“ઓ મારી મા, મરી ગયો.. તું મારૂં ખુન કરી નાખીશ..”
મારાથી ત્રણ ગણી ઉંમરના પેશન્ટ કાકા મને મા કહી બરાડ્યા. મેં કડક મા ની જેમ જ એનો હાથ મરોડયો, પીઠ પાછળ હાથ રાખી એમને પાછળ ઝુકાવ્યા. એમણે ફરી રાડ નાખી “કોઈ બચાવો.. મરી ગયો..”
થોડું તરફડી,બુમ બરાડા પાડી એ સ્વસ્થ થઈ ગયા, ઉપરથી કહે “થેન્ક્સ ડોક્ટર. હવે ઘણો ફેર છે.”
મા બાપ યાદ આવે એમ રાડો પાડવાના પણ પૈસા આપ્યા ને ઉપરથી આશીર્વાદ તો લટકામાં. મેં કહ્યું “ થોડું સહન કરવું પડશે પણ કસરત કરતા રહેજો, દવા મેં આપી એ લેજો અને નેક્સ્ટ સીટીંગ પરમદિવસે.”
એ મરી નહોતા ગયા, મને માંડ ઊંચા થતા હાથે ઘણું જીવવાના આશીષ આપીને એ ગયા.
મેં બેલ મારી. નેક્સટ પેશન્ટ..
એ ફુલગુલાબી પરી આવી, મને “હાય દીદી” કહી ફ્લાઈંગ કિસ આપી. એની મા કહે “ગુડ મોર્નિંગ ડોક્ટર મેડમ કહેવાય.“ મેં કહ્યું “ના, ભલે દીદી કહે. પર્સનલ બોન્ડિંગ ટ્રીટમેન્ટમાં જરૂરી છે.” મેં એના ટચુકડા પગે ટ્રીટમેન્ટ આપી.” સ્કેટિંગમાં હવેથી બેલેન્સનું ધ્યાન રાખજે” કહી એની મા ને સૂચનાઓ આપી, કાલે ને એક વીક રોજ લાવવા કહ્યું. મા તો કહે એને ટીચર કરતાં તમે વધુ ગમો છો. અમથી ઉપાધિ આવી પડી.” મેં કહ્યું “ બાળકોનું તો આવું ચાલ્યા કરે.” એ પરીને મેં તેડી ટેબલ પરથી ઉતારી તો મને આવેશમાં વળગી કિસ કરી કહે, “દીદી,તમે કેટલાં બ્યુટીફૂલ લાગો છો?” એ કિલકીલાટ કરતી દોડવા ગઈ પણ તીવ્ર વેદના એના મુખ પર આવી. એ ગઈ, ક્લિનિકમાં જાણે પ્રભાત ખીલાવતી ગઈ.
મેં ઘડિયાળ જોઈ. છેલ્લું પેશન્ટ. મેં બેલ વગાડી “ પેશન્ટ નં. 26” બોય બોલ્યો .
રૂમનું બારણું ચરર.. કરતું અત્યંત ધીમેથી ખુલ્યું .
અત્યંત આસ્તે આસ્તે એક વયસ્ક, સ્થુળ, ગૌરવર્ણી ત્વચા, અર્ધા સફેદ વાળ, વેદનાસભર મોટી આંખોવાળા આંટી સહેજ હાંફતાં દાખલ થયાં. પાછળ એનાવાળા અંકલ. લચી પડેલું પેટ, ઊંચા, મોટા. આંટીને જાણે કોઈ પોતાના પાલતુ પ્રાણીને આગળ રાખી દોરે એમ પાછળ આવ્યા. એમણે ચેર ખેંચી પોતે બેસી ગયા અને આંટીને બાજુની ચેરમાં બેસવા ઈશારો કર્યો. તુરત ચાલુ થઈ ગયા.
“મેઇડમ, ઇસે કમર કા બહોત દર્દ હો રહા હે. ન તો બેઠ શકતી, ન તો સો શકતી.. ન તો ઘરકા કોઈ કામ કર શકતી. લગતા હૈ અપાહીજ હો રહી હે. ઓર્થો. ડો. … ને આપકા નામ સજેસ્ટ કીયા.”
