પાનનો ગલ્લો પણ સ્વરોજગારી જ કહેવાય જો તમે એમ માનો તો

0
885
ઔરંગાબાદના સાધુભાઈ જે પાનનો ગલ્લો ચલાવે છે અને ઇન્કમ ટેક્સ પણ ભરે છે. Photo Courtesy: 1hourlunch.blogspot.in

આજકાલ બહુ બફાટ કરતા ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ દેબે પોતાના એક બફાટ દરમ્યાન અજાણતામાંજ એક મોટી વાત કરી દીધી કે પાનનો ગલ્લો ચલાવવો એ પણ સ્વરોજગારીનું જ એક સ્વરૂપ છે. બિપ્લબ દાદાએ એમ પણ કહ્યું હતું કે કોઈ વ્યક્તિ જે પાનનો ગલ્લો ચલાવતો હોય તો તેણે શરમાવું જોઈએ નહીં. આ જ પ્રકારની વાત આપણા વડાપ્રધાને બે-ત્રણ મહિના અગાઉ એક ઇન્ટરવ્યુમાં જરા જુદી રીતે કહી હતી.

વડાપ્રધાનનું કહેવું એવું હતું કે જો કોઈ વ્યક્તિ પકોડા એટલેકે ભજીયા વેંચતો હોય તો એ પણ રોજગારીનો જ એક પ્રકાર છે. વળી તેને ત્યાં જે બે ત્રણ વ્યક્તિઓ કામ કરતી હોય એને પણ રોજગાર મળતો હોય છે પરંતુ તેને આપણે આધિકારિક રોજગાર આંકડામાં ગણતા નથી. વડાપ્રધાન એ સવાલનો જવાબ આપી રહ્યા હતા કે દેશમાં રોજગારી વધી હોવાનો એમની સરકારનો દાવો તો છે પણ જમીન પર એવું કેમ દેખાતું નથી?

વડાપ્રધાન સરકારના વડા છે એટલે એમણે એમની રીતે સરકારનો બચાવ કર્યો પરંતુ એમના આ પકોડાની દુકાન શબ્દને એમના વિરોધીઓએ એવી રીતે ટ્વિસ્ટ કર્યો કે થોડા દિવસ પકોડા વેંચવા એ રાષ્ટ્રીય મજાક બની ગઈ. આપણે વાતેવાતે કહેતા હોઈએ છીએ, ખાસકરીને જ્યારે કોઈ યુવક બેરોજગાર હોય કે પછી સારું શિક્ષણ મેળવ્યા પછી પણ પોતાની બૌદ્ધિક અને શૈક્ષણિક લાયકાત કરતા ઓછા સ્તરની નોકરી મજબૂરીથી તેણે સ્વિકારી હોય ત્યારે આપણે અચૂક તેને સલાહ આપતા હોઈએ છીએ કે, “કોઈ કામ નાનું કે મોટું નથી હોતું.”

પણ જ્યારે બિપ્લબ દેબે પાનનો ગલ્લો ખોલવાની વાત કરી કે વડાપ્રધાને પકોડાની દુકાન અંગે ચર્ચા કરી ત્યારે એમના આ વિચારની એટલી હદ સુધી મજાક ઉડાવવામાં આવી જાણેકે આ બે ધંધાઓ અધમકક્ષાના ધંધાઓ હોય. ટૂંકમાં કહીએ તો આપણા દેખાડવાના અને ચાવવાના દાંત જુદાજુદા છે. એક તરફ કોઇપણ કામ નાનું નથી હોતું એમ કહીએ છીએ અને બીજી તરફ પાનનો ગલ્લો કે પકોડાની દુકાન એ રોજગારીના આપણા elite અથવાતો preferred લિસ્ટમાં આવતા નથી.

આ આપણો દંભ બેશક છે પરંતુ eછાપું પર ક્યારેય ભારતીયોને દંભી કહીને ઉતારી પાડીને ભાગી જવાનો રીવાજ નથી અને એવો રીવાજ ભવિષ્યમાં પાડવામાં પણ આવશે નહીં. આપણે અહીં સ્વરોજગારી એ સ્વમાની રોજગારી છે અને બીજું કશુંજ નથી એ હકીકત પર ચર્ચા કરીશું અને એ લોજીકથી જ નિર્ણય લઈશું કે પાનનો ગલ્લો ખોલવો કે પછી પકોડાની દુકાન ખોલવી એ સ્વરોજગારીનો મસ્ત મજાનો વિકલ્પ કેમ ન બની શકે.

