રિશી કપૂર: ઝંઝીરને મળવાનો એવોર્ડ મેં બોબી માટે 30 હજારમાં ખરીદ્યો

0
264
Photo Courtesy: hindustantimes.com

રિશી કપૂર (Rishi Kapoor) બોલીવુડના ચાર્મિંગ અને ગુડ-લૂકિંગ હીરોમાંના એક છે. કપૂર ખાનદાનના હોવાની સાથે સાથે એમનું પોતાનું ટેલેન્ટ પણ એમની કારકિર્દી બનાવવા એટલું જ કામ આવ્યું છે. લગભગ 27 વર્ષ પછી ગઈ કાલે એમની અમિતાભ બચ્ચન સાથેની લેટેસ્ટ ફિલ્મ ‘102-નોટ આઉટ’ રિલીઝ થઈ છે. આ પહેલા બંને 1991માં ‘અજૂબા’ ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા. એ સિવાય આ બંને સુપર-સ્ટાર્સે ‘કભી કભી’, ‘અમર અકબર એન્થની’, ‘નસીબ’ અને ‘કૂલી’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો સાથે કરી છે. (‘દિલ્હી-6’ અને ‘ઓમ શાંતિ ઓમ’ને આ લિસ્ટમાં ગણી નથી.) રિશી કપૂરે 1955માં શ્રી 420માં પહેલી વાર પડદા પર પદાર્પણ કર્યું ત્યારથી અત્યાર સુધી ઘણાં ઊતાર-ચઢાવ જોયા છે. એમની આત્મકથા જેવી બુક ‘ખુલ્લમ ખુલ્લા’ થોડા મહિનાઓ પહેલા લોકો સમક્ષ રજૂ કરવામાં આવેલી અને નામ પ્રમાણે રિશી કપૂરે એમાં ‘ખુલ્લમ ખુલ્લા’ કોઈપણ ડર વગર દરેક બાબતોને વિસ્તારથી જણાવી છે. રિશી કપૂરના બોલીવુડમાં ઘણાં પુરુષ મિત્રો રહ્યા છે જેમાંથી બે જીગરજાન મિત્રો એટલે જીતેન્દ્ર (શંબુ) અને રાકેશ રોશન (ગુડ્ડુ)! પણ અમિતાભ બચ્ચન સાથે રિશી કપૂરને લગભગ ફાવ્યું નથી અને એની સાબિતી આપતા થોડા કિસ્સાઓ અહીં શેર કરું છું.

Photo Courtesy: hindustantimes.com

રિશી કપૂર અને અમિતાભે પોતાના શરૂઆતના વર્ષોમાં સારા સંબંધોથી શરૂઆત કરી નહોતી. એ દિવસોમાં એમના સંબંધો ઠંડા-ગરમ રહેતા. એક એન્ગ્રી યંગ મેન અને બીજો રોમેન્ટિક ચોકલેટી હીરો. રિશી અમિતાભ કરતાં 10 વર્ષ નાના, અપરિપક્વ અને માથાભારે સ્વભાવ ધરાવતા. 1970ના દસકામાં આ બંને સુપરસ્ટાર્સમાં તગડી ટક્કર રહેતી. ‘કભી કભી’ના નિર્માણ દરમિયાન એમના વચ્ચે એક શીતયુદ્ધના દરેક સંકેત હતા. રિશી કપૂર લખે છેઃ શૂટિંગ દરમિયાન તેમણે (અમિતાભે) ક્યારેય મારી સાથે અને મેં તેમની સાથે વાત કરી નહોતી. મને લાગે છે કે અમિતાભ ગુસ્સામાં હતા કારણ કે એ વખતના અગ્રણી ફિલ્મ મેગેઝિન દ્વારા આપવામાં આવેલા બેસ્ટ એક્ટરનો એવોર્ડ ફિલ્મ ‘બૉબી’ માટે મને મળ્યો હતો. મને ખાતરી છે કે તેમને એવું લાગ્યું હતું કે ‘ઝંઝીર’ (જે તે જ વર્ષે રિલીઝ થયેલી) માટે એ એવોર્ડ વ્યાજબી રીતે એમને મળવો જોઈતો હતો. અને આજે હું એ કહેતા શરમ અનુભવું છું, પણ મેં ખરેખર તે એવોર્ડ ‘ખરીદ્યો’ હતો. હું એટલો નિષ્કપટ હતો કે તારકનાથ ગાંધી નામના શખ્સે મને કહ્યું હતું કે “सर, तीस हजार दे दो तो यह अवोर्ड मैं आपको दिला दूंगा|” એ વખતે મારી પાસે પૈસા હતા એટલે વગર વિચાર્યે મેં આપી દીધા. મારા સચિવ, ઘનશ્યામે પણ કહ્યું, “सर, देते है पैसे, मिल जायेगा अवोर्ड, उसमें क्या है?” અમિતાભને કદાચ આ એવોર્ડ માટે ચૂકવાયેલા રૂપિયાની જાણ થઈ ગયેલી. હું ફક્ત એટલું જ કહી શકું છું કે તે 1974નું વર્ષ હતું, હું બાવીસ વર્ષનો ઉત્સાહી, ભોળો અને બાળક હતો. પૈસાની ભરમાર હતી અને મારી સમજણ પૂરતી નહોતી. પછી મને મારી મૂર્ખામીનો ખ્યાલ આવી ગયો.

