કર્ણાટકના મુસ્લિમોએ ભારે સંખ્યામાં કોંગ્રેસને મત આપવો જોઈએ: આઝાદ

0
346
Photo Courtesy: hindustantimes.com

ભારતનું ચૂંટણી પંચ અને ભારતની સુપ્રિમ કોર્ટ આ બંને સર્વોચ્ચ સંસ્થાઓ વારંવાર ટકોર કરી ચૂકી છે કે ચૂંટણીઓમાં ધર્મ કે સંપ્રદાયના નામે મત માંગવા નહીં. પરંતુ કોંગ્રેસ અને તેના વરિષ્ઠ નેતા અને રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ કદાચ દેશની આ સર્વોચ્ચ સંસ્થાઓની ટકોરને ઘોળીને પી જવાનું જ મુનાસીબ સમજી રહ્યા છે. ગુલામ નબી આઝાદ હાલમાં કર્ણાટકમાં આવનારી વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં ગુલબર્ગા ગયા હતા. અહીં તેમણે એક એવું કોમવાદી વિધાન કર્યું હતું જેનાથી વિવાદ ઉભો થઇ શકે તેમ છે.

Photo Courtesy: hindustantimes.com

કલાબુર્ગી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અલ્લામા પ્રભુ પાટીલ માટે પ્રચાર કરતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે કર્ણાટકની ચૂંટણીઓના પરિણામો 2019ની લોકસભાની ચૂંટણીઓ વિષે સંકેત આપશે અને આથી ભાજપને કોઇપણ હિસાબે કર્ણાટકમાં સત્તા પર આવવા દેવું ન જોઈએ અને આ માટે રાજ્યના મુસ્લિમોએ એક થઈને મોટી સંખ્યામાં કોંગ્રેસને જ મત આપવો જોઈએ. ગુલામ નબી આઝાદ આટલું કહીને અટક્યા ન હતા. તેમણે ઉમેર્યું હતું કે તમે (મુસ્લિમો) હિન્દુઓની ટીકા કરશો તો એ લોકો ભાજપને જ મત આપશે આથી હિન્દુઓની ટીકા કરવાનું બંધ કરીને એકજુટ થઇ તમારે કોંગ્રેસને જ મત આપવો જોઈએ.

Photo Courtesy: Twitter

અહીં મજાની વાત એ છે કે ઉપરોક્ત બયાન આપ્યા બાદ પણ ગુલામ નબી આઝાદે ભાજપને કોમવાદી પક્ષ ગણાવ્યો હતો. આઝાદે તો ટ્રિપલ તલાકના મુદ્દે ભાજપ તેમાં દખલ દેતો હોવાનું અને મુસ્લિમ મહિલાઓને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનું પણ કહી દીધું હતું.

કર્ણાટકની વસ્તી 60 મિલિયન છે અને તેમાં હિન્દુઓની બહુમતી છે અને મુસ્લિમોની સંખ્યા 13 ટકા છે, પરંતુ કર્ણાટકના અમુક નાના નાના પોકેટ્સમાં આ સંખ્યા વધીને 20 ટકા થવા જાય છે જે જે-તે વિધાનસભા સીટના પરિણામ પર સારીએવી અસર પાડી શકે તેમ છે. આમ કોંગ્રેસ અને ગુલામ નબી આઝાદ આ પ્રકારે બયાનબાજી કરીને એક સ્પષ્ટ રણનીતિને ફોલો કરી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે.

તમને ગમશે: ખાંડ પ્રત્યેનો મોહ દૂર કેમ ન થઇ શકે? આ રહી તેની વૈજ્ઞાનિક પદ્ધતિ

ગુલામ નબી આઝાદના બયાનને બીજી રીતે જોઈએ તો કર્ણાટક એ કોંગ્રેસ પાસે બચેલા થોડાઘણા રાજ્યોમાંથી બચેલું એક રાજ્ય છે અને તે દેશના મોટા રાજ્યોમાં પણ સામેલ છે. આમ આવતા વર્ષે લોકસભાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસને કર્ણાટક જીતવું પડે તેમ છે અને એ માટે કોંગ્રેસ ગમે તે હદ સુધી જઈ શકે છે તે પણ અહીં સાબિત થાય છે. એક તરફ લિંગાયત સમુદાયને લઘુમતીનો દરજ્જો આપીને હિન્દુ મતોમાં ભાગ પડાવવા અને બીજી તરફ મુસ્લિમોને એક થઈને માત્ર કોંગ્રેસના પક્ષમાં ભારેખમ મતદાન કરવાની ‘આઝાદ અપીલ’ કોંગ્રેસની કોઇપણ ભોગે સત્તા પરત મેળવવાની લાલસા દર્શાવે છે.

ગુલામ નબી આઝાદ માત્ર એ જ કરી રહ્યા છે જે તેમના પક્ષે વર્ષો સુધી કર્યું છે અને એ છે મુસ્લિમોને ડરાવીને તેમના મત પડાવવા અને પછી તેમના ઉદ્ધાર કરવાની જરૂરીયાતને ભૂલી જવી. સરવાળે દેશમાં કોમી વૈમનસ્ય તો ઉભું થાય જ છે પરંતુ દેશનો મુસ્લિમ ઠેરનો ઠેર રહી જાય છે. હવે એ કર્ણાટકના મુસ્લિમે સમજવાનું છે કે તેણે ગુલામ નબી આઝાદ દ્વારા કરવામાં આવેલી અપીલને માનવાની છે કે પછી ખુદના અને કર્ણાટકના ભલા માટે વિચારવાનું છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here