મોડર્ન મમ્મીની વ્યાખ્યા ડૉ. જગદીપ નાણાવટીની એક રચનાથી બરોબર સમજાઈ જાય છેઃ હજી પણ પાતળા કપડાથી સૂરજને હંફાવે છે, મારી ‘મા’ પાલવ એટલો દમદાર રાખે છે. આ વાત માન્ય છે. અતિ ઉત્તમ! માનું સ્તર એટલું ઊંચુ છે કે સૂરજ, ચંદ્ર, આકાશ બધાને ઝુકાવી દે પણ પાલવને બદલે ટાઈટ કેપ્રી પહેરેલી મોડર્ન મમ્મી છત્રી લઈને બાળકને તડકાથી બચાવે તો શું એનું માતૃત્વ ઓછું થઈ જાય છે? આપણે ત્યાં ‘મા’નો રોલ એટલો ગ્લેમરાઈઝ થઈ ગયો છે કે ‘મા’ શબ્દ સાંભળતા જ આપણને સિલાઈ મશીન પર ઉધરસ ખાતી ખખડી ગયેલી નિરૂપા રાય જ યાદ આવે. ‘મા’ના રોલમાં ઐશ્વર્યા રાય કેમ ફીટ ન બેસે? પેલી સંતૂર સાબુની જાહેરાતમાં આવે છે એમ ખૂબસૂરત, તંદુરસ્ત, ફિગર મેઈનટેન કરતી યુવતીને જ્યારે એની પોતાની બાળકી મોટેથી ‘મમ્મી…..’ કહીને બોલાવે ત્યારે જોનારા આપણે બધાં આશ્ચર્યમાં મૂકાઈ જઈએ છીએ, કારણ કે આપણે ‘મા’ને સાડલા, ઓઢણી, ચૂંદડીમાં જ રાખી મૂકી છે. જીન્સ, ટી-શર્ટ, ગાઉન, સ્કર્ટ કે થ્રી-ફોર્થ પહેરેલી, ટ્રેન્ડી હેરકટ કરેલી મમ્મીને મા તરીકે સ્વીકારવામાં આપણે ત્યાં હજી છોછ અનુભવાય છે.

માતા કંઈ જૂનવાણી લોકગીતો, પૌરાણિક કથાઓ, ગૃહશોભા જેવી મેગેઝીનોમાં જ રસ લેનારી હોય એવું નથી. માતા તો આધુનિક મિજાજ ધરાવતી પણ હોય. એ તો મોબાઈલમાં ચેટિંગ પણ કરે, ફેશન ટીવી પણ જુએ, ક્રિકેટ પણ રમે, પુરુષ મિત્રો પણ બનાવે અને ‘ફિફ્ટી શેડ્ઝ ઓફ ગ્રે’ જેવી ઈરોટિક નવલકથા પણ વાંચે. સુપરડુપર હિટ થયેલી નવલકથા ‘ફિફ્ટી શેડ્ઝ ઓફ ગ્રે’ પર ‘મમ્મી પોર્ન’નું લેબલ ચોંટાડી દેવામાં આવ્યું હતું. મધુ રાય લખે છે કે ‘મમ્મી પોર્ન’ યાને કે બચ્ચાં પેદા કરીને ઠરીઠામ થઈ ગયેલી મધ્યમવર્ગની મધ્યવયસ્ક ગૃહિણીઓને દેશી-ઘીમાં બનેલા શીરાની જેમ ગળે ઉતરી જાય એવી ગરમા-ગરમ કથા. આજની નારીઓ ઈન્ટરનેટના ઘેઘૂર દરિયામાં નરવીરો જેટલી જ લહેરથી કામસામગ્રીની મહેફિલ માણે છે! જેનાં થકી આ નવા સાહિત્યપ્રકારનો જન્મ થયો – મમ્મી પોર્ન!