આ આર્ટીકલનું બીજ જ્યાંથી મળ્યું તે ફેસબુક મિત્ર ઈરફાન સાથિયાની, સોરી ડૉ. ઈરફાન સાથિયાની એક પોસ્ટ હતી. એમાં તેમણે એક સરસ મુદ્દો ઉઠાવ્યો છે. ઈરફાનભાઈએ લખ્યું છે કે આજે પાનનો ગલ્લો એ માત્ર  પાનનો ગલ્લો ન રહી જતા એક નાનકડો પ્રોવિઝન સ્ટોર બની ગયો છે. પાનનો ગલ્લો ખોલીને બેઠેલા વ્યક્તિ માટે માત્ર પાન, મસાલા (સૌરાષ્ટ્રના મિત્રોને ખોટું ન લાગે એટલે ચાલો માવો પણ લખી દીધું), ગુટકા વેંચીને જ ગુજરાન નથી ચલાવવું પડતું.

આજે નાનામાં નાના ગામડામાં જશો તો પણ પાનના ગલ્લા પર તમને નાસ્તાના પેકેટ મળી જશે, સિગરેટની સાથે માચીસ અને લાઈટર પણ વેંચાતું જોવા મળશે. અરે મારા ઘરની નીચે આવેલા એક ‘પાન પેલેસ’ જે ખરેખર પેલેસ જેવો છે ત્યાં તો તમને અત્તર, ડીઓ, પત્તાની કેટ, શેકેલા કાજુ, બદામ અને અન્ય સંખ્યાબંધ વસ્તુઓ વગેરે પણ ખરીદ કરવા મળી જાય છે. આટલું ઓછું હોય એમ આ ભાઈએ પોતાના ગલ્લામાં ખાલી રહેલી જગ્યામાં છેલ્લા પાંચેક વર્ષ પહેલા સોડા ફાઉન્ટન પણ ચાલુ કર્યું છે જ્યાં એમના પત્ની બેસે છે.

ઔરંગાબાદના સાધુભાઈ જે પાનનો ગલ્લો ચલાવે છે અને ઇન્કમ ટેક્સ પણ ભરે છે.
Photo Courtesy: 1hourlunch.blogspot.in

ઈરફાનભાઈની જેમજ ગયા અઠવાડિયે એક અન્ય મિત્રની પોસ્ટ પણ જોવા મળી હતી જેમાં તેમણે એક વોરાજીની વાત કરી હતી. આ વોરાજીએ એક નાનકડા ગામડામાંજ જીવનજરૂરિયાતની તમામ ચીજો વેંચાય એવો સાવ નાનકડો સ્ટોલ શરુ કર્યો હતો. પહેલું વર્ષ ખરાબ ગયું પણ એમણે ધ્યાન રાખ્યું કે દુકાનમાં એક ખૂણો પણ ખાલી ન રહેવો જોઈએ અને દરરોજ નક્કી સમયે દુકાન ખુલવી અને બંધ થવી જોઈએ. બીજા વર્ષે આવક વ્યવસ્થિતપણે શરુ થઇ અને જો હું ભૂલતો ન હોઉં તો એ પોસ્ટ મુજબ ત્રીજે વર્ષે એ વોરાજી નફો રળતા થઇ ગયા હતા.

ઉપરોક્ત બંને ઉદાહરણો એ સાફ કરે છે કે કોઈ ધંધો નાનો નથી હોતો બસ હૈયામાં હામ હોય અને ભરપૂર ધીરજ હોય તો પાનનો ગલ્લો પણ તમારા ઘરમાં ભલે મર્સીડિઝ નહીં તો પણ એક સારી મોંઘી કાર લાવવાની શક્તિ તો ધરાવે છે જ. પણ અહીં સવાલ છે આપણા મનનો. આપણે પાનનો ગલ્લો ખોલવો છે, ઈચ્છા તો ઘણી છે અને જરૂરી મૂડી પણ ઉભી થઇ શકે એમ છે પણ આ ધંધાને આપણું કુટુંબ સ્વિકારે એ પહેલા આપણું મન સ્વિકારે એ જરૂરી છે.

કોઇપણ ધંધો નાનો ત્યારે નથી હોતો જ્યારે આપણું મન એ બાબતે નિશ્ચિત અને નિશ્ચિંત હોય. પછી રોજ સવારે મશીનની જેમ પાનનો ગલ્લો ખોલીને મોડી રાત્રે બંધ કરવાની જ પ્રક્રિયા કરવાની હોય તો એવા મનોભાવથી પાનનો ગલ્લો તો છોડો કોઈ મોટી ઇન્ડસ્ટ્રી પણ ચાલશે નહીં. આજનો યુવાન creativity પણ ધરાવે છે એ પાનનો ગલ્લો તો ખોલે છે પણ તેની સાથે કશું એવું ક્રિએટીવ કરે કે તેનો ગલ્લો અન્યોથી અલગ તરી આવે તો બોસ્સ! ધંધો તો ચાલી જ નીકળશે. પણ એ માટે તનની મહેનત સાથે મનની લાગણીઓને પણ જોતરવી પડશે.

