પહેલી મે એટલે કે ગુજરાત દિવસ નિમિત્તે ગયા અઠવાડિયે વડોદરાના વાણિજ્ય ભવન ખાતે GJ6 એપ લોન્ચ સેરેમની યોજાઈ ગઈ. તમે કહેશો કે આમ તો ઘણા બધા શહેરો માટે ઘણી બધી એપ લોન્ચ થાય છે, તો આ GJ6 એપમાં આર્ટીકલ લખવા જેવું ખાસ શું છે? તો ખાસ વાત જાણે એમ છે કે વડોદરા શહેર માટે આટલા મોટા પાયે, આટલી માહિતી ધરાવતી અને આ કેટેગરીની પહેલી એપ્લીકેશન છે!
તો ચાલો આજે ‘વધારાના છેડા’ તરીકે તમને સ્માર્ટ સીટી વડોદરાની પોતાની એપ્લીકેશન એવી ‘GJ6’ની સફરે લઇ જાઉં.
સૌપ્રથમ તો આ GJ6 એપ્લીકેશનનું નામ જ મજાનું છે જે વડોદરાના RTO નંબર પરથી લેવામાં આવેલ છે. જેની ટેગલાઈન છે “મેઈડ વિથ લવ ફોર ધ બરોડીયન્સ બાય ધ બરોડીયન્સ”. એટલે કે ‘બરોડાવાસીઓ માટે બરોડાવાસીઓ દ્વારા પ્રેમથી બનાવાયેલી’.
GJ6 એપ્લીકેશન બનાવવા MS યુનિવર્સીટીના અલગ અલગ ક્ષેત્રના ધુરંધરોએ સાથે મળીને કામ કરેલ છે. જેમ કે લીટરેચર માટે અલગ વ્યક્તિ, એન્જીનીયરીંગ માટે અલગ વ્યક્તિ વગેરે. એપ બનાવવાનો વિચાર જેમને આવેલો એવા કશ્યપ પંડ્યા એમ.એસ.યુનિવર્સીટીના ઈજનેરી શાખાના વિદ્યાર્થી છે અને તેમના મનમાં આ વિચાર કેમ આવ્યો એ વિષે જણાવતા એપ લોન્ચના પોતાના વક્તવ્યમાં કહેલું કે, “બરોડાએ મને ઘણું બધું આપ્યું છે તો હું બરોડાને કશુક આપવામાં પાછીપાની કેમ કરું?”. કેવી અદ્ભુત વાત ને એ પણ એક બાવીસ વર્ષના યુવાનના મોઢે સાંભળવા મળે એ જોઇને ગુર્જર ધરા પર માન ઉપજી આવે.

GJ6 એપ્લીકેશન લોન્ચિંગ સેરેમનીમાં વડોદરાના મેયર શ્રી ભરત ડાંગર, ‘રેવા’ ફિલ્મના અભિનેતા ચેતન ધણાની અને સાથે લેખક વિનીત કનોજીયા, હાસ્યકાર સ્મિત પંડ્યા એટલે કે આપણા ‘કિશોરકાકા’ તેમજ અલગ અલગ ક્ષેત્રે વડોદરાનું નામ વિશ્વભરમાં રોશન કરનાર હસ્તીઓએ હાજરી આપી હતી. આ એપ્લીકેશન લગભગ ત્રણ મહિનાની જહેમત બાદ સંપૂર્ણ રીતે આકાર પામી છે. જે અત્યારે ગુગલ પ્લેસ્ટોર અને એપલના આઈ.ઓ.એસ. સ્ટોર પર ઉપલબ્ધ છે.
હવે GJ6 એપ્લીકેશનના ફીચર્સ વિષે જોઈએ તો એપ્લીકેશન ખોલતાની સાથે તમે અવગત થશો બરોડામાં તમારી આસપાસ ઘટી રહેલી ઘટનાઓ વિષે. જેમ જેમ સ્ક્રોલ કરતા જશો તેમ તેમ રાજ્યના, દેશના અને દુનિયાના સમાચારો બુલેટ પોઈન્ટ સાથે તમને ટૂંકમાં વાંચવા મળશે.
ત્યાર બાદ બરોડાના ‘કેફેઝ’ સેક્શનમાં બરોડાના મોટા કેફેઝનું લીસ્ટ હશે જ્યાં ગમે ત્યારે ગમે તે સ્કીમ આવશે એ તમને નોટીફીકેશન દ્વારા જાણ થશે અને એપમાં તમે જ્યારે જે કેફેમાં જવું હોય તે કેફેની ડાઈરેક્શન પર ક્લિક કરશો તો સીધું જ તમારા સ્થાનથી કેફે સુધી જવાનો રસ્તો ગુગલ મેપમાં ખુલી જશે.
