Mother’s Day નિમિત્તે મમ્મીની એ સ્પેશિયલ ડીશ with a Twist!

0
330
Photo Courtesy: archanaskitchen.com

બસ થોડા જ દિવસમાં Mother’s Day આવી પહોંચશે. આખું જીવન મમ્મી આપણા માટે સતત રસોડામાં રહીને કેવા સ્વાદિષ્ટ પકવાનો બનાવતી હોય છે? ઘણી ડીશીઝ તો એવી છે જે દરેક ગુજરાતીના ઘરમાં બનતી હશે, પરંતુ આપણનેતો આપણી મમ્મી એ ડીશ બનાવે તો જ ભાવે! આવી તો ઘણીબધી ડીશીઝના નામ આપણે ગણાવી શકીએ જે આમતો કોમન છે પણ મમ્મીના હાથે બનાવેલી જ ભાવે.

જમાનો બદલાયો છે અને આથીજ મમ્મી દ્વારા બનાવવામાં આવતી એજ ડીશીઝ જો આ Mother’s Day નિમિત્તે આપણે બનાવીને એને પીરસીયે તો? વિચાર તો મસ્ત છે પણ જો મમ્મી બનાવે એવી ન બની તો? અને જો બની ગઈ તો એમાં આપણે નવું શું કર્યું? તમારી દલીલ સાવ અસ્થાને નથી. તો શું આપણે આપણી મમ્મીની એ જ આંગળી ચટાડવા માટે મજબૂર કરી દેતી કેટલીક પ્રખ્યાત ગુજરાતી ડીશીઝમાં આજના જમાના પ્રમાણે કોઈ Twist લાવીને મૂકી દઈએ તો?

તો ચાલો જોઈએ આવી ત્રણ મસ્ત મજાની ડીશીઝ જે આમ તો આપણી મમ્મીની સ્પેશિયાલીટી છે પણ આજે આપણે તેના પર ‘કિચનના પ્રયોગો’ કરવાના છીએ, અને એ પણ એને માટે આ વખતનો Mother’s Day સ્પેશિયલ બની જાય એટલે.

Mother’s Day ની ખાસ દાળ-ઢોકળી

Photo Courtesy: mayabugs.com

સામગ્રી:

દાળ માટે:

½ કપ તુવેરની દાળ, ધોઈ ને 15 થી 20 મિનીટ પલાળેલી

1 ટેબલસ્પૂન શીંગદાણા

1 કપ પાણી

લોટ માટે:

½ કપ ઘઉંનો લોટ

1 ટેબલસ્પૂન ચણાનો લોટ

¼ ટીસ્પૂન હળદર

½ ટીસ્પૂન લાલ મરચું પાઉડર

1 ટીસ્પૂન તેલ

આશરે 1/3 કપ જેટલું પાણી

મીઠું સ્વાદ અનુસાર

વઘાર માટે:

1 ટેબલસ્પૂન તેલ
¼ ટીસ્પૂન રાઈ
¼ ટીસ્પૂન જીરું
6 થી 7 મેથીના દાણા
1 લવિંગ
¼ ઇંચ તજ
1 સૂકું લાલ મરચું
5-6 મીઠા લીમડાના પાંદડા
ચપટી હિંગ

અન્ય સામગ્રી:

3 ½ કપ પાણી

½ ટીસ્પૂન લાલ મરચું પાઉડર
¼ ટીસ્પૂન હળદર પાવડર
¼ કપ ટામેટા સમરેલા

1 લીલું મરચું, ઉભો ચીરો મૂકેલું
½ ટીસ્પૂન આદુની પેસ્ટ
1 ટેબલસ્પૂન ગોળ
સ્વાદ મુજબ મીઠું
1 ટેબલસ્પૂન લીંબુનો રસ
1 ટેબલસ્પૂન સમારેલી કોથમીર

રીત:

