Sapiens: (એગ્રી) કલ્ચર, વ્યાપાર, ધર્મ અને આપણો વર્તમાન

0
432
પુરાતન ઈજિપ્શિયન ખેતી Courtesy: Ancient History Encyclopedia

આપણે આદિમાનવ હતા, કુદરતની મહેર પર જીવતા આપણે હજારો વર્ષોની પ્રક્રિયા પછી કુદરત પર મહેર કરતા થઇ ગયા છીએ. એ પ્રક્રિયા એટલે એગ્રીકલ્ચર અને એના પર ઉભેલું આપણું કલ્ચર, અને એનો ફેલાવો કરવામાં મદદરૂપ થતા વ્યાપાર અને ધર્મ. અત્યારે જ્યાં માનવજાતનાં સહુથી હિચકારા કૃત્યો થઇ રહ્યા છે એ તુર્કી, ઈરાનનો પશ્ચિમી ભાગ અને લેવાન્ટ (Levant) તરીકે ઓળખાતો વિસ્તાર જ્યાં ઈરાક, જોર્ડન, પેલેસ્ટાઇન, સીરિયા, લેબનોન જેવા દેશો છે, ત્યાં પહેલીવાર ખેતી થઇ હતી. આ વાત જે ચેપ્ટરમાં કહી છે એ ચેપ્ટરનું નામ સરપ્રાઇઝીન્ગલી The Biggest Fraud છે.

લેખકના મત પ્રમાણે જે ઘટનાએ આપણને કુદરત પર આપણું આધિપત્ય જમાવવામાં મદદ કરી એના જ લીધે આપણે ઉત્તરોઉત્તર ખરાબ પરિસ્થિતિમાં મુકાતા ગયા. પહેલાનું Hunter-Gatherer જીવન આપણા શરીર માટે ખુબજ સારું હતું, આદિમાનવો કઈ પણ ખાઈ શકતા. હવે આપણે ઘઉં, બટેટા, ચોખા કે અમુક પ્રાણીઓના માંસ પર નભતા થઇ ગયા છીએ. આપણો ખોરાક છેલ્લા 2000-2500 વર્ષથી આવોને આવો જ છે. એક સમયે જે ઘઉં અને બટેટા આદિમાનવ માટે લક્ઝરી હતા એ આપણા માટે જરૂરિયાત છે. અને એટલે જ લેખકે કહ્યું છે કે.

ઇતિહાસની કેટલીક નરવી વાસ્તવિકતાઓ માની એક વાસ્તવિકતા એ છે વૈભવ ધીમે ધીમે જરૂરિયાત બનતો જાય છે, અને એ નવી જવાબદારીઓ ઉત્પન્ન કરે છે.

આ ગોસીપ અને ખેતીનું કલ્ચર આ બંનેએ આપણને મોટા સમૂહોમાં રહેવાની પ્રેરણા આપી. પહેલા ૫૦-૧૦૦ લોકો સાથે કબીલામાં રહી ભટકતો આદિમાનવ હવે ખેતી કરતો અને શહેરો વસાવતો થઇ ગયો હતો. અને આટલા મોટા સમૂહને સાથે રાખવો હોય તો કાયદા-કાનૂનની જરૂર પડે. અત્યારે આ વાત આપણા માટે ઓબવિયસ થઇ ગઈ છે પણ એ વાત શહેરોમાં વસતા આદીમાનાવો માટે ઘણી નવી હતી. અને આ જગ્યાએ ઈમેજીનેશને આપણી મદદ કરી. આપણી ઈમેજીનેશને આપણને ધર્મ અને ભગવાન આપ્યા,જે ભગવાનનું કહેલું એ જ કાયદો જેને જે-તે શહેરમાં રહેતા દરેક લોકોએ પાળવો પડતો. પણ એનેય ખતરો હતો…

કુદરતી કાયદો એ સ્થિર કાયદો છે. કાલે સવારે અચાનક ગુરુત્વાકર્ષણનો નિયમ નથી બદલવાનો, ચાહે લોકો એ નિયમને સ્વીકારે કે ન સ્વીકારે. એનાથી વિપરીત એક કાલ્પનિક કાયદો ગમે ત્યારે બદલાઈ શકે, કારણકે કાલ્પનિક કાયદો પૌરાણિક કથાઓ અને લોકકથાઓ પર જ ચાલે છે. અને જયારે એ વાર્તાઓ ઉપર લોકો વિશ્વાસ કરવાનું મૂકી દે છે ત્યારે એ વાર્તાઓ સહીત એના બળ પર ઉભેલા નિયમો અને સમાજો પણ ગાયબ થઇ જાય છે.