***

અમિતાભ બચ્ચન અને જીતેન્દ્ર 1980ના જમાનાના ટોપના સુપરસ્ટાર હતા. પહેલા નંબરે અમિતાભ અને બીજા નંબરે જીતુજી! કૂલીના શૂટીંગ વખતે અમિતાભ ઘાયલ થયા એ વખતે, બિટ્ટુ આનંદ અને ટીનુ આનંદ અમિતાભ સાથે ‘શહેનશાહ’ બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. એ સમયે અમિતાભની હાલત ગંભીર હતી અને આનંદ ભાઈઓ એક અજીબ અસમંજસમાં હતા. સમયનો લાગ જોઈને બિટ્ટુને રિશી કપૂરે જીતેન્દ્રનું નામ સૂચવ્યું અને મળાવી આપ્યા. પણ જીતેન્દ્રએ આ ઑફરનો અસ્વીકાર કર્યો, કારણ કે એમને થયું એ આ સારું ન કહેવાય, સ્પેશિયલી જ્યારે જેની માટે ફિલ્મ બની છે એ બિમાર હોય. રિશી કપૂર લખે છેઃ અને ઘણી એવી વસ્તુઓ છે કે જેના વિશે હું શંબુની હંમેશા પ્રશંસા કરતો રહ્યો છું. તે હંમેશા તેના સિદ્ધાંતોને વળગી રહેતો હતો.

***

મલ્ટીસ્ટારર ફિલ્મો વિશે રિશી કપૂર લખે છે કેઃ તે દિવસોમાં ઓલ સ્ટાર ફિલ્મમાં કામ કરવાનો મોટો ગેરલાભ એ હતો કે દરેક વ્યક્તિ માત્ર એક્શન ફિલ્મ્સ બનાવવા માગતા હતા, જેનો અર્થ એ થાય કે સ્ટાર જે સૌથી વધુ ફ્લેવર સાથે કામ કરે તેને સૌથી ઓછો ભાગ મળે. આ રીતે, ‘કભી કભી’ના અપવાદ સાથે, અમિતાભ બચ્ચન સિવાય લગભગ કોઈ કલાકારો માટે દિગ્દર્શકો અને લેખકો સૌથી મજબૂત અગત્યની ભૂમિકાઓ ન આપતાં. માત્ર હું જ નહીં, શશી કપૂર, શત્રુઘ્ન સિંહા, ધર્મેન્દ્ર, વિનોદ ખન્નાએ પણ આ વાતનો સામનો કરવો પડ્યો હતો. અમિતાભ એક અદ્વિતીય, અત્યંત પ્રતિભાશાળી અભિનેતા છે જેમણે વર્ષો સુધી બોક્સ-ઓફિસ પર શાસન કર્યું. મારા સમયમાં રોમેન્ટિક હીરોને કોઈ સ્થાન નહોતું. ઍક્શન ફિલ્મોનો યુગ હતો અને તે ઍક્શન હીરો હતા, એંગ્રી યંગમેન! તેથી તેમના માટે ભૂમિકાઓ લખવામાં આવતી. પણ એક વાત સાચી છે કે તેમના સહ-કલાકારોની તેમની સફળતામાં નિશ્ચિત ભૂમિકા હતી. ‘દિવાર’માં શશી કપૂર, ‘અમર અકબર એન્થની’માં વિનોદ ખન્ના, ‘કાલા પથ્થર’માં શત્રુઘ્ન સિંહા જેવા બધાએ ગૌણ ભૂમિકાઓ હોવા છતાં તેમની ફિલ્મોની સફળતામાં ફાળો આપ્યો હતો. પરંતુ આ બાબત અમિતાભે ક્યારેય કોઈ પણ ઇન્ટરવ્યૂ અથવા પુસ્તકમાં સ્વીકારી નથી. તેમણે ક્યારેય તેમની સાથે કામ કરેલ અભિનેતાઓને ક્રેડિટ આપી નથી. તેમણે હંમેશા તેમના લેખકો અને દિગ્દર્શકો (સલિમ-જાવેદ, મનમોહન દેસાઇ, પ્રકાશ મહેરા, યશ ચોપડા અને રમેશ સિપ્પી)ને જ શ્રેય આપ્યો છે.