  1. પ્રેશરકૂકરમાં દાળ લઇ તેમાં 1 કપ પાણી ઉમેરો. સાથે સાથે એક વાટકીમાં શીંગદાણા લઇ તેને પણ દાળની સાથે પ્રેશરકૂકરમાં મૂકો અને 5 થી 6 વ્હીસલ સુધી બાફી લો.
  2. તૈયાર થઇ જાય એટલે કૂકરને એની જાતે જ ઠંડુ પાડવા દો.
  3. લોટ માટે દર્શાવેલી સામગ્રી વડે સહેજ કડક લોટ બાંધી દઈ તેને લગભગ 20 મિનીટ માટે બાજુ પર રાખો.
  4. હવે કૂકરમાંથી દાળને એક તપેલીમાં લઈ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી દાળને બરોબર વલોવી લો.
  5. તેમાં લાલ મરચું પાઉડર, હળદર પાવડર, ટામેટા, લીલી મરચું, આદુની પેસ્ટ, ગોળ અને
    સ્વાદ મુજબ મીઠું ઉમેરી, મધ્યમ આંચ પર ઉકળવા દો.
  6. હવે વઘારિયામાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો, રાઈ તતડે એટલે જીરું અને મેથીનાં દાણા ઉમેરી એ સહેજ તતડે એટલે તજ, લવિંગ અને સૂકું લાલ મરચું ઉમેરો. લાલ મરચું રંગ બદલે એટલે હિંગ અને મીઠા લીમડાના પાન ઉમેરી દાળમાં વઘાર કરી લો.
  7. દાળમાં લીંબુનો રસ અને બાફેલા શીંગદાણા ઉમેરી, ધીમા તાપે દાળને ઉકળવા દો.
  8. હવે બાંધેલા લોટમાંથી એક લૂઓ લઈ તેની રોટલી વણો અને એક છરીની મદદથી ચોકોર આકારમાં કાપી લો. આ જ રીતે બીજા લૂઆમાંથી ઢોકળી બનાવી લો.
  9. આ તૈયાર ઢોકળીને ઉકળતી દાળમાં એક એક નાંખતા જઈ, બરાબર ભેળવતા જાઓ.
  10. બધી ઢોકળી ઉમેરાઈ જાય એટલે તપેલી ઢાંકીને લગભગ 15 મિનીટ સુધી દાળને ખદખદવા દો.
  11. ત્યારબાદ એક ઢોકળી ને સહેજ તોડીને જોઈ લો કે તે બરાબર ચડી ગઈ છે.
  12. ઢોકળી તૈયાર થઈ જાય એટલે ગેસ બંધ કરી, દાળમાં સમારેલી કોથમીર અને ઘી ઉમેરી ગરમ ગરમ પીરસો.

Mother’s Day નિમિત્તે Twist: સ્ટફ્ડ દાળ-ઢોકળી

સામગ્રી:

દાળ માટે:

½ કપ તુવેરની દાળ, ધોઈ ને 15 થી 20 મિનીટ પલાળેલી

1 ટેબલસ્પૂન શીંગદાણા

1 કપ પાણી

લોટ માટે:

½ કપ ઘઉંનો લોટ

1 ટેબલસ્પૂન ચણાનો લોટ

¼ ટીસ્પૂન હળદર

½ ટીસ્પૂન લાલ મરચું પાઉડર

1 ટીસ્પૂન તેલ

આશરે 1/3 કપ જેટલું પાણી

મીઠું સ્વાદ અનુસાર

ફીલિંગ માટે:

1 ટેબલસ્પૂન તેલ

આશરે 2 કપ સમારેલી પાલક

1 કપ ખમણેલું ચીઝ

1 ટીસ્પૂન મીઠું

વઘાર માટે:

1 ટેબલસ્પૂન તેલ
¼ ટીસ્પૂન રાઈ
¼ ટીસ્પૂન જીરું
6-7 મેથીના દાણા
1 લવિંગ
¼ ઇંચ તજ

1 સૂકું લાલ મરચું, તોડેલું

5-6 મીઠા લીમડાના પાન
ચપટી હિંગ

અન્ય સામગ્રી:

3 ½ કપ પાણી

½ ટીસ્પૂન લાલ મરચું પાઉડર
¼ ટીસ્પૂન હળદર પાવડર
¼ કપ ટામેટા સમરેલા
1 લીલું મરચું, ઉભો ચીરો મૂકેલું
½ ટીસ્પૂન આદુની પેસ્ટ
1 ટેબલસ્પૂન ગોળ
સ્વાદ મુજબ મીઠું
1 ટેબલસ્પૂન લીંબુનો રસ
1 ટેબલસ્પૂન સમારેલી કોથમીર

રીત:

