Sapiens – માનવતાના ઇતિહાસની એક ટૂંકી નોંધ (ભાગ – 1)

0
648
Photo Courtesy: medium.com

નોંધ: અહિયાં લેવાયેલા બધા ક્વોટસ Sapiens A Brief History of Humankind માંથી ચૂંટેલા ક્વોટસના ગુજરાતી ભાવાનુવાદ છે. ઉપરાંત આ લેખ(કે લેખમાળા)માં કોઈ ક્વોટ પુસ્તકના ક્રમ પ્રમાણે નથી. એક યોગ્ય વાત મુકવા અને ઢાંચાને ફોલો કરવા મેં ક્રમ સાથે થોડી છૂટછાટ લીધેલી છે.

Photo Courtesy: medium.com

 

સહિષ્ણુતા એ માનવજાતના સ્વભાવમાં જ નથી. આજે ચામડીના કલર, બોલી, ધર્મ કે જગ્યાનો બદલાવ સહન ન કરી શકતી માનવજાત પહેલેથી જ આવી છે. આદિકાળમાં માનવ જાત Homo Sapiens સિવાય, Homo Nenderthals, Homo Erectus અને ઓછા જાણીતા એવા Homo Rudolfensis અને Homo Denisova જેવી અનેક પ્રજાતિઓમાં વહેચાયેલી હતી. જેમ બિલાડીનાં કુળ માં(જૈવિક કુળ ની વાત થાય છે અહિયાં, આડોઅવળો અર્થ લેવો નહિ) સિંહ, વાઘ જેવા એના “કઝીન્સ” છે એમ માણસ (એટલે કે Homo Sapiens)  ના કુળમાં ઉપર કહ્યા એવા એના કઝીન્સ હતા. આપણે વર્ષોથી ભણતા આવીએ છીએ કે આ બધી પ્રજાતિ માંથી ઉત્ક્રાંતિ પામીને આપણે એટલે કે Homo Sapiens આવ્યા છીએ, પણ આ વાત સાવ સાચી નથી. આપણે આમાંની મોટાભાગની પ્રજાતિઓનો નાશ કરીને, અથવાતો એના ઇન્ટરબ્રીડીંગ (મતલબ રોટી બેટી ના સંબંધ થી) એ પ્રજાતિઓ સાથે ભળી ને અહી સુધી પહોચ્યા છીએ.

જે પુસ્તક વિષેનો આ લેખ છે એના શરૂઆત ના ૫૦ પાનાંમાં જ આવી આંખ ઉઘાડનારી અને કૈક અંશે જલદ માહિતી છે. આ પુસ્તક છે જેરુસલેમ યુનીવર્સીટી ના પ્રોફેસર યુઆલ નોઆહ હરારી નું Sapiens: The Brief History of humankind. ગયા વર્ષે શિશિર રામાવતે સંદેશમાં આ પુસ્તક વિષે બે લેખ લખ્યા હતા અને એમાં એમણે બે પોસ્ટ્સમાં ઉપર લખેલી વાતનું સવિસ્તાર વર્ણન કર્યું છે. જે તમે અહી વાંચી શકશો.

આ લેખ આ પુસ્તકનો રીવ્યુ જરાય નથી. આ પુસ્તક ઓલરેડી બેસ્ટસેલર છે અને  આ મસ્ત રીડ અને મસ્ટ રીડ છે. આજે આ પુસ્તકનો એક નાનકડો પરિચય એજ પુસ્તકના અમુક ક્વોટસ દ્વારા કરાવવો છે. આ પુસ્તક પોતે ચાર ભાગમાં છે. પહેલો ભાગ છે The Cognitive Revolution, મતલબ સમજશક્તિનું આંદોલન. જેમાં માનવજાત એક મહત્વ વગરની પ્રજાતિથી શરૂઆત કરે છે જે અત્યારે આખી પૃથ્વીના એકમાત્ર માલિક તરીકે રાજ કરે છે. આ પહેલો ભાગ આદીમાનવો વિષે બહુ ડીટેઇલ માં લખે છે. જેમકે.

માનવજાતિ એવી પહેલી પ્રજાતિ નથી જેણે ભાષા કે કમ્યુનીકેશન  ઉપયોગ કર્યો હોય. કીડી અને બીજા અનેક જીવડા એકબીજા સાથે વાર્તાલાપ કરી શકે છે. અમુક વાનરો પોતાના સમુહને સિંહ વિષે જે રીતે ચેતવે છે એના કરતા અલગ રીતે ઉપરથી આવતા ગરુડ વિષે ચેતવી શકે છે. એક પોપટ પણ આપણી મિમિક્રી કરી શકે છે. મતલબ જે માણસ પાસે છે એટલું કે એનાથી વધારે બીજા પ્રાણીઓ પાસે છે, તેમ છતાં માણસ કઈ રીતે સ્પેશીયલ છે. એનો જવાબ મળે છે આપણા મગજનાં એક સ્પેશીયલ વાયરીંગ માં જેનું નામ છે ઈમેજીનેશન. એક વાનર સિંહ વિષે બીજા વાનરો ને ચેતવી તો શકે છે, પણ બીજા વાનરો એ સિંહ વિષે ધારી નથી શકતા, જયારે એક આદિમાનવ સિંહ વિશેની વિસ્તૃત માહિતી લઇ શકે છે, એ બીજા આદીમાનવો ને કહી શકે છે, અને આ બધા જ લોકો સામુહિક રીતે સિંહ વિષે અને આસપાસની પરિસ્થિતિ વિષે ધારણા લઇ અને ચોક્કસ નિર્ણય લઇ શકે છે.

