છેલ્લા બે દિવસથી સોશિયલ મિડિયા અને આંતરરાષ્ટ્રીય સમાચાર વેબસાઈટ્સ પર મહાતીર મોહમદ અને એમનું કમબેક છવાયેલા છે. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ઉંડો રસ ધરાવનારાઓ માટે મહાતીર મોહમદ અત્યંત જાણીતું નામ છે. મહાતીર મોહમદ 1981 થી 2003 એમ બાવીસ વર્ષ સળંગ મલેશિયાના વડાપ્રધાન રહ્યા હતા અને કોઇપણ રાષ્ટ્રના વડા તરીકે આટલો લાંબો સમય સેવા પર રહેવું તે એક રેકોર્ડ છે.

2003માં તબિયત ખરાબ થતા અને હ્રદય નબળું પડતા છેવટે મહાતીર મોહમદે મલેશિયાના વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું અને નિવૃત્ત થઇ ગયા. પરંતુ બે વર્ષ અગાઉ મલેશિયાની સરકારમાં એક જબરદસ્ત કૌભાંડ થયું અને મહાતીર મોહમદે બાર વર્ષની નિવૃત્તિ ત્યાગીને રાજકારણમાં ફરીથી ઝંપલાવ્યું અને ગઈકાલે તેમણે પોતાનીજ જૂની પાર્ટીને હરાવીને 92મે વર્ષે મલેશિયાના વડાપ્રધાન તરીકે ફરીથી શપથ લીધા.
આંતરરાષ્ટ્રીય રાજકારણમાં આ પ્રકારે ઘણા બધા કમબેક જોવા મળ્યા છે અને આ કમબેક કરનારા તમામ નેતાઓને વિશ્વના દરેક દેશમાં અત્યંત સન્માનપૂર્વક જોવામાં આવે છે. તો આવો થોડી માહિતી લઈએ મહાતીર મોહમદની જેમજ દેશના સર્વોચ્ચ સત્તાસ્થાન પર કમબેક કરનારા કેટલાક આગેવાનો વિષે.
વિન્સ્ટન ચર્ચિલ

વિશ્વમાં લોકશાહી ઢબે ચૂંટાયેલા આગેવાનોમાં વિન્સ્ટન ચર્ચિલથી મહાન ભાગ્યેજ કોઈ અન્ય આગેવાન મળી આવે. ચર્ચિલે બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટનને જીત અપાવી પરંતુ આશ્ચર્યજનક રીતે 1945માં થયેલી ચૂંટણીઓમાં તેમની હાર થઇ. આ અગાઉ પણ એક મંત્રી તરીકે 1915માં ગાલીપોલી કેમ્પેઈનમાં તેમની ભૂમિકાને લીધે તેમને રાજીનામું આપવું પડ્યું હતું. 1951માં થયેલી ચૂંટણીઓમાં ચર્ચિલે ફરીથી કમબેક કર્યું અને બ્રિટનના વડાપ્રધાન બન્યા અને વર્ષો બાદ તબિયત લથડતા વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું.
ઇન્દિરા ગાંધી

અલ્હાબાદ હાઈકોર્ટે પોતાની ચૂંટણી રદ્દ કરતા રાતોરાત દેશભરમાં કટોકટી લાદી દેનાર ઇન્દિરા ગાંધીએ જ્યારે કટોકટી હટાવી અને ચૂંટણીઓ યોજી ત્યારે કોંગ્રેસ પક્ષની પ્રથમવાર હાર થઇ અને તેણે સત્તા ગુમાવી. આ સમયે જે રીતનો જનાક્રોશ ઇન્દિરા ગાંધી વિરુદ્ધ અને મોરારજી દેસાઈની તરફેણમાં લોકપ્રિયતા હતી કોઈને સ્વપ્નમાં પણ ખ્યાલ ન હતો કે માત્ર ત્રણ વર્ષમાં ઇન્દિરા ગાંધી ફરીથી દેશના સર્વોચ્ચ આસને કમબેક કરશે. ઇન્દિરા ગાંધીને હરાવીને સત્તા પર આવેલા જનતા પક્ષમાં તડાં પડ્યા અને તેના જ એક ભાગ એટલેકે ચૌધરી ચરણસિંહને ઇન્દિરા ગાંધીએ જ ટેકો આપ્યો અને યોગ્ય સમયે પાછો ખેંચી લેતા ફરીથી ચૂંટણી થઇ જેમાં કોંગ્રેસ ફરીથી સત્તા પર આવી.
શિન્ઝો આબે