એ સમય હતો અને એક રીત હતી. જેને અમે નમ્રતાપૂર્વક સ્વીકારી લીધી. આજે કોઈ ખાન બીજા ખાન સાથે કામ કરવા રાજી નથી. આજે જો શાહરૂખ ખાન મુખ્ય ભૂમિકામાં હોય તો સલમાન, આમિર કે હૃતિક બીજી ગૌણ ભૂમિકા સ્વીકારશે નહીં. ‘ખૂન પસીના’માં વિનોદ ખન્ના એ ખૂબ જ સારી એક્ટિંગ કરી હતી, ‘કભી કભી’માં શશી કાકા શાનદાર હતા. પરંતુ જો તેઓ અયોગ્ય રહ્યા, તો કારણ હતું કે તેઓ ગેરલાભમાં કામ કરતા હતા.

***

સલીમ-જાવેદે ‘ત્રિશુલ’ ફિલ્મની તૈયારી વખતે રિશી કપૂરને સૌથી પહેલા ઓફર કરી પણ રિશી કપૂરે એ રિજેક્ટ કરી. હિંદી ફિલ્મોના ઈતિહાસમાં રિશીજી પહેલા અને એકમાત્ર એવા કલાકાર હશે જેણે સલીમ-જાવેદની ફિલ્મનો અસ્વીકાર કર્યો. થોડા દિવસો પછી સલીમ ખાન અને રિશી કપૂર એક પ્લે-ક્લબમાં ભેગા થયા ત્યારે સલીમ ખાને ગુસ્સામાં કહ્યું, “તારી હિમંત કેવી રીતે થઈ સલીમ-જાવેદની ફિલ્મને ના પાડવાની?”

“મને ફિલ્મમાં મારો રોલ પસંદ ન આવ્યો”, રિશીએ જવાબ આપ્યો.

“તને ખબર છે કે આજ સુધી કોઈએ અમને ના પાડવાની હિંમત નથી કરી? અમે તારું ફિલ્મ કરિયર નષ્ટ કરી શકીએ છીએ.”

“મને ખતમ કરવા શું કરી લેશો તમે?”

“કોઈ કામ નહીં કરે તારી સાથે. અમે રાજેશ ખન્નાને ‘ઝંઝીર’ ઓફર કરેલી. એણે ના પાડી અને અમે એની વિરુદ્ધમાં એનો વિકલ્પ ‘અમિતાભ બચ્ચન’ બનાવીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મૂકી દીધો, જેણે રાજેશ ખન્નાને ખતમ કરી દીધો. અમે તારી સાથે પણ આવું જ કરશું.”

– પણ ભાગ્યવશ એવું કંઈ પણ થયું નહીં અને રિશી કપૂર હજી સુધી લોકોના દિલમાં વસ્યા છે.

