મહાન માણસોની ટીકા કરવા માટે આપણી પાસે આ એક જ દિવસ છે?

0
368
Photo Courtesy: indiatv.com

છેલ્લા ત્રણેક વર્ષથી દર બીજી ઓક્ટોબરે સોશિયલ મિડીયાનો લગભગ ‘સ્વયંભુ બહિષ્કાર’ જેવું કરવું પડે છે. આ દિવસે ગાંધીજીનો જન્મદિવસ છે એની આપણને બધાને ખબર છે જ પણ એ જ દિવસને લોકો ગાંધીજીની ટીકા ના નામે એમના જ હત્યારા ગોડસેના ગુણગાન ગાતા જોવા મળે છે. લોકો એટલી હદ સુધી ગાંધીજી વિષે અપશબ્દો કે પછી ફક્ત સાંભળેલી વાતોનો ધોધ વહેવડાવે છે કે આપણને ચીતરી ચડી જાય છે. બેશક, હું મહાત્મા ગાંધીનો જબરદસ્ત ફેન છું, એટલા માટે નહીં કારણકે એ દેશના રાષ્ટ્રપિતા છે, હું એમ પણ નથી માનતો કે માત્ર ગાંધીજીને લીધે જ આપણને આઝાદી મળી છે, ઈતિહાસમેં તો હમને ગ્રેજ્યુએશન કીયા હૈ જાની!

Photo Courtesy: indiatv.com

મને ગાંધીજીના ફેન તરીકે ગુસ્સો કે પછી દુઃખ એટલા માટે થાય છે કે એમનો જન્મ દિવસ કે પછી નિર્વાણ દિન આ બે જ દિવસ હોય છે જ્યારે એમને મારા જેવા એમના ફેન્સ એમને શાંતિથી આનંદથી યાદ કરી લેવા માંગે છે, અને એજ દિવસે એમની અપશબ્દો અને એમના વિષેની અધુરી માહિતી સાથે થતી ટીકા બહુ ખૂંચતી હોય છે. એવું નથી કે કોઈ મૃત વ્યક્તિની ટીકા ન થાય, પણ ટીકા કરવાનો પણ દિવસ હોય, એક સમય હોય. ગાંધીજી તો એક માત્ર ઉદાહરણ છે બાકી કોઇપણ જીવિત કે મૃત વ્યક્તિનો જન્મદિવસ હોય એટલે સોશિયલ મિડિયા પર અડ્ડો જમાવીને બેસતા કેટલાક વ્યક્તિઓને એમની નેગેટીવ સાઈડ જ દેખાય.

આમતો વળી આ લોકો અન્ય દિવસોએ આ જ પ્લેટફોર્મ્સ પર ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારની દુહાઈ દેતા હોય છે, પણ એ જ સંસ્કૃતિ અને સંસ્કારનો એક મહત્ત્વનો ઉપદેશ તેઓ જાણીજોઈને ભૂલી જતા હોય છે. જો યાદ હોય તો આપણને બાળપણમાં જ શિખવાડવામાં આવ્યું હતું કે કોઈ વ્યક્તિના મૃત્યુ પછી તેના વિષે ખરાબ ન બોલવું જોઈએ. આ ઉપરાંત આપણને એમ પણ શિખવાડવામાં આવ્યું હતું કે કોઈના શુભ દિવસે એ દુઃખી ન થાય તેવા કાર્યોથી આપણે દૂર રહેવું જોઈએ.

પરંતુ જ્યારે, ગાંધીજી, નહેરુ, ગૌતમ બુદ્ધ, આંબેડકર, રવિન્દ્રનાથ ટાગોર, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સચિન તેન્દુલકર, અક્ષય કુમાર, મહેન્દ્ર સિંઘ ધોની આ બધાના જન્મદિવસો આવે એટલે જે ભારતીય સંસ્કૃતિના વખાણ કરતા લોકોની જીભ સુકાતી ન હોય એ લોકોની એ જ જીભમાંથી આ બધા વ્યક્તિઓ માટે ફોગટની ટીકા વરસાવતી ગટરગંગા વહેવાની શરુ રહી જાય. વળી, આ લોકો પોતાને MBA એટલેકે મને બધું આવડે એમ માનતા હોય છે. જે-તે સેલિબ્રિટીનો જન્મદિવસ હોય ત્યારે એમના જીવનની ફક્ત નેગેટિવ સાઈડની જ આ લોકો જબરદસ્ત છણાવટ કરે અને આપણને બે ઘડી કન્ફ્યુઝ કરી દે.