2006માં માત્ર 52 વર્ષની ઉંમરે જાપાનના સહુથી યુવાન વડાપ્રધાન બનવાનું સૌભાગ્ય શિન્ઝો આબેને મળ્યું. શિન્ઝો આબેના પિતા મંત્રી રહી ચુક્યા હતા જ્યારે તેમના દાદાએ પણ જાપાનના વડાપ્રધાન પદને શોભાવ્યું હતું આથી આબે પાસેથી એક લાંબી ઇનિંગ્સની આશા હતી, પરંતુ વડાપ્રધાન બન્યાના માત્ર એક જ વર્ષમાં કૌભાંડોએ તેમને ઘેરી લીધા અને તેની અસર શિન્ઝો આબેની તબિયત પર પણ પડી અને એમને રાજીનામું આપવું પડ્યું. લોકોને લાગ્યું કે આબેની રાજકીય યાત્રા બસ આટલી જ હતી. પરંતુ એવું બન્યું નહીં અને 2012માં શિન્ઝો આબેએ કમબેક કર્યું અને ફરીથી જાપાનના વડાપ્રધાન બન્યા એટલુંજ નહીં એમના આવ્યા બાદ જાપાનના અર્થતંત્રમાં જબરો સુધારો થતા 2016માં થયેલી સામાન્ય ચૂંટણીઓમાં તેમણે ફરીથી જાપાનની પ્રજાનો મેન્ડેટ મેળવ્યો.
સિલ્વિયો બર્લુસ્કોની

સિલ્વિયો બર્લુસ્કોનીને આપણે કમબેક કિંગ કહી શકીએ. આમતો બર્લુસ્કોની ઇટાલીના વડાપ્રધાન બન્યા અગાઉ અબજોપતિ ઉદ્યોગપતિ હતા જ પરંતુ 1999માં પહેલીવાર વડાપ્રધાન બન્યા બાદ 2001માં ઉજાગર થયેલા નાણાકીય કૌભાંડને લીધે તેમણે રાજીનામું આપવું પડ્યું. ત્યારબાદ થયેલા ચૂંટણીઓમાં તેઓ ફરીથી વડાપ્રધાન બન્યા. 2006માં થયેલી સામાન્ય ચૂંટણીઓમાં બર્લુસ્કોની ફરીથી હાર્યા પરંતુ બે વર્ષ બાદ ફરીથી એમણે સત્તા સાંભળી. જો કે ત્યારબાદની ચૂંટણીઓમાં મળેલી હાર બાદ સિલ્વિયો બર્લુસ્કોનીનો જાદુ ઓસરતો ગયો છે એ જરૂર નોંધવું રહ્યું.
બેન્યામીન નેતન્યાહુ

દુનિયાના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રાધ્યક્ષોમાં જેમની ગણના થાય છે તેવા બેન્યામીન નેતન્યાહુ પણ એક કમબેક કીડ જ છે. 1996માં નેતન્યાહુ ઈઝરાયેલના સહુથી નાની ઉંમરના વડાપ્રધાન બન્યા પરંતુ ત્રણ વર્ષ બાદ થયેલી ચૂંટણીઓમાં વિરોધી લેબર પાર્ટીના હાથે હાર પામ્યા. 2002માં એક મંત્રી તરીકે સરકારમાં પરત આવ્યા અને 2009માં ફરીથી ઈઝરાયેલના વડાપ્રધાન તરીકે ચૂંટાયા. નેતન્યાહુ પર વખતોવખત ભ્રષ્ટાચારના આરોપ લગતા રહ્યા છે પરંતુ તેમ છતાં આજે તેઓ ઈઝરાયેલ પર સહુથી લાંબો સમય શાસન કરનાર વડાપ્રધાનોમાં બીજું સ્થાન ધરાવે છે અને સતત ત્રણ વખત વડાપ્રધાન બનનાર તેઓ એકમાત્ર ઈઝરાયેલી નેતા પણ છે.
eછાપું
તમને ગમશે: કંકોત્રીમાં આમંત્રણ એક વ્યક્તિનું અને Canada PM સહકુટુંબ પહોંચી ગયા