એવેન્જર્સ ઇન્ફીનિટી વોર: ફેન્સ તરફથી સ્પોઈલર ફ્રી રીવ્યુ..

0
309
Photo Courtesy: ohmy.disney.com

એવેન્જર્સ ઇન્ફીનિટી વોર : દસ વર્ષથી ચાલી રહેલી વાર્તા અને છ વર્ષથી ચાલી રહેલા ફેન્સના ઇન્તઝારનો આ શુક્રવારે અંત આવ્યો છે. અને ધાર્યા પ્રમાણેજ ફેન્સ અને સામાન્ય જનતાએ આ ફિલ્મને બહુ વખાણી છે. અને બોક્સ ઓફીસ પર આ ફિલ્મ ચાર દિવસની અંદર જ 100 કરોડ ડોલરના આંકડાની લગોલગ પહોચી ગઈ છે. eછાપું પણ એવેન્જર્સના આ વાવાઝોડાથી બાકાત રહી શક્યું નથી અને માર્વેલના બે ફેન્સ એવેન્જર્સ જોઇને આવ્યા છે.

Photo Courtesy: ohmy.disney.com

એવેન્જર્સ ઇન્ફીનિટી વોર માર્વેલ સિનેમેટિક યુનિવર્સ નું 19મું મુવી છે. 2008 માં આયર્ન મેન થી શરુ થયેલી વાર્તા એવેન્જર્સ ઇન્ફીનિટી વોર (અને એની સિકવલ) પર જઈ ને અટકવાની છે. આ ફિલ્મમાં સુપરવિલન થાનોસના એક પાગલ એટેક સામે એવેન્જર્સ અને ગાર્ડીયંસ ઓફ ધ ગેલેક્સી સહીત કુલ 30 ઉપર પાત્રો છે અને એમાં થી માત્ર 5 જ પાત્રો પહેલીવાર જોવા મળે છે બાકીના 25 પાત્રો છેલ્લા દસ વર્ષમાં કોઈ ને કોઈ ફિલ્મમાં કવર કરી લેવામાં આવ્યા છે. કોઈ પહેલી વખત માર્વેલ ની ફિલ્મ જોવા જઈ રહેલા વ્યક્તિ ને કન્ફયુઝ કરવા માટે આટલું પુરતું છે. અને એટલે ફિલ્મ નો રીવ્યુ શરુ કરતા પહેલા એક નાનકડી ગાઈડ.

સહુથી પહેલા એવેન્જર્સ ઇન્ફીનિટી વોર જોવા જતા પહેલા એવેન્જર્સ(2012), એવેન્જર્સ એજ ઓફ અલ્ટ્રોન(2015) બંને જોઈ લેવી, ઇન્ફીનિટી વોરમાં આયર્ન મેન એક મહત્વનો નિર્ણય લે છે અને એની પાછળ આ બંને ફિલ્મો ની ઘટનાઓ કારણભૂત હોય છે, ઉપરાંત આ ફિલ્મનો એક મહત્વનો પ્લોટ પોઈન્ટ વિઝનની આસપાસ રમે છે એ વિઝન કોણ છે અને એ આ ફિલ્મ માટે કેમ અગત્યનો છે એજ ઓફ અલ્ટ્રોનમાં દેખાડેલું હોય છે. ઉપરાંત કેપ્ટન અમેરિકા સિવિલ વોર(2016) ની ઘટનાઓ અને ફિલ્મના પાત્રો વચ્ચેના બદલાયેલા સંબંધનો પ્રભાવ આ ફિલ્મમાં પણ જોરદાર રહ્યો છે.

તમને ગમશે: તમારી ચાલવાની સ્ટાઈલ એટલે તમારી તબિયતની હાલતીચાલતી જાહેરાત

અને સાથે સાથે થોર રેગ્નારોક(2017) પણ આ એવેન્જર્સ ઇન્ફીનિટી વોર જોતા પહેલા જોવી રહી, ઇન ફેક્ટ થોર રેગ્નારોક જે સીન પર આવીને પૂરી થાય છે ત્યાંથી જ એવેન્જર્સ ઇન્ફીનિટી વોર શરુ થાય છે. જેમાં થોરનું વિશ્વ આસ્ગાર્ડ તબાહ થઇ જાય છે, એ તબાહીમાંથી બચેલા લોકો એક અવકાશ યાનમાં ક્યાંક જતા હોય છે, અને ત્યાંજ ઇન્ફીનિટી સ્ટોન્સને શોધતો થાનોસ એ લોકો સુધી પહોચી જાય છે. અને એ થોરના ભાઈ લોકી એ સંતાડેલો સ્પેસ સ્ટોન મેળવવામાં સફળ થઇ જાય છે. અને સ્પેસ સ્ટોન મેળવતા પહેલા થાનોસ પાસે પહેલે થી જ પાવર સ્ટોન હોય છે.

