આપણા દેશમાં સ્પોર્ટ્સ પ્રત્યે પહેલાં રુચિ એટલી વિકસી નહોતી. ખાસ કરીને, આપણી દીકરીઓ, કે જેઓ પણ સ્પોર્ટ્સમાં રુચિ ધરાવતી હોવા છતાં, તેમને યોગ્ય પ્લેટફોર્મ ન મળ્યું હોવાથી આ પ્રસિધ્ધિથી રૂબરૂ થઈ શકી નથી. વર્ષો પહેલાં દીકરીઓને ભણવા પણ દેવામાં આવતી નહી ત્યાં સ્પોર્ટ્સ વિશે માહિતી જ ક્યાંથી હોય? અને જો રસ હોય તો પણ ઘરની બહાર નીકળવાનું, એ પણ એક સાહસ ભર્યું ડગલું કહેવાતું.

પણ આજના સુશિક્ષિત અને બદલાવ આવેલા જમાનામાં દીકરીઓ પણ દરેક ક્ષેત્રમાં ઘણી આગળ વધી રહી છે. તો પછી સ્પોર્ટ્સ શું કામ બાકી રહી જાય? સ્પોર્ટ્સ ક્ષેત્રે નામના મેળવી હોય તેવી ભારતની ઘણી દીકરીઓના નામ આપણે જાણીએ છીએ અને જાણવા જોઈએ. જેમ કે, પદ્મ શ્રી અને અર્જુન એવાર્ડ વિજેતા બેડમિંટન સ્ટાર સાઈના નેહવાલ, રાઈફલ શૂટિંગમાં રાજીવ ગાંધી ખેલ રત્ન અને અર્જુન એવાર્ડ મેળવનાર અંજલિ ભાગવત, એર રાઈફલ શૂટિંગમાં અપૂર્વી ચાંડેલા, અર્જુન એવાર્ડ મેળવનાર ક્રિકેટર મિતાલી રાજ, અંજુમ ચોપરા અને જુલણ ગોસ્વામી, પદ્મ શ્રી અને અર્જુન એવાર્ડ વિનર સ્વિમર બુલા ચૌધરી, રેસ્લિંગમાં ગીતા ફોગટ, આર્ચરીમાં દીપિકા કુમારી, જીમનાસ્ટ દિપા કર્માકર, ચેસમાં અર્જુન એવાર્ડ મેળવનાર ડ્રોનાવલ્લી હરીકા, વિગેરે વિગેરે…
કોમનવેલ્થ ગેમ્સની તાજેતરમાં સમાપ્ત થયેલી 21 મી આવૃત્તિમાં ગોલ્ડ જીત્યા પછી ગયા અઠવાડિયાના અંતમાં ભારતીય બેડમિંટન ખેલાડી સાઇના નેહવાલે કહ્યું હતું કે તે ભારત ઓલિમ્પિક અને એશિયાઈ ગેમ્સમાં વધુ મેડલ મેળવે તેવી ઇચ્છા ધરાવે છે.
સાઈના નેહવાલે કહ્યું કે, “આપણા દેશમાં, હવે રમતો એક સંસ્કૃતિ બની રહી છે, મને ખુશી છે કે દરેક વ્યક્તિ સારી રીતે રમી રહી છે, અત્યંત સારી રીતે મહેનત કરી રહી છે અને સ્પોર્ટ્સ ભારતમાં લોકપ્રિય બની રહ્યું છે.તે ઉપરાંત હું માનું છું કે આપણા વડાપ્રધાન ખૂબ સારી રીતે સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપી રહ્યા છે. લાગે છે કે તે તમામ ખેલાડીઓની તમામ વિગતોને અનુસરી રહ્યા છે. હું ખરેખર ખેલાડીઓને મોટા પ્રમાણમાં ટેકો પૂરો પાડવા બદલ તેમનો આભાર આપવા માગું છું.તેમણે અમને બધાને મળવા માટે પણ આમંત્રણ આપ્યું છે.બધા ખેલાડીઓ માટે આ એક મહાન તક છે. મને લાગે છે કે તેઓ ખેલાડીઓ માટે ખરેખર સારા વડાપ્રધાન સાબિત થયા છે અને સરકાર તરફથી અમને ટેકો મળી રહ્યો છે.”