ગુજરાતી ડાયરાઓમાં આજે પણ એવું કહેવાય છે કે સાસુ-સસરા સામે ખારી-શિંગ અને દાળિયા ઉલાળીને ખાતી હોય એને ત્યાં કાંઈ મહારાણા પ્રતાપ કે શિવાજી મહારાજ ન પેદા થાય. શ્રોતાઓ પણ આ વાતને સમર્થન આપતા હોય એમ ‘ભાઈ ભાઈ’ ને ‘વાહ વાહ’ જેવા હોંકારા-પડકારા આપતા હોય. ચાલો માની લઈએ કે આ વાતમાં દમ હોય તો પણ 1500-1600ની સદી પછી કેમ આવા મહાન પુત્રો પેદા નથી થયા? આપણે તો 19મી-20મી સદીમાં પણ આપણી માતાઓને ઘૂંઘટમાં રાખેલી અને આજની તારીખે પણ ગામડાઓમાં રાખીએ છીએ. ભારત સિવાયના દેશોમાં પણ આજના જમાનાને ટક્કર દે એવા નરવીરો પેદા થાય જ છે. ત્યાંની મોડર્ન માતાઓ તો પોતાના સસરાઓ સાથે પાર્ટીમાં ડાન્સ પણ કરે અને ડ્રીંક પણ કરે. અને બીજી વાત એ કે શિવાજી કે મહારાણા પ્રતાપ જ પેદા કરવા જરૂરી છે? તો પછી સચિન તેંડુલકર, માર્ક ઝકરબર્ગ, સુંદર પિચાઈ, સાનિયા-સાઈના ક્યારે પેદા કરીશું?
રાજસ્થાનની એક એથ્લિટ છે સ્નેહા જૈન. 100 મીટર, લોંગ જમ્પ, ટ્રીપલ જમ્પ જેવી અલગ અલગ રમતો અને સ્પોર્ટસમાં 150 જેટલા મેડલ મેળવી ચૂકી છે. લગ્ન કર્યે પંદરેક વર્ષ થઈ ગયા છે અને પરિવાર લગ્ન પછી પણ સ્પોર્ટસ માટે સપોર્ટ કરે છે. પોતાની દીકરી જ્યારે ધાવણ ધાવતી એ સમયે સ્પોર્ટસ માટે દેશ-વિદેશ જાય તો સ્નેહા દીકરીને સાથે લઈ જાતી. કેમ અમેરિકન સિંગર ડાન્સર શાકિરા પોતાની કાખમાં બાળક લઈને સ્ટેજ શો નથી કરતી? સુપર હોટ મંદાકિની થોડી ફિલ્મો કરીને લોકોની સામેથી અચાનક ગાયબ થઈ ગઈ. એક ભૂતપૂર્વ બૌદ્ધ સાધુ ડૉ. ઠાકુર સાથે પરણીને બબ્બે બાળકની મોડર્ન માતા બની. એમના ઉછેર માટે ઝળહળતી કારકિર્દીને પડતી મૂકી દીધી. આજે ‘તિબેટિયન યોગા’ ના ક્લાસ ચલાવે છે અને ખુશ છે. કિમી કાટકર એક જમાનાની બોમ્બશેલ બ્યુટી હતી. શાંતનુ નામના એક ફોટોગ્રાફર, ઍડ ડિરેક્ટર સાથે પરણીને ઓસ્ટ્રેલિયા પોતાના એકમાત્ર બાળકના અસાધ્ય રોગની સારવારમાં લાગી ગઈ. કરિશ્મા કપૂર પોતાની ધગધગતી બોલીવુડ કરિયર છોડીને હવે જાહેરમાં લગભગ ઓછી દેખાય છે કારણ કે પોતાના બાળકોની સારસંભાળ સિંગલ મધર થઈને લે છે. પરીક્ષામાં પોતે રાતદિવસ મહેનત કરીને એમને ભણાવે છે. હજુ બે-ચાર દિવસો પહેલાં જ હોલીવુડની ‘ટ્રાન્સફોર્મર’ સિરીઝની હૉટ હીરોઈન અને ત્રણ બાળકોની માતા મેગન ફોક્સે પોતાની આવનારી ટીવી સિરીયલ ‘થિંક લાઈક અ ડૉગ’ માટે ચસચસતા રસઝરતા ચુંબનના સીન શૂટ કર્યા. ઐશ્વર્યા રાય બચ્ચન આરાધ્યાની મા હોવા છતાં ‘એ દિલ હૈ મુશ્કિલ’માં રણબીર કપૂર સાથે હૉટ સીન્સ આપ્યા છે. સન્ની લિયોનીએ હમણાં જ પોતાના પતિદેવ સાથે મળીને (બંને પોર્ન-સ્ટાર છે!), એક છોકરીને દત્તક લીધી છે. તો સન્નીનો માતૃપ્રેમ ફરિદા જલાલ કે રીમા લાગુના માતૃપ્રેમથી નિમ્ન સ્તરનો નથી થઈ જતો.
