કર્ણાટક ચૂંટણી પરિણામ: ભાજપને પોતાનીજ કડવી દવાનો સ્વાદ ચાખવો પડ્યો

0
366
Photo Courtesy: indiatv.com

આપણને અત્યારસુધી એમ હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરી અત્યારસુધીની  સહુથી રસપ્રદ મતગણતરીઓમાંથી એક હતી. પરંતુ ગઈકાલે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની ગણતરીએ સાત કલાક સુધી કોઈને પણ કળવા ન દીધું કે ‘ઉંટ કીસ કરવટ બૈઠેગા!’ છેવટે પરિણામ એવું આવ્યું કે આ રેસમાં દોડનારામાંથી પહેલો, બીજો અને ત્રીજો નંબર લેનારા તો મળ્યા પરંતુ એમાંથી કોઈ જીત્યું નહીં!

Photo Courtesy: indiatv.com

કર્ણાટક વિધાનસભામાં જરૂરી 112 સભ્યોની બહુમતીની સામે એક સમયે 94-90ની ગળાકાપ સ્પર્ધામાંથી ભાજપ 121 જેટલી સીટો સુધી પોતાની લીડ ખેંચી ગયું અને ત્યારે બધાને લાગ્યું કે કર્ણાટકરૂપી 21મું સફરજન પણ છેવટે ભાજપની ઝોળીમાં પડી ગયું. પરંતુ જેમ કોંગ્રેસ એક સમયે 94 થી 59 સુધી પછડાઈ હતી એવીજ રીતે ભાજપ પણ છેવટે આ 121માંથી છેક 104 પર આવીને અટકી ગયું. કોંગ્રેસ 78 અને દેવેગૌડાની જનતા દળ સેક્યુલર (JDS) 37 બેઠકો સાથે બીજા અને ત્રીજા ક્રમે આવ્યા.

મજા અહીંથી શરુ થઇ. જ્યારે ભાજપ 111-112-115 માં રમી રહ્યું હતું ત્યારે તેની સરકાર નિશ્ચિત લાગતી હતી, પરંતુ જેવો મામલો 105-110ની વચ્ચે રમવા લાગ્યો અને એ પણ લાંબા સમય સુધી કે તરતજ સોનિયા ગાંધીએ ત્યાં અગાઉથીજ મોકલી આપવામાં આવેલા કોંગ્રેસી નેતાઓ ગુલામ નબી આઝાદ અને અશોક ગહેલોતને કોલ કરીને કહી દીધું કે JDSના કુમાર સ્વામીને મુખ્યમંત્રી પદની ઓફર આપો અને એમને આપણી તરફ કરી દો. ભાજપ, એના નેતાઓ અને પ્રવક્તાઓ આ સમયે ન્યૂઝ ચેનલો પર હજી પણ 112 પાર કરવાની રાહ જોઈ રહ્યા હતા અને કોંગ્રેસે ખેલ પાડી દીધો.

સાંજે રાજભવન ખાતે કર્ણાટક વિધાનસભામાં ચૂંટાયેલા  સૌથી મોટા પક્ષના નેતા તરીકે ભાજપ અને યેદિયુરપ્પા ભલે પહેલા ગયા પરંતુ કોંગ્રેસ અને JDS પોતાની પાસે કેટલા સભ્યો છે એનું લિસ્ટ અથવાતો એનું ટોટલ જે જરૂરી બહુમતી કરતા વધુ હતું તેને લેખિતમાં લઈને વજુભાઈ વાળા પાસે પહોંચ્યા હતા અને આથી યેદિયુરપ્પા કરતા ટેક્નિકલી એમનો કેસ વધારે મજબૂત બનતો હતો.

બંધારણના જાણકારો એમ કહે છે કે સામાન્યતઃ રાષ્ટ્રપતિ અથવાતો રાજ્યપાલ ત્રિશંકુ પરિસ્થિતિમાં સરકાર રચવાની પહેલી તક સહુથી મોટા પક્ષને આપતા હોય છે. પરંતુ છેલ્લા અમુક વર્ષોમાં ખાસકરીને વિવિધ રાજ્યોના રાજ્યપાલોએ પોતાના આ વિશેષાધિકારનો ઉપયોગ કરીને ચૂંટણી બાદ રચાયેલા ગઠબંધનોને પણ સરકાર રચવા માટે આમંત્રણ આપ્યું હોવાના દાખલા છે.

છેલ્લા અમુક વર્ષોમાં ચૂંટણી બાદના ગઠબંધનોને આમંત્રણ આપવામાં આવ્યું હોય એવા દાખલાઓ જો ધ્યાનમાં લઈએ તો કર્ણાટકમાં ભાજપનો કેસ અત્યંત નબળો પડી જાય છે. કારણ? ગોવા અને મણીપુરમાં ભાજપ બીજા નંબરે હતું અને મેઘાલયમાં તો ત્રીજા નંબરે હતું તો પણ ચૂંટણી બાદ સહુથી પહેલા રાજભવન દોડી જઈને અન્ય પાર્ટીઓ સાથેનું ચૂંટણી પછીનું ગઠબંધન ઉભું કરીને સરકાર રચી દીધી હતી.

