102 Not Out – વૃદ્ધાવસ્થા એ ફક્ત માનસિક પરિસ્થિતિ છે

1
593
Photo Courtesy: indianexpress.com

102 Not Out જોતી વખતે મને સતત મારા દાદી યાદ આવતા હતા. એમણે પોતાની યુવાનીમાં ઘણું સહન કર્યું હતું અને જેમ દરેક સ્ત્રી કરતી હોય છે એમ કુટુંબ માટે જાત ઘસી નાખી હતી. આખી જિંદગી સતત કામ કરે રાખવાને લીધે કદાચ એમને કામ કરવાનું વ્યસન લાગી ગયું હતું. ઉંમર વધે એમ શરીર અમુક બાબતે સાથ ન આપે, એમાં કેટલીક બીમારીઓ વળગી જેને જો કે ઉંમર સાથે સીધો સંબંધ ન હતો, પણ તેમ છતાં એમને અમુક અંશે કામ કરતા રોકવામાં આ બિમારીઓએ મદદ જરૂર કરી.

Photo Courtesy: indianexpress.com

ઉંમરના સિત્તેરના દાયકાની શરૂઆતમાં જ એમનાથી અમુક કામ થવાના સ્વાભાવિકપણે બંધ થઇ ગયા ત્યારે મારી સામે જોઇને ગાતા, “ઘડપણ કોણે મોકલ્યું રે…” મારા દાદીની વ્યથા અને 102 Not Out ફિલ્મમાં દર્શાવેલી સમસ્યા આમ તો અલગ અલગ છે પરંતુ આ બંને કિસ્સાઓ દ્વારા એક વાત જરૂર સ્પષ્ટ થાય છે કે વૃદ્ધાવસ્થા એ શારીરિક નહીં પરંતુ માનસિક પરિસ્થિતિ છે. જો શરીર નબળું પડી જાય પણ મન મજબૂત હોય તો શરીરને એની અસલી ઉંમરની ખબર નથી પડતી, પરંતુ જો મન નબળું પડી જાય તો યુવાવસ્થાએ પણ શરીર જવાબ દઈ દે છે.

મારા દાદીનું મન મજબૂત હતું પરંતુ શરીરને ઘેરી વળેલી કેટલીક એવી બીમારીઓ જેણે તેમને પથારીવશ તો ન કર્યા પરંતુ આખો દિવસ ખાટલે અને ખુરશીમાં બેસી રહેવા માટે મજબૂર જરૂર કરી દીધા હતા. ટૂંકમાં જો આ બીમારીઓ ન હોત તો મજબૂત મનને લીધે કદાચ મારા દાદી ઉંમરનો સિત્તેરમો દાયકો વટાવીને પણ ઘરના જરૂરી કાર્યો કરતા હોત. આજે શહેરોમાં અને ઘણા ઘરોમાં આપણે મોટી ઉંમરના લોકોને પછી તે સ્ત્રી હોય કે પુરુષ ઘરના અને મહેનત પડે તેવા કાર્યો કરતા જોઈએ છીએ. આ પાછળ મનની મજબૂતાઈ જ જવાબદાર છે.

102 Not Out માં પણ પંચોતેર વર્ષનો દીકરો બાબુલાલ તેના એકસો બે વર્ષના પિતા દત્તાત્રેય કરતા વધારે વૃદ્ધ થઇ ગયો છે એવું દેખાય છે, કારણકે એણે મન સાથે સમાધાન કરી દીધું છે કે તે વૃદ્ધ થઇ ગયો છે. જ્યારે દત્તાત્રેયને તો એનાથી હજીપણ સોળ વર્ષ મોટા એવા એક ચીનીનો રેકોર્ડ તોડવાની ઈચ્છા છે અને દત્તાત્રેયનું મન એટલું મજબૂત અને હકારાત્મક છે કે એ આ રેકોર્ડ તોડી જાય તો કોઈને નવાઈ પણ ન લાગે. આપણી આસપાસ નજર કરીએ તો આપણને ઘણા બાબુલાલો મળી આવશે પણ બદનસીબે છવ્વીસ વર્ષની માનસિક ઉંમર ધરાવતા 102 Not Out દત્તાત્રેયોની સંખ્યા એટલીસ્ટ ભારતમાં ઘણી ઓછી છે, બલકે rarest of rare કેસીઝમાં તેઓ સ્થાન ધરાવે છે.

સાંજે બગીચામાં આંટો મારવા જાઉં ત્યારે એક તરફ લગભગ સળંગ દસથી બાર બેન્ચો પર સિનીયર સિટીઝન્સ બેઠા હોય છે જેમાં દાદીઓ અને દાદાઓ સરખા પ્રમાણમાં હોય છે. આંટો મારતા હોઈએ એટલે સ્વાભાવિક છે કે એમની વાતો પણ કાને પડે. આમાંથી મોટાભાગના બલકે લગભગ તમામ દાદા અને દાદીઓ વહુ-દિકરાની ચટણી વાટવા સિવાય અન્ય કોઈ વાત નથી કરતા હોતા. હા ઘણીવાર દાદાઓની ચર્ચામાં ધોની, મોદી કે પછી માલ્યા આવી જાય પણ દાદીઓ…