વર્ષો અગાઉ અમદાવાદના આશ્રમ રોડ પર સાવ અંદરની ગલીઓમાં જ્યાં અસંખ્ય ઓફિસ કોમ્પ્લેક્સીઝ આજે પણ છે ત્યાં એક વ્યક્તિએ કશુંજ નવું ન કરતા માત્ર મેગીનો સ્ટોલ ખોલ્યો. શરૂઆતમાં સિમ્પલ મેગી એટલેકે એના પેક પર આપેલી રેસિપીને વળગી રહીને તેને બનાવતા આ ગ્રેજ્યુએટ વ્યક્તિએ ધીમેધીમે પોતાની creativity કામે લગાડી અને પછી તો બટર મેગી, ચીઝ મેગી, આલુ મેગી, મેગી પાસ્તા, મેગીની સેન્ડવિચ જેવી અસંખ્ય આઈટમો ઉભી કરી અને ઉસકી તો નીકલ પડી, ખરેખર!

આ સરકાર અને જૂની સરકાર, બધી જ સરકારો ઇવન રાજ્ય સરકારો પણ પોતપોતાની રીતે રોજગારી ઉભી કરવાના અવસરો શોધતી જ હોય છે. પણ આપણે સરકારના ઓશીયાળા બનીને ક્યાં સુધી રહીશું? એમાં વળી અનામતનો એરુ મોટાભાગનાને નડતો હોય છે. આ મુદ્દો પણ મહત્ત્વનો છે. માત્ર સરકારી નોકરી જ શુંકામ? જો ત્યાં અનામત તમને નોકરી નથી અપાવી શકતું તો શરુ કરી દો પાનનો ગલ્લો કે સોડા શોપ કે પછી ભજીયા સેન્ટર કે પછી મેગીનો સ્ટોલ! એમાં તો કોઈ અનામત લાગુ પડતું નથી. બસ કેટલીક સરકારી મંજુરી મેળવવી પડશે અને જો આપણું મન સાફ હશે તો એ પણ આસાનીથી મળી જ રહેશે.

એવા ઘણા કિસ્સાઓ આંખ સામે જોયા છે કે અનામતને લીધે કે કોઈ અન્ય કારણોસર અમુક વર્ષ સરકારી નોકરીમાં પ્રયાસ કર્યા બાદ પ્રાઈવેટ નોકરીમાં પણ મેળ ન પડતા આ પ્રકારે નાનામોટા ધંધા શરુ કરનાર આજે ઘણી સારી આર્થિક પરિસ્થિતિ ધરાવે છે અને આજે એમની જ ઉંમરના લોકો જેમને હજી પણ સરકારી નોકરીની આશા છે તે ઘેર બેઠા નવી ઉભી થયેલી સરકારી નોકરીના અરજી પત્રકો ભર્યા સિવાય સળી ભાંગીને કટકો પણ નથી કરતા.

જો મુદ્દો કમાણી કરીને કુટુંબનું ભરણપોષણ કરવાનોજ હોય, એમને ખુશ રાખવાનો હોય, એમની તમામ જરૂરિયાતો પૂરી પાડવાની હોય તો કાયદો મંજુર કરે એવો કોઇપણ ધંધો કરવામાં નાનપ ન જ  અનુભવી જોઈએ. ઘણીવાર ઉપરવાળાનો ઈશારો પણ હોય છે કે “ભઈલા તું ભલે IITમાં ઢગલો ટકા લાવ્યો, પણ તારા નસીબમાં લક્ષ્મીજીની કૃપા તો ખમણ અને ભજીયા સેન્ટર ખોલીને જ થવાની લખેલી છે.” એ આપણને ઘણા સિગ્નલો આપતો પણ હોય છે, પણ આપણે આવું તો થાય? સમાજ શું કહેશે? તેમાં જ રહી જતા હોય છે.

ઉપરવાળો પણ પાછો હોંશિયાર છે એ આ પ્રકારના સિગ્નલ બે-ત્રણ વાર જ આપે છે. પછી એ સિગ્નલોને ધરાર ઇગ્નોર કરીને બેરોજગાર રહેવાનો ગુસ્સો આપણે સરકાર પર ઉતારીએ કે પછી ગરીબીમાં જીવન વિતાવીને વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા બાદ એવું વિચારીએ કે “યાર ત્યારે જો નાનો તો નાનો પણ પાનનો ગલ્લો શરુ કરી દીધો હોત તો…” તો પછી એવુંજ રાખીએ બીજું શું?

આચારસંહિતા

 

૦૪.૦૫.૨૦૧૮, શુક્રવાર

અમદાવાદ

eછાપું

તમને ગમશે: આવી ગઈ છે મેંગોની મોસમ અને છવાઈ ગયો છે મેંગો મેનિયા

                    વ્હાલા ગુજરાતીઓ આ ઉનાળા દરમ્યાન આરોગ્યની ભલાઈ આ રીતે કરજો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here