આ કન્ફ્યુઝન એવું તો ભેદી હોય કે આપણને બે ઘડી તો એમ થાય કે આ ગાંધીજી, આ બુદ્ધ, આ અમિતાભ બચ્ચન કે આ સચિન તેન્દુલકર જન્મ્યા પણ ન હોતને તો પણ આપણા દેશને કોઈજ ફરક ન પડત. ઉલટું  આટલા બધા ખરાબ વ્યક્તિઓ જો ભારતવર્ષમાં અવતરણ પામ્યા ન હોત તો વધુ સારું રહેત કારણકે જો એમ થાત તો કદાચ આજે આપણો દેશ અમેરિકાથી પણ વધુ સુખી અને વધારે શક્તિશાળી મહાશક્તિ હોત.

ગાંધીજીની વાતમાં તો એક જબરદસ્ત અને હસવું આવે એવો ટ્વિસ્ટ પણ છે. આ એક ઓબ્ઝર્વેશન એવું છે કે સોશિયલ મિડિયામાં મોટાભાગના ગાંધીદ્વેષીઓ ભાજપ અને નરેન્દ્ર મોદીના ફેન હોય છે. એમને મન દેશના ભાગલા પાડવા કે પછી પાકિસ્તાનને કરોડો રૂપિયા આપવા પાછળ ‘કોંગ્રેસી ગાંધીજી’ નો હાથ હતો એટલે એ સમયના સંદર્ભને આ લોકો આજના સંદર્ભમાં વાપરી ગાંધીજીની ટીકા કરવાની આડમાં કોંગ્રેસનો વિરોધ કરતા હોય છે. પણ મજા ત્યારે આવે છે જ્યારે ભાજપના જ અમુક નેતાઓ અને ખુદ નરેન્દ્ર મોદી ગાંધીજીની પૂજા કરતા થાકતા નથી એમ જોવા મળે.

નરેન્દ્ર મોદીનો ખાસ પ્રોજેક્ટ એટલેકે સ્વચ્છ ભારત અભિયાન આ ગાંધીજીના સ્વચ્છતાના સિધ્ધાંત પર જ આધારિત છે. હાલમાં લાલ કિલ્લાને દત્તક આપવાનો નિર્ણય મોદી સરકાર દ્વારા લેવામાં આવ્યો એ પાછળ પણ ગાંધીજીના trusteeship નો સિધ્ધાંત મહદઅંશે જવાબદાર છે. ઘા પર હજી મરચું ભભરાવવું હોય તો એક મસ્ત ઉદાહરણ આપી શકાય કે ગયા વર્ષે ચંપારણ સત્યાગ્રહને સો વર્ષ થયા હતા અને એના સેલિબ્રેશનનું ઉદ્ઘાટન અને સમાપન બંને નરેન્દ્ર મોદીએ પોતાના હાથેજ કર્યું હતું. ચંપારણ સત્યાગ્રહનું ગાંધીજીના જીવનમાં કેટલું મહત્ત્વ છે એની આપણને જાણ છે જ. બે ઘડી તો એવો વિચાર પણ આવે કે જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન ન હોત તો કદાચ ચંપારણ સત્યાગ્રહના સો વર્ષ કોઈ અન્ય વડાપ્રધાનને યાદ આવત કે કેમ?

આવુંજ આપણા રાષ્ટ્રીય તહેવારો બાબતે પણ છે. દર પંદરમી ઓગસ્ટ કે છવ્વીસમી જાન્યુઆરીએ જ્યારે સવારના પહોરમાં આપણી છાતી ગદગદ થઇ રહી હોય અને હું પણ મારી રીતે દેશને પ્રેમ કરું છું એ દર્શાવવા જેમ દિવાળીના દિવસોમાં જ ફટાકડા ફૂટે અથવાતો લગ્નના દિવસેજ ઘરઆંગણે બેન્ડવાજાં વાગે એ જ રીતે આ બંને દિવસોએજ આપણે જેવી રાષ્ટ્રધ્વજરૂપી DP ચડાવીએ કે પછી દેશભક્તિથી ભરપૂર રચનાઓ શેર કરીએ એટલે અમુક લોકોને પેટમાં દુઃખે.