ચાલો છોડો આપણે મૂળ મુદ્દા પર પરત આવીએ. ઉંમર નાની હોવાથી હું આ લેખ વાંચી રહેલા વડીલોને કદાચ સલાહ તો ન આપી શકું, પરંતુ એટલું સૂચન જરૂર કરી શકું કે 102 Not Out ફિલ્મ એક વખત જોઈ લ્યો અને પછી શાંતિથી તેમાં છુપાયેલા સંદેશને સમજવાની કોશિશ કરો. આપણા દેશમાં સાઈઠ વર્ષની ઉંમર થયા પછી પુરુષો અને સ્ત્રીઓ જિંદગી પૂર્ણ થઇ ગઈ હોવાનો એક ખોટો ખ્યાલ પોતાના મનમાં જબરદસ્તીથી ઘુસાડી દેતા હોય છે જ્યારે તેની બિલકુલ જરૂર નથી હોતી. સાઈઠ વર્ષે સરકાર રિટાયર કરે છે મન નહીં?

પશ્ચિમના ઘણા દેશોમાં એવી ઘણી બધી નોકરીઓ છે જ્યાં નિવૃત્તિની કોઈ ચોક્કસ ઉંમર નથી હોતી. બસ તમારી ઈચ્છા થાય અને શરીર સાથ આપે ત્યાં સુધી કામ કરે જાવ. આપણે ત્યાં નિયમો જુદા ખરા પણ એ બંધારણમાં લખેલા નથી. અમુક જ્ઞાતિ મંડળો એવા પણ છે જેમણે સિનીયર સિટિઝન્સ માટે ખાસ ક્લબ વગેરેની વ્યવસ્થા કરી છે પરંતુ ત્યાં કાગડાઓ વધુ ઉડતા જોવા મળે છે, આવું કેમ?

વડીલો રાહ ભટકેલા યુવાનોને સલાહ આપતા હોય છે મન મજબૂત કરવાનું, હકારાત્મક રહેવાનું, પરંતુ એ ખુદ એમ કરવાનું ભૂલી જતા હોય છે. પ્રભુ ભજન કરવું સારી વાત છે પણ પ્રભુને એમની ભક્તિ કરવા કરતા તમે ખુદ આનંદમાં રહો અને પ્રવૃત્તિમય રહો એ વધુ ગમશે.

ફરીથી મને મારાજ એક અંગત સજ્જન યાદ આવી ગયા. એમનું નામ પ્રફુલ દેસાઈ. લગભગ ચારેક વર્ષ પહેલા એમનું પંચોતેર વર્ષની વયે અવસાન થયું હતું. પણ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી મારા કરતા પણ હજારગણા હકારાત્મક. એ કાયમ કહેતા “I am 75 years young!” સમાજસેવા પ્રફુલકાકાના રક્તકણોમાં વ્યાપ્ત હતી પણ એવી સમાજસેવા નહીં જે એમણે ખર્ચો કરીને કરવી પડે. એ કોઈને નાણાકીય મદદ ન કરતા પરંતુ તકલીફમાં આવેલી વ્યક્તિને યોગ્ય રસ્તો જરૂર દેખાડતા. દરરોજ સવારે યોગ અને સાંજે લગભગ દસથી બાર સૂર્ય નમસ્કાર કરવાના એટલે કરવાના જ! નજીકમાં આવેલા ગ્રાઉન્ડમાં અમુક ચક્કર મારવાના જ. શિયાળામાં એ ઉંમરે પણ ગમે તેટલી ઠંડી હોય પણ ઠંડા પાણીએ બ્રહ્મ મુહુર્તમાં રોજ નાહવાનું.

ઘણીવાર હું પ્રફુલકાકાને કહેતો કે કાકા મારાથી આટલું બધું પોઝીટીવ નથી રહી શકાતું. જો કે હું એ સમયે મારા અત્યંત ખરાબ કાળમાંથી બહાર આવી રહ્યો હતો એ એક અલગ વિષય છે. તો પ્રફુલકાકા કાયમ એમના ચિતપરિચિત અંદાજમાં કહેતા કે “આપણું આ મન છે ને? એનામાં અક્કલ નથી. મનને જે કહેશો એ કરશે. એને હકારાત્મક રહેવાનું કહેશો તો એ અક્કલ વગરનું મન ક્યારેય નકારાત્મક વિચાર કરશે જ નહીં!”

આજે જ્યારે બધું ઠરીઠામ થઇ ગયું છે ત્યારે હું મારા એ પ્રફુલકાકાની જેમ દરરોજ મારા અક્કલ વગરના મનને હકારાત્મક વિચારવાનું જ કહેતો રહું છું જેના સારા પરિણામો મને રોજ મળી રહ્યા છે.

102 Not Out બસ એ જ મેસેજ આપે છે જે પ્રફુલ કાકા આપતા હતા. શરીરથી ભલે થાવ પરંતુ મનથી વૃદ્ધ ન થાવ! Be Positive ને તેના ખરા અર્થમાં લો અને તેનો અમલ કરો. ખુશ રહો અને અન્યોને ખુશ રાખો!

રફ પેઈજ

“જબ તક ઝીંદા હો, મરો મત!”

અમિતાભ બચ્ચન, 102 Not Out માં

૧૦.૦૫.૨૦૧૮, ગુરુવાર

અમદાવાદ

eછાપું

તમને ગમશે: લિવ-ઈન રિલેશનશીપ – સમાજનો અવળો છેડો!!!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here