આ જ મેનુમાં ત્રીજું ઓપ્શન છે, ઇવેન્ટનું. જેમાં બરોડામાં નજીકના ભવિષ્યમાં આવનારી ઇવેન્ટની માહિતી એક ક્લિક પર તમારી સામે હશે. આ મેનુનું છેલ્લું અને નવીન ઓપ્શન છે “મીટ અપ”. જેમાં જો તમે પોતાના મિત્રોનું રીયુનીયન કરવા માંગતા હો કે પછી કોઈ ઇવેન્ટ કરવા માંગતા હો તો એ તમે અહી ‘+’ પર ક્લિક કરીને બનાવી શકો છો અને તમારા મિત્રોને આ ઇવેન્ટ માટે ઇન્વાઈટ કરી શકો છો.
આ થયું ન્યુઝનું મેઈન મેનુ, હવે આવીએ બીજા મેઈન મેનુ પર જેનું નામ છે “વડોદરા”. આ મેઈન મેનુમાં પહેલું સબ-મેનુ છે વડોદરાના આકર્ષણનું. જેમાં વડોદરા અને તેની આસપાસ ફરવા લાયક સ્થળોનું લીસ્ટ તમારી સમક્ષ પ્રસ્તુત હશે. જેના પર ક્લિક કરીને એની વિગત, રસ્તા સાથે મેળવી શકાય છે. બીજું સબ-મેનુ વડોદરાના મેયર, ડેપ્યુટી મેયર અને અન્ય રાજકીય નેતાઓ વિષે તમને માહિતગાર કરશે. ‘વડોદરા’ મેઈન મેનુનું અંતિમ સબ-મેનુ ‘પ્રોમીનેન્ટ ફેસીઝ’નું છે, જેમાં વડોદરાનું નામ દેશ અને દુનિયામાં રોશન કરનારા ખેલાડીઓ, અભિનેતાઓ અને કલાકારોની સંપૂર્ણ માહિતી તમારા આંગળીના ટેરવે હશે.
ત્રીજું મેઈન મેનુ એકદમ ખાસ છે, જે સમાજસેવાનું આગવું ઉદાહરણ છે. તે છે “બ્લડ” માટેનું. અહી તમે તમારું બ્લડ ગ્રુપ લખીને તમારી સંપર્ક માહિતી આપી શકો છો. જે-તે સમયે કોઈને પણ જે ગ્રુપનું બ્લડ જોઈએ એ તરત જીજે સિક્સ ખોલીને રીક્વેસ્ટ નાખી શકે છે અને જરૂરી બ્લડ ગ્રુપ ધરાવતી વ્યક્તિ રક્તદાન કરીને કટોકટીના સમયમાં માનવસેવા કરી શકે છે. આ વિચાર આ એપ્લીકેશનને બધાથી અલગ ચીતરે છે.
ચોથું અને અંતિમ મેઈન મેનુ અગત્યના ફોન નંબર્સનું છે. જેમાં વડોદરાના એમ્બ્યુલન્સ, ફાયર સ્ટેશન , અગત્યની હોસ્પિટલ્સ, બ્લડ બેંક, નારી હેલ્પલાઈન, ચિલ્ડ્રન હેલ્પલાઈન, એનિમલ હેલ્પલાઇન અને બસ સ્ટેશન સહીત તમામ અગત્યની જગ્યાઓના ઓથેન્ટિક ફોન નંબર્સનું લીસ્ટ આપેલ છે, જેના ઉપયોગ થાકી ઈમરજન્સી સમયે સાચો ફોન કરી શકાય તો સમાજને ઘણી મદદ મળી રહેવા પામે છે.
વધુમાં GJ6 એપ્લીકેશન ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં છે. તમે ડાઉનલોડ કર્યા પછી ઓપ્શન્સમાં જઈને મનફાવે ત્યારે ત્રણેમાંથી કોઇપણ ભાષા પસંદ કરી શકો છો. ઉપરાંત સાઈડ મેનુમાં તમે વડોદરાની હાલની આબોહવા અને તાપમાન સંબંધી માહિતી પણ મેળવી શકો છો.
આમ, અત્યંત ઉમદા હેતુથી બનાવાયેલી આ ‘ઓલ ઇન વન’ પ્રકારની આ સ્વદેશી એપ્લીકેશનની લોન્ચિંગ સેરેમની તો યાદગાર રહી જ, સાથે સાથે આ એપ ડાઉનલોડ કર્યા બાદ હું વડોદરાની વધારે નજીક આવી ગયો હોવાનો અનુભવ થઇ રહ્યો છે.
આચમન :- “જનસેવા એ જ પ્રભુસેવા” એ ત્યારેય એટલું જ સાર્થક હતું અને આજેય એટલું જ સાર્થક છે. બસ માત્ર પ્લેટફોર્મ ડીજીટલ થઇ ગયા છે.
તમને ગમશે: તમારા સંતાન સાથે ભેગા બેસીને સંગીત સાંભળો; ફાયદો તમારો જ છે