પિત્ઝા નો ટુકડો – સિક્યોરીટી ગાર્ડના જીવનના સંઘર્ષ પર મીઠડી લઘુકથા

0
399
Photo Courtesy: nygpsd.com

દરેક વ્યક્તિનો એક સંઘર્ષ હોય છે પરંતુ તેણે કોઇપણ સંજોગોમાં લડવાનું બંધ કરવું જોઈએ નહીં. પિત્ઝા નો ટુકડો આ જ સંઘર્ષ સામેની લડાઈની મીઠડી લઘુકથા છે.

આજે પણ ઓફિસમાં જ મોડું થઈ ગયું. ખૂબ મોડું. ઊંચા પગારની નોકરી કરવા એટલીતો તૈયારી જોઈએ જ. મેં સહુ ટીમ મેમ્બર્સને ગુડનાઈટ કહી બાઇક ભગાવ્યું.

ટ્રાફિક આટલી મોડી રાત્રે પણ સરખો એવો હતો. શુક્રવાર ની રાત. શહેર હવે બે દિવસ રાતકો ખાઓ પીઓ દિનકો આરામ કરોના મુડમાં આવી ગયું. ક્યાંક ફુગ્ગાવાળાઓ ,ક્યાંક રમકડાં વેંચતા ફેરિયા, ગોળાવાળા, ખાણીપીણની લારીઓ અને એના પર મધપુડે ભમતી મધમાખીઓ ની જેમ લોકો. સસ્તી અને સારી હોટલો બંધ થઈ ગયેલી. લારીઓ હવે જ ધમધમતી હતી. હું હજુ એકલવીર. પેટપુજા કરવા ..અરે રે પિત્ઝા સિવાય કોઈ આરો નથી. હું નજીકની એક માત્ર સહારો પિત્ઝાહટ માં ગયો. આંતરડી ઠારી એટલે મગજ એની મેળે ઠરવા માંડ્યું.

બાઇક મારા લક્ઝુરિયસ એપાર્ટમેન્ટમાં દાખલ કર્યું. સિક્યોરિટીવાળાએ ગેઇટ ખોલી આપ્યો. મેં એને જય રામજી કહ્યું. મોટે ભાગે એ નોકરી યુપી, બિહારના લોકો  જ કરતા હોય છે, એ લોકોનું આ જ ગ્રીટિંગ વાક્ય છે. એણે મીઠું હસી “ગુડ નાઈટ સરઅઅ .. “ કહયું. દક્ષિણ ભારતીય! ઇડલીની લારીને બદલે અહીં?

સોમવારની સવાર. બાઇક પે હોકે સવાર.. મેં ખુલ્લા ગેઇટમાંથી બાઇક કાઢતાં સિક્યોરિટી કેબીનમાં જોયું. શુક્રવારની રાતવાળો જ ગાર્ડ હતો. ક્લીન શેવ, યુનિફોર્મમાં, નીટ મૂછો. ઇસ્ત્રીબંધ કપડાં. હું બ્રાન્ડેડ ટીશર્ટ, જીન્સ અને સ્પોર્ટ શૂઝમાં. એ તો સારું છે એવું પણ પહેરેલું. અમારી IT કંપનીઓમાં શોર્ટ્સ અને ફ્લોટર્સ પહેરીને પણ લોકો નોકરીએ આવે છે.

અમારી આંખો મળી, મેં આજે પણ જય રામજીકી  કહ્યું, એણે ગુડ મોર્નિંગ સરરઅ કહ્યું. દક્ષિણનો જ. કન્ફર્મ. સારું હવે ગુડ મોર્નિંગ, ગુડ નાઈટ કહીશ. એતો હું એટલું પણ ગ્રીટ કરું છું, એપાર્ટમેન્ટમાં વસતા હાઇફાઈ લોકો એને તો એક સ્ટેચ્યુ જ સમજે છે, એક બીજાને પણ માંડ પાંચ ડીગ્રી ડોકું નમાવે, મુખ પર સ્મિત? એ વર્ગ માટે વર્જ્ય.

