી પહોચાડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આ પ્રકારના નિર્ધારો છેલ્લા સિત્તેર વર્ષમાં ઘણીવાર વ્યક્ત થઇ ચૂક્યા હતા આથી કદાચ બહુ ઓછા દેશવાસીઓએ તેને ગંભીરતાથી લીધો હશે. પરંતુ ગઈકાલે જ્યારે લેઈસેંગ ગામમાં વીજળી આવી ત્યારે વડાપ્રધાનના એ નિર્ધારની પૂર્તિ 11 દિવસ અગાઉ જ થઇ ગઈ હતી. આમ વડાપ્રધાન અને કેન્દ્ર સરકાર પોતાના આ નિર્ધાર અંગે કેટલા ગંભીર હતા તેનો ખ્યાલ આવી શકે તેમ છે.

અહીં એક બાબત ખાસ ધ્યાનમાં લેવા જેવી છે. દરેક ગામડામાં વીજળી પહોંચાડવાનો મતલબ એવો નથી કે દરેક ઘરમાં વીજળી હોય. જો કે આ કોઈ બહાનું નથી, આ એક પ્રસ્થાપિત માનક છે. દરેક ગામડાના 10% આવાસો ઉપરાંત ગામનું પંચાયત ભવન, હોસ્પિટલ, કમ્યુનીટી સેન્ટર, શાળામાં વીજળીનું કનેક્શન આપવામાં આવે એટલે એ ગામમાં વીજળી પહોંચી ગઈ હોવાનું આધિકારિક રીતે પુષ્ટિ કરવામાં આવે છે.

તમને ગમશે: ભજીયા પ્રેમી ભેરુડાવ….

દીન દયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના એટલેકે DDUGJY હેઠળ NDA સરકાર દ્વારા દેશના કુલ 5,97,464 ગામડાઓમાંથી વીજળીરહીત 18,452 ગામડાઓમાં ઈલેક્ટ્રીસિટી પહોંચાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જ્યારે આ કાર્ય ચાલી રહ્યું હતું ત્યારે ખબર પડી કે 1,275 અન્ય ગામડાઓની ગણતરી ઉપરોક્ત સંખ્યામાં કરવામાં આવી ન હતી. ત્યારબાદ આ ગામડાઓનું વીજળીકરણ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

DDUGJY હેઠળ ગામડામાં વીજળી પહોંચાડતા અગાઉ એ ધ્યાન પણ રાખવામાં આવ્યું છે કે કૃષિ અને આવાસ કે પછી સંસ્થાગત વપરાશ માટે અલગ ફીડર બેસાડવામાં આવે. આમ કરવાથી લોડ શેડિંગ નક્કી કરવામાં વીજ કંપનીઓને સરળતા રહેશે.

ભારતના દરેક ગામડામાં ઈલેક્ટ્રીસિટી પહોંચાડવાથી દેશનો માથાદીઠ વીજ વપરાશ જે લગભગ 1,200 kWh જેટલો છે, જે વિશ્વમાં સહુથી ઓછો છે તેમાં વધારો થશે. આગળ ચર્ચા કર્યા અનુસાર માત્ર ગામડાના 10% આવાસો અને સંસ્થાઓમાં વીજ કનેક્શન આપવાથી જ વીજળીકરણ ગણાઈ જતું હોય તો બાકીના આવાસો અને સંસ્થાઓનું શું? સરકાર પાસે તેનો પણ ઈલાજ છે.

હવે નરેન્દ્ર મોદી સરકાર તેની પ્રધાનમંત્રી સહજ બીજલી હર ઘર યોજના એટલેકે SAUBHAGYA યોજના હેઠળ દેશમાં બાકી રહેલા દરેક શહેરી અને ગ્રામીણ ઘરમાં 40 મિલિયનથી પણ વધુ પરિવારોને વીજળી પહોચાડવામાં આવશે.

દેશના દરેક ગામડા તેમજ પરિવારો સુધી વીજળી પહોંચ્યા બાદ જે વધારાના ફાયદા થશે તે હશે કોલસાની આયાતમાં ઘટાડો, જે પાવર પ્લાન્ટનો ઉપયોગ ઓછો થઇ રહ્યો છે તેનો મહત્તમ ઉપયોગ થઇ શકશે. આ બંને કાર્યો થવાથી ભારતે ક્લાઈમેટ ચેન્જ અંગે જે વાયદો કર્યો છે તેને પૂર્ણ કરવામાં પણ મદદ મળી રહેશે. સરકાર આ પ્રયાસની સફળતા બાદ વધુને વધુ લોકો ઇન્ડક્શન કુકિંગ, શિયાળામાં હીટરનો વપરાશ અને ઇલેક્ટ્રિક વાહનોનો વપરાશ વધારે તે પ્રકારના લાભ પહોંચાડવા માટે આતુર છે.

જો કે સરકારનું પ્રાથમિક લક્ષ્ય તો દેશના દરેક ઘરમાં વીજળી પહોંચાડવાનું જ છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here