આ અમુક લોકોમાં દેશ છોડીને ગયેલા કેટલાક બિનનિવાસી ભારતીયો અને દેશમાં રહેલા પણ દેશનું ભવિષ્ય શૂન્ય જોનારા નકારાત્મક માનસિકતા ધરાવતા ભારતીય નાગરિકો ખાસ સામેલ હોય છે. આ બંને રાષ્ટ્રીય તહેવારોએ આ પ્રજા ખાસ મેદાનમાં ઉતરે અને ભારત કઈ કઈ જગ્યાએ પછાત છે એનું આખું લિસ્ટ મૂકી દે અને સમજાવે કે આ કારણોસર તમારે સ્વતંત્રતા દિવસ કે પછી ગણતંત્ર દિવસ ન ઉજવવો જોઈએ. વળી પોતાને જાણે આપણા દેશ વિષે બહુ ચિંતા હોય એમ ‘આપણા’ દેશમાં તો આવું જ રહેવાનું છે… એમ કહીને પોતાની વાત પૂર્ણ કરે. એમના આમ કરવાથી જે લોકોને પોતાના દેશની હજાર નકારાત્મકતાની જાણ હોવા છતાં પોતે આજે પણ દેશમાં રહીને અને દેશના ભવિષ્ય માટે સારા વિચારો ધરાવીને કે દેશના વિકાસમાં પોતાનું નાનકડું પ્રદાન કરીને આખા વર્ષમાં માત્ર આ બે દિવસ દેશને લખલૂટ પ્રેમ કરવાની હોંશ થતી હોય છે તેની હોંશમાં પંચર પડી જતું હોય છે.

ટીકા કરો જરૂર કરો, પણ સમય અને સ્થળનું ભાન તો હોવું જોઈએ કે નહીં? ગાંધીજી, બુદ્ધ, નહેરુ, આંબેડકર વગેરે છેવટે તો માણસ થઈને જન્મ્યા હતા, એમણે ભૂલ કરી જ હશે અને એને લીધે આપણા દેશને સહન કરવાનું આવ્યુંજ હશે, પણ હવે શું? આઝાદીને એકોતેર વર્ષ પૂરા થવા આવ્યા, હવે ક્યાં સુધી આપણે એકની એક વાત લઈને બેઠા રહેવાનું છે એ તો કહો? જો આ મહાનુભાવોએ ભૂલ કરી છે તો હવે એને આટલા બધા વર્ષો પછી તો સુધારી શકાય એમ નથીને? તો સોશિયલ મિડિયા પર એમના ચાલ્યા ગયા પછી અસંખ્ય વર્ષો બાદ  એમની એકનાની એક શબ્દો અને વાક્યોમાં થતી ટીકા અને એ પણ દર વર્ષે એમના જન્મદિવસે જ કરવાથી શું વળવાનું છે?

બહેતર તો એ રહેશે કે જો આપણે એમની ટીકા કરવાનો હક્ક ભલે જતો ન કરી શકીએ પરંતુ એમના ખાસ દિવસે એમની ટીકા કરવાનું તો ટાળી શકીએને? શું આટલું સમાધાન આપણે આપણા મન સાથે ન કરી શકીએ?

આચારસંહિતા

બીજી ઓક્ટોબરે પોરબંદરમાં એક વ્યક્તિનો નહીં પરંતુ એક યુગનો જન્મ થયો હતો… હું સ્પષ્ટપણે માનું છું કે ગાંધીજી આજે પણ એટલાજ પ્રસ્તુત છે જેટલા તેઓ તેમના જીવનકાળ દરમ્યાન હતા.

નરેન્દ્ર મોદી, રોમા સ્ટ્રીટ, પાર્કલેન્ડ્સ, બ્રિસ્બેન ખાતે ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કરતા, 16 નવેમ્બર, 2014

૧૧.૦૫.૨૦૧૮, શુક્રવાર

અમદાવાદ

eછાપું

તમને ગમશે:

લઘુકથા: ટ્રેનની એ મારી યાદગાર મુસાફરી… (એટસેટ્રા)

દસમા બારમાની પરીક્ષા દરમ્યાન છોકરાઓ સાથે થતો અન્યાય (હાસ્ય નિબંધ)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here