ફરી એ જ ચક્ર, એજ શનિ-રવિ અને એ જ ઘટમાળ. રોજ મારું આવવું જવું અને ગેઇટ પર અમારે ગ્રીટ કરવું. એકાદ વાર હું વહેલો હતો, એને નજીક લારીએ બીજા યુનિફોર્મમાં સજ્જ ગાર્ડ્સ સાથે ચા પીતા જોયો. એ લોકો ત્યાં જ ખાઈ શકે. મારાથી ત્યાં ન જ ઉભાય. સિંહ ઘાસ ખાય તો પણ 200 રૂ. થાળીવાળી હોટલમાં. મેં મનોમન ખોંખારો ખાધો. હા, ભણતર, કડી મહેનત અને નસીબ નો સાથ. નહીંતો હું ક્યાં હોત? આ ગાર્ડની જેમ ઇસ્ત્રીટાઈટ યુનિફોર્મમાં ગેટ પર હોત, આ લારીવાળાની જેમ ચા કે ફ્રુટ વેચી પોતાને સેલ્ફ એમ્પ્લોયડ જાહેર કરી મારી દુનિયામાં રાચતો હોત.

આજે તો મહિનાની આખર તારીખ. પગાર સુદ એકમ. રાજા હોય કે રંક, પગાર આવે અનેરી ખુશીમાં રાચતો હોય છે.એનું બજેટ પણ પગાર ના દાયરા માં ગોઠવાઈ ગયું હોય છે. આજે તો બિલો ભરીશ, ATM ની લાઈનમાં ઉભીશ, સારી હોટલમાં ચોક્કસ.

શીટ.. આજે પણ મોડું થઈ ગયું.ચાલો આજે પણ એ ની એ પિત્ઝાહટમાં જઈ ગરમાગરમ પિત્ઝા થી પેટ ઠારું. કંટાળો ન આવે ખાઈ ખાઈ ને પિત્ઝા? પણ છૂટકો નથી.એ પણ એક ની એક જગ્યાએ? મોટાં રેસ્ટોરાં માં ડીનર કાલે મિત્રો સાથે.

કાઉન્ટર પર જઈ ઓર્ડર આપ્યો, ઉપર ડિસ્પ્લેમાં નંબર આવે એની રાહ જોતો વિચારે ચડ્યો. આ પગાર સારો તો છે જ પણ આમાં બચત, એટલી બચત કે જેમાંથી મારાં તેમજ મા બાપ ના સ્વપ્નાં ખરીદાય એ મુશ્કેલ છે. નવી નોકરી જોવી પડશે.

મેં ડિસ્પ્લેમાં નંબરો જોતા આમ તેમ દ્રષ્ટિ ઘુમાવી. આ શું? પેલો ગાર્ડ, સાથે ઇસ્ત્રીબંધ સ્કર્ટ પહેરી બેઠેલી એની યુવાન પત્ની, એક ટગર ટગર જોતો પાંચેક વર્ષનો બાળક. બાળક ગાભરી ગાભરી આંખે, થોડું કુતુહલ, થોડા ભય, થોડા અચંબા સાથે આમ તેમ જોતો હતો. મારી પાછળના ટેબલે જ એ લોકો બેઠેલાં.

મારો પિત્ઝા આવ્યો. મેં ચીલી ફ્લેક્સ નાખી, કટરથી ટુકડો કાપતાં પેલો ગાર્ડ બેઠેલો ત્યાં નજર નાખી. એનો નંબર આવ્યો. એ પિત્ઝા લઇ આવ્યો અને એની પત્નીનું મુખ પિત્ઝાના ટોપિંગ કરતાં પણ ખીલી ઉઠ્યું. એ લોકો થ્રી ચિયર્સ કહેતાં હોય એમ ખીલ્યાં.

પિત્ઝાની પ્લેટ સામે  રાજાએ સુવર્ણ રત્નો ભરેલી તાસક આપી હોય એમ જોતાં જાણે નાચી ઉઠ્યા.ં

બોલો, સિક્યોરિટી ગાર્ડને પણ પિત્ઝાહટ પોષાય છે જ્યાં એના શેઠ (મેં અજાણતા જ કોલર ઊંચા કર્યા) ખાય છે.

કાલ તો ડીનર મોટી રેસ્ટોરાંમાં. આજ ખાઈ ખાઈને પિત્ઝાનો ટુકડો!

પેલો ગાર્ડ પિત્ઝા લાવી ટેબલએ બેઠો. એની યુવાન પત્ની બાબાને કહે, “ આને પિત્ઝા કહેવાય. લે ખા ગરમ ગરમ, કડક પિત્ઝાનો ટુકડો.”

ગાર્ડે પત્નીના હાથ પર હાથ મૂકી “થેંક્યુ ડિયર” કહ્યુ.. પત્નીએ પોતાના પર્સમાંથી આઈકાર્ડ કાઢી ટેબલ પર મૂક્યું. ટેબલ પર પડેલું એ આઈકાર્ડ ઉપાડી બન્ને એ રીતસર ચુમ્યું, હાથથી ક્રોસની સાઈન કરી, મસ્તક નમાવ્યું.

