મને ખબર છે તું જયારે આ letter વાંચીશ ત્યારે આ સંબોધન જ યોગ્ય લાગશે તને. આજે મારે તને વાત કરવી છે આપણા બંનેની અને ખાસ તો મારી.
યુ નો, મે મહિનાના આ જ દિવસો હતા જયારે તે મારા પેટમાં શ્વાસ લેવાનું શરુ કર્યું હતું. આ દિવસોમાં જ પેહલીવાર મને તારા ધબકારા સંભળાયા હતા. મારા માટે તું મારો અંશ હતો જયારે ડોક્ટર માટે એક નવો પ્રેગનન્સીનો કેસ! મારા periods હંમેશા રેગ્યુલર રેહતા પણ જયારે ઉપર 15 દિવસ થઇ ગયા ત્યારે પેહલા હું મારા મનથી મક્કમ થઇ. ડોક્ટરએ હજી પણ મને કન્ફર્મ કર્યું નહતું અને રાહ જોવાનું કહ્યું. એક એક દિવસ જાણે એક એક સાલ જેટલો મોટો લાગતો હતો. બે દિવસ રાહ જોયા પછી “એની માં ને” મેં જ internet પર શોધવાનું શરુ કર્યું. એક blood ટેસ્ટ આવે છે તે મારી જાતે જઈ લેબોરેટરી માં કરાવ્યો. ડોક્ટર પાસે એ રિપોર્ટ લઇ ને ગઈ અને પછી તેમણે પ્રેગનન્સી કન્ફર્મ કરી.(ડોકટર નો time બચાવ્યો) જયારે ડોક્ટરની કેબીનમાં સોનોગ્રાફી મશીનમાં મેં તારા ધબકારા સાંભળ્યા મને પેહલીવાર હું મા બનવાની છુ તેવી લાગણી થઇ. મારા થકી આ દુનિયામાં એક જીવ આવશે અને તે તેના સંબંધો બનાવશે. હું એક જીવને જન્મ આપીશ અને તે મારો અંશ હશે. આ બધી વાતો પુસ્તકમાં ખાલી એમ જ વાંચી હતી પણ મેહસૂસ હવે થઇ.

ત્યાર પછીના દિવસોમાં રોજ હું મારા પેટ પર હાથ મૂકી તારા ધબકારા મેહસૂસ કરતી. એક આદત પડી ગઈ તને મેહસૂસ કરવાની. કેવું નહીં ? તારા તરફથી મને ખાલી તારા ધબકારા જ સંભળાતા હતા અને હું તારા એ ધબકારાને પણ પ્રેમ કરવા લાગી. મારા માટે એટલું જ કાફી હતું કે મારી અંદર એક જીવ છે, તેને જીવાડવો અને તેને આ દુનિયામાં લાવવો એ મારી પહેલી ફરજ છે. પણ મને તો જાણે હું નવી નવી તારા પ્રેમ માં પડી હોવ તેમ આજુબાજુની કઈ ફિકર જ નહતી. આ જ કારણથી શરૂઆતમાં જ મારા ધબકારા 140 per min. આવવા લાગ્યા. જે નોર્મલી 60 to 100 હોવા જોઈએ. લગભગ બે મહિના ઉપર થયા હતા અને અમે એક જાણીતા હાર્ટ સ્પેશીયાલીસ્ટની મુલાકાત લીધી સાદી ભાષામાં તેમણે મને કહ્યું જો બેન મને લાગે છે તારા હાર્ટમાં કાણું છે, વધુ રિપોર્ટમાં ખબર પડશે, પણ જો આવું કઈ હશે તો તું આ બાળકને જન્મ નહીં આપી શકે. અને તેના આ એક વાક્યથી મને લાગ્યું કે હું એ ડોક્ટરનું ખૂન કરી નાખું ! સાચે તેની હિમત કેવી રીતે થઇ આવું કહેવાની?!
મને અંદરથી મારી જાત પર વિશ્વાસ હતોઆવું કઈ મારા શરીરમાં હોય અને મને અત્યાર સુધી ખબર જ ન હોય તે કેમ બને? મારી અંદર જે જીવ છે તેને મારે જન્મ આપવો જ છે ગમે તે ભોગે.. હા ખાલી બે જ મહિનામાં હું તને એટલો પ્રેમ કરતી થઈ ગઈ હતી કે તારા માટે મારે મારા જીવનો ભોગ આપવો પડે તો હું તૈયાર હતી. ખબર નથી આવી હિંમત મારામાં ક્યાંથી આવી ! ખબર નથી આવું જનૂન મારામાં ક્યાંથી આવ્યું…. બસ એક જ વાત કે તને જન્મ આપવો છે અને એ જ દ્રઢ નિશ્ચય. એક મહિનો સતત ચેક અપ,દવાઓ અને રિપોર્ટમાં ગયો. અને અંતે એ ડોક્ટર હાર્યો. તેની કેબીનમાં મેં જ તેને કહ્યું કે “સર તમારું નિદાન ખોટું છે, આ જીવને જન્મ હું પેહલા પણ આપવાની જ હતી. કોઈ પણ માં તેના બાળક માટે લાગણીશીલ હોય જ છે તમે ડોક્ટરની રીતે વિચાર્યું અને મેં એક માતા ની જેમ વિચાર્યું !”
