AIIMS હોસ્પિટલને રાજકારણનો અડ્ડો બનાવવા માંગતા હતા લાલુ યાદવ

0
378
Photo Courtesy: amarujala.com

બે દિવસ અગાઉ બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી, રાષ્ટ્રિય જનતા દળના સર્વેસર્વા અને વિવિધ કૌભાંડોમાં આરોપ પુરવાર થયા બાદ જેલની સજા ભોગવી રહેલા લાલુ યાદવ દિલ્હી આવી પહોંચ્યા હતા. લાલુ યાદવની પોતાની તબિયત અંગે વિવિધ ફરિયાદો હતી જેને લઈને તેમને દિલ્હીની પ્રખ્યાત AIIMS હોસ્પિટલમાં ચેકઅપ માટે લઇ આવવામાં આવ્યા હતા.

બેશક કોઈ વ્યક્તિ ભલે આરોપી હોય કે ગુનેગાર હોય, છેવટે તે માનવી છે અને આથી માંદગીના સમયે તેને યોગ્ય સારવાર મળવી જ જોઈએ. પરંતુ જ્યારે એ ગુનેગાર દર્દી લાલુ યાદવ જેવો અઠંગ રાજકારણી હોય ત્યારે તેની દરેક હરકત પર ચાંપતી નજર રાખવી પણ જરૂરી હોય છે. આ મામલામાં પણ એવું કશુંક બન્યું કે જેણે લાલુ યાદવની AIIMS યાત્રા પર સવાલો ઉભા કરી દીધા.

Photo Courtesy: amarujala.com

લાલુ યાદવ જેવા AIIMS પહોંચ્યા કે તેના થોડા જ કલાકોમાં તેમને મળવા કોંગ્રેસ પ્રમુખ આવી પહોંચ્યા. લાલુ યાદવ રાહુલ ગાંધીના વડીલ છે આથી એમની ખબર પૂછવા તેઓ જઈ શકે છે એમાં કોઈને શંકા ન હોય. પરંતુ જ્યારે રાહુલ ગાંધી અને લાલુ યાદવની મુલાકાતના ફોટો સોશિયલ મિડીયામાં વાયરલ થયા ત્યારે ખ્યાલ આવ્યો કે લાલુ યાદવે જે પ્રકારની ફરિયાદો પોતાની તબિયત અંગે કરી હતી તેના પ્રમાણમાં તો તેઓ ખાસ્સાએવા તંદુરસ્ત લાગી રહ્યા છે.

આ અગાઉ પણ જ્યારે લાલુ દિલ્હી રેલ્વે સ્ટેશને આવી પહોંચ્યા ત્યારે તેમને કોઈ વાતે ત્યાં હાજર રહેલા અથવાતો એમની સાથે આવેલા એક પોલીસ અધિકારી સાથે બોલાચાલી થઇ અને માંદા લાલુ યાદવે એમને ધક્કો મારી દીધો. આ વિડીયો તો ન્યુઝ ચેનલોમાં પણ દેખાડવામાં આવ્યો હતો.

તમને ગમશે: બાળકોને ઘરે મૂકીને વેકેશન પર જઈએ તો શું આપણને પાપ લાગે?

ઉપરોક્ત બંને ઘટનાઓ લાલુ યાદવ ખરેખર બિમાર હતા કે કેમ એ અંગે શંકા ઉપજાવે છે. આપણે ત્યાં અમસ્તીયે એક પ્રથા છે કે પોતાના તમામ કાયદાકીય વિકલ્પો વાપરી દીધા બાદ અને ઇવન અમુક સમય પોલીસથી બચવા ભૂગર્ભમાં જતા રહ્યા હોવા છતાં જેવી કોઈ રાજકારણીની ધરપકડ થાય એટલે એની તબિયત અચાનક જ ખરાબ થઇ જાય છે. છાતીમાં દુઃખાવો થવો એ આ પ્રકારના લોકો માટે કોમન પ્રોબ્લેમ હોય છે.

ટૂંકમાં કહીએ તો જ્યારે ધરપકડ થાય ત્યારે પોલીસ કસ્ટડીમાં ઓછામાં ઓછો સમય ગાળવો પડે તે માટે રાજકારણીઓ છાતીમાં દુઃખાવાનું બહાનું કરતા હોય છે. જ્યારે લાલુ યાદવને તો ખાસીએવી દોઢ દાયકો જેલમાં ગાળવો પડે એટલી સજા થઇ છે આથી એમને પણ હોસ્પિટલ અને એ પણ AIIMS જેવી હોસ્પિટલમાં થોડો સમય વેકેશન ગાળવાનું મન થાય એ સ્વાભાવિક છે.

