તમારા સંતાન સાથે ભેગા બેસીને સંગીત સાંભળો; ફાયદો તમારો જ છે

0
321
Photo Coutesy: portsmouth.co.uk

શું તમે તમારા સંતાન સાથે મુસાફરીમાં જાવ છો ત્યારે તમે બંને અલગ અલગ ઈયરફોનથી પોતપોતાને ગમતું સંગીત સાંભળો છો? જો આ તમારી આદત હોય તો હવે તેમાં જરા બદલાવ લાવવાનું વિચારી જો જો. હાલમાં થયેલા એક સંશોધન અનુસાર જો તમે તમારા સંતાન સાથે બેસીને ઈયરફોન નહીં પરંતુ રેડિયો પર કે પછી કોઈ અન્ય રીતે સંગીત સાંભળશો તો ભવિષ્યમાં તમારા બંનેના સંબંધોમાં એક અનોખી મજબૂતાઈ જોવા મળશે.

Photo Coutesy: portsmouth.co.uk

અમેરિકાની એરિઝોના યુનિવર્સીટીએ આ સંશોધન કર્યું છે અને આ સંશોધન અનુસાર સંતાન અને માતાપિતાએ સફર દરમ્યાન કે પછી ખાલી સમયમાં ભેગા બેસીને એવું સંગીત સાંભળવું જોઈએ જે તમામને ગમતું હોય. આમ કરવાથી તેમની વચ્ચે ભાવનાત્મક સંબંધ મજબૂત બને છે.

આ સંશોધનમાં હાલમાં 21 વર્ષની વટાવી ચુકેલા કેટલાક યુવાન-યુવતિઓને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને તેના પરથી તારણ નીકળ્યું હતું કે જે યુવતિ અથવાતો યુવકે બાળપણમાં કુટુંબ સાથે બેસીને સંગીત સાંભળ્યું હતું તે આજે પણ પોતાને પોતાના પિતા કે માતા સાથે વધુ closeness નો અનુભવ કરતા હોય છે. સંશોધકોનું માનવું છે કે આ રીતે એક ટીનેજર સંતાન પોતાની માતા અથવાતો પિતાને એક અલગજ નજરથી જોવા લાગે છે અને તે ભાવના તેમના પ્રત્યે સન્માનથી બિલકુલ ઓછી નથી હોતી.

તમને ગમશે: વાલીઓ માટે ચેન્નાઈની સ્કૂલનું ‘હોલીડે હોમવર્ક’ – અબ આયા ઊંટ પહાડ કે નીચે!

સંશોધકોનું કહેવું છે કે બાળપણમાં માતાપિતા હાલરડું ગાતા હોય છે અથવાતો નર્સરી રાઈમ્સ તેમના બાળકોની સાથે મળીને ગાતા હોય છે. આ સમયે બાળક પોતાના માતાપિતાની સહુથી નજીક હોય છે, પરંતુ ટીનેજમાં આમ બનતું નથી. આ જ સમય છે જ્યારે આપણે આ ઓછી બનતી ઘટનાને શક્ય બનાવવાની કોશિશ કરવાની છે. કારણકે બાળપણની યાદગીરી કિશોર અથવાતો યુવાનના મનમાં ઘણી ઓછી હોય છે પરંતુ ટીનેજમાં બનતી ઘટનાઓ તેને લગભગ જીવનભર યાદ રહેતી હોય છે. આમ માતાપિતાએ આ સમયમાં મોટાભાગનો સમય પોતાના સંતાન સાથે સંગીત સાંભળવામાં ગાળવો જોઈએ.

ઉપરોક્ત સંશોધનમાં સાથે બેસીને સંગીત સાંભળવા ઉપરાંત અન્ય પ્રવૃત્તિઓ જેવીકે પિકનિક, મુસાફરી, ટ્રેકિંગ, ફિલ્મ જોવી વગેરે પણ આવરી લેવામાં આવી હતી પરંતુ અંતે તો એ જ સાબિત થયું કે કિશોરવયના સંતાન સાથે બેસીને સંગીત સાંભળવાથી જ માતાપિતા અને સંતાનો વચ્ચેનો ભાવનાત્મક સંબંધ વધારે મજબૂત થાય છે જે ભવિષ્યમાં માતાપિતા માટે જ લાભકારક બની રહે છે.

છેવટે સંશોધકો કહે છે કે સંગીત ખુદ વિવિધ ભાવનાઓને ઉત્તેજીત કરે છે. આમ એક સાથે બેસીને સાંભળેલા સંગીત દરમ્યાન માતાપિતા અને તેમના કિશોરવયના સંતાન વચ્ચે પણ વિવિધ ભાવનાઓનું સર્જન થતું હોય છે. જે છેવટે તેમને એક ભાવનાત્મક બંધનમાં બાંધતું હોય છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here