લો કરો વાત! એમ કાઈ ભૂતકાળ ભૂલી જવો સહેલો છે ખરો?

0
362
Photo Courtesy: hopehouse.org.za

‘તમે ભૂતકાળને ભૂલી જાઓ અને વર્તમાનમાં જીવો’ આવી શિખામણ ઘણી વખત દેખાદેખીમાં જ અપાતી હોય છે. શિખામણ આપનાર પોતે પણ સમજતો જ હોય છે કે, ‘બોલવું સહેલું છે, અમલમાં મૂકવું અઘરું છે.’ ભૂતકાળ ભૂલ્યો ભૂલાતો નથી. માણસના માથા પર કોઈ એવું બટન નથી કે, આ દબાવ્યું ને આ ભૂતકાળ જાય ગોથાં ખાતો!

Photo Courtesy: hopehouse.org.za

ભૂતકાળ ભૂલી જવાની ડાહી ડાહી વાતો લખનારા લેખકો પોતે જ ભૂતકાળની માયાથી સંપૂર્ણ મુક્ત હોતા નથી. ભૂતકાળ ભૂલી જવાની વાત લખી હોય એના થોડા દિવસો પછી એમનાં જ લખાણોમાં એમનો ભૂતકાળ ડોકિયાં કરતો હોય! એમના બાળપણની વાતો લખી હોય, વતનની વાતો લખી હોય, જૂના મિત્રોની વાતો લખી હોય, પોતાના સંઘર્ષની વાતો લખી  હોય. એટલું જ નહીં, જાણે અજાણ્યે એમ પણ લખ્યું હોય કે, ભૂતકાળમાં આજના કરતાં ઘણું ઘણું સારું હતું.  કૃષ્ણ ભગવાન અને સુદામાજી ઘણા સમય પછી ભેગા થયા ત્યારે એમણે પણ હોંશે હોંશે એમના ભૂતકાળનું સ્મરણ કર્યું હતું. ભગવાનને પણ ભૂતકાળ સાંભરી આવતો હોય તો આપણે શો વાંક? આપણે તો પામર માનવી!

લેખકો, કવિઓ, કલાકારો, ઇતિહાસકારો, સંશોધકો એ બધા માટે તો ભૂતકાળ ખૂટે નહીં એવો ખજાનો છે. રસનો સાગર છે. આનંદ પામવાનું સાધન છે અને આજીવિકાનું પણ સાધન છે. જૂની ડાયરીઓના સહારે વર્તમાનપત્રોની કોલમો લખનારા લેખકો બેઠી આવક મેવી શકે છે. હજારો વરસ જૂની કેટકેટલી કથાઓ આજે પણ લોકો સાંભળે છે. ભલે થોડો ઘણો ફેરફાર થતો હશે પણ મૂળ કથા તો એની એ જ ને?  કથા કરનારાને કોઈ એવું તો નથી કહેતું કે, ‘મહારાજ, આ હનુમાનજી સીતાને શોધવા ગયા હતા એ વાત તો ભૂતકાળની થઈ ગઈ, વર્તમાનની વાત કરો કે, પૈસા નીકળે એવું ATM શોધવા કઈ દિશાએ જવું?’

ફિલ્મનું સર્જન કરનારાઓ તો, સૂતેલા ભૂતકાળને પાછો જગાડે છે! સંજય લીલા ભણસાલી જેવા સર્જક તો ભૂતકાળને વતાવી શકે છે અને વટાવી પણ શકે છે. આ બાબતમાં એમને સારી ફાવટ આવી ગઈ છે. કેટલાંય દર્શકોને ભૂતકાળમાં ડૂબકીઓ મારીને વર્તમાનની નરી વાસ્તવિકતાથી  છૂટકારો મેળવવાનું ગમે છે. એવા દર્શકોને ભૂતકાળમાં ડૂબકીઓ મરાવનારા વશરામ ભૂવા જેવા સર્જકો પોતાનો વર્તમાનકાળ સુધારી શકે છે.

માણસ માટે બધી સ્મૃતિઓ ટાળવા યોગ્ય નથી હોતી. કેટલીક સ્મૃતિઓ પાળવા યોગ્ય હોય છે. એને લીધે એના વર્તમાન પર અવળી અસર નથી થતી હોતી. ક્યારેક તો એ વધારે ઊર્જા આપનારી પણ હોઈ શકે. એને જૂની પ્રસન્નતાનો અનુભવ પણ કરાવનારી હોય છે. એ પ્રસન્નતા એને વસમાં વર્તમાન સામે ટક્કર લેવામાં બળ પૂરું પાડનારી પણ હોઈ શકે. ‘અમારે અત્યારે શહેરમાં ભલે ફળિયા વગરના ફલેટમાં રહેવાનો વારો આવ્યો, પણ એક જમાનામાં અમારે ગામડે ડેલીબંધ મકાન હતું. ફળિયું તો કેવડું મોટું! એવડો તો કોઈ પાર્ટીપ્લોટ નહીં હોય આ શહેરમાં! ઓસરી તો એટલી લાંબી કે, સો જણ લાંબા થઈને સૂઈ જાય!’ ભૂતકાળને યાદ કરીને કોઈ માણસ આવી વાત માંડે ત્યારે એને કેટલું જોર ચડતું હોય છે! એના મનને કેટલું સારું લાગતું હોય છે. બસ, એ સારું લાગે એ જ મહત્ત્વનું. બાકી, વર્તમાનની વાસ્તવિકતાને શું ધોઈ પીવાની છે?