ગુરુત્વાકર્ષણનો નિયમ બ્રહ્માંડની રચના સમય થી ચાલતો આવે છે, એણે ન્યુટન આ નિયમ શોધે ત્યાં સુધી રાહ જોવી એવું કોઈજ કલ્ચર કહેતું ન હતું. ન્યુટને આ નિયમને સન 1687 માં ખાલી એક એવું સ્વરૂપ આપ્યું જે મારી તમારી જેવા સામાન્ય લોકો સમજી શકે.આ પુસ્તકમાં વિજ્ઞાન અને એના વિકાસ વિષે પણ રસપ્રદ વાતો છે. જે આપણે થોડીવાર પછી કરીશું.

પુરાતન ઈજિપ્શિયન ખેતી Courtesy: Ancient History Encyclopedia

આ કાલ્પનિક કાયદા અને ખેતીના વ્યાપક ઉપયોગના લીધે માનવજાતે પ્રગતિનાં બે નવા શિખર સર કર્યા. માનવજાતે અર્થતંત્ર અને સાહિત્યની શોધ કરી. જયારે નવા નવા શહેરો વસતા હતા ત્યારે માનવોને એ ખબર પડી કે એક માનવ ખેતરોમાં સારી એવી મહેનત કરી શકે છે. જયારે એક માનવને ખેતી માટે ઉપયોગી પ્રાણીઓ પર કાબુ રાખતા સારો આવડે છે. તો એક જે હજી શિકારી જીવન જીવતો હતો, એ જંગલી પ્રાણીઓને શહેર થી દૂર રાખી શકે છે. આ બધા વચ્ચે સંકલન રહે અને દરેકને બધું મળી રહે એટલે પેલો શિકારી માનવ અમુક ઘઉં કે બટેટા ના બદલામાં આખા શહેરનું રક્ષણ કરી શકતો. આવી વ્યવસ્થાનાં પાયા પરથી વિશ્વનું પહેલું ઇકોનોમિક કલ્ચર અસ્તિત્વમાં આવ્યું, જેમાં વસ્તુઓ કે સેવાઓનાં વિનિમય થી સમાજ આગળ ચાલી રહ્યો હતો.

પણ આ વિનિમયની પણ પોતાની સમસ્યા હતી. એ વિનિમય પોતે સંકલન વગરની વ્યવસ્થા હતી. પુરાતન સમયનો એક મોચી જો એક ખેડૂતને એક બોરી ઘઉંનાં બદલે એક જોડી જૂતા આપતો હોય તો એ સોનીને કે પોતાના વતી ભગવાનને રાજી રાખતા પુજારીને કેટલા જોડી જૂતા આપે? કે પછી પેલો ખેડૂત ઘઉંને બદલે ચોખા કે ચણા આપે તો શું દેવું? આવી સમસ્યા દરેકને થતી હતી અને એટલે વસ્તુઓના સીધા વિનિમય (ડાયરેક્ટ બાર્ટર)ને બદલે દરેક વસ્તુઓને અમુક કિંમતી વસ્તુઓ સાથે વિનિમય કરવો અને એ કિંમતી વસ્તુઓજ દરેક વ્યવહારમાં આવે એવું નક્કી થયું અને એ કિંમતી વસ્તુઓ એ માનવજાત ની પહેલી કરન્સી બની.