આ સ્પેસ સ્ટોન, પાવર સ્ટોન વગેરે છ માંના બે ઇન્ફીનિટી સ્ટોન્સ હોય છે. બ્રહ્માંડની રચના સમયે જીવનનાં છ મહત્વનાં પાસાઓની અમાપ શક્તિ છ અલગ અલગ જાદુઈ પથ્થરોમાં સમાયેલી હોય છે. અને જે વ્યક્તિ પાસે આ છ પથ્થર આવી જાય એની પાસે આખા બ્રહ્માંડ ની અમાપ શક્તિ આવી જાય. આ છ પથ્થર માર્વેલ ની ફિલ્મો માં બહુ અગત્યનું સ્થાન ધરાવે છે, અને એ છ પથ્થર ની વાર્તા પણ માર્વેલ ઘણા વખત થી કઈ રહ્યું છે. એ છ પથ્થર ક્યા છે, અને ઇન્ફીનિટી વોર ની ઘટનાઓ પહેલા આ છ પથ્થર કેટલા તાકાતવર છે, કઈ હાલતમાં અને કોની પાસે છે એ આપણે જાણી લઈએ.

1. સ્પેસ સ્ટોન:

  • રંગ: બ્લુ
  • તાકાત: સ્પેસ સ્ટોન જેની પાસે હોય એ આખા બ્રહ્માંડ માં ગમે ત્યાં તરત પહોચી શકે છે.
  • અત્યારે (ફિલ્મ શરુ થતા પહેલા) કોની પાસે અને ક્યાં છે: લોકી પાસે, આસ્ગાર્ડ ના શરણાર્થીઓ ના જહાજમાં.
  • મુસાફરી: હજારો વર્ષો સુધી પૃથ્વી પર રહ્યો (કેપ્ટન અમેરિકા), ત્યાંથી લોકીના હાથમાં આવ્યો(એવેન્જર્સ) અને એ પછી આસ્ગાર્ડના ખજાનામાં સુરક્ષિત રહ્યો, આસ્ગાર્ડની તબાહી વખતે લોકીએ એને બચાવી લીધો.

2. માઈન્ડ સ્ટોન

  • રંગ: પીળો
  • તાકાત: માઈન્ડ સ્ટોન જેની પાસે હોય એ ગમે તેનું મન કંટ્રોલ કરી શકે છે, સામેવાળાના મનમાં ચાલતા વિચારો જાણી શકે છે.
  • અત્યારે (ફિલ્મ શરુ થતા પહેલા) કોની પાસે અને ક્યાં છે: વિઝન પાસે પૃથ્વી પર, એના કપાળ માં જડેલો છે..
  • મુસાફરી: થાનોસે એવેન્જર્સ વખતે લોકીને આપ્યો, પછી S.H.I.E.L.D. પાસે રહ્યો, ત્યાંથી H.Y.D.R.A એ ચોરી લીધો, જે એવેન્જર્સના હાથમાં આવ્યો, એમાંથી અલ્ટ્રોન બનાવ્યો, અને એ સ્ટોનમાંથીજ વિઝનનું સર્જન કરવામાં આવ્યું.

3. રીઆલીટી સ્ટોન

  • રંગ: લાલ
  • તાકાત: રીઆલીટી સ્ટોન જેની પાસે હોય એ આસપાસની રીઆલીટીને ધારે એ રીતે બદલી શકે, ધારે એવો આભાસ ઉભો કરી શકે.
  • અત્યારે (ફિલ્મ શરુ થતા પહેલા) કોની પાસે અને ક્યાં છે: ધ કલેકટર પાસે, Knowhere તરીકે જાણીતી એવી જગ્યાએ જે બ્રહ્માંડના દુર ના છેડે છે.
  • મુસાફરી: પહેલા ડાર્ક એલ્ફ પાસે હતો, જ્યાંથી થોરના દાદા એ જીતીને પૃથ્વી પર સંતાડી દીધો, ત્યાંથી વાયા જેન ફોસ્ટર આસ્ગાર્ડ પહોચ્યો અને ખતરો ટાળવા આસ્ગાર્ડ ના યોદ્ધાઓ એ રીઆલીટી સ્ટોન કલેકટરને સાચવવા આપ્યો હતો.