આજની મારી લાસ્ટ પેશન્ટ નં.26 ટેબલનો ટેકો લેતી માંડ ખુરશી પર બેઠી. લાલ લિપસ્ટિક વાળા હોઠ ક્યારેક ગુલાબની પાંદડીઓ જેવા હશે. મો પર કરચલીઓ તો ઉંમર સહજ હોય પણ આ તો હોઠની બાજુમાં રેખાઓ તંગ જ રહેતી હોય એમ ખેંચાયેલી. અંકલે એક્સરે બતાવ્યો, ડોક્ટરની ચિઠ્ઠી. લુમબાગો 3 માં તકલીફ. આંટી પડ્યાં હતાં. અંકલની કોમેન્ટ્રી ચાલુ. “યીસ ઉંમર મેં ભારી શરીર, ઘુમના કમ…યે ઇતને બઢે હુએ..( આંટીના વિશાળ નિતંબો તરફ નિર્દેશ)..”
મેં કોમેન્ટ્રી સ્ટોપ કરાવી. કોઝ ગમે તે હતું, ઇફેક્ટ ખૂબ પેઈનથી સભર છે. એ તો થાય એ જ જાણે. આંટીએ ઇન્દિરા કટ, વચ્ચે સફેદ લટ રાખેલી, એ ગુંગી ગુડિયા તો નહીં જ હોય. મેં એને જ હકીકત પૂછી, માંડ મો ખોલી નીચું જોઈ એમણે પાછળ ક્યાં પેઈન થાય છે એ રોતા, ધ્રુજતા અવાજે કહ્યું.

મેં આંટીને જ કહ્યું કે શેક લેવા પડશે અને હું કરાવું એ કસરત. પેઈન કિલર ડોક્ટરે લખી છે એ પુરતી છે. આંટી ને હાથ દઈ ટેબલ પર સુવાડયાં અને પગ ઊંચા કર્યા. આંટીએ ચીસ નાખી. “ઓહ, મર ગઈ રે.. મેરે શરીર કે દો ટુકડે હો ગયે રે..”
મેં એમનું ધ્યાન વાતોમાં પરોવવા પૂછ્યું “ બચ્ચે કયા કરતે હૈ?”
આંટી કહે “ હા. બેટી. આપસે થોડી બડી, હોશીયાર કુડી. એક બેટા ભી.. બાહર સ્ટડી કરતા હૈ.”
“જબ યે લોગ પેદા હુએ થે તબ કિતના પેઈન હુઆ થા?”
“હાં, એન્ની આગલ આ કુછ ન હે” આંટી એ ગુજરાતી થોડું આવડે છે એ જાહેર કર્યું.
“બસ.તો આ પણ સહન કરી લો. ઈશ્વર પીડા એટલે જ આપે છે કે જેથી આનંદ ની કિંમત રહે. એ દુઃખ આપે છે જે આવનારા સુખની છડી પોકારે છે.”
વાત વાત માં ટ્રીટમેન્ટ પુરી. આંટી નું નામ પુછ્યું, કમલા કૌર.
મેં કહ્યું “કમલાજી, આપ પુરે ખીલે કમલ કી તરહ હી હૈ. ઔર કમલ જેસી હી લિસ્સી, સુંદર. પુરી વિકસિત.“
“ચારોં તરફ” અંકલે બિન જરૂરી મમરો મુક્યો. કમલા છોભીલી પડી ગઈ, મેં એની પીઠ થપથપાવી.
“યે રોજજ આન્ના ઝરૂરી હે કયા?” અંકલે પૂછ્યું.
“ડોહા, આ ઉંમરે બીજી નહીં મળે. એક મળી એ પણ સતગુરુનો પાડ માન. એને તારી વેઠ કરવા પણ ઉભી કરવી પડશે.” મેં મનમાં ચોપડાવી.
મેં હકારમાં માથું ધુણાવ્યું.
‘કમળના કાદવ’ એ કહ્યુ “જબરા ઘૂસ ગયા ખર્ચા. ઠીક, આપ હોમ વિઝીટ કરતી હે ક્યા?”
મેં સવારે કરું છું કહી ફી કહી. કાદવ કાકા મો બગાડી સંમત થઈ ગયા.
તો મેં મારા પેશન્ટ નં. 26 ની હોમ વિઝીટ શરૂ કરી.
