રોકાણ દ્વારા કમાણી કરવી છે? તો પહેલા બચત કરતા શીખો

0
947
Photo Courtesy: dollarsnrupees.com

દર મહીને થોડાઘણા રૂપિયાની બચત તો કરવી જ જોઈએ એમ દરેક જણ સ્વીકારે છે પરંતુ કઈ બચતુંજ નથી એ પાછી દરેકની ફરિયાદ હોય છે. તો આ કોલમની શરૂઆતમાં આપણે બચત કઈ રીતે થઇ શકે એ પહેલા જોઈશું.

Photo Courtesy: dollarsnrupees.com

મ્યુચ્યુઅલફંડમાં રૂ 500 થી બચત શરુ થઇ શકે છે. આ ઉપરાંત તમે બેંકમાં ખાતું ખોલાવો અને એમાં દર મહીને રૂ ૧૦૦ મૂકી શકો છો. નાના બાળકોની પીગીબેન્કમાં જેમ એક રૂપિયાનો સિક્કો નાખી બચતની શરૂઆત થઇ શકે છે એજ રીતે બચતની શરૂઆત કરવાની કોઈ શરૂઆત કરે તો એ જરાય અઘરું નથી.

દરેક ગૃહિણીને દર મહીને જે ઘરખર્ચ માટે પૈસા મળે છે એમાંથી એ કોઈને કોઈ રીતે થોડીઘણી બચત કરી જ લેતી હોય છે. ઈમર્જન્સીમાં એ જ રકમ એ પતિને ખર્ચ કરવા આપતી હોય છે અને સાચો પતિ એ છે જે પોતાની ગૃહિણીના હાથમાં ઘરખર્ચ પેઠે દર મહીને એટલી રકમ મુકે કે જેથી એમાંથી એ કૈક રકમ બચાવી શકે આમ બચતની શરૂઆત થઇ શકે.

એક વાર બચત કરવાની શરૂઆત થાય પછી જો એનું યોગ્ય રોકાણ કરવામાં ના આવે તો એ બચત ટુંકી જ પડે માટે એકવાર બચતની આદત પાડી એનું યોગ્ય રોકાણ કરવું પણ જરૂરી છે. સામાન્ય રીતે અમુક ગૃહિણીઓ ઘરખર્ચમાંથી બચત કરી વર્ષે એક્દાવાર એમાંથી બે ગ્રામ સોનું ખરીદી લેશે, મરાઠી ગૃહિણીમાં આ રીવાજ બહુ પ્રચલિત છે. મહારાષ્ટ્રીયન પત્નીઓ પતિના પગારમાંથી પણ દર મહીને કે પુષ્ય નક્ષત્રમાં બે ગ્રામ સોનું ખરીદી લેશે તો આ પણ એ ગૃહિણીનું બચતમાં રોકાણજ છે.

એજ પ્રમાણે રૂપિયાની બચત બેંકમાં પૈસા મુકીને જ થવી જોઈએ જેથી ખર્ચવાની લાલચ ઘટી જાય. એક વાર પૈસા બેંકમાં જમા કરવાની આદત પડે એટલે એમાં રીકરીંગ ડીપોઝીટ ખોલવાનું મન થાય અને વધુ રકમ હોય તો ફિક્સ ડીપોઝીટ કરવાનું મન થાય અને આમ વ્યાજની આવક ચાલુ થાય અને આ રીતે ધીમેધીમે બચતનું રોકાણ કરવાથી આવક વધતી હોય છે.

તમને ગમશે: અલ્યા આ SWIGGY ને Free Home Delivery કરવી કેમની પોસાતી હશે?