Embed from Getty Images

અને જયારે કરન્સી કલ્ચર આવ્યું  ત્યારે હિસાબ રાખવો પણ જરૂરી થઇ ગયો. એક જોડી જુતાના ભાવ જેવા સામાન્ય વ્યવહાર હોય કે બહુ કોમ્પ્લેક્સ વ્યવહાર એ બધું લેખિતમાં રાખવું જરૂરી થઇ ગયું હતું. અને એટલે આજના ઈરાકમાં આવેલી ઉરુક નામની જગ્યામાં 6-7 હજાર વર્ષ જૂની એક માટીની પાટી(ટેબ્લેટ) મળી જેમાં અક્કાડીયન ભાષામાં નીચે કોઈ કુશીમની સહી હતી. જે કદાચ ઇતિહાસમાં પહેલું લેખિત નામ હતું. એવી પણ થીયરી છે કે એ કુશીમ એક વ્યક્તિનું નામ નહિ પણ એક પદનું નામ હોવું જોઈએ. એ જે હોય તે પણ…

એ એક કડવું સત્ય છે કે ઇતિહાસમાં સહુ પ્રથમ રેકોર્ડેડ નામ કોઈ રાજા-મહારાજા, કોઈ મહાન વિજેતા, કોઈ મહાન પેગંબર કે કોઈ મહાન કવિનું નહિ પણ એક સામાન્ય એકાઉન્ટન્ટનું હતું.

ઉરુક સીટી માંથી મળેલી કુશીમ ટેબ્લેટ…

આ અર્થતંત્ર,સાહિત્ય, ખેતી અને શહેરીકરણે માનવજાતને એક નવા કલ્ચર રૂપી ભેટ આપી, સમ્રાજ્યોની અને તેની સંસ્કૃતિની. મિડલઇસ્ટમાં શરુ થયેલું અક્કાડીયન, સુમેરિયન, બેબીલોનીયન સામ્રાજ્ય, પુરાતન ઈજીપ્ત, પુરાતન ચાઇનીઝ સામ્રાજ્ય, મોહેંજો દારો-હડપ્પાની સંસ્કૃતિ (જે હવે સિંધુ ખીણ ની સંસ્કૃતિ તરીકે ઓળખાય છે) અને એના પાયા પર ઉભેલી વેદિક સંસ્કૃતિ એ બધું એકબીજાની સમાંતરે વિકસ્યું. આ બધી સંસ્કૃતિ એક બીજા સાથે કનેક્ટેડ પણ હતી. આપણી સિંધુ ખીણ સંસ્કૃતિનાં એક શહેર ને પુરાતન બેબીલોનીયન સામ્રાજ્ય મેલુહા તરીકે ઓળખતું. થોડા આગળ જઈએ તો સિકંદર-મહારાજ પુરૂ વચ્ચેના યુદ્ધ પછી ભારતીય અને ગ્રીક સંસ્કૃતિ વચ્ચેના એક નવા યુગ ની શરૂઆત થઇ. સમ્રાટ ચંદ્રગુપ્ત મોર્યે ગ્રીક સેનાપતિ સેલ્યુકસ અને ગ્રીક સંસ્કૃતિ સાથે રોટી-બેટીનો વ્યવહાર શરુ કર્યો. અને વિશ્વમાં કદાચ પહેલીવાર આટલા મોટા પાયે પૂર્વ અને પશ્ચિમનાં બે મોટા સામ્રાજ્યો વચ્ચે યુદ્ધ સિવાય નો કોઈ વ્યવહાર શરુ થયો.

પુસ્તકમાં આ વાતો જ્યાં થઇ છે એ ભાગનું નામ છે The Unification of humankind. આ આખો ભાગ માનવજાતના એકીકરણને સમર્પિત છે. માનવજાતે અર્થતંત્ર અને સાહિત્ય તો વિકસાવ્યું પણ સાથે સાથે ધર્મનો પણ અલગ રીતે બદલાવ આવ્યો. પહેલા કુદરત સાથે “તાલમેલ થી જીવતો” અને એનીમીઝ્મ પાળતો માણસ ધીમે ધીમે કુદરતનો માલિક થઇ રહ્યો હતો. અબ્રાહમી ધર્મો (ખ્રિસ્તી,મુસ્લિમ,યહૂદી) અને હિંદુ ધર્મમાં આવતી મહાપ્રલયની વાર્તાઓનો નાયક (મનુ અથવા નોઆહ)પ્રાણી પક્ષીઓને બચાવતો થઇ ગયો હતો. એ કઈ ભગવાને મોકલેલું પુર ન હતું, પાછલા અંકમાં જોયું એમ આપણે આંખો વિચીને કરેલો સંહાર હતો..