સો વાતની એક વાત! ભૂતકાળ યાદ કરાય, પરંતુ એને યાદ કરીને દુઃખી ન થવાય. વળી, ભૂતકાળને યાદ કરીને વર્તમાનની વગોવણી ન કરાય. ‘You Tube’ પર જૂનાં ફિલ્મી ગીતો પસંદ કરનારાઓ પોતાની પ્રસન્નતા વ્યકત કરતી વખતે ઘણા લોકો ભાવુક થઈ જતા હોય છે. એ લોકોની દૃષ્ટિએ સાઈઠ અને સિત્તેરના દાયકાનો સમય એટલે હિન્દી ફિલ્મી ગીતોનો સુવર્ણકાળ. જૂના ગીતકારો, સંગીતકારો, કલાકારો માટે એ લોકો પ્રશંસાભર્યા શબ્દો લખતા હોય છે. એમાં કશું ખોટું નથી. આપણે જાણીએ છીએ કે, કેટલાંક જૂનાં ગીતો માત્ર મોટી ઉમરના લોકોને જ નહીં, યુવાનોને પણ ખૂબ જ ગમતાં હોય છે. પરંતુ, ક્યાંક ક્યાંક એવું જોવા મળે છે કે, જૂના ગીતોને પસંદ કરનારા લોકો પોતાની પ્રસન્નતા વ્યક્ત કરીને અટકી નથી જતા, પરંતુ પોતાની કડવાશ પણ વ્યક્ત કરી દેતાં હોય છે. એ લોકો જૂનાં ગીતોની સરખામણી આજનાં નવાં ગીતોની સાથે કરીને નવાં ગીતસંગીત માટે ‘બકવાસ’ અને ‘ઘોંઘાટ’ એવા શબ્દો વાપરીને પોતાનો અણગમો વ્યકત કરી દેતા હોય છે અને પછી કોઈની સાથે વિવાદમાં ઉતરી જતા હોય છે. સરસ મજાનાં ગીતો બાજુ પર રહી જતાં હોય છે અને વગર જોઈતી મગજમારીનું આગમન થઈ જતું હોય છે.

કેટલાક લોકો અવારનવાર ભૂતકાળ યાદ કરીને પીડા વ્યક્ત કરતા હોય છે કે, પહેલાં જેવું હતું એવું હવે નથી રહ્યું. એમને પોતાનું જ ગામ કે શહેર અજાણ્યું અજાણ્યું લાગવા માંડે છે. બદલાતા વાતાવરણ સાથે એ જોડાણ જાળવી નથી શકતા. ભૂતકાળને યાદ કરીને દુઃખી થવાની આ રીત છે.  ‘એક સરખા હોય ના અવસર કદી, આંખને જોવું પડે નવતર કદી.’ [કવિ હું પોતે! મંડળીમાં મને ન કોઈ ગોતે.]

જે માણસે કે એના પરિવારે ભૂતકાળમાં સંઘર્ષ કર્યો હોય, કપરી પરિસ્થિતિ વેઠી હોય એ માણસ વર્તમાનમાં બે પાંદડે થયા પછી ભૂતકાળને એટલી હદે ભૂલી જાય કે, નજર સામે સંઘર્ષ કરતા લોકોની તરફ નફરતની નજરે જોવા લાગે! ભૂતકાળને ભૂલી જવાની આ રીત માટે શું કહેવું? જેમણે એક વખત બે ટંક ખાવાના ફાંફા હતા એ લોકો, ‘ગરીબોને દરિયામાં ફેંકી દેવા જોઈએ’ એવા વિધાન કરે ત્યારે એમણે પોતાનો ભૂતકાળ યાદ નહીં આવતો હોય? એમની વિચારસરણી માટે એમનો ભૂતકાળને ભૂલી જવાનો અવગુણ જ જવાબદારને?

દોડતા જમાના સાથે ભલે કાયમ માટે દોડી ન શકાય પરંતુ જમના સાથે દોડનારાઓને જોઈને આનંદિત થવાની પણ એક મજા છે. ભૂતકાળની સરખામણી વર્તમાન સાથે હકારાત્મક રીતે કરવાની આદત કેળવવા જેવી છે. એ એક મજાની આદત છે. જેને લીધે ન તો ભૂતકાળ માટે કડવાશ રહે છે ન તો વર્તમાન માટે. આપણા પોતાના જીવનને, આપણી આસપાસ રહેતા લોકોના જીવનને, બદલાતા સમાજને અને બદલાતા જમાનાને સમજવાની કળા શીખવા જેવી છે. બાકી,  ટીવી પર બચ્ચન બાપુ અવારનવાર બોલે જ છે કે: ‘બાબુજી કહતે થે કિ, જબ તક જીવન હૈ તબ તક સંઘર્ષ હૈ.’ :

eછાપું

તમને ગમશે: ગ્રામીણ અને ગરીબ મહિલાઓ માટે સરકાર લાવી બાયોડીગ્રેડેબલ સેનેટરી નેપકિન્સ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here