આપણે જુદાજુદા કારણોસર બચત કરવાની ફરજ પડે છે આ કારણો એટલે ભવિષ્યમાં પડનારી પૈસાની જરૂર. આ ભવિષ્યમાં પડનારી પૈસાની જરૂર એ ટુંકા ગાળાની હોઈ શકે અથવા લાંબાગાળાની પણ હોઈ શકે. જેમકે ઘરમાં કોઈ કીમતી વસ્તુ ખરીદવી છે તો એ છ મહીને કે વર્ષની બચત કરી લઇ શકાય. એથી વધારે બચત થશે તો બાળકના શિક્ષણ માટે ઉચ્ચ શિક્ષણ માટે, લગ્ન માટે અથવાતો નિવૃત્તિ બાદ બાંધી આવક મળી રહે અને સંતાનો પાસે હાથ લંબાવવો ના પડે એ માટે નિવૃત્તિ આયોજન માટે પણ એ કામમાં આવશે. આમ એક વર્ષ થી માંડી ત્રણ વર્ષ પાંચ વર્ષ પંદર વર્ષ કે પચ્ચ્ચીસ વર્ષ માટે બચત કરવી જરૂરી બની જતી હોય છે.

આ બચતને વેગ આપવા એનું યોગ્ય રોકાણ કરવું જરૂરી છે અને તો જ ધારી રકમ ધારેલા સમયમાં બચી શકે છે. તો હવે આપણે જોઈએ કે બચતનું રોકાણ કરવા કયા કયા સાધનો આપણી પાસે છે.

સૌથી પ્રચલિત સાધન છે બેંક ફિક્સ ડીપોઝીટ, પહેલા તેના પર ધ્યાન આપીશું અને ત્યારબાદ જોઈશું શેર્સ, મ્યુચ્યુઅલફંડ, પોસ્ટ ઓફીસ, સેવિંગ્સ સ્કીમ્સ, જીવન વીમો, મેડીકલેઇમ તથા અન્ય વીમાઓ જેમકે એક્સિડન્ટ ઇન્સ્યુરન્સ, પબ્લિક પ્રોવિડંડ ફંડ, ન્યુ પેન્શન સ્કીમ, કંપની ફિક્સ ડીપોઝીટ. બોન્ડ્સ એન્ડ ડીબેન્ચર, કર બચત યોજનાઓ જે માત્ર કર બચાવવા જ લેવાતી હોય છે, સોનું અને પ્રોપર્ટી વગેરે.

આપણી પાસે બચતનું યોગ્ય રોકાણ કરવા આટલા બધાં સાધનો છે પરંતુ દરેકની પોતાની મર્યાદા છે. ક્યાંક વળતર ઓછુ છે અને સલામતી વધુ તો ક્યાંક સલામતી ઓછી અને વળતર વધુ. અહી ‘હાયર ધ રિસ્ક હાયર ધ રીટર્નસ ‘ નો નિયમ લાગુ પડે છે. વળી આપણને ટુંકા ગાળા માટે રોકાણ કરવું છે કે લાંબાગાળા માટે એ પણ જોવાનું રહે છે અને એ રીતે જોખમ લેવાનું રહે છે.

આ કોલમમાં આપણે જોઈશું કે જોખમ કઈ રીતે ઘટાડી શકાય, જેમકે શેર કરતા મ્યુચ્યુઅલફંડમાં ઓછું જોખમ રહે છે અને વળતર લગભગ સરખું જ રહે છે. આમ પણ “મ્યુચ્યુઅલફંડ ઇન્વેસ્ટમેન્ટસ આર સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક “ એવું એની જાહેરાતમાં કહેતા જ હોય છે પરંતુ એ જોખમ શેરમાં સીધા રોકાણ કરતા ઓછું જોખમી કારણકે તેઓ રોકાણ નિષ્ણાતો દ્વારા શેરમાં આપણા નાણા રોકાતા હોય છે અને એ બાબતે એમને રોજનો અભ્યાસ હોય છે.

તો આપણે હવે પછી આ કોલમમાં તમારી બચત દ્વારા ઉભા થયેલા આ રોકાણના સાધનો અંગે ચર્ચા કરીશું અને જોઈશું કે કેવા સંજોગોમાં કયા પ્રોડક્ટમાં રોકાણ કરવું જોઈએ એનો ફાયદો શો અને મર્યાદાઓ કઈ આ અંગે આપના સવાલો પણ આવકાર્ય છે.

આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here