પરંતુ લાલુ યાદવ ના હોસ્પિટલ આવવાથી RJDના કાર્યકર્તાઓ પણ ત્યાં પહોંચી ગયા હતા અને એમણે દરરોજ AIIMS આવતા દર્દીઓ અને સામાન્ય જનતાને જે હાલાકી પહોંચાડી હતી તેનો કોઈ હિસાબ થાય એમ નથી. ન્યુઝ ચેનલોમાં દેખાડવામાં આવેલા એક બીમાર બાળકના પિતા જે માંડમાંડ RJD કાર્યકર્તાઓની ભીડ ચીરીને ડોક્ટર સુધી પહોંચી શક્યા અને એમની આંખમાં આંસુ હતા તે જોઇને કોઈના પણ મનમાં લાલુ યાદવ દ્વારા રચવામાં આવેલા આ કારસા પ્રત્યે રોષ પ્રગટ થાય.

લાલુ યાદવના આવવાથી પોતાના દર્દીઓને પડતી તકલીફ અને કદાચ લાલુ યાદવ ફિટ છે એવું મેડિકલી પુરવાર થઇ જતા સાંજ પડતા જ AIIMS દ્વારા તેમને ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો હતો. આપણા જેવા વ્યક્તિ અને આપણા કુટુંબીઓને હોસ્પિટલમાંથી આપણને ડિસ્ચાર્જ આપવામાં આવે તો ખુશી થાય, પણ લાલુ યાદવ તો ગુસ્સે થઇ ગયા. તેમણે અને તેમના પુત્ર તેજસ્વીએ આ ડિસ્ચાર્જને રાજકીય ષડ્યંત્રનું નામ આપી દીધું.

લાલુ યાદવના આ નાટકથી હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલા યાદ આવી ગયા. 2014માં ચૌટાલા જે અગાઉ શિક્ષકોની ભરતીના સ્કેમમાં ગુનેગાર સાબિત થઈને દસ વર્ષ માટે જેલમાં ગયા હતા એમણે તબિયતના ગ્રાઉન્ડ પર પેરોલ માંગી. પેરોલ પર છૂટવાના અમુક જ દિવસોમાં ચૌટાલા પોતાના પક્ષ માટે ગ્રાઉન્ડ પર પ્રચાર કરતા જોવા મળ્યા અને પોલીસના ધ્યાનમાં આવતા એમને તરતજ પકડીને ફરીથી જેલમાં નાખી દીધા. લાલુ યાદવ ચૌટાલા કરતા વધારે ભોળા હોય એ વાતમાં માલ નથી.

લાલુ યાદવનું કહેવું છે કે ઝારખંડમાં એમને વ્યવસ્થિત સારવાર મળે તેવી કોઈજ હોસ્પિટલ નથી. તો લાલુ યાદવ ખુદ તેના માટે જવાબદાર છે કારણકે બિહારથી છુટા પડ્યા અગાઉ ઝારખંડ પર લાલુ યાદવેજ શાસન કર્યું હતું. જો આ સમયમાં એમણે રાંચીમાં સારી હોસ્પિટલનો પાયો પણ નાખ્યો હોત તો પણ આજે તે કાર્યરત થઇ ગઈ હોત. બાકી જો લાલુ યાદવનું AIIMSમાંથી વહેલું ડિસ્ચાર્જ રાજકારણનો હિસ્સો હોય તો રાહુલ ગાંધી સાથેની એમની મુલાકાત ઓછી રાજકીય ન હતી કારણકે દિલ્હીને બદલે રાંચીથી નજીક આવેલા પટના કે પછી કોલકાતા જઈને પણ તેઓ પોતાનો ઈલાજ કરાવી શક્યા હોત.

આ સમગ્ર મામલામાં એક સવાલ જે કદાચ દેશના મેઈન સ્ટ્રીમ મિડિયા કે સોશિયલ મિડિયામાં પણ નથી પૂછવામાં આવ્યો એ પૂછવાનું મન થાય છે. લાલુ યાદવ તો હવે સાબિત થયેલા ગુનેગાર છે અને એમના પર વર્ષો સુધી જેલમાં ગાળવાનો ફેંસલો આવી ગયો છે. તો ઝારખંડ પોલીસ એમને કેદીના કપડામાં નહીં અને સામાન્ય કપડામાં દિલ્હી અને એ પણ રેલવેના ACક્લાસમાં લઇ આવી?

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here