કોંગ્રેસ ઉપરોક્ત ત્રણેય રાજ્યોમાં બેવકૂફ બની હતી અને આથી એવા જ સંજોગો જ્યારે કર્ણાટક જેવા મહત્ત્વના, મોટા અને પોતાના રાષ્ટ્રીય રાજકારણના ફલક પર અસ્તિત્વ ટકાવી રાખવા માટે અત્યંત જરૂરી એવા રાજ્યમાં પણ ઉભા થયા ત્યારે કોંગ્રેસ ફરીથી બેવકૂફ બનીને એ તક ગુમાવવા ન માંગે એ સ્વાભાવિક છે. પણ મજાની વાત એ છે કે આ વાત કોંગ્રેસના હાલના પ્રમુખ રાહુલ ગાંધીને નહીં પરંતુ તેમની અગાઉના પ્રમુખ સોનિયા ગાંધીને સુજી અને તેમણે એક ચોક્કસ સમયે ગરમ લોઢા પર હથોડો ઠોકી દીધો.

હવે અહીં ચર્ચા ચાલી છે નૈતિકતાની. જ્યારથી કોંગ્રેસે કુમારસ્વામીને મુખ્યમંત્રી બનાવીને JDS સાથે સરકાર બનાવવાનો નિર્ણય લીધો ત્યારથી જ ભાજપ અને કોંગ્રેસ બંને નૈતિકતા અંગે એકબીજા પર સવાલ ઉઠાવી રહ્યા છે. સહુથી પહેલા આપણે નૈતિકતાના મામલે ભાજપની વાત કરીએ.

ગોવા, મણીપુર અને મેઘાલયમાં આ જ પ્રકારે પરિસ્થિતિ ઉભી થઇ હતી અને ભાજપે બીજા કે ત્રીજા નંબરે હોવા છતાં અહીં તેણે સરકાર બનાવી લીધી હતી. ગઈકાલે ભાજપના પ્રવક્તાઓ આ અંગે એવો બચાવ કરી રહ્યા હતા કે કોંગ્રેસે આ ત્રણેય રાજ્યોમાં દાવો પેશ કર્યો ન હતો એટલે અમે દાવો કર્યો અને અમે સરકાર બનાવી, અને આ બધું કર્ણાટકના કિસ્સાથી અલગ છે. ટૂંકમાં ચૂંટણીઓ પતે અને આ પ્રકારે ત્રિશંકુ પરિણામો આવે તો સહુથી મોટી પાર્ટીને અમુક દિવસોનો સમય પણ નહીં આપવાનો કે એ પોતાને જરૂરી એવા વિધાનસભ્યો ભેગા કરી શકે?

જો ગોવા, મણીપુર અને મેઘાલયમાં ભાજપ કોંગ્રેસ સહુથી મોટી પાર્ટી હોવા છતાં ક્યારે દાવો પેશ કરે એની રાહ જોવા તૈયાર ન હતું તો કર્ણાટકમાં આ ઉતાવળ કોંગ્રેસે કરી તો એમાં નૈતિકતા વચ્ચે ક્યાંથી આવી? અચ્છા, ગોવા અને કર્ણાટક બંનેમાં સામ્યતા છે. ગોવામાં ભાજપની સરકાર હતી અને ચૂંટણીમાં કોંગ્રેસ સહુથી મોટા પક્ષ તરીકે ઉભર્યો હતો પરંતુ તેમ છતાં ભાજપે રાજભવન વહેલા ધસી જઈને કોંગ્રેસનો ખેલ પાડી દીધો. કર્ણાટકમાં પરિસ્થિતિ બિલકુલ ઉલટી છે, અહીં કોંગ્રેસની સરકાર હતી અને હવે ભાજપ સહુથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે, પણ કોંગ્રેસે ઉતાવળ કરી અને કુમારસ્વામીને મુખ્યમંત્રીનું પદ આપીને પટાવી લીધા અને ભાજપનો ખેલ પાડી દીધો!

જો ગોવામાં પોતાના વિરુદ્ધ આવેલા જનાદેશને પલટી નાખવા માટે ભાજપે સહુથી મોટા પક્ષ કોંગ્રેસને પોતાના પત્તા ગોઠવે એની રાહ જોવાનું મુનાસીબ ન માન્યું તો પછી કર્ણાટકમાં જ્યારે કોંગ્રેસ JDS સાથે મળીને પોતાના વિરુદ્ધ આવેલા જનાદેશને પલટાવીને ફરીથી સત્તા પર આવવા માટે ભાજપ પોતાની બાજી ગોઠવે એની રાહ જોવાની ઈચ્છા ન રાખે તો બંને પરિસ્થિતિમાં ફરક શું છે એ નક્કી કરવામાં કોઈને તકલીફ નહીં પડે! આમ, ભાજપ અત્યારે કર્ણાટકમાં નૈતિકતાના મામલે કશું બોલી શકે એમ નથી.