4. પાવર સ્ટોન

  • રંગ: પર્પલ
  • તાકાત: પાવર સ્ટોન જેની પાસે હોય એને અમર્યાદિત શક્તિ મળે છે અને એ વ્યક્તિ આંખના પલકારા માત્રથી આખા ગ્રહનો વિનાશ કરી શકે છે.
  • અત્યારે (ફિલ્મ શરુ થતા પહેલા) કોની પાસે અને ક્યાં છે: ઝાંડાર ગ્રહ પર, એ ગ્રહ ના શાસક નોવા પ્રાઈમ પાસે.
  • મુસાફરી: એક અવાવરું કબરમાંથી પાવર સ્ટોન સ્ટાર લોર્ડ(પીટર કવિલ) ને મળ્યો, અને વાયા કલેકટર આ સ્ટોન અત્યારે ઝાંડાર પર છે.

5. ટાઈમ સ્ટોન

  • રંગ: લીલો
  • તાકાત: આ સ્ટોન જેની પાસે હોય એ કોઈ પણ સમયમાં જઈ ટાઈમ ટ્રાવેલ કરી શકે છે. આ સ્ટોન જો કોઈ જાણકાર વ્યક્તિ પાસે હોય તો એ વ્યક્તિ સમયને કાબુ કરી શકે છે.
  • અત્યારે (ફિલ્મ શરુ થતા પહેલા) કોની પાસે અને ક્યાં છે: Dr Strange પાસે પૃથ્વી પર, આઈ ઓફ આગામોટો નામના જાદુઈ લોકેટ માં.
  • મુસાફરી: પૃથ્વીના સહુપ્રથમ sorcerer supreme(સર્વોચ્ચ જાદુગર) આગામોટો એ આ પથ્થર નેપાળમાં કમર-તાજ નામની જગ્યાએ રાખેલો છે. કમર-તાજ પરના હુમલા પછી આ પથ્થર Dr Strange પોતાની પાસે જ રાખે છે.

6. સોલ સ્ટોન

  • રંગ: નારંગી
  • તાકાત: અજ્ઞાત
  • અત્યારે (ફિલ્મ શરુ થતા પહેલા) કોની પાસે અને ક્યાં છે: અજ્ઞાત(આ પથ્થર ક્યાં છે એ હજી સુધી કોઈ ફિલ્મમાં દેખાડેલું નથી)
  • મુસાફરી: અજ્ઞાત

એવેન્જર્સમાં 30 થી વધારે પાત્રો છે. અમુક પાત્રો એની પોતાની ફિલ્મોમાં આવીને જાણીતા બન્યા છે. પણ એવાય પાત્રો છે જે ઘણા સમય થી MCU માં હોવા છતાં જાણીતા નથી બન્યા, અને એવેન્જર્સ ઇન્ફીનિટી વોર માં એમના ફાળે કામના સીન આવ્યા છે. એવા સેકન્ડરી પાત્રો કૈક આ મુજબ છે.

વોર મશીન: ટોની સ્ટાર્કે પોતાનું આયર્ન મેન બખ્તર અમેરિકાની આર્મીને પણ આપ્યું હતું, અને આર્મી તરફથી એ બખ્તર ટોનીનો મિત્ર જેમ્સ રહોડ્સ પહેરે છે. આયર્ન મેન-2 થી વોર મશીન અને આયર્ન મેન સાથે સાથે સાહસ કરતા રહે છે.

ફાલ્કન: જેમ વોર મશીન આયર્ન મેન સાથે સાહસ કરે છે એમ સેમ વિલ્સન આર્મી તરફથી મળેલી મીકેનીકલ પાંખની મદદ થી ફાલ્કન બન્યો છે. કેપ્ટન અમેરિકા: વિન્ટર સોલ્જરમાં આ પાત્ર પહેલી વાર જોવા મળ્યું હતું, અને ફાલ્કન એ સમયથી કેપ્ટન અમેરિકાના વફાદાર મિત્રો માનો એક છે.

