દરેક વૃદ્ધાશ્રમ ની વાર્તા એકસરખી નથી હોતી – એક લઘુકથા

0
414
Photo Courtesy: indianexpress.com

ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવા માટે અમારી ટીમનો વિચાર હતો કે અમે વૃદ્ધાશ્રમ માં જઈએ અને તેના માટે અમે શહેરનું શ્રેષ્ઠ એવું વૃદ્ધાશ્રમ પસંદ કર્યું. ગૌરવનો વિચાર હતો કે વૃદ્ધાશ્રમ માં બે વાર વિઝીટ લેવી એક વખત જ્યારે કોઈ રજાનો દિવસ હોય અને સગા-સંબંધીઓ વૃદ્ધોને મળવા આવતા હોય એ દિવસે, અને એક આડો દિવસ જ્યારે વૃદ્ધાશ્રમ માં સામાન્ય પ્રવૃત્તિઓ ચાલતી હોય. ગૌરવની ઈચ્છા એવી પણ હતી કે ફિલ્મમાં ક્યાંક ક્યાંક સંવેદનાઓ, લાગણીઓ દેખાડવા માટે વૃદ્ધોના ઓરીજનલ ડાયલોગને જ એડિટ કરીને મુકીશું. આથી તે લોકોને પૂછવાના સવાલોનું લીસ્ટ બનાવવાની જવાબદારી મારા પર આવી.

Photo Courtesy: indianexpress.com

હું વૃદ્ધાશ્રમ માં પોતાના જ માં-બાપને મોકલતા દીકરાઓ પ્રત્યે મને થોડી ધૃણા પહેલેથી જ હતી, અને એ બાબતે હું ગૌરવને પણ કહેતી રહેતી. ગૌરવ મને હંમેશા કહેતો કે, “તું પ્લીસ જજમેન્ટલ ન બન, તું પહેલા વૃદ્ધાશ્રમ માં રહેતા લોકોને સાંભળ. દરેક વાતના બે પહેલું હોય છે. લાગણીઓમાં આપણે વહી ન શકીએ.” અને હું વિચાર્યા કરતી કે આ ગૌરવ કેમ આવો હશે? આમાં બીજો પહેલું છે કયો? જો એ દીકરો પોતાના જ માં-બાપને સાચવી ન શકે તો ધૂળ પડી એ દીકરા પર અને માં-બાપે એવા દીકરાને ભૂલી જવો જોઈએ અને માત્ર તેનું બચપણ યાદ રાખવું જોઈએ. આમ મારી અને ગૌરવની વચ્ચે મતભેદો થતા. આથી જ હું એ દિવસે એવું બતાવી દેવા માંગતી હતી કે હું જ સાચી છું.

તમને ગમશે: ઉનાળામાં થતા Food Poisoning થી તમે જરૂર બચી શકો છો

આખરે તે દિવસ આવી ગયો. હું ખુબ શાંત હતી, અને ગૌરવ તેના કામમાં વ્યસ્ત હતો. તેણે મને એકપણ વખત કામ માટેની સુચના પણ આપી ન હતી. કદાચ એ એવું માનતો હશે કે મારે મારો દિમાગ ખાલી કરી અને કામ કરવું જોઈએ. જયારે અમે પહોચ્યા ત્યારે વૃદ્ધાશ્રમનું દૈનીક કામ ચાલુ હતું. કોઈ નાહી-ધોઈને વાતો કરતા હતા, એક-બે માજી તુલસીની પ્રદક્ષિણા કરી રહ્યા હતા, કોઈ સવારમાં છાપું વાચી રહ્યું હતું તો કોઈ વળી ફોન પર પોતાના દીકરા/દીકરી સાથે વાતો કરી રહ્યા હતા. ગૌરવે કેમેરામેનને પહેલથી જ શૂટ કરવાનું કહી દીધું હતું, તે આ દરેક નાના-નાના દ્રશ્યને શૂટ કરી રહ્યો હતો. મારી નજર કપડા સુકવતા એક માજી પર પડી અને હું તેમની પાસે ગઈ.