જો કે, સાઈનાએ વધુમાં ઉમેર્યું હતું કે, તે ભવિષ્યમાં ભારત માટે આવા ઘણા બધા મેડલ જોવાની આશા રાખે છે. તેમણે કહ્યું કે,”મને આશા છે કે ભવિષ્યમાં આપણને ઘણા વધુ મેડલ મળશે, જેમ કે કોરિયા અને ચીન એશિયાઈ ગેમ્સ અને ઓલિમ્પિકમાં મેળવે છે. ઘણા પરિવર્તનો થઈ રહ્યાં છે એટલે હું આશા રાખું છું કે ભવિષ્યમાં અમે ઘણાં વધારે ખેલાડીઓ રમીશું.”
નોંધવું જોઈએ કે પ્રતિષ્ઠિત મલ્ટિ-સ્પોર્ટ્સ ગેમ્સની મિક્સ-ટીમ સ્પર્ધામાં નહેવાલે CWG માં પ્રથમ સુવર્ણચંદ્રક જીતનાર સ્ટાર-સ્ટડેડ ભારતીય બેડમિન્ટન ટીમને માર્ગદર્શન આપ્યું હતું.
સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા રહેવાની અને તેમાં આગળ વધ્યા પછી પણ સરકાર તરફથી ઘણી બધી જોગવાઈ કરવામાં આવી છે. સ્પોર્ટ્સ કોટામાં આવવાથી સરકારી નોકરી મળવામાં સરળતા રહે છે. જોબ સિક્યોરિટીની સાથે સાથે શોખ પણ પૂરાં થાય છે. દીકરીઓ સ્પોર્ટ્સમાં આગળ વધવા માટે સક્ષમ હોય અને સ્ટેટ લેવલ પર આગળ હોય તો સરકાર તેમને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા સ્કૉલરશિપ પણ આપે છે.
આજકાલ તો અંજુમ ચોપરાને ફીમેલ ક્રિકેટ કમેંટેટર તરીકે પણ આપણે સાંભળી શકીએ છીએ. એટલે કે, કોઈ પણ સ્પોર્ટ્સ પર્સનની કેરિયર ભલે 15-20 વર્ષ સુધી જ હોય પરંતુ નિવૃત્તિ પછી પણ સ્પોર્ટ્સનાં વિવિધ ક્ષેત્રોમાં જેમકે કોચિંગ અને કોમેન્ટ્રીમાં પણ તેઓ કાર્યરત રહી પોતાની ઓળખ બનાવી રાખે તેવી તકો હવે ઉભી થઇ છે.
દીકરીઓની જવાબદારી રસોડા પૂરતી સીમિત ન રહેતા દેશમાં રહીને કે વિદેશની ધરતી પર પણ મેડલ કે ટ્રોફી જીતીને દેશનું ગૌરવ વધારવાની કહી શકાય. દીકરીઓની ક્ષમતા પારખવાના ધોરણો હવે બદલાયાં છે. કદાચ કોઈ વ્યક્તિ ભણતરનો ભાર સહન ન કરી શકે પણ સ્પોર્ટ્સમાં તેને રસ હોય છે તો ભણવાની સાથે સાથે તેને મનગમતા સ્પોર્ટ્સની તાલીમ આપવામાં આવે તો તેની લાઇફ સુધરી શકે છે. સરકારી નોકરીની સુરક્ષા કે પછી ખાનગી સંસ્થાઓમાં ઉચ્ચપદે રહેલી મહિલાઓની આપણે કદર કરવી જ જોઈએ પરંતુ નવા જમાનાની નવી રીતભાતને ફોલો કરીને તેમજ પધ્ધતિસરની વિચારસરણી દીકરાઓ સાથે દીકરીઓ માટે સ્પોર્ટ્સની દુનિયામાં પણ સુરક્ષિત ભવિષ્યના દરવાજા ખોલી નાખે છે. અને એના માટે પહેલ કરવી, એ દરેક માતાપિતાની નૈતિક જવાબદારી છે.
અસ્તુ!!
eછાપું
તમને ગમશે: સાઉથ કોરિયા ના 10 અજબ પ્રતિબંધો જે તમને આશ્ચર્યચકિત કરી દેશે