મારા શૈશવમાં મેં જોયેલી મુન્નાભાઈ ફિલ્મ માં ડો. અસ્થાનાનો ડાયલોગ યાદ આવ્યો, “તમે પેશન્ટના દર્દ સાથે ઓતપ્રોત થાઓ, પેશન્ટ સાથે નહીં.“ ના, આ ભારત છે. અહીં હજી ડો.- દર્દી વચ્ચે લાગણીનો સેતુ બંધાય છે, ટકે પણ છે અને એ જાદુની જપ્પી નું કામ કરે છે.
હું હોમ વિઝીટમાં કમલા કૌરને ઘેર ગઈ. મારી પેશન્ટ નં 26 કમલા કૌર બેડ પર ઊંઘી પડી. હા, એના નિતંબો મોટા હતા, મને ખુદને ચાર રસ્તે બેસતા કુંભારનાં માટલાં યાદ આવ્યાં. એની સાથળો પહોળી હતી પણ માંસ થી. નીચેનું શરીર ઉપરના અર્ધા નો ભાર ઝીલી હવે થાકવા લાગ્યું હતું. પેશન્ટ નં 26 દુનિયાથી જ થાકવા લાગેલી.
રાડા રાડો વચ્ચે ચાર પાંચ વાર મેં કમલાને મારી પણ નાખી અને જીવાડી પણ. એના જ શબ્દો માં.
કમલાએ ડરતાં ડરતાં અંકલને પૈસા આપવા કહ્યું. નીચું જોઈ કહે “હું મુઈ પડી ને એમને ખર્ચો કરાવતી ગઈ.”
મેં પૂછ્યું કે કેમ કરતાં, એમણે કહ્યું કે ઊંચે કિચનની અભેરાઈ સાફ કરતાં, સ્ટુલ ખસી ગયેલું.એમાં પણ સિંક નું પાણી ઢોળાયેલું.પડી અને સહેજ લપસી.
મેં કહ્યું “અંકલજી ક્યાં હતા?”
“થોડી વાર સ્ટુલ પકડી ઉભેલા. ત્યાં મેચમાં કોઈ વિકેટ ગઈ ને એ જોવા ચાલ્યા ગયા. આમેય રસોડાનું કામ તો આપણે સ્ત્રીઓ એ જ કરવાનું હોય ને? મારે પાછળ ઝુકવું જોઈતું ન હતું. આ એક શરીર ભારે થઈ ગયું છે..ઉપાધિ.
હું ખુદ એક ઉપાધિ બની ગઈ છું. નથી ઝાઝું ચાલી શકતી, નથી ઝૂકી શકતી.. થોડું ચાલું તો હાંફ ચડે છે,
સાવ નક્કામી બની ગઈ છું.”
કમલાની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યા.
મેં એનો માંસલ ખભો પસવાર્યો અને કહ્યું “કોઈ નકામું નથી. ઉમર સાથે કામ બદલાય. હવે તમે વડીલ છો. ધીમેથી ઘરના કામ કરો. સહુને મદદ કરો, બાળકોને રમાડો, હરો ફરો. હા, તમે ચાલવાનું રાખો. મન આનંદમાં રાખો. તમારામાં જ કહેવાય છે ,’મન ચંગા તો કથરોટ મેં ગંગા”
“સયાની બેટી મેરી.. સોરી ડો. મેડમ”
“ના, સયાની ડો. બેટી. તમારી બેટી અહીં નથી, તો હું તમારી બેટી.’
“તકદીર ક્યાં મારાં કે આવી ,જાણે સોનપરી ગુલાબનો લેપ કરી ઉતરી હોય એવી સુંદર બેટી મારી?”
સારું. કમલાને પેઈન કિલર આપી. સાથે માનસિક પેઈનકિલર પણ. ચાલવાની સલાહ આપી.એ ચાલે કે ન ચાલે, હું બેગ લઈ ચાલતી થઈ.
પેશન્ટ નં 26 ને ત્યાં હવે વિઝીટો આગળ વધી. કમલા હું જાઉં ત્યારે કોઈ ધાર્મિક પાઠ કરતી હોય, અંકલ ધંધે કાં તો છાપું લઈ બેઠા હોય. કમલાની આંખોમાં ઇજાથી થતી વેદના ઉપરાંત કોઈ વેદના ભરેલી. જાણે જિંદગીનો બોજો એ પરાણે વહન કરતી હોય.
