બાળકો અને વાર્તા – કલ્પનાની દુનિયા સાથે એક અતૂટ અને અનોખો સંબંધ…

0
1052
Photo Courtesy: india.com

વાર્તા અને બાળકો, બંને વચ્ચે એક અનોખો સંબંધ હોય છે. બાળકોનાં મન પર વાર્તાઓ ઝડપથી કાબુ મેળવી લે છે. એમાં પણ, પેરેંટ્સને પોતાનાં બાળકોને કાંઈક શીખવાની જરૂર લાગે, તો તેઓ બાળકોને સીધી ભાષામાં ન સમજાવી શકે તેમ હોય, તો વાર્તાની મદદથી જરૂર એ સમજણ આપી શકે છે. વાર્તા એ એક એવી દુનિયા છે, જ્યાં ઘણાં સંજોગોનો સમન્વય આપોઆપ જ થઈ જાય છે. એ પછી શિખામણ હોય કે બોધપાઠ.

Photo Courtesy: india.com

બાળપણની યાદોમાં સૌથી મજાની વાત કઈ? યાદ કરવા બેસીએ તો ઘણી બધી જેવી કે, મમ્મીનાં ખોળામાં બેસીને જમવાની યાદો, દાદા – દાદી ચોકલેટ આપતા તેની યાદો, સ્કૂલ જઈને તોફાન કરતાં તેની યાદો, સાંજ પડે મિત્રો સાથે મેદાનમાં રમવા જવાની યાદો, ધમપછાડા કરીને વસ્તુઓ લેવાની યાદો અને એવી ઘણી બધી યાદોના પટારા આપોઆપ જ ખુલી જાય.

પણ એક યાદ એવી છે જે આપણી સામે ત્યારે જ તરવરે, જ્યારે આપણે એ ઘટનાનું પુનરાવર્તન કરીએ છીએ. એ છે, નાનપણમાં મમ્મી – પપ્પા પાસેથી સાંભળેલી વાર્તાઓ. કારણ કે, બાળકોનાં બાળપણમાં વાર્તાનું સ્થાન મોખરે હોય છે. આપણા જીવનમાં જ્યારે બાળકો આવે ત્યારે આપણે એ જ યાદોને ફરીથી જીવંત કરતાં ફરી જીવી લઈએ છીએ.

વાર્તા ને હું બાળકો અને પેરેંટ્સ વચ્ચેનો સમજણ સેતુ કહીશ. સાદી અને સ્પષ્ટ ભાષા જે કામ ન કરી શકે, તે ઘણી વખત કાલ્પનિક ભાષા કરી જાય છે. ઉંમર પ્રમાણેની વાર્તાઓ બાળકની સાથે પેરેંટ્સનો સંબંધ પણ મજબૂત બનાવવામાં મદદ કરે છે. તમે જોયું અને અનુભવ્યું જ હશે કે આપણે આપણા બાળકોને જો એક વાર્તા કરી, તો તેઓ બીજે દિવસે ચોક્કસપણે આપણને કહેશે કે, “મમ્મી અથવા પપ્પા, આજે કઈ વાર્તા કરશો?”.

વાર્તા કરવાનાં પણ પ્રકાર છે. બહુ નાના એટલે કે ત્રણ – ચાર વર્ષનાં બાળકોને જંગલ, રાક્ષસ, પરિકથા, જેવી કાલ્પનિક, પણ ટૂંકી વાર્તામાં વધારે રસ જાગે. થોડું મોટું બાળક હોય, એટલે કે આઠ – નવ વર્ષનું, તો તેને અકબર – બીરબલ, તેનાલી રામન, વિક્રમ – વૈતાલ, પંચતંત્રની વાર્તાઓ કે જેમાં બોધપાઠ મળે, તેવી વાર્તાઓમાં વધારે રસ હોય છે. અને ત્યાર બાદ તેઓને વાર્તા કરવામાં વધારે મજા આવે છે.

આમ તો આખા દિવસ દરમિયાન તોફાન કરતાં કરતાં રમતું બાળક ઘરમાં સતત કામ કરતી મમ્મીની વઢ ખાતું હોય. પણ રાત્રે જ્યારે મમ્મી પાસે વાર્તા સાંભળે ત્યારે મમ્મીનો ગુસ્સો અને બાળકની રમતિયાળ અને ચંચળ વૃત્તિ, બધું શાંત થઈ જાય છે. એવી જ રીતે, દિવસનો પોણા ભાગનો સમય, આર્થિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મહેનત કરતાં પપ્પા સાંજે જ્યારે ઘેર આવે ત્યારે સૂવાના સમયે બાળક તેમની પાસે જઈને એટલું જ કહે કે “પપ્પા આજે કઈ વાર્તા કરશો?” ત્યારે પપ્પાનો થાક દૂર થતાં સેકંડ નથી લાગતી.

વાર્તા, એક એવી સાંકળ છે, જે સંબંધોને તો બાંધે જ છે, પણ જ્ઞાનમાં પણ વધારો કરે છે. વાર્તા સાંભળવાની ટેવમાંથી જ વાંચનની આદત પડે છે, તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. બાળકોનું મન પણ એકાગ્ર થાય છે, જે તેમને વખત જતાં ભણતરમાં મદદરૂપ થાય છે. બાળકો અને પેરેંટ્સ વચ્ચે આ જ વાર્તાઓ કમ્યુનિકેશનનું માધ્યમ બને છે.

જેમ આપણે આપણાં મમ્મી – પપ્પાને વાર્તા સાથે સાંકળીને યાદ કરીએ છીએ, તેમ બાળકોને પણ એ તક આપવી હોય તો તેમને રોજ ભલે શક્ય ન હોય, પણ ક્યારેક ક્યારેક વાર્તાઓ કરી, તેમની સાથે વધુ આત્મીયતા કેળવજો. ક્યારેક તેઓ પણ કહેશે, “અમને પણ અમારા મમ્મી – પપ્પા આવી જ રીતે વાર્તા કરતાં”. યાદોને વાવવાનું કામ કરી જાણીએ, લણવાનું કામ આપોઆપ થાશે.

સ્પેશિયલ રિમાર્ક્સ: બાળકોને ગીજુભાઈ બધેકા (બાળવાર્તાઓ), રમણલાલ સોની (ગલબો શિયાળ – મંગલુ) , જીવરામ જોશી (મિયા ફુસ્કી, છકો – મકો, અડુકિયો – દડુકિયો વિગેરે) , નાનાભાઈ ભટ્ટ, હરિપ્રસાદ વ્યાસ (બકોર પટેલ), ઝવેરચંદ મેઘાણી, જેવાં ઘણાં લેખકો કે જેમણે બાળકોના જીવનમાં વાર્તાઓ ભરી છે, તેમની વાર્તાઓ વાંચવા માટે પ્રેરજો.

eછાપું

તમને ગમશે: ડ્રાઈવિંગ કરતી વખતે તમારો એટીટ્યુડ છોડો અને જીવન બચાવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here