ખાસ કરીને મિડલએજ ની મોડર્ન મમ્મીઓ માટે ટ્વિંકલ ખન્ના પોતાની બુક ‘મિસિસ ફન્નીબોન્સ’માં લખે છે કે એક જમાનો હતો જ્યારે હું રાત્રે 8 વાગે હાથમાં વાઈનનો ગ્લાસ પકડીને વિચારતી કે આજે રાત્રે પાર્ટીમાં કયું ગાઉન પહેરું? હવે 8 વાગે હું મારા પલંગમાં થાકેલી પાકેલી નસકોરાં ઘોરતી હોઉં છું. હું મારી J બ્રાન્ડની 26 સાઈઝની બ્રા પાછી પહેરી શકીશ કે નહીં એ વિચારો મારા મગજમાં ઘુમરડી ખેલતા હોય છે. મને મળવા આવનાર દરેકને મારો ધણી કહે છે કે અત્યારે હું બાળકને ધવરાવું છું એટલે મળી નહીં શકાય. એટલે મારું સ્ટેટસ એક ‘cool chick’માંથી ‘દૂઝણી ગાય’નું થઈ ગયું છે. દરેક વખતે હું અરીસામાં ડ્રેસની સાઈઝ જોઈને મારી બોડી અને ઘેરાવાનો અંદાજ લગાવતી, પણ હવે હું આ મશીનને જોયા કરું છું જેણે બે સુંદર બાળકો આપ્યા, ઘણી વાર લોકોની ગાળો ખાધી, ઘણી વાર ઉપેક્ષાઓ પણ વેઠી.
લગ્ન કરીને છોકરા-છૈયા થાય એટલે આપણી માતાઓને લગભગ લઘરવઘર થઈ જવાનું લાઈસન્સ મળી ગયું હોય એમ વાતને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લઈ લે છે. ગુજરાતી માતાઓ કાં તો મમરાની ગુણની જેમ ફુલી ગઈ હોય કાં સાવ સૂકલકડી હાડપિંજર જેવી દેખાતી હોય. ડબ્બો એક તેલ નાખેલા વાળમાં અંબોડા વાળેલા હોય, મોટો ચાંદલો (એ પણ સાડીને મેચિંગ ના હોય) કરેલો હોય અને ઘરના રસોડામાંથી ક્યારેય ઊંચી જ ન આવે. એક જમાનામાં કામણગારી રતિ હોય એ લગ્ન કરીને માતા બન્યા પછી સતી જેવી થઈ જાય છે. દલિલ સામે પક્ષે પણ એટલી જ વ્યાજબી છે. આપણી માતાઓએ પણ પોતાના વિચારોને અપડેટ કરવાની જરૂર છે. ઘણી માતાઓને મેં એવું કહેતાં સાંભળ્યા છે, “ના રે ના, આ ઉંમરે આપણે થોડા ડ્રેસ પહેરાય. કો’ક જુએ તો ખરાબ લાગે.” અથવા તો “હવે આપણને ગાઉન અને જીન્સ સારા ન લાગે”. ઘણીવાર એવું પણ થાય કે કપડા અને દેખાવ મોડર્ન થઈ જાય પણ વિચારોની કરચલીઓ એમ ને એમ હોય. આવી જ સીક માનસિકતા આપણે દૂર કરીને આધુનિક મિજાજ તરફ ગતિ કરવાની જરૂર છે. મોડર્ન મમ્મીઓ સાંભળો છો?
પડઘોઃ
આપી દે થોડાં પતિને, આપી દે સંતાનને થોડાં,
મા સ્વયંને જીવવા તો એક પણ ક્યાં વર્ષ રાખે છે.
– અનિલ ચાવડા
eછાપું