ઉત્તર પ્રદેશમાં બાળકોના સંહારક જાપાનીઝ એન્કેફલાઈટીસ રોગ પર યોગી વિજય

0
165
Photo Courtesy: amarujala.com

ગત વર્ષે ઉત્તર પ્રદેશના એક ખાસ વિસ્તારમાં પંદર વર્ષથી નીચેના અસંખ્ય બાળકોના મૃત્યુ જાપાનીઝ એન્કેફલાઈટીસ રોગને કારણે થયા હતા. પછી જેમ બને છે તેમ ભૂતકાળ ભૂલી જઈને આ માટે માત્ર યોગી આદિત્યનાથ સરકારને જ જવાબદાર ગણીને તેના પર માછલા ધોવામાં આવ્યા હતા. આ મામલે રાજકારણીઓ અને મિડીયાએ જબરી દોસ્તી નિભાવતા પાછળના બે થી ત્રણ દાયકાનો રેકોર્ડ ભૂલી જવાનું કાર્ય કર્યું અને જાણેકે એ વર્ષેજ આ રોગથી મોટી સંખ્યામાં બાળકોના મૃત્યુ થયા હોય એવું ચિત્ર ઉભું કરવામાં આવ્યું.

Photo Courtesy: amarujala.com

પરંતુ યોગી આદિત્યનાથે તેમની સરકાર પર થયેલા આક્ષેપોને નહીં પરંતુ આ જીવલેણ રોગને ગંભીરતાથી લીધો અને તેને રાજ્યમાંથી નિર્મૂળ કરવાનું નક્કી કરી લીધું. આજે પરિસ્થિતિ એવી આવીને ઉભી છે કે આરોગ્ય બાબતે વિશ્વની સર્વોચ્ચ સંસ્થા The United Nations Children Emergency Fund (UNICEF) દ્વારા યોગી સરકારે રાજ્યમાંથી જાપાનીઝ એન્કેફલાઈટીસ રોગનું નિર્મૂલન કરવાની માત્ર નોંધ જ ન લીધી પરંતુ તેની પ્રશંસા પણ કરી છે.

આ શક્ય બન્યું છે ઉત્તર પ્રદેશ સરકારના ‘દસ્તક’ કાર્યક્રમથી જે રાજ્યમાં જાપાનીઝ એન્કેફેલાઈટીસ અંગે જાગૃતિ આણવાનું તેમજ તેના રસીકરણ માટેનું કાર્ય તો કરે જ છે પરંતુ સાથેસાથે સ્વચ્છતા ફેલાવવાનું કાર્ય પણ કરે છે.

આ વર્ષે ફેબ્રુઆરીમાં દસ્તક કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો હતો અને તેમાં વિવિધ મુદ્દાઓ જેવા કે પરિવારોને માત્ર રસી પૂરી પાડવાની જ નહીં પરંતુ આ રોગથી બાળકને કેમ બચાવી શકાય અને તેની સારવાર કેવી રીતે અને ક્યાંથી મળી શકે તે અંગે શિક્ષણ આપવું, વગેરે પણ સામેલ કરવામાં આવ્યા હતા.

તમને ગમશે: ગોવામાં એક યાદગાર ક્રિસમસ ઉજવવાની પાંચ મહત્ત્વની ટીપ્સ

યોગી સરકારે ઉત્તર પ્રદેશના 38 જિલ્લાઓમાં આ દસ્તક કાર્યક્રમ ચલાવ્યો જ્યાં જાપાનીઝ એન્કેફેલાઈટીસ દર વર્ષે કાળોકેર મચાવે છે. અહીં સરકારે સર્વ પ્રથમ તો રાજ્ય સરકારના આરોગ્ય મંત્રાલયને નોડલ એજન્સી જાહેર કરી અને ત્યારબાદ સરકારના વિવિધ ખાતાઓ જેવાકે મહિલા અને બાળ કલ્યાણ, આરોગ્ય શિક્ષણ, ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ તેમજ પશુપાલનને આ નોડલ એજન્સી હેઠળ કાર્ય કરવાની સુચના આપી.

ઉપરોક્ત તમામ જીલ્લાના તમામ બાળકોનું રસીકરણ એપ્રિલ મહિના સુધીમાં થઇ જાય તેવું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું અને UNICEFનો દાવો છે કે યોગી સરકારે આ લક્ષ્ય મેળવી લીધું છે.

જાપાનીઝ એન્કેફેલાઈટીસ એ વાયરલ રોગ છે આથી તેની જનતામાં જાગૃતિ ફેલાય તે પણ મહત્ત્વનું હતું. આથી રાજ્યના હેલ્થ વર્કર્સ, શિક્ષકો અને આશા વર્કર્સ દ્વારા વિવિધ કેમ્પનું આયોજન તો કરવામાં આવ્યું જ પરંતુ ઘેરઘેર જઈને રસીકરણ કરવાનું કાર્ય પણ કરવામાં આવ્યું. આ ઉપરાંત સ્કુલોમાં અને વિવિધ મહોલ્લાઓમાં પણ આ રોગ વિરુદ્ધ જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરવામાં આવ્યું હતું.

ઉત્તર પ્રદેશના આરોગ્ય વિભાગ અનુસાર દસ્તક કાર્યક્રમ હેઠળ આશા વર્કર બહેનોએ જાગૃતિ માટે 26,33,837 આવાસોમાં જાતે ગયા હતા અને પંદર વર્ષ કે તેનાથી નાના 32,03,785 બાળકોને રોગપ્રતિકારક રસી આપી હતી.

આપણા દેશમાં કોઇપણ ગંભીર મુદ્દે રાજકારણ બહુ સરળતાથી રમાઈ જતું હોય છે પરંતુ જ્યારે સરકાર ગંભીરતાથીએ મુદ્દાનું નિરાકરણ લાવે છે ત્યારે તે બદનસીબે સમાચાર બનતા નથી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here