આ બધી ઝંઝટમાં જોબ પર ધ્યાન રાખવું અઘરું હતું. મારે જોબ કરવી હતી પણ ત્યારે તારાથી વધુ મહત્વનું કઈ હતું નઈ, ખબર નથી એ બલિદાન હતું કે તને જન્મ આપવાની ચાહ હતી કે પછી માત્ર ને માત્ર તારામાં તલ્લીન થવાની ભાવના હતી.
પછી તો પપ્પા (તારા હો) એ એક લાંબુ લચક “To Do” લીસ્ટ મારા હાથમાં મૂકી દીધું. ખાવા પીવાનું અને દવાનું. સાચું કહું મને આ બધું ફોલો કરવું બિલકુલ ન હતું ગમતું પણ તારી હેલ્થ સારી રહે એટલે કરતી.
કેવું નહીં ! એક વ્યક્તિ, બે જીવ તેમાં પણ મને કરવું હોય કઈક પણ તારું ધ્યાન રાખવામાં કરી ન શકું! આપણા સમાજમાં સગર્ભા સ્ત્રીઓ માટે ન કરવાની ઘણી વાતો હોય છે, જે અવિરત પણે લોકો યાદ કરાવ્યા જ કરે છે, આપણા સારા માટે જ કેહતા હશે! કદાચ, પણ લોજીક વગરની વાતો મને ક્યારેય પચતી નથી. ચંદ્રગ્રહણ તું પેટમાં હતો તો પણ મેં જોયું હતું, નરી આંખે. અને મેં મારધાડ વાળા movie પણ જોયા છે. મારી અને તારા પપ્પાની ખામીઓ પણ છે તને એ પણ વરસામાં મળશે જ. તારે અમારા દુર્ગુણો પણ અપનાવવા પડશે. લોકો આજેપણ કહે છે કે તું તારા પપ્પા જેવો દેખાય છે. પણ મને ખબર છે કે નવ મહિના મેં તને પોષ્યો છે મારા પેટમાં, તારા હાડ, માંસ પેલું મને બિલકુલ ન ભાવતું દૂધ મેં પીધું ત્યારે બન્યા છે
તારા જન્મ પછી સતત પાંચ વર્ષ તારા ઉછેરમાં આપ્યા છે. એ સહેલું નથી. ક્યારેય નથી હોતું. જે માતાઓ પોતાના સંતાન ના ઉછેર માટે પોતાની જાત ભૂલી જાય છે તેમને ખાસ કેહવું છે મારે કે અમુક સમય પછી તમારે તમારા સંતાન ને એહસાસ કરાવવો પડે છે કે તમારું એક અલગ અસ્તિત્વ છે, તમારી અલગ પસંદ છે. જયારે બાળક જન્મે અને તેની નાળ કાપવામાં આવે ત્યારે જ તે અલગથી શ્વાસ લેતા શીખે છે અને એ જ એક સંકેત પણ છે કે હવે બાળક તમારાથી અલગ થયું છે તે તેની જાતે દૂધ પીતા શીખશે, ભૂખ લાગશે તો રડશે. અને હા, તને બધી વાતો માટે “હા” નથી પાડવાની એવું મારે પપ્પાને પણ શીખવાડવું પડે છે. God આ teacher ના રોલ માંથી મને ક્યારે છુટકારો મળશે!!
મારી સિવાય બીજી કેટલી મમ્મીઓ હશે જેમણે આ બધું અનુભવ્યું હશે. તે લોકોને કેટલું કેહવું હશે. હું પોતે તને કેટલું કેહવા માંગું છુ. તારી સાથે વાતો શેર કરવી છે. તને સમજાવવું છે કે આ દુનિયામાં આવ્યા પછી તું તારી નજરથી આ દુનિયાને જોજે. મારી કે તારા પપ્પાની ઉછીની નજર ન લઈશ. તું તારા સંબંધો બનાવજે. અમે જે નથી કરી શક્યા તે તું કરે તેવો બોજો અમે નથી નાખવાના તારા માથે. મને ખબર છે તું મારી જેમ લાગણીશીલ થઈશ. ક્યારેક જીવનમાં પાછો પણ પડીશ. પણ મેં ક્યારેય હિંમત નથી હારી બસ આ એક વાત તું મારી પાસેથી શીખજે.
લી.
તારી મા
eછાપું
તમને ગમશે: જો ખીચડી રાષ્ટ્રીય ખોરાક જાહેર થાય તો ?