એ વારંવાર પોતે સ્થૂળ છે, ઘરડી થઈ ગઈ છે, વજન ઉપાડી શકતી્ નથી, ઝડપી ચાલી શકતી નથી એ બદલ અફસોસ વ્યક્ત કર્યા કરતી, નિસાસા નાખતી. ક્લિયરલી એ ડિપ્રેશનમાં સરી ગયેલી. આમ તો મારું કામ પણ નિષ્ફળ જશે અને હું એ થવા દેવાની ન હતી.
મેં શેક આપી સાધન સમેટતા પૂછ્યું કે એને કઇ સારી પંજાબી વાનગી આવડે, નજીક પાકીટ કાઢી રહેલા અંકલ ટહુક્યા “રોજબરોજ કી રસોઈ. યે પરાઠા સાગ ..”
“ડોસલા, તને ચા પણ આ કરી દે છે. ચૂપ મર નહીતો તને હુવાડી દઈ તું યાદ રાખે એવી ‘ટ્રીટમેન્ટ’ આપીશ.” મેં મનમાં કહ્યું.
“આંટી, મીઠાઈ કૌન સી મુઝે ખિલાઓગે જબ યે મીટ જાયે?”
“મેરી સયાની, મગજી મજૂન. તું ઇતની મીઠી જો હૈ કલ હી ખિલાઉંગી”
બીજે દિવસે ખરેખર એણે ખવરાવી. સ્વીટ માર્ટ કરતાં ટેસ્ટ જુદો હતો પણ આ મીઠાઈએ એની આંખોમાં વાત્સલ્યની મીઠાશ આંજેલી હું જોઈ શકી.
બે દિવસ પછી મેં પૂછ્યું કે દીકરી શુ કરે છે, એ કહે સાસરે છે. બસ દર વીક ના ફોન કરે. લુધિયાણા છે. ચાર વરસ થયાં ગોદ ભરાઈ નથી. મને એની ચિંતા કોરી ખાય છે. હવે તો સાસરિયાં પણ મહેણાં મારે એમ તો એ રેલ્વેમાં નોકરી કરે છે, જમાઈ ઓટો કું. માં છે.
બહારના રૂમમાંથી ખોંખારો આવ્યો.
તેલ લેવા જા. હું કામવાળીઓની જેમ પંચાત નથી કરતી, જે કરું છું એ જરૂરી છે, ડોબા!
“આંટી, ચાલો મને મુકવા નીચે. મુળ તો એક ફૂલ નું નામ પૂછવું છે તમને.”
“ફોટો પાડીને લાવવો હતો ને બેટી?”
“ચાલો. ખુલ્લી હવામાં.”
“લિફ્ટમેં સમાલના, ફિર ગીર ન જાયે. યે ભારી શરીર, ઉમર..” કમળનો કાદવ બોલ્યો.
“ડોહા, તું બહુ પાછો પાતળિયો જુવાન. કોથળો છો કોથળો.” મેં મનમાં ચોપડાવી.
પુરા ખીલેલા કમળને દાંડી થડ જેવી ન હોઈ તકલીફ તો પડી. હું પેશન્ટ નં 26 નો આધાર બની. એ મારે ટેકે નીચું જોઈ સાથે આવી. નીચે ફૂલની ક્યારી હતી. મને બધાં ફુલોનાં નામ ખબર હોય, ન હોય, મેં પછી ગલગોટા સામે આંગળી ચીંધી કહ્યું “ આપ. ઐસી ખીલી હુઈ હૈ.”
“કયા સયાની બેટી, શામ ઢલ ગઈ મેરી. “એણે નમી રહેલાં સૂરજમુખી સામે આંગળી ચીંધી.
“નહીં, મમ્મીજી, ઐસી.આપ તો એસી શરમાતી હૈ.. “
મારી પેશન્ટ નં 26 માટે કમલાજી કે આંટી ને બદલે ‘મમ્મીજી’ વાપરી મેં હાઈ પાવરનો ડોઝ આપ્યો.
“અંકલ કો દેખકે કયા એસી હી શરમાતી હો?”