છેલ્લે રિશી કપૂર લખે છે કે, અમારું પરિવાર એક અલગ જ સમૃદ્ધિનું હકદાર બન્યું જ્યારે અમિતાભની દિકરી શ્વેતાના લગ્ન મારી બહેનના દિકરા નિખિલ નંદા સાથે થયા. વર્ષો થયા એ વાતને પણ એક વાત ચોક્ક્સ ઘર કરી ગઈ છે કે અમિતાભ જે કરે છે, જેવું કરે છે એવું કોઈ જ કરી શકતું નથી. He is just so proper. દર વર્ષે 2 જૂને,મારા પપ્પાની મરણતિથિએ અમિતાભજી અને એમના ઘરના બધાં જ સભ્યો રાજ કપૂરને શ્રદ્ધાંજલી આપવા માટે ફોન કરે છે. રિલીજિયસલી, દરેક બર્થડે, એનિવર્સરી એમને યાદ રહે છે. દરેક તહેવારમાં એ અમને સૌથી પહેલાં વિશ કરે છે. મારું એવું માનવું છે કે ‘છોકરીવાળા’ હોવાને કારણે એ પરંપરાથી બંધાયેલાં છે અને બધા રિવાજની ફરજ બજાવે છે. એમના જેવો ચોક્સાઈવાળો અને વિચારશીલ માણસ હું ક્યારેય બની શકીશ નહીં.

પડઘોઃ

એક રસપ્રદ વાત જાવેદ અખ્તર સાથે બનેલી. ‘બૉબી’ ફિલ્મના રિલીઝ માટે રિશી કપૂર બેંગ્લોરમાં હતા અને એ વખતે બેંગ્લોર નજીક ‘રામગઢ’ નામના ગામનો સેટ લાગેલો અને કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલુ હતુ. ફિલ્મનું ક્રૂ અને કલાકારો બેંગ્લોરની જ ઈન્ટરનેશનલ હોટેલમાં રોકાયા હતા જેમાં ફેમસ નાઈટક્લબમાં ગાયકો-ગાયિકાઓના અભિનય થતા. રિશી કપૂર એ ક્લબમાં ગયા ત્યાં એક ભાઈએ આવીને પૂછ્યું – શું તમે રિશી કપૂર છો? મારું નામ જાવેદ અખ્તર છે.

એ ભલેને ઈંગ્લેન્ડનો કોઈ રાજા હોય, રિશી કપૂરને જરા પણ કદર નહોતી કારણકે એ સમયે હજુ સલીમ-જાવેદની બેલડી ‘ધ સલીમ-જાવેદ’ નહોતા બન્યા. રિશી કપૂરને એટલી જ માહિતી હતી કે એમણે ‘યાદો કી બારાત’ અને ‘ઝંઝીર’ જેવી ફિલ્મો લખી છે. બંનેનો વાર્તાલાપ આગળ ચાલે છેઃ

‘તમે તો ખૂબ ખુશ હશો કે બૉબી એક મેગા બ્લોકબસ્ટર ફિલ્મ બની ગઈ.’

‘યકીનન, હું ખુશ છું.’

‘મુબારક હો, બૉબી એક સરસ ફિલ્મ છે, પણ યાદ રાખજો કે આપણે હજુ 1973માં છીએ. 1972માં અમે ‘યાદો કી બારાત’ આપી, 1973માં ‘ઝંઝીર’, 1974માં ‘હાથ કી સફાઈ’ આપશું, અને 1975માં એક એવી જબરજસ્ત ફિલ્મ લખીશ કે બૉબી કરતાં એક પણ રૂપિયો ઓછો નહીં કમાય. જો એવું નહીં થાય તો હું મારી આ પેનની નિબ તોડી નાખીશ અને પછી ક્યારેય જીવનભર લખીશ નહીં.

વાચકમિત્રો, એ ફિલ્મ હતી ‘શોલે’! અને ખરેખર એ ફિલ્મે દરેકે દરેક રેકોર્ડ તોડીને તગડી કમાણી કરી હતી.

eછાપું 

તમને ગમશે: એક ડોક્ટર મહિનામાં એક દિવસ ગરીબોની સેવા ન કરી શકે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here