કઈ રીતે વાત શરુ કરવી તે માટે હું અવઢવમાં હતી. ત્યાં માજીએ જ મને જય શ્રી કૃષ્ણ કહ્યું. મેં પણ હસીને તેમને જયશ્રી કૃષ્ણ કહ્યું અને મેં મારી ઓળખાણ આપી. માજી દિલના સાફ અને ભોળા લાગ્યા. મેં મારા સવાલો પૂછ્યા અને મને જાણવા મળ્યું કે માજીને દીકરો નથી, બે દીકરીઓ છે. એક દીકરી સયુંકત કુટુંબમાં રહે છે, અને એક કેનેડામાં છે. મેં માજીને પૂછ્યું કે તમે કેમ વૃદ્ધાશ્રમ માં રહો છો? તમારી દીકરી સાથે નથી રહેતા? તો માજીએ કહ્યું કે બેટા, એ શક્ય જ નથી. દીકરી સાથે ન રહી શકાય. વળી, મારી મોટી દીકરીના સાસુ-સસરા થોડા આકરા

છે આથી તેની સાથે મને ન ફાવે અને ખોટું દીકરીના સંસારમાં દખલ પણ ન કરાય ને! બીજી દીકરી તો કેનેડા છે આથી તેની સાથે રહેવાનો કોઈ સવાલ જ નથી. ચાલ બેટા આવજે હો કહીને માજી તો નીકળ્યા.

હું ત્યાં જ ઉભી રહી અને વિચારતી હતી કે માજી કેટલા સ્ટેબલ હતા. એટલામાં નયન મારી બાજુમાં આવ્યો એ કોઈ સાથે ફોન પર ઝગડી રહ્યો હતો. “તારે અને મમ્મીને જે કરવું હોઈ એ કરો; પ્લીસ એમાં મને ન પાડો”

નયનના હમણાં જ લગન થયા હતા. તેની ઘરવાળી અને તેની મમ્મીને બનતું ન હતું. તેના ઘણા કારણો હતા પણ નયને મને જે વાત કરી હતી એ પરથી મને એવું લાગ્યું હતું કે એક હાથ તાલી ન વાગે. વાંક બંને પક્ષનો હતો. હું હંમેશની જેમ ફિલોસોફી ઝાટકું એ પેલા જ નયને મને કહી દીધું, ‘જો બીટુ હું અત્યારે તારું ભાષણ સાંભળવાના મુડમાં નથી” ગુસ્સો તો મને પણ આવ્યો પણ હું મારું કામ કરવા લાગી.

મારી આંખો ગૌરવને શોધતી હતી કેમકે એ એક માત્ર એવો માણસ છે જે મને ગુસ્સો અપાવી પણ શકે છે અને મારો ગુસ્સો શાંત પણ કરી શકે છે. એ મને ઓફીસમાં દેખાયો. હું એ તરફ જતી હતી ત્યાં જ એક વૃદ્ધ દંપતી વચ્ચે ઉગ્ર ચર્ચા ચાલી રહી હતી એ સાંભળવા હું થોડી દુર ઉભી રહી. એમની ચર્ચા પરથી એવું લાગી રહ્યું હતું કે તેઓ લાંબા સમયથી આ વૃદ્ધાશ્રમ માં રહેતા હતા અને તેને સારીએવી આર્થિક મદદ પણ કરતા  હતા.

દાદી: “હું તમને હજુ પણ કહું છું તમારો સ્વભાવ બદલો, આ સ્વભાવ સાથે તો આ આશ્રમ પણ તમને નહિ સાચવે”

દાદા: “ન શું સાચવે હું દર વર્ષના લાખો રૂપિયા આપું છું.”

દાદી: “આ લાખો રૂપિયા આપવાના બદલે ઘરની વહુ પાસે થોડા ઓછા હિસાબ માંગ્યા હોત તો આ દિ ન આવત”

દાદા: “નથી આપવા મારે ઈ બાયને મારા રુપીયા, આજે નહીં અને આવતી કાલે નહીં. બોવ હોય તો હાથે કમાઈ લે. અને તું બધું મારા પર કેમ ઢોળે છે જાણે મારો એકનો જ વાંક હોય. તું તો બિલકુલ કચકચ ન કરતી હોય. તારી કરતા તો સો ટકા હું વહુને અને દીકરાને વધુ પ્રેમ કરું છું. એ હું જ હતો જે ઘરના કામ માટે કામવાળીની ડીમાન્ડ રાખતો નહીં તો આજે કદાચ એ બાઈ જીવિત પણ ન હોત.”

દાદી: “કામથી કોઈ ન મરે, તમારા આકરા સ્વભાવને કારણે જ આ થયું છે. અને એવું નથી હજુ પણ બધું બરાબર જ ચાલતું હોત જો તમે તમારા પૈસાના ઘમંડમાં એવું ન બોલ્યા હોત કે અમે અમારું કરી લઈશું તમે હાલતા થાઓ.”

અચાનકથી કોઈએ મારા ખભે હાથ મુખ્યો અને હું ચોકી ગઈ. “શું થયું? તને શું લાગ્યું? હું મારા માં-બાપથી શેના માટે જુદો થયો હોઈશ?” ગૌરવના આ પ્રશ્નનો આજે મારી પાસે કોઈ જવાબ ન હતો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here