મેં લજામણી સામે આંગળી ચીંધી.
એ સાચે જ શરમાઈ ગઈ. અમે ગેઇટ સુધી ચાલ્યાં. મેં કહ્યું કે આ ગલગોટા જેવું ઓરેન્જ કુર્તુ એ પહેરે તો એને ખૂબ શોભશે.
“રંગીન વસ્ત્રો પણ જિંદગીના કેનવાસ પર રંગો ભર્યું ચિત્ર કરે જ છે, મમ્મીજી!” મેં ઉમેર્યું.
“તુને મુઝે મમ્મીજી કહા, બહોત ટાઈમ કે બાદ અચ્છા લગા. બેટા દૂર પઢતા હે. ફોન પે કુછ ભી, બોરી પ્યારી મોમ, મેરી મોટી મોમ, મોટ્ટુડી.. કુછ ભી કહતા હૈ સીવા પ્યોર મમ્મી.”
‘એને લાડથી કહો કે પહેલાં મમ્મી કહે પછી જ વાત કરીશ.પછી ભલે લાડમાં એ કહે. એકાદ વાર તમે પણ લાડ માં એને ભદદુ કહો.”
બીજી વિઝીટમાં ગઈ તો બેલ વગાડતાં એણે જ બારણું ખોલ્યું. એણે ઓરેન્જ કુરતી પહેરેલી, વાળ પણ આજે વ્યવસ્થિત ઓળયા હતા. મને મશીન પ્લગમાં ભરાવતાં ટીખળ સૂઝી. નીચેથી તોડી લાવેલું ગુલાબ આપી કહ્યું કે આ મારી ગલગોટી મમ્મી માટે. પણ ભરાવે અંકલ.
“એને ક્યાં આવડશે એક ફૂલ ભરાવતાં પણ? હૂંહ..” કહી કમલા એ મારી આંખમાં જોયું. મેં એની આંખ માં આંખ મેળવી કહ્યું કે તમે એ કરશો જ.
કમરથી પકડી પગ વાળતા મેં કહ્યું કે તમારા પગ અને હાથ તો માખણ જેવા લિસ્સા છે અને ફૂલ જેવા ગુલાબી છે. આખરે પંજાબ દી કુડી.
એ ઊંઘી પડી બે હથેળીથી પોતાનું મો ઢાંકી શરમાઈ ગઈ.
આજે એણે એકાદ ધીમી ચીસ જ નાખેલી. એ પણ ફિલ્મી હિરોઇન હીરો છેડે ત્યારે નાખે એવી.
ટ્રીટમેન્ટ હવે ઝડપથી કામ કરી રહી હતી. કમળ ખીલી તો રહેલું, દાંડી પર ઉભું પણ રહેલું.
બીજે દિવસે એને સુવાડી પગ ખેંચતાં પૂછ્યું કે અંકલએ ફૂલ નાખ્યું? એની જીભ બહાર નીકળી ગઈ. “એ તો..પંજાબી છે. ફૂલ તો નાખ્યું, માટલાં ને ટકોરા મારી કહે સાબૂત છે.. હાય રે.. હું શું બોલી ગઈ”
કમલા હવે નીચે ઉતરી મારી સાથે અને પછી થોડું ચાલતી. પહેરવેશ, બોલચાલમાં નિરાશા ઓછી દેખાતી. મારે એને ખુશીથી છલકતી જોવી હતી.
જરૂર પડે કે નહીં, ક્યારેક વહેલું મોડું થાય એટલે.મેં એનો નંબર માંગ્યો. થોડા હીંચકીચાટ બાદ એણે આપ્યો. આમ તો એ સાવ સાદું ડબલું રાખતી.મેસેજ અંકલના મોબાઈલ પર જે હોય એ મોકલવા કહ્યું.
મેં બીજી સવારે ઉગતા સુર્ય અને ઉડતા પંખી ના ચિત્ર સાથે ગુડમોર્નિંગ મેસેજ મોકલી લખ્યું “ચાંદ તારોકો છુને કી આશા.. મમ્મીજી, ઊડો.”
એણે કમળ પત્ર પર ઝાકળ બિંદુ નો મેસેજ મોકલી લખ્યું “તું એસી પ્યારી લગતી હે.”
