Thanos એક વાર આવ મારા મલકમાં – એક અર્બન ગુજરાતી ચલચિત્ર

0
475
Photo Courtesy: Bhishmak Pandit

આજકાલ ગુજરાતી મુવીનો જમાનો ચાલે છે સારા સારા ગુજરાતી મુવીમાં બોલિવુડ નાં સ્ટાર્સ પણ કામ કરે છે અને ગુજરાતી નાટકો પરથી ગુજરાતી મુવી પણ બને છે. અમે એક ઇમેજીનરી મુવી વિચાર્યું છે કે Avengers: Infinity War નાં સુપર વિલન Thanos અને આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં સુપરસ્ટાર નરેશભાઈનું ગુજરાતી મુવી બને તો કેવું હોઈ શકે. આ મુવીની વાર્તા બનાવવા પાછળ નો ઉદેશ ફક્ત હાસ્ય ઉતપન્ન કરવાનો છે.

તો રજુ કરીએ છીએ ‘Thanos એક વાર આવ મારા મલકમાં’.

Photo Courtesy: Bhishmak Pandit

બધા ઇન્ફીનીટી સ્ટોન ભેગા કર્યા બાદ થાનોસ સાબરમતિ રીવરફ્રન્ટ પર આવીને બેઠો છે. (અર્બન ગુજરાતી મુવી હોવાથી સાબરમતિ રીવરફ્રન્ટ બતાવવો જરૂરી છે.) થાનોસ પાસે એટલો બધો પાવર આવી ગયો છે કે ગુજરાત વિધુત બોર્ડ પણ એની જોડેથી પાવર ખરીદે છે અને એ રીતે થાનોસનું ગુજરાન ચાલે છે. પરંતુ દુનિયામાં પોતાને કારણે બહુ ઓછા સુપર હીરો બચ્યા છે એ વાતનું થાનોસ ને અભિમાન ચઢી ગયું છે. પણ અભિમાન તો રાજા રાવણનું પણ નહતું ચાલ્યું તો થાનોસનું કેવીરીતે ચાલવાનું હતું? કદાચ અમેરિકાનો હોવાથી થાનોસને આ ગુજરાતી કહેવત ખ્યાલ નહોતી એટલે એ અભિમાનમાંને અભિમાનમાં બધા ને હેરાન પરેશાન કરી રહ્યો છે. થાનોસ રીવરફ્રન્ટ પરથી બહાર આવે છે અને કાલુપુર રેલ્વેસ્ટેશન જવા એક શટલમાં બેસે છે. થાનોસ શટલનાં બધા પેસેન્જર ને દાદાગીરી કરીને ઉતારી મુકે છે અને પ્રાઈવેટ રીક્ષાની જેમ એકલો શટલમાં બેસે છે. થાનોસનું પાપ વધતું જાય છે એના પાપ નો ઘડો ભરાઈ રહ્યો છે એવી સમાજમાં ચર્ચા પણ ચાલી રહી છે.

થાનોસ હવે કાલુપર રેલ્વે સ્ટેશન પહોચે છે અને ત્યાં પોતાના સુપર પાવર થી લેટ ટ્રેન ને વહેલી કરી દે છે, ટ્રેન રેલ્વે સ્ટેશન પર ઉભી રહે છે  અને આખી ટ્રેન ખાલી છે. આ ટ્રેનમાંથી ફક્ત એક જોરદાર શુઝ પહેરેલો, ચમકીલા કપડા પહેરેલો, સુપર હીરો જેવો દેખાતો નવયુવાન ઉતરે છે પરંતુ કેમેરા હજી એના ચહેરા સુધી નથી પહોચ્યો. થાનોસ એ યુવાનનાં તેજ થી અંજાઈ જાય છે અને આંખો ફરી ખોલે છે, કેમેરો યુવાન ના ચહેરા પર ફોકસ થાય છે. એ નવયુવાન બીજું કોઈ નહીં પરંતુ આપણા સુપર સ્ટાર નરેશભાઈ છે. (ઓડિયન્સ આ સીન પર થિયેટરમાં તાળીઓ અને સિટીઓ વગાડી શકે છે અને જો રહેવાતું ના હોય તો ચીસો પણ પાડી શકે છે.) નરેશભાઈ થાનોસ ને જુવે છે થાનોસ નરેશભાઈ ને જુવે છે. નરેશભાઈ થાનોસ ને લલકારે છે.
નરેશભાઈ : “થાનોસ હોલિવુડનાં સુપર હીરો કરોળિયા જેવાઓને મારીને પોતાને તીસ મારખા ન સમજીશ જો તારી માતુશ્રીએ સવાશેર સુંઠ ખાધી હોય તો આવી જા મેદાનમાં.”

થાનોસ : “નરેશભાઈ With Due Respect મજાક ના કરો મારા સ્ટોન આગળ તમારા ચણા પણ નહીં આવે.”
નરેશભાઈ: “થાનોસ આવા પથરાને અમે લખોટીઓ કહીએ છીએ અને એ ગેમ અમે બાળપણમાં રમીને મૂકી દીધી. તારા પથરાથી બીજા કોઈને ડરાવજે કેમકે દરેક ગુજરાતી એ હકીકત જાણે છે કે “શિરાનું શાક ના થાય અને નરેશભાઈની વાત ના થાય, ભાઈ ભાઈ છે મજાક થોડી છે?”

