જી નહીં! આ એક તરફથી બટેટા નાખીએ અને બીજી તરફથી સોનુ નીકળે એવી કલ્પનાતીત વાત નથી. અહીં અમે શિર્ષક લખવામાં પણ કોઈજ ભૂલ કરી નથી. તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં ખરેખર એવું સાબિત થયું છે કે બટેટા ખાવાથી તમારું વજન ઘટી શકે છે. અત્યારસુધીમાં આપણે ત્યાં અને ખાસકરીને ભારતમાં એવી માન્યતા હતી કે જેટલા બટેટા વધુ ખાવ એટલું વજન વધારે ઉંચું જાય.

યુકેની લીડ્ઝ યુનિવર્સીટીમાં થયેલા આ સંશોધનમાં માત્ર બટાકા જ નહીં પરંતુ ભાત ખાવાથી પણ વજન નથી વધતું એ પણ સાબિત કરવામાં આવ્યું હતું. બટેટા અને ભાત ખાવાથી વજન વધતું નથી એટલુંજ નહીં પરંતુ તે ઘટે પણ છે એમ સાબિત થયું છે. આમ, આ સંશોધન કરનાર સંશોધકો એવી સલાહ આપે છે કે બટાકા અને ભાત ખાતી વખતે કેલરી ગણવા બેસવું તેના કરતા તેને ખાઈને શરીરનું વજન ઘટાડવા પર વધુ ધ્યાન આપવું વધારે સલાહભર્યું રહેશે.
આ સંશોધકોનું કહેવું છે કે બટેટા ખાવાથી પેટ સંપૂર્ણપણે ભરાઈ જાય છે અને આથી તેને વધુ ખાવાની ખાસ કરીને નાસ્તો કે પછી જંક ફૂડ ખાવાની બિલકુલ ઈચ્છા થતી નથી, પરિણામે આ પ્રકારના હેવી કેલરીવાળા પદાર્થો ન ખવાતા વજન આપોઆપ ઓછું થતું જાય છે. આ સંશોધનમાં વધારામાં ઉમેરવામાં આવ્યું છે કે બટેટા ઉપરાંત તાજા ફળો, શાકભાજી, ઓછી કેલરીવાળું મીટ, માછલી, ઈંડા અને દાળો ખાવાથી પણ શરીરનું વજન ઘટતું હોય છે.
ઉપરોક્ત તમામ પદાર્થોમાં પ્રોસેસ્ડ ફૂડ કરતા ઓછી કેલરી હોય છે કારણકે ઉપરોક્ત ખાદ્ય પદાર્થોમાં પાણી, પ્રોટીન અને ફાઈબર ખૂબ હોય છે.
આ સંશોધન કરવા પાછળનો મૂળ હેતુ એ જાણવાનો હતો કે લોકો ડાયેટિંગ શરુ કર્યા બાદ તેને અધવચ્ચે છોડી કેમ દેતા હોય છે? સંશોધન કર્યા બાદ એ સાબિત થયું કે ઓછી એનર્જી ધરાવતા ખાદ્ય પદાર્થો જેવાકે બટેટા વગેરે ખાવાથી પેટ ભરેલું રહે છે અને આથી ડાયેટિંગ છોડી દેવાની સમસ્યામાંથી નીજાદ મેળવી શકાય છે.
આ અભ્યાસ માટે લીડ્ઝ યુનિવર્સીટીના સંશોધકોએ 37 ઓવરવેઇટ મહિલાઓ પર પોતાનું સંશોધન ચલાવ્યું હતું. આ તમામ મહિલાઓને ઓછી ઉર્જા ધરાવતો ખોરાક લગભગ 14 અઠવાડિયા સુધી આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આ તમામ મહિલાઓનું કહેવું હતું કે આ ખોરાક ખાવાથી, જેમાં બટેટા પણ સામેલ હતા, તેમને ઓછી ભૂખ લાગે છે અને ફાસ્ટફૂડ ખાવાની ઈચ્છા પણ ઘણી ઓછી થાય છે. સંશોધકોનું માનવું છે કે આ મહિલાઓને અઢીસો ગ્રામ ગાજર આપી શકાયા હોત જે સો કેલરી અથવાતો વીસ ગ્રામ ચોકલેટ જેટલીજ કેલરી આપત. આમ કરવાથી આ મહિલાઓનું પેટ વધારે ભરેલું રહેત.
તો હવે કોઇપણ પ્રકારની ચિંતા કર્યા વગર બટેટા ખાવ અને તંદુરસ્ત રહો, પણ હા બધું લિમીટમાં હોં કે?
eછાપું
તમને ગમશે: લગ્નેતર સંબંધો સ્થાપવાની સ્ત્રી-પુરુષની એવી તે કઈ મજબૂરી હોય છે?