હેઈમડાલ: આસ્ગાર્ડના દરવાજાનો રખેવાળ અને સ્પેસ-સ્ટોન વગર પણ ગમે તેને ગમે ત્યાં પહોચાડી શકતા બાઈફ્રોસ્ટ નામના પુલનો સંચાલક. થોર-1 થી હેઈમડાલ થોર અને લોકીની સાથેજ હોય છે. (આડ વાત, આ પાત્રના એક્ટર ઈદ્રીસ એલ્બાએ જંગલ બૂકનાં મૂળ અંગ્રેજી વર્ઝનમાં શેરખાનને અવાજ આપ્યો હતો અને એ એટલોજ ડરાવણો અને પ્રભાવશાળી હતો, બીજી આડવાત જયારે ડેનીઅલ ક્રેગ બોન્ડ તરીકે રીટાયર થશે ત્યારે ઈદ્રીસ એલ્બા અથવા લોકી બનતા ટોમ હિડલસ્ટન માંથી એક નેક્સ્ટ બોન્ડ બને એના ચાન્સ વધારે છે.)

ક્લીન્ટ બાર્ટન: એજન્ટ ક્લીન્ટ બાર્ટન S.H.I.E.L.D નો હોનહાર અને વફાદાર એજન્ટ છે, અને વિશ્વનો શ્રેષ્ઠ તીરંદાજ પણ છે. પહેલીવાર થોરમાં દેખાયો હતો. આમ તો આ પાત્રને કોઈ ખાસ મહત્વ આપ્યું ન હતું, પણ એવેન્જર્સ એજ ઓફ અલ્ટ્રોનમાં વાર્તાનો એક મહત્વનો વળાંક એજન્ટ બાર્ટન થકી જ આવ્યો છે. એવેન્જર્સ ઇન્ફીનિટી વોરના એકપણ ટ્રેલર માં ક્લીન્ટ બાર્ટન જોવા નથી મળ્યો,

પેપર પોટ્સ: ટોની સ્ટાર્કની ભૂતપૂર્વ આસીસ્ટંટ અને વર્તમાન ગર્લફ્રેન્ડ. એવેન્જર્સ, નીક ફ્યુરી સિવાય ટોની માત્ર પેપર પોટ્સ પર જ વિશ્વાસ કરી શકે છે.

તમને ગમશે: એક જ પાર્ટનર સાથે વર્ષો સુધી બેડ લાઈફ રોકિંગ રાખવી હોય તો?

એવેન્જર્સ ઇન્ફીનિટી વોર માં શું ગમ્યું

  • થાનોસ: ફિલ્મનું નામ ભલે એવેન્જર્સ ઇન્ફીનિટી વોર હોય, પણ આ ફિલ્મમાં પહેલા સીન થી લઇ છેલ્લા સીન સુધી માત્ર અને માત્ર થાનોસની જ વાર્તા છે. થાનોસના રૂપે માર્વેલને ઘણા સમયે એક સારો વિલન મળ્યો છે જે એક કરતા વધારે ફિલ્મોમાં દેખાયો છે. એક્ટર જોશ બ્રોલીનએ થાનોસનાં પાત્રમાં જીવ રેડીને અભિનય કર્યો છે.
  • ફિલ્મની વાર્તા અને એની સ્પીડ: જે ફિલ્મ 19 વાર્તાઓનો અંત હોય અને જેમાં 30 થી વધારે પાત્રો હોય એમાં દરેક વાર્તા અને દરેક પાત્ર ને ન્યાય આપવો એ પોતે એક અઘરું કામ છે. ઉપરાંત આ ફિલ્મ એક તરફ જૂની વાર્તાઓને સમાપ્તિ તરફ લઇ જાય છે તો બીજી તરફ માર્વેલ માટે નવા દરવાજા ખોલવાની પણ જવાબદારી આ ફિલ્મ પર છે, અને રૂસો ભાઈઓ એ આ બધા જ મુદ્દાઓ ધ્યાનમાં રાખી ફિલ્મને સારો એવો ન્યાય આપ્યો છે.
  • ડાયલોગ: ફિલ્મના ડાયલોગ તો સારા છે જ, ઉપરાંત માર્વેલની ફિલ્મો થીએટરમાં સબટાઈટલ સાથે જ રીલીઝ થાય છે, પણ છેલ્લા થોડા વખતથી માર્વેલની ફિલ્મો માં ડાયલોગ સરસ રીતે અને ધ્યાનથી બોલાય છે, અને તમે સબટાઈટલ પર ધ્યાન આપ્યા વગર પણ 60% ડાયલોગ સમજી શકો છો. અને આ ફિલ્મમાં આ વાત ઉડીને આંખે વળગે છે. સામાન્ય રીતે અંગ્રેજી ની અમેરિકન એસેન્ટ અને બ્રિટીશ એસેન્ટ બહુ અલગ પડે છે, અહિયાં ઘણા સીન એવા છે જ્યાં બંને એસેન્ટ એક સાથે બોલાતી હોય, છતાય ડાયલોગ સંપૂર્ણ ક્લીયર છે.