પિત્ઝા મોં માં મુકતા એ એક ક્ષણ અટકી ગયો, એની દાઢી સહેજ ધ્રુજી. કદાચ રડું રડું થયો. હા, એની આંખો સજળ લાગી. એક ક્ષણ માટે પત્ની પણ ડૂમો ભરાઈ આવ્યો હોય એવી થઈ, તુરત જ ગર્વ અને આંસુ એની આંખમાં એકસાથે છલકાયાં. બાબો નીચો નમી પિત્ઝાની પ્લેટ પકડી ઝુક્યો. એણે સહેજ ડર,વધુ નવાઈ અને ખુબ લોલુપતાથી પિત્ઝા સામે જોયું, ચીઝનું ટોપિંગ આંગળીથી ચાટયું. એક ટુકડો કાપી હાથમાં લઈ ‘આ ખાઉં ને’ એમ પુછતો હોય એમ મા બાપ સામે જોયું. મા એ એને પંપાળ્યો અને પોતાના હાથે એને પિત્ઝાનો ટુકડો ખવરાવ્યો. બન્ને પતિ પત્નીએ એક એક ટુકડો મોં માં મુક્યો, એમની આંખોમાં આભાર, સંતોષ, આંસુ પિત્ઝાહટની  ઝાકઝમાળ લાઈટમાં સ્પષ્ટ ઝળકી રહ્યાં.

“નેન્સી, તું હતી તો આને પિત્ઝાનો ટુકડો ખવરાવી શક્યાં. નહીતો હું..”

“નો ડિયર. ગોડ આપણી સાથે છે. તું કામ કરે છે જ ને? સપોર્ટ આપે જ છે ને? એન્જોય. ખા આ પિત્ઝાનો ટુકડો.. ટુ ધ લવ ઓફ..”

“યોર જોબ.” પતિ બોલ્યો.

મારુ કુતુહલ ઝાલ્યું ન રહ્યું. બિલ ચૂકવી બહાર આવતાં મેં એને “હલ્લો” કહ્યું.

“ફેમિલી? પાર્ટી?”

“યસસ સરરઅ..”

એણે પત્ની અને બાળકની ઓળખાણ કરાવી. પત્નીને નર્સ તરીકે જોબ મળી હતી, આ એનો પહેલો પગાર હતો. એ કહે એ પણ Bsc હતો, જોબલેસ હતો પણ NCC કર્યું હોવાથી તેને સિક્યોરિટીની નોકરી મળી હતી.

એણે કહ્યું “મારો કે વાઈફનો એકલો પગાર અમને આ પિત્ઝાહટમાં પિત્ઝાનો ટુકડો ખવરાવી શકે એમ ન હતો. રોટલા પણ માંડ ભેગા થાય ત્યાં બહારનું ખાવાનું તો ક્યાંથી થાય? એમાં આ લીટલનું એજ્યુકેશન.

આ તો એના પહેલા પગારનું સેલિબ્રેશન.

લીટલ ને એવો ભણાવશું કે અમે ‘ઇટ,ડ્રિન્ક,મેરી’  કરી શકીએ, ભલે પિત્ઝાના ટુકડે.”

એણે લીટલને કહ્યું કે સરને નમસ્કાર કર.

મને કહે “એને બ્લેસ કરો કે આપના જેવો આગળ વધે.”

મેં કહ્યું “એ જરૂર ભણશે, મમ્મી જેવો સિન્સિયર થશે, પપ્પા જેવો વેલ ડ્રેસ્ડ ફરશે અને નોકરી નહીં, પોતાનો આવો ચેઇન આઉટલેટ ખોલી લોકોને ખવરાવશે. ક્રિસપ પિત્ઝા. બોલ લીટલ કરીશ ને?”

લીટલ વિશ્વાસથી ટગર ટગર મારી આંખમાં જોઈ રહ્યો. એ આસપાસ ડેકોરેશનો જોતો હતો, એના મો માં હજુ પિત્ઝાનો સ્વાદ હતો.

(એક સત્ય ઘટના પર થી)

eછાપું

તમને ગમશે:

ડિજીટલ વ્યવહારો સરળ બનાવતી એપ્સ

ભારતનો હિમાલય વિર: લેફ્ટેનન્ટ કર્નલ રણવીરસિંહ જામવાલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here