જેમ જેમ આપણે એનીમીઝ્મ અને આપણી આસપાસનું કનેક્શન ભૂલી ગયા એમ આપણા ભગવાન પણ બદલાતા થઇ ગયા હતા, અને હવે આપણે વરસાદનો ઈશ્વર, ફળદ્રુપતાની દેવી વગેરેને પૂજતા થઇ ગયા, એને ઝીઉસ, મહાદેવ, કોઆટલીક (Coatlicue એઝટેક લોકોની ધરતીની દેવી) કે ઈશ્તાર (મેસોપોટેમીયન લોકોની પ્રેમની દેવી) એવા નામ આપતા થઇ ગયા. આ બધું સામ્રાજ્યોના વિકાસને સમાંતર ચાલતું હતું, એટલે એ સમયના સામ્રાજ્યો બાય ડીફોલ્ટ સમજદાર હતા. એ બધા સામ્રાજ્યોનો એક વણલખ્યો નિયમ હતો, તમે તમારો ધર્મ પાળો, પણ તમારો રાજા જે ધર્મ પાળે છે એને પૂર્ણ આદર આપો..

આ બધું અટક્યું જયારે એક કરતા વધારે ઈશ્વરમાં માનતા રોમન રાજાઓને એકેશ્વરવાદી ખ્રિસ્તીઓએ સહકાર આપવાનું નકાર્યું, અને એ સમયથી રાજ્ય અને ધર્મનું ડેડલી કોમ્બીનેશન શરુ થયું જે આપણને આજના દિવસ સુધી નડી રહ્યું છે. આ બધું આજના યુરોપ અને મિડલ ઈસ્ટમાં થઇ રહ્યું હતું ત્યારે આપણું કલ્ચર અને ચાઇનીઝ સંસ્કૃતિ શાંતિથી બેઠા રહ્યા. યુરોપ વર્ષો સુધી આ ગડમથલમાં ફસાતું રહ્યું અને જયારે એ ગડમથલ માંથી બહાર નીકળ્યું ત્યારે એને એક એવો સુપરપાવર મળી ગયો હતો જેણે માનવજાતને એક નવીજ દિશામાં મોકલી દીધી.

બાઈબલ, કુરાન, કોન્ફ્યુસિયન ગ્રંથો કે વેદ-પુરાણમાં બહુ ઓછા સમીકરણો, ગ્રાફ કે ગણતરીઓ હતી.

આડવાત: આ બધા ગ્રંથોમાંથી વેદ-પુરાણ એકમાત્ર એવા ગ્રંથો છે જેમાં ઘણી ગણતરીઓ કે વૈજ્ઞાનિક માહિતીઓ હતી, જે ખરેખર ગર્વ થાય એવી વાત છે.

ઈ.સ. 1517માં એટલેકે આજથી લગભગ 500 વર્ષ પહેલા જયારે અમુક ખ્રિસ્તીઓએ કેથોલિક ચર્ચ સામે બંડ પોકાર્યું એ પહેલા ધર્મ સામાન્ય માણસ પર એટલો હાવી થઇ ગયો હતો કે લોકોને ધર્મ સિવાય કઈ દેખાતું ન હતું. પણ હજાર-બે હજાર વર્ષથી અડીંગો જમાવી બેસેલો ધર્મ સમય સાથે અનુરૂપ ન થઇ શક્યો. આજથી 500-600 વર્ષ પહેલાનું ભારત અને ચીન આખા યુરોપ કરતા શક્તિશાળી હતું. જયારે યુરોપમાં જીતવા માટે કોઈ જમીન કે કન્વર્ટ કરવા માટે કોઈ બિન-ખ્રિસ્તી ન મળ્યો ત્યારે યુરોપના રાજા-મહારાજાઓ એ કે ચર્ચના પાદરીઓએ બીજી જમીન વિષે શોધખોળ શરુ કરી. અને એ શોધખોળના લીધે યુરોપ ના નાના નાના રાષ્ટ્રોએ પોતાના કરતા દસ-બાર ગણા મોટા એરિયા પર બિન્ધાસ્ત રાજ કરવાનું શરુ કર્યું, આશરે 14મી કે 15મી સદી થી શરુ થયેલી Age of Exploration જયારે 19મી સદીમાં પૂરી થઇ ત્યારે યુરોપ લગભગ આખા જગતનું સાશક બની ગયું હતું.

