કાશ્મીરને આઝાદી મળવાની નથી થાય એ કરી લો: બિપીન રાવત

0
390
Photo Courtesy: scroll.in

ગયા અઠવાડિયે ભારતીય આર્મી ચિફ જનરલ બિપીન રાવતનું કાશ્મીરની આઝાદી અંગેના, કદાચ અત્યારસુધીના સહુથી બોલ્ડ સ્ટેટમેન્ટની આપણા મિડીયામાં જેટલી ચર્ચા થવી જોઈએ તેટલી થઇ નહીં. કદાચ આપણા મિડિયા માટે એક રાજકીય પક્ષના વામન પ્રવક્તાઓ દ્વારા જનરલ રાવતને ગુંડા કહેવાના બયાનનું વધારે મહત્ત્વ છે નહીં કે એમણે કાશ્મીરી યુવાનોને કરેલી સાફ વાતનું.

Photo Courtesy: scroll.in

ઇન્ડિયન એક્સપ્રેસને આપેલી એક મુલાકાતમાં જનરલ બિપીન રાવતે સ્પષ્ટ શબ્દોમાં કાશ્મીરી યુવાનોને કહી દીધું છે કે, “(તમને) આઝાદી મળવાની નથી કારણકે તમે લોકો સેના સામે લડીને જીતી શકવાના નથી.” જનરલ રાવતના કહેવા અનુસાર જે લોકો કાશ્મીરી યુવાનોને આઝાદી મેળવવા માટે બંદૂક ઉપાડવાનું કહે છે તે લોકો તેમને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો પાકિસ્તાન, ત્યાં બેસેલા આતંકવાદના મુખિયાઓ અને અહીં તેમના પાળેલા હુર્રિયત કોન્ફરન્સના આગેવાનો પોતાના સ્વાર્થ હેઠળ કાશ્મીરી યુવાનોને આઝાદીના નામે માત્ર ઉલ્લુ બનાવી રહ્યા છે.

ઉપરોક્ત મુલાકાતમાં જનરલ બિપીન રાવતે કાશ્મીર અંગે ઘણીબધી વાતો કરી છે પરંતુ તેમણે ભારતીય સેના અને એક આમ ભારતીયને પાનો ચડી જાય તેવી વાત આ આઝાદી અંગેની કરી છે. જનરલ રાવતે બિલકુલ સાચું કહ્યું છે કે બંદુક આપીને કાશ્મીરી યુવાનોને આઝાદીની શૂળી પર ચડી જવાનું કહેતા પાકિસ્તાની આકાઓનું તો કશું જવાનું નથી પણ સહન કાશ્મીરી નાગરિકોને, યુવાનોને અને તેમના માતાપિતાઓને કરવાનું આવે છે.

હવે અહીં મુદ્દો એ છે કે જનરલ રાવતની આ સ્પષ્ટ અને સત્યથી ભરપૂર વાતને કાશ્મીરી યુવાનોના ગળે ઉતરશે કે કેમ? હાલપૂરતું તો નહીં કારણકે આઝાદીનું અફીણ તેમને એટલી હદ સુધી પિવડાવવામાં આવ્યું છે કે તેમની વિચારવાની ક્ષમતા જ સુન્ન થઇ ગઈ છે. આનું ઉદાહરણ પણ જનરલ રાવતે જ આપ્યું છે. તેમના કહેવા અનુસાર બુરહાન વાનીના એન્કાઉન્ટર બાદ અને પહેલા એના સ્તરના ઘણા આતંકવાદીઓ કોઈને કોઈ એન્કાઉન્ટર બાદ માર્યા ગયા હતા પરંતુ બુરહાનના એન્કાઉન્ટર બાદ જ કેમ ખીણમાં લોકો પથ્થરો લઈને નીકળી પડ્યા?

જનરલ બિપીન રાવતની આ વાતને જો ટૂંકમાં સમજવી હોય તો એમ કહી શકાય કે કાશ્મીરી યુવાનોના મન પર પાકિસ્તાનીઓ અને હુર્રિયત નેતાઓનો સંપૂર્ણ કાબુ છે અને આથીજ અમુક દિવસોના પથ્થરમારા બાદ તેમને વધુ પોરસ ચડાવવા માટે “હવે આઝાદી નજીક જ છે” એવી વાતો વહેતી થઇ હતી. જનરલ રાવતનું કહેવું છે કે આતંકવાદીઓ સેના પર હુમલા કરશે સેનાને તેમની સામે લડવાનું એટલુંજ પ્રોત્સાહન મળશે.

જનરલ રાવતે એમ પણ કહ્યું હતું કે તેમને પણ કાશ્મીરીઓનું લોહી વહેવડાવવું ગમતું નથી પરંતુ જો તેઓ સેના વિરુદ્ધ હિંસા પર ઉતરશે તો પછી સેના પાસે બીજો કોઈજ વિકલ્પ રહેતો નથી. જનરલ રાવતનું માનવું છે કે કાશ્મીરમાં ભારતીય સેનાને આટલું સહન કરવું પડે છે તો પણ સિરિયા કે પછી ઈરાકની સેનાની જેમ બર્બરતા પર ઉતરી નથી આવી આ હકીકતને પણ કાશ્મીરીઓએ ધ્યાનમાં લેવી જોઈએ.

આ અગાઉ કોઇપણ ભારતીય સૈન્ય અધ્યક્ષે આ રીતે શબ્દો ચોર્યા વગર કાશ્મીર અંગે બયાન આપ્યું હોવાનું ધ્યાનમાં આવ્યું નથી. જનરલ બિપીન રાવતનું આ બયાન કદાચ કાશ્મીરમાં ભારતીય સેનાની પરિસ્થિતિ અગાઉ કરતા વધુ મજબૂત હોવાનું પણ દર્શાવે છે. પરંતુ ભારતીય સેનાનું મનોબળ મજબૂત કરતા સમાચારો પર આપણા દેશમાં ખૂબ ઓછી ચર્ચા કરવામાં આવે છે તે આ ઇન્ટરવ્યુ બાદ ફરીથી સાબિત થઇ ગયું છે.

પરંતુ દેશને પ્રેમ કરતા એક સામાન્ય ભારતીય માટે જનરલ બિપીન રાવતે કહેલી વાત રાહત પહોંચાડનારી જરૂર છે  કારણકે તે ઈચ્છે છે કે કાશ્મીરનો યુવાન જનરલ રાવતના સ્પષ્ટ સંદેશને સમજે અને ભટકેલા રસ્તેથી પરત આવે અને ભારતની મુખ્યધારામાં ફરીથી જોડાઈ જાય, કારણકે તેમાંજ તેનું ભલું છે.

eછાપું

તમને ગમશે: એ સમયે ભારતમાં સ્તન ઢાંકવાનો પણ કર લગાડવામાં આવતો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here