બીજે દિવસે મેં મેસેજ મોકલ્યો ચંદા ચલે ચલે તારા તુઝકો ચલના હોગા..
એણે એક સ્માઇલી મોકલ્યું.
અંકલ એટલા પૂરતો પોતાનો મોબાઈલ એને આપતા.
હું જોતી કે મારી પેશન્ટ નં 26 ને હવે ખાસ ટ્રીટમેન્ટ ની જરૂર ન હતી. દુખાવો નહિવત્ હતો. એ ઉભી શકતી, ચાલી શકતી. જરૂર હતી એને ડિપ્રેશનમાંથી બહાર લાવવાની એ તો સાઈકીયાટ્રીસ્ટ કરે પણ મારે જ એ ટ્રીટમેન્ટ કરવી હતી. હું એક નારી છું. કોઈ મુરઝાયેલી નારીમાં મારે નારીત્વ ફરી સીંચવું હતું. સુકાયેલી ફુલવેલને જળ સીંચી ફરી પલ્લવિત કરવી હતી.
મેં, સામાન્ય રીતે જોતી નથી, જોવાનો ટાઈમ.પણ નથી, એ વોટ્સએપ મેસેજ ખાસ કમલાને મોકલવા શરૂ કર્યા. સપ્લીમેન્ટ.
વરસાદના ટીપાઓ અને વહેણ. ‘ધરતી અનેક ગણું દે છે, તે દેવા માટે પોતાને તૃપ્ત રાખે છે..પ્રફુલ્લિત રહો. ગુડ મોર્નિંગ.’
જવાબમાં નાનકજીનું કોઈ સુવાક્ય કે ભલાઈ ખલીહાનના દાણા ની જેમ જરૂર ઊગી નીકળે છે.
નીચે મારો ‘સયાની બેટી’ કહી આભાર. આમાં આભાર શાનો? ભારતની મેડિકલ સિસ્ટીમ. અહીં તો ડોક્ટર તમારી અંદર ઉતરી ઈલાજ કરે.
મેં આજે કેસ પેપર માં લખ્યું પેશન્ટ નં 26 કસરત કરાવી છે ડુઇંગ વેલ . હવે વિઝીટની જરૂર નથી. અંકલને હાશ થઈ. પૈસા બચ્યા.
મેં સૂચવ્યું કે આ તાવ ઉતરવા જેવું નથી. એની સાથે ધીમે ચાલી રોજ ચલાવો, કામ ઝુક્યા વગર કરે, દૂધ છાશ ને કેલ્શિયમ મળે એવું લે. અને સમય એની સાથે શેર કરો.
‘મમ્મીજી’ને પણ કહ્યુ કે કસરત ચાલુ રાખે. આ મારા પેમેન્ટમાં આવતું ન હોવા છતાં યોગની કેટલીક ક્રિયાઓ બતાવી, કરાવી. કહ્યું કે આનંદમાં રહેવું એ અમુક હદ સુધી આપણા હાથમાં છે. અરીસો પણ સ્મિત કરતી વ્યક્તિ જ ગમાડે છે.
કમલાને મોંએ બસ એક સ્ત્રી તરીકે મેં એના ગોરાં ગોળ મુખ ના વખાણ કર્યાં. મેં કહ્યું કે પુષ્ટ પંજાબી કુડીની આભા અલગ જ હોયછે. એ એવી સુંદર દેખાય છે. એ કહે ખરેખર? મેં કહ્યું વાહે ગુરુ. ખરેખર તમે ગોરા છો, લિસ્સી ચમકતી, નજર લપસી જાય એવી સ્કિન ધરાવો છો. રતુંબડા હાથે ખોટા મોતીના કંકણો શોભે છે તમને. એણે મને બાથ માં લઇ ચૂમી. એ અને અંકલ મારી સાધનોની બેગ હાથમાં લઈ નીચે મુકવા આવ્યાં.
મેં કહ્યુ “બસ , ચુનરી ઉડાડતી કુડી જેવા આકારના પંજાબની જેમ આનંદની ચુનરી લહેરાવતાં રહેજો. આવજો.”
“આવજો”
પેશન્ટ નં 26 એ હાથ હલાવી હસતે મુખે વિદાય આપી અને તુરત પીઠ ફેરવી ગઈ. એણે બે હાથના ખોબામાં મો ઢાંકી દીધું.