અને આ બધું યુરોપ માં એટલા માટે થયું કેમકે 1. યુરોપે ધર્મની ધૂંસરી ફગાવી દીધી હતી, અને2. સંઘર્ષ અને અભાવો વચ્ચે વિકસેલું યુરોપ વિનમ્રતા અને જડતાનું એક જબરજસ્ત કોમ્બીનેશન હતું. કોઈ પણ ભોગે દુનિયાના સામેના ખૂણે પહોચવાની જીદ યુરોપને ઓસ્ટ્રેલીયા, ઇન્ડોનેશિયા અને એન્ટાર્કટીકા સુધી લઇ ગઈ અને ત્યાં વિકસતી કિંમતી અજાયબીઓ વિષે જાણવા અને સમજવાની વિનમ્રતા એ લોકોને ત્યાં ટકાવી ગઈ.

એ કેવો કાવ્યાત્મક ન્યાય છે કે વિશ્વના ચોથા ભાગની જમીન અને બે ખંડ એક એવા વ્યક્તિના નામ પરથી છે જેનામાં એટલું કહેવાની હિંમત હતી કે “આપણે (કઈ જ) નથી જાણતા”

Portrait_of_Amerigo_Vespucci
અમેરીગો વેસ્પુચી જેના નામ પરથી અમેરિકા નામ પાડવામાં આવેલું. Courtesy: Wikimedia

યુરોપની આ વિનમ્રતા અને વિચારોને અપનાવવાની આઝાદીના લીધે એ આખા વિશ્વનું સાશક તો બન્યું પણ એ સમયે શરુ થયેલી સામ્રાજ્યવાદની ગળાકાપ સ્પર્ધાએ યુરોપમાં રાષ્ટ્રવાદને પણ જન્મ આપ્યો. આજે યુરોપમાં સર્વવ્યાપી અને સર્વસ્વીકૃત થયેલો આ સામ્રાજ્યવાદ વિષે પણ આ પુસ્તકમાં કૈક લખેલું છે.

આપણે આજે પણ મૂળ કલ્ચર વિષે વાત કરીએ છીએ, જો આપણા આ મૂળ સંસ્કૃતિનો મતલબ સ્વતંત્ર રીતે, બાહ્ય પ્રભાવથી મુક્ત સંસ્કૃતિ હોય તો આવી કોઈ સંસ્કૃતિઓ બચી નથી. સદીઓ થી આપણી સંસ્કૃતિઓ એકબીજાથી અને આસપાસના વિશ્વના પ્રભાવના ઘોડાપૂરમાં એ હદે તણાઈ છે કે હવે કઈ સંસ્કૃતિ મૂળ છે અને કઈ આયાતી એ ઓળખવું અસંભવ છે.

પણ આ એજ યુરોપ છે જેણે આપણને આજે ફાસીવાદ અને નાઝીવાદ કરતાય ખતરનાક વાદ આપ્યો છે, મૂડીવાદ.

ખ્રિસ્તી ધર્મ, મુસલમાન ધર્મ કે નાઝીવાદે લાખો હત્યા ધિક્કારના લીધે કરી છે. પણ મુડીવાદે લોભ અને બેદરકારીથી કરોડો લોકોની એકદમ ઠંડા કલેજે હત્યા કરી છે.