એવેન્જર્સ ઇન્ફીનિટી વોર માં શું ન ગમ્યું?

  • થાનોસની પ્રેરણા: કોમિક્સમાં થાનોસ ઇન્ફીનિટી સ્ટોન્સ એટલે લેવા માંગે છે કારણકે એ ડેથ ના પ્રેમ માં હોય છે અને એને ઈમ્પ્રેસ કરવા માંગે છે. જયારે અહિયાં ડેથ નો કોઈ ઉલ્લેખ્જ નથી, થાનોસ અહિયાં અડધો સામ્યવાદી છે, અને એટલે કોઈ પણ ગ્રહની અડધી વસ્તીને એ પૂરી કરવા માંગે છે જેથી બાકીની અડધી વસ્તી એના બચેલા રિસોર્સ નો સારી રીતે ઉપયોગ કરી શકે. યે બાત કુછ હઝમ નહિ હુઈ.
  • થાનોસ ની CGI અમુક જગ્યાએ કૃત્રિમ લાગે છે.
  • માર્વેલ ની ફિલ્મોમાં આવતી કોમેડી એક અલગજ લેવલ ની હોય છે, છતાં અહિયાં અમુક જગ્યાએ કોમેડી ટાળી શકાઈ હોય એવું લાગે છે. બહુ સીરીયસ પરિસ્થિતિ માં બહુ ઠાવકા પાત્રોના મોઢે અમુક સીલી કોમિક સિચ્યુએશન ઉભી કરાઈ છે.

એકંદરે એવેન્જર્સ ઇન્ફીનિટી વોર ખુબ સારી ફિલ્મ બની છે અને બોક્સ ઓફીસના આંકડા અને ક્રિટીક્સ અને લોકોને મળેલો પ્રેમ આ વાત ની સાબિતી આપે છે. આ ફિલ્મમાં જે કઈ ઘટનાઓ ઘટી છે એ કોઈપણ ફિલ્મ અને એના સ્ટોરી ટેલીંગ માટે મોટો ખતરો છે, જે ખતરો માર્વેલે ઉઠાવ્યો પણ છે અને સારી રીતે નિભાવ્યો પણ છે.

આ ફિલ્મમાં ઘણા સવાલો ઉઠે છે જેના જવાબ (અથવાતો હિન્ટ) આપણને એન્ટ મેન એન્ડ ધ વાસ્પ(જુન 18) અને કેપ્ટન માર્વેલ (માર્ચ 2019) માં મળવાની છે. અને આ સવાલો, આ વીસ વાર્તાનો અંત આપણને આવતા ઉનાળે એવેન્જર્સ 4 માં તો ચોક્કસ જોવા મળશે. એક ખાસ વાત આખી ફિલ્મ પૂરી થયા પછી છેલ્લે એક આફ્ટર ક્રેડીટ સીન આવે છે, જેમાં માર્વેલે ટેવ મુજબ ભવિષ્યની હિન્ટસ આપી છે. એ સીન ખાસ જોવા વિનંતી.

ત્યાં સુધી, ઇન્જોય એવેન્જર્સ ઇન્ફીનિટી વોર અને હા, સમજદાર બનો અને કોઈને સ્પોઈલર કહી એની ફિલ્મ જોવાની મજા ન બગાડશો…

સહલેખન: પ્રાપ્તિ બુચ અને પ્રશમ ત્રિવેદી 

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here