  1. પ્રેશરકૂકરમાં દાળ લઇ તેમાં 1 કપ પાણી ઉમેરો. સાથે સાથે એક વાટકીમાં શીંગદાણા લઇ તેને પણ દાળની સાથે પ્રેશરકૂકરમાં મૂકો અને 5 થી 6 વ્હીસલ સુધી બાફી લો.
  2. તૈયાર થઇ જાય એટલે કૂકરને એની જાતે જ ઠંડુ પાડવા દો.
  3. લોટ માટે દર્શાવેલી સામગ્રી વડે સહેજ કડક લોટ બાંધી દઈ તેને લગભગ 20 મિનીટ માટે બાજુ પર રાખો.
  4. એક પેનમાં મધ્યમ આંચ પર તેલ ગરમ કરી તેમાં સમારેલી પાલકની ભાજી ઉમેરો. ઢાંકણ ઢાંકી દઈને પાલક ચડી જાય ત્યાંસુધી પકવી લો, વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. લગભગ 15 મિનીટ થશે.
  5. પાલક ચડી જાય એટલે આંચ બંધ કરી, પાલકને એક બાઉલમાં કાઢી લો.
  6. હવે તેમાં ચીઝ અને જરૂરમુજબ મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
  7. હવે કૂકરમાંથી દાળને એક તપેલીમાં લઈ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી દાળને બરોબર વલોવી લો.
  8. તેમાં લાલ મરચું પાઉડર, હળદર પાવડર, ટામેટા, લીલી મરચું, આદુની પેસ્ટ, ગોળ અને
    સ્વાદ મુજબ મીઠું ઉમેરી, મધ્યમ આંચ પર ઉકળવા દો.
  9. હવે વઘારિયામાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો, રાઈ તતડે એટલે જીરું અને મેથીનાં દાણા ઉમેરી એ સહેજ તતડે એટલે તજ, લવિંગ અને સૂકું લાલ મરચું ઉમેરો. લાલ મરચું રંગ બદલે એટલે હિંગ અને મીઠા લીમડાના પાન ઉમેરી દાળમાં વઘાર કરી લો.
  10. દાળમાં લીંબુનો રસ અને બાફેલા શીંગદાણા ઉમેરી, ધીમા તાપે દાળને ઉકળવા દો.
  11. હવે બાંધેલા લોટમાંથી એક લૂઓ લઈ તેની રોટલી વણો. એક નાની વાટકી કે કુકી કટર વડે વણેલી રોટલીમાંથી નાની ડીસ્ક બનાવી લો.
  12. એક ડિસ્કમાં વચ્ચે સ્ટફિંગ ભરી તેને બીજી ડિસ્કથી ઢાંકી, બરાબર સીલ કરી દો.
  13. આ તૈયાર ઢોકળીને ઉકળતી દાળમાં એક એક નાંખતા જઈ, બરાબર ભેળવતા જાઓ.
  14. બધી ઢોકળી ઉમેરાઈ જાય એટલે તપેલી ઢાંકીને લગભગ 15 મિનીટ સુધી દાળને ખદખદવા દો.
  15. ત્યારબાદ એક ઢોકળી ને સહેજ તોડીને જોઈ લો કે તે બરાબર ચડી ગઈ છે.
  16. ઢોકળી તૈયાર થઈ જાય એટલે ગેસ બંધ કરી, દાળમાં સમારેલી કોથમીર અને બટર ઉમેરી ગરમ ગરમ પીરસો.

Mother’s Day નું ટેસ્ટી ઢોકળીનું શાક

Photo Courtesy: archanaskitchen.com

સામગ્રી:

ઢોકળી માટે

1 કપ બેસન

મીઠું, સ્વાદ મુજબ

હળદર, એક ચપટી

1/2 ટીસ્પૂન લાલ મરચા પાવડર

1 ટીસ્પૂન અજમો

1-1 / 2 કપ પાણી

ગ્રેવી માટે

1 ટેબલસ્પૂન તેલ

મીઠા લીમડાના પાન, થોડા

1 ટીસ્પૂન જીરું

1/2 ટીસ્પૂન રાઈ

હિંગ એક ચપટી

મીઠું, સ્વાદ મુજબ

1/2 ટીસ્પૂન ગરમ મસાલા પાવડર

1/2 ટીસ્પૂન લાલ મરચા પાવડર

1 કપ છાશ

સમારેલી કોથમીર, ગાર્નિશિંગ માટે

રીત:

  1. એક બાઉલમાં, બેસન, મીઠું, લાલ મરચું પાવડર, હળદર અને અજમો લઈ જરૂર મુજબ પાણી ઉમેરો અને બરાબર મિક્સ કરી મિશ્રણ બનાવો.
  2. ઢોકળિયાની એક પ્લેટમાં તેલ લગાડી તેમાં ઢોકળીનું મિશ્રણ ઉમેરી તેને વરાળ 10 થી 15 મિનિટ સુધી રાંધો.
  3. એકવાર તે ઠંડુ થઈ જાય, તેને નાના ટુકડાઓમાં કાપીને બાજુમાં રાખો.
  4. ગ્રેવી બનાવવા માટે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરો, રાઈ તતડે એટલે જીરું, હિંગ અને મીઠા લીમડાના પાન ઉમેરીને લગભગ એક મિનિટ માટે સાંતળો.
  5. એક મિનિટ પછી, તેમાં છાશ, મીઠું, લાલ મરચું પાવડર અને ગરમ મસાલા ઉમેરો. બધું મિક્સ કરીને ગ્રેવી ઉકાળવા લાગે ત્યાંસુધી પકવો.
  6. હવે તેમાં ઢોકળી ઉમેરી, 3 થી 4 મિનિટ માટે ખદખદવા દો.
  7. આંચ બંધ કરી, શાકને કોથમીરથી સજાવી ફુલકા રોટી અથવા ભાત સાથે સર્વ કરો.

eછાપું

તમને ગમશે: એકસ્ટ્રા મેરીટલ અફેયર, સંબંધોના છાન ગપતીયાં…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here