એ લોભ અને લાલચ અને આજના કોર્પોરેટ અને કન્ઝ્યુમરીસ્ટ કલ્ચર વચ્ચે વિશ્વ અમીરી અને ગરીબી વચ્ચેની ખાઈ વધારતું જાય છે. અને એના લીધે ગુનાખોરી સર્વ સામાન્ય વાત થઇ ગઈ છે. છેલ્લા 50-60 વર્ષોમાં યુદ્ધ માં શહીદ થયેલા જવાનો કરતા ગુનાખોરી કે બેદરકારીના લીધે મરેલા વ્યક્તિઓની સંખ્યા પાંચ ગણી વધારે છે.

આજે આંતરરાષ્ટ્રીય યુદ્ધ કરતા સ્થાનિક ગુનાખોરી માનવજાત માટે મોટો ખતરો છે.

અને એ વાત આપણને 50-60 વર્ષ પહેલા જ સમજાઈ ગઈ હતી, આપણા બે ફેવરીટ સુપરહીરો બેટમેન અને સ્પાઈડરમેન ની સહુથી મોટી ટ્રેજેડી સ્થાનિક ગુનાખોરીના લીધે થઇ હતી, યુદ્ધોના લીધે નહીં. પણ છેલ્લા દસકામાં આવેલી ઈન્ટરનેટ ક્રાંતિએ આ ગુનાખોરી પર સારી એવી બ્રેક મારી દીધી છે. અને જગત આજે શાંતિકાળમાં જીવી રહ્યું છે.

આ માનવજાતની ભૂતકાળ થી વર્તમાન સુધીની વાર્તા હતી. આગલા લેખમાં લખ્યું એમ આ પુસ્તક બેસ્ટ સેલર હતું અને આ પુસ્તકની વિષે બીલ ગેટ્સે પણ પોતાના બ્લોગમાં લખ્યું છે. હજી માનવજાતનું ભવિષ્ય પણ છે. ગયા બુધવારે ગૂગલએ પોતાની વાર્ષિક ડેવલપર કોન્ફરન્સમાં પોતાની આર્ટીફીશિયલ ઈન્ટેલીજન્સ સીસ્ટમ ગૂગલ આસીસ્ટંટમાં એક એવા ફીચર નો ડેમો દેખાડ્યો જેમાં એક કમ્પ્યુટર જનરેટેડ પ્રોગ્રામ ફોન પર એક માણસ સાથે એક માણસની જેમ વાત કરતો હતો. જેનો વિડીયો નીચે દેખાડ્યો છે.

જેવું અહીંયા સુંદર પીચાઈ એ દેખાડ્યું છે, આપણું ભવિષ્ય આવું થઇ શકે છે, (જોકે AI થી હજી આપણને એટલો બધો ખતરો નથી.) અને લેખક યુઆલ નોઆહ હરારીએ એ ભવિષ્યની કલ્પના આ પુસ્તકની સિકવલ Homo Deus માં કરી છે. જેના વિષે આપણે ફરી ક્યારેક વાત કરીશું. ત્યાં સુધી….

મે ધ ફોર્સ બી વિથ યુ……

નોંધ: આ લેખમાળામાં લીધેલા બધા ક્વોટ, સેપીયંસ: ધ બ્રીફ હિસ્ટ્રી ઓફ હ્યુમનકાઈન્ડ ના ક્વોટસનો ગુજરાતી ભાવાનુવાદ છે. એ ક્વોટ ઓરીજીનલ અંગ્રેજીમાં તમે અહીં વાંચી શકશો.

Sapiens: The Brief History of humankind પુસ્તક મેળવવાનો રસ્તો.

eછાપું

તમને ગમશે:

વિદ્યાર્થીઓ ની એજ કરમકહાણી: હાય રે અમારો સિલેબસ!!

સાસુ-વહુ: એક એવો અનોખો સંબંધ જે બહુઆયામી પણ છે

જ્યારે વક્તાશ્રી ખુદ કહેવા લાગે કે હું માઈક નહીં જ છોડું ત્યારે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here