થાનોસ: “મગજની નસ ના ખેચો નરેશભાઈ લડવું હોય તો લડી લો.”

નરેશભાઈ: થાનોસ હું એક મારું ને તો તું મરી જાય, અને જો એવું થાય તો Marvel Studios અને Avengers નાં ફેન્સે 2019 સુધી રાહ જોવાની છે એનું શું થાય? તું મારા મલકમાં આવ્યો છે મહેમાન કહેવાય અને અમે ગુજરાતીઓ મહેમાનને મારતા નથી. તું મારી સાથે ચાલ તને મારો મલક બતાવું અને પછી પણ જો તને લડવાની ઈચ્છા થાય તો તું જીત્યો અને હું હાર્યો. પણ જો તને મારા મલકમાં ગમી જાય અને તારા મોઢામાંથી બોલાઈ જાય કે હા મોજ હા તો તું આ બધા સ્ટોન, પથરા, ઢેખાળા પાછા આપીને શાંતિથી જીવીશ બોલ છે શરત મંજુર???”

થાનોસ: “મંજુર છે.”

ત્યાર બાદ થાનોસ અને નરેશભાઈ મલકની મુલાકાતે નીકળે છે નરેશભાઈ થાનોસને અમદાવાદમાં ફાફડા ખવડાવી ચા પીવડાવીને સીધા રાજકોટ લઇ જાય છે .
નરેશભાઈ : થાનોસ ચલ માવો ખાવા.
થાનોસ અને નરેશભાઈ માવો ખાવા જાય છે .

(તમાકુ ચાવવું સ્વાસ્થ્ય માટે હાનીકારક છે એવી લાઈન સ્ક્રીન ઉપર લખેલી આવે છે.)

થાનોસ ગલ્લે જાય છે અને ત્યાં જુવે છે કે લોકો પોતે માવો ઘસીને ખાતા પહેલા પોતાના મિત્ર ને ધરે છે મિત્ર બે દાણા દબાવે પછી જ પોતે માવો ખાય છે. કેટલાક લોકો વિમલ ખાઈને પોતાની આંખ આગળ બે આગળી રાખી ‘જુબાં કેસરી’ બોલે છે.

થાનોસ આ દ્રશ્ય જોઈ અભિભૂત થઇ જાય છે.

એટલામાં કોઈ આવી ને થાનોસ ને પણ માવો આપે છે થાનોસ માવો ચાવતો હોય છે ત્યાં કોઈ કહે છે કે બસ હવે માંવો થૂકી દો બપોરના બાર વાગી ગયા એટલે રાજકોટમાં આરામ નો ટાઈમ થઇ ગયો. થાનોસ અને નરેશભાઈ એક હોટલમાં આરામ કરે છે.

જેવો બપોરે ચાર વાગ્યા પછી  હોટલની થાનોસ બહાર આવે છે નરેશ ભાઈ એને રાજકોટમાં ગોલા ખવડાવા લઇ જાય છે થાનોસનો દુનિયા પરનો બધો ગુસ્સો ગોલો ખાતા ની સાથે ઠંડો થઇ જાય છે.

થાનોસ નરેશભાઈના મલકનો આવો પ્રેમ અને અતિથી સત્કાર જોઈ રડવા જેવો થઇ જાય છે. એટલામાં નરેશભાઈ એને હાથમાં સોડાનો ગ્લાસ થમાવી દે છે એટલામાં પાછળ બેકગ્રાઉન્ડમાં ગીત વાગે છે… હાથમાં છે સોડા ને આંખોમાં પાણી બેવફા થાનોસ તારી બહુ મહેરબાની…

અંતે થાનોસ ને એની ભૂલ સમજાય છે એ નરેશભાઈની માફી માંગે છે અને બધા સ્ટોન નરેશભાઈને આપીને પૃથ્વી છોડી પોતાના ગ્રહ પર પાછો ફરે છે પણએના એરક્રાફ્ટની સીટમાં એ  સમાતો નથી કેમકે રાજકોટમાં આટલું બધું ખાઈને થાનોસ નું વજન વધી ગયું હોય છે.

જતા જતા થાનોસ બસ એટલુંજ બોલે છે… “હા મોજ હા!!”

બસ અહીં જ થાય છે આ ગુજરાતી અર્બન મુવીનું હેપી એન્ડીગ.

The End.

અજ્ઞાન ગંગા

મિત્ર એક: થાનોસને બ્રહ્માંડમાંથી ખબર કેવીરીતે પડે કે પૃથ્વી ગ્રહ આવી ગયો??
મિત્ર બે: સિમ્પલ છે, યાર બ્રહ્માંડમાંથી ઓપો અને વિવોના બોર્ડ દેખાય એટલે પૃથ્વી ગ્રહ આવી ગયો એવી બધાને ખબર પડે
.

લી – વ્યવસ્થીત લઘર વઘર અમદાવાદી.

eછાપું
તમને ગમશે: ઠોસા મારવા અને ખાવાનો મહિમા સદા અપરંપાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here