Prehistoric Gossips
આદીમાનવો ની ગોસીપ – Courtesy- breakbird.com

જોકે આ પુસ્તકમાં એક મહત્વનો ઉલ્લેખ ગોસીપ થીયરી વિશેનો પણ છે. માનવ એકજ એવી પ્રજાતિ છે જે બીજા વિષે ગોસીપ કરી શકે છે. આપણે સહુથી નબળી પ્રજાતિ છીએ, આપણી પાસે બિલાડીની ચપળતા, કુતરા જેવા નહોર, રીંછ જેવા વાળ જેવું કશું જ નથી. આપણે કોઈ પણ શિકારી પ્રાણીઓ માટે સહુથી સરળ અને સહુથી સ્વાદિષ્ટ શિકાર છીએ (એટલે જ જે શિકારી પ્રાણીઓ એકવાર નરભક્ષી થઈ જાય એ મેનુ માં માણસ જ વધારે પ્રીફર કરતા હશે 😉 ). અને એટલે સર્વાઈવલ માટે આપણે સમૂહમાં રહેવાનું વધારે અનુકુળ માન્યું હશે. અને આપણા સમુહમાં રહેવાને લાયક કયો માનવ છે અને કયો નથી એ જાણવા માટે ગોસીપ વધારે અનુકુળ અને સચોટ વસ્તુ છે અને એટલેજ ગોસીપ અને એના આધારે આપણે હજારો અને લાખો વર્ષો સુધી ટકી રહ્યા છીએ.

આપણે કોઈ વાનરને એના સ્વર્ગમાં અનલીમીટેડ કેળા આપવાની લાલચ દઈને એની પાસે રહેલું એક કેળું આપવા માનવી નથી શકતા.
You could never convince a monkey to give you a banana by promising him limitless bananas after death in monkey heaven.

૨૦૧૧ માં UNએ લીબિયાની સરકારને હ્યુમન રાઈટ્સ અનુસરવાની ટકોર કરી હતી. ભલે UN, લીબિયા અને હ્યુમન રાઈટ્સ આપણી ફળદ્રુપ કલ્પનાઓ અંશ માત્ર જ છે, પણ આપણે આ બધી જ કલ્પનાઓને સીરીયસલી લઇ લીધી હતી.

આ ગોસીપ અને ઈમેજીનેશન બે યુનિક ગીફ્ટને  લીધે આપણે સામાજિક પ્રાણી બની ગયા છીએ, અને આટલા ઝડપથી ફૂડ ચેઈનમાં ટોચ પર પહોચી ગયા છીએ. પણ આ ઈમેજીનેશન આપણા દિલોદિમાગ પર એટલી હાવી થઇ ગઈ છે કે આપણે આ આભાસને જ સત્ય માનવા માંડ્યા છીએ. ચાહે એ ભગવાન હોય, દેશ હોય કોઈ કંપની હોય કે પછી યુનાઈટેડ નેશન્સ, માણસ જાત જે વસ્તુઓ માટે લડે છે (કે અત્યાર સુધી લડી છે) એ બધુજ આપણા વિચારો પુરતું જ સીમિત છે. અને આ વિચારોના લીધે જ આપણે આપણી બાયોલોજીકલ મર્યાદાને પાર કરી શક્યા છીએ.

આજે આખી માણસજાત પાસે  પ્રાચીન શિકારી ટોળાઓ કરતા વધારે જ્ઞાન છે. પણ એ એકલદોકલ પ્રાચીન શિકારી આજના એકલદોકલ માણસ કરતા ક્યાય વધારે જાણકાર અને કુશળ હતો.

આ સમય જયારે આપણે એક પ્રાણીથી લઇ એક સામાજિક પ્રાણી સુધીની ઉત્ક્રાંતિ કરી રહ્યા હતા એ માનવજાતે ગાળેલો સહુથી નિર્દોષ સમય છે. ચેપ્ટર A Day in a life of Adam and Eve માં એ નિર્દોષ સમયમાં જીવતી માનવજાતના લેખકે ખુબ સરસ વખાણ કર્યા છે. એ સમયે આપણે રોજબરોજ જીવન જીવવા માટે સંઘર્ષ કરવો પડતો, કોઈ શિકાર આસપાસમાં જ છે, કે કોઈ શિકારી આસપાસમાં છે એ જાણકારી રાખવાથી લઈને પોતાના શરીર અને પોતાની માનસિક સ્થિતિ વિષે જાણકારી રાખવી એ આદીમાનવો માટે સર્વાઈવલ માટે ખુબ અગત્યનું હતું. અને એ સમયે થોડા હૈ, થોડે કી ઝરૂરત હૈ ની ફિલોસોફીને આંખ બંધ કરીને અનુસરતો આદિમાનવ આજના હોમો સેપીયંસ સેપીયંસ કરતા વધારે ખુશ હતો એ પોઈન્ટ આખા પુસ્તકમાં પોતાની હાજરી પુરાવતો રહે છે.

