ડોનાલ્ડ ટ્રમ્પ માટે ચારેબાજુથી નોબેલ શાંતિ પુરસ્કારની માંગણી

0
284
Photo Courtesy: Google

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પક્ષ રિપબ્લિકન પક્ષે તેમના માટે નોબેલ શાંતિ પુરસ્કારની માંગણી કરી છે. રિપબ્લિકન પાર્ટીએ એવો દાવો કર્યો છે કે હાલમાં ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે શાંતિ વાર્તા હાથ ધરવામાં આવી તેના માટે ટ્રમ્પ જ જવાબદાર છે. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પાર્ટીના સભ્યોને ગયા શનિવારે મિશિગનમાં સંબોધન કરવા ગયા હતા ત્યારે આ પ્રકારની માંગણી જોરશોરથી કરવામાં આવી હતી.

Photo Courtesy: Google

ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે પોતાના પક્ષના સભ્યોને સંબોધન કરી રહ્યા હતા ત્યારેજ આ સભ્યોએ ‘નોબેલ! નોબેલ! નોબેલ!’ એવી બુમો પાડવાની શરુ કરી દીધી હતી. ટ્રમ્પે પોતાનું ભાષણ વચ્ચેથી અટકાવીને તેમનો આભાર માન્યો હતો અને બોલ્યા કે, “નોબેલ. વાહ, બહુ સરસ. ધન્યવાદ. જો મળશે તો ઘણું સારું રહેશે.” જો કે જાણકારોનું માનવું છે કે ડોનાલ્ડ ટ્રમ્પે આમ કહીને પોતે નોબેલ  શાંતિ પુરસ્કાર મેળવવા માટે ગંભીર છે કે પછી તેમણે પોતાના પાર્ટીના કાર્યકર્તાઓની માંગણીને હળવાશથી લીધી હતી તે સ્પષ્ટ થયું ન હતું.

આપણે ધારી લઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પને આ વર્ષનો નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવશે તો તેઓ પાંચમાં અમેરિકન રાષ્ટ્રપતિ બની જશે જેમને આ પ્રકારે સન્માન મળ્યું હોય. આ અગાઉ થિયોડોર રુઝવેલ્ટ, વુડ્રો વિલ્સન, જીમી કાર્ટર અને બરાક ઓબામાને નોબેલ શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે.

તમને ગમશે: ભારતનો ડોમેસ્ટિક એર ટ્રાફિક વિશ્વમાં સૌથી તેજગતિએ આગળ વધી રહ્યો છે

આપણને જાણીને નવાઈ લાગશે કે હજી ગઈકાલ સુધી પોતે અમેરિકાનો સર્વનાશ કરી નાખશે એવી ધમકી ઉચ્ચારનાર ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનનું નામ પણ નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનારા 329 ઉમેદવારોના શોર્ટલિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે. આ જ તર્જ પર દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મુન જેઈ-ઇનને પણ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આ વર્ષના નોબેલ શાંતિ પુરસ્કારના કુલ 329 ઉમેદવારોમાંથી 113 સંસ્થાગત અને 216 વ્યક્તિગત નામો સામેલ છે.

ઇન્ડિયાનાના રિપબ્લિકન પાર્ટીના પ્રતિનિધિ લુક મેસ્સરે ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની તરફેણ કરતા જણાવ્યું હતું કે ટ્રમ્પની મજબૂત નેતાગીરીને લીધે જ બંને કોરિયાઈ દેશો વચ્ચે શાંતિ અંગે અભૂતપૂર્વ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મુન જે ઇન દ્વારા પણ હાલમાં જ એક વક્તવ્ય આપવામાં આવ્યું હતું જેમાં તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ નોબેલ શાંતિ પુરસ્કાર માટે યથાયોગ્ય હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું.

માત્ર રાજનેતાઓ જ નહીં પરંતુ યુનાઇટેડ કિંગડમના બૂકીઓ પણ આ વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પ જ નોબેલ શાંતિ પુરસ્કાર જીતી જશે એવું માની રહ્યા છે. આ પુરસ્કાર જીતવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ પર બેટ લગાડવાનો ભાવ હાલમાં સહુથી નીચો જોવા મળી રહ્યો છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here