મારે આગળ વિચારવું જોઈએ નહીં. ડો. નું કામ દર્દીના દર્દને ઓળખવાનું છે, દર્દીને નહીં. સજળ નયને ગેઇટ છોડતાં હું એક ડોકટર, એક સ્ત્રી બની ગઈ.
પેશન્ટ નં 26 સારી થઈ ગઈ. ડોક્ટર, તારે એથી વધુ વિચારાય જ નહીં.
સમય નું વહેણ.
મારા લગ્નની આગલી રાતે ગરબાનો પ્રોગ્રામ. હું પૂર્ણ તૈયાર. કાલે તો સફેદ એપ્રોન ને બદલે સફેદ પાનેતર પહેર્યું હશે.
કોઈએ કહ્યું મને કોઈ.મળવા આવ્યું છે.
હું ઉઠી. મારામાં ખોવાયેલી. આજ કોઈ પેશન્ટ નહીં. અંદર ઉતરવું તો મારામાં. બહાર તો મારામાં.
હું બહાર ગઈ.
આ શું? મારાથી સહેજ મોટી, સિલ્કનું પંજાબી પહેરેલી સ્ત્રી મને એક મોટું ગિફ્ટ બોક્સ આપી રીતસર નમી, પાછળ નાનું છોકરું, વાળ માંડ બોચી સુધી હોય એટલા , બેન્ડ ભરાવેલી. લિટલ સરદાર તીણું બોલ્યો “નાની..” અને .. થોડું યાદ કરવું પડ્યું, યુવતી બોલી “કમલ કૌર, પેશન્ટ નં 26, બે વર્ષ પહેલાના.” ‘કમલા થોડી પાતળી થયેલી, સ્લિમ અને ફિટ લાગતી હતી. એ જ ગૌર વર્ણ, લિસ્સી ત્વચા. હવે એ વિશ્વાસથી છલકતી હતી. આંખોમાં કાજળ સાથે વાત્સલ્ય આંજયું હતું.
“ક્યા બાત હે,મેરી સયાની બેટી કી શાદી હો રહી હે? અંકલજી ગીર ગયે. ઓર્થો. ડો. કે પાસ ગયે થે. કસરત કે લિયે આપકી ઝરૂર પડી, ડો. ને સબ બતાયા. અબ બેટી કી શાદી ઔર મમ્મીજી નહીં આયે? દેખ યે મેરી બેટી. પોતા.”
ગરબા પુર જોશમાં શરૂ થયા.
‘મમ્મીજી’ સ્ટેજ પર દોડી આવી. કહે મારે ભાંગડા કરવું છે. પંજાબીમાં કોઈ ગીત સાથે નાચ કર્યો, મારો અને મારી મમ્મીનો હાથ પકડી જે નાચી છે.. અરે પેલા ‘માટલાં’ પણ મટકાવ્યા.
બીજે દિવસે હસ્ત મેળાપ બાદ હું જોઈ શકી, પ્લાસ્ટરવાળા, પાળીતા હોય એમ દોરાતા અંકલ સાથે, સિલ્કી ઓરેન્જ કુરતી, લાલ દુપટ્ટામાં..મોટાં ઘરેણાંઓથી શોભતી, લાલ ગુલાબ નાખી.. ગુલાબની પાંદડીઓ મારી પર વેરતી.. ગુલાબ જેવું જ ગોળ સ્મિત વેરતી..એ..
ના. મમ્મીજી નહીં કહું. મમ્મીથી તો દૂર જાઉં છું.
“તમે પેશન્ટના દર્દ સાથે ઓતપ્રોત થાઓ, પેશન્ટ સાથે નહીં.“ ડાયલોગ મેં મનોમન જોરથી મને જ કહ્યો.
આમેય અમારે ડોક્ટરોએ દર્દ ઓળખવાનું હોય, દર્દી નહીં. એ કોણ? બે વર્ષ પહેલાની પેશન્ટ નં. 26.
કથાબીજ: ડો. અક્ષી રાણા
eછાપું
તમને ગમશે: શોપિંગ કરતા કરતા થાકી જવાય એવા મુંબઈ ના Top 10 શોપિંગ પ્લેસીઝ