આપણા દ્વારા નષ્ટ કરાયેલી ઓસ્ટ્રેલીયન પ્રજાતિઓ નું એક ચિત્ર: Courtesy: phys.org

આ પ્રાણીઓને માણસજાતનો ડર વિકસાવવો પડે એમ હતો, પણ એ એવું કઈ કરી શકે એ પહેલા જ નષ્ટ થઇ ગયા હતા.

કાલે ઉઠીને કોઈ ઝાડવળગું એમ કહે કે આપણા પૂર્વજો કુદરત સાથે સુમેળભર્યું જીવન જીવતા હતા તો એવા લોકોનો જરાય વિશ્વાસ ન કરતા.

કુદરતે માનવજાત જેવી નાલાયક જાતી કોઈ નથી જોઈ. વાઘ, સિંહ, અજગર, હાથી જેવા પ્રાણીઓ પોતપોતાની ખોરાક શ્રુંખલા (ફૂડ ચેઈન)માં પોતપોતાની જગ્યાએ ગોઠવાયા હતા એ બાયોલોજી અને પર્યાવરણની જબરી જુગલબંધીનું પરિણામ હતું અને એટલે માનવજાતના આવ્યા પહેલા આ બધા પ્રાણીઓ પોતપોતાની રીતે મોજથી પોતાનો વ્યવહાર ચલાવતા હતા. પણ આપણે આવીને આ જુગલબંધી બેસૂરી કરી નાખી છે. આપણો ઉદ્ભવ આફ્રિકા ખંડમાં ક્યાંક થયો હતો, અને હોમોસેપીયંસ એક માત્ર એવી પ્રજાતિ છે જે પૃથ્વીના દરેક પ્રકારના પર્યાવરણમાં જોવા મળે છે. આફ્રિકાથી આપણે જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં આપણે કુદરતનો સોથ વાળવાનું કામ તો અચૂક કર્યું છે. ઉપર દર્શાવ્યું એમ ઓસ્ટ્રેલીયાના માર્સુપિઅલ્સ હોય કે અમેરિકાની મોટાભાગની પ્રાણી સૃષ્ટિનો આપણે આંખો વિચીને વિનાશ કર્યો છે.

Avatar animism
જેમ્સ કેમેરોનની ફિલ્મ અવતાર માં ના’વી પ્રજાતિ એનીમીઝ્મમાં ઊંડો વિશ્વાસ ધરાવે છે. એનીમીઝ્મ એટલે આસપાસની દરેક વસ્તુઓમાં આત્મા છે અને એ આત્મા આપણી સાથે ડાયરેક્ટ કનેક્ટ થઇ શકે છે. આપણા આદીમાનવો પણ આવા જ હતા courtesy-Cinema52

આ એ ગાળો હતો જયારે એક તરફ આદીમાનવો સ્વાર્થી થઈને આસપાસની જીવસૃષ્ટિનો નાશ કરી રહ્યા હતા જયારે બીજી તરફ આજ આદીમાનવોની શ્રદ્ધા આકાર લઇ રહી હતી. આસપાસની દરેક વસ્તુઓમાં આત્મા છે અને એ આત્મા આપણી સાથે વાતો કરી શકે છે એ વાતનો વિશ્વાસ આદિમાનવોમાં ખુબ ઊંડો હતો. એક તરફ જે વાઘ થી ડરતા એજ વાઘને પોતાના કબીલાનો રક્ષક પણ માનતા. અને ખોરાક માટે, સ્વરક્ષા માટે કે બીજા કોઈપણ કારણથી કોઈ પ્રાણીનો શિકાર કરતા પહેલા એના આત્મા પાસેથી માફી પણ માંગી લેતા. મને લાગે છે કે આપણી આ કન્ફ્યુઝીંગ લાક્ષણિકતા પણ અહીંથી જ આવી હશે.

અહિયાં પુસ્તકનો પહેલો ભાગ પૂરો થાય છે. અને આદિમાનવનું આટલું ઊંડું વિશ્લેષણ પણ અહિયાં આવીને અટકે છે. અહીંથી આગળ માનવજાત રખડપટ્ટી છોડીને સેટલ થાય છે, શિકાર અને છૂટક ખોરાકને બદલે ખેતી તરફ આગળ વધે છે. અને માનવજાતનો લિખિત ઈતિહાસ શરુ થાય છે. એમાં પણ લેખકે ઘણા રસપ્રદ મુદ્દાઓ છેડ્યા છે, જે આપણે આવતા સોમવારે જોઈશું. ત્યાં સુધી ઇન્જોય.

Sapiens: The Brief History of humankind પુસ્તક મેળવવાનો રસ્તો.

eછાપું

તમને ગમશે: ઉનાળામાં ચામડી ની સારસંભાળ અને યોગ્ય Sunscreen Lotion ની સલાહ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here