હવે વાત કરીએ કોંગ્રેસ અને નૈતિકતાની. જેણે પણ વર્ષોથી ભારતના રાજકારણને ફોલો કર્યું હશે તેને ખબર જ હશે કે કોંગ્રેસ અને નૈતિકતાને નહાવા એવમ નિચોવાનો કોઈજ સંબંધ નથી. ભૂતકાળમાં કોંગ્રેસે બહુમતીથી ચૂંટાયેલી વિપક્ષી પાર્ટીઓની રાજ્ય સરકારોને રાષ્ટ્રપતિ શાસન દ્વારા ઉથલાવી નાખી હોવાના અસંખ્ય દાખલાઓ આપણી સમક્ષ છે જ. નરસિમ્હા રાવે પોતાની સરકાર બચાવવા ઝારખંડ મુક્તિ મોરચાના સંસદ સભ્યો સાથે શું કર્યું હતું એની બધાને જાણ છે. અરે! ગઈકાલથી જે એસ આર બોમાઈ કેસના ચુકાદાનો હવાલો આજના કર્ણાટક પરિણામ બાદ ઉભી થયેલી પરીસ્થિતિ માટે અપાઈ રહ્યો છે એ કેસ પણ કોંગ્રેસની જ દેણ છે અને એ કેસ પણ કર્ણાટક સાથેજ સંલગ્ન હતો.

કોંગ્રેસી કલ્ચરને આપણે બરોબર જાણીએ છીએ. કોંગ્રેસ જ્યારે કોઈના કટ્ટર વિરોધ પર ઉતરી આવે ત્યારે એનું ધનોતપનોત ન નીકળી જાય ત્યાં સુધી તેને છોડતી નથી. કોંગ્રેસની ભાજપ, નરેન્દ્ર મોદી અને અમિત શાહ પ્રત્યેની નફરત જગજાહેર છે. આથી એમ જરૂર કહી શકાય કે જો ભાજપે ગોવા, મણીપુર અને મેઘાલયમાં જે કર્યું એ તેણે ન કર્યું હોત તો પણ કોંગ્રેસે ગઈકાલે કર્ણાટક ચૂંટણીના પરિણામો આવ્યા બાદ જે કર્યું એ તો એણે કર્યું જ હોત, ભલે પેલા ત્રણ રાજ્યોમાં ભાજપના હાથે માત ખાધા બાદ તેણે આ વખતે ઝડપ દેખાડી એટલોજ ફેર અહીં તેણે દેખાડ્યો છે.

ટૂંકમાં કહીએ તો રાજકારણ અને નૈતિકતાને દૂરદૂર સુધી કોઈજ સંબંધ નથી પછી ભલે તે કોઇપણ દેશ હોય, રાજ્ય હોય કે પછી કોઇપણ રાજકીય પક્ષ. જે લોકો નીતિવાન રાજકારણ જોવાની ઈચ્છા ધરાવે છે તેમણે પંચતંત્રની વાર્તાઓની ચોપડીઓમાં સમાઈ જવાની જરૂર છે.

હવે વાત કરીએ કે કર્ણાટકના રાજકારણમાં હવે શું થશે?

Photo Courtesy: ANI

બહુમતીથી 7 બેઠકો દૂર રહેવા છતાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ખુદ વડાપ્રધાન તેને પોતાનો વિજય ગણાવે છે એટલે ભાજપ આ મામલાને એમ સાવ આસાનીથી તો હાથમાંથી જવા નહીં દે. તકલીફ એ છે કે કર્ણાટકના લોકોએ જનાદેશ એવો આપ્યો છે કે ભાજપ પાસે રોકડા 104 વિધાનસભ્યો છે અને તાત્કાલિક તોડફોડ કરવાના વિકલ્પો ઓછા છે. પરંતુ જો ભાજપના અધ્યક્ષપદે અમિત શાહ સિવાય કોઈ અન્ય અધ્યક્ષ હોત તો એ આ ઓછા વિકલ્પોને જોઇને રાહ જોવાનું નક્કી કરત, પણ અહીં એવું નથી.

જો કે ભાજપને રાહ જોવામાં પણ આમ ખાસ વાંધો આવે એમ નથી. બિહારનો દાખલો આપણી સામે જ છે. નિતીશકુમારને વડાપ્રધાન બનવાની ઈચ્છા હતી એટલે એમણે ભાજપ સાથે છેડો ફાડીને એમના કટ્ટર હરીફ લાલુપ્રસાદ યાદવ સાથે હાથ મેળવ્યો હતો. પરંતુ 2014નો જનાદેશ એવો સજડબમ આવ્યો કે નિતીશકુમારની ઈચ્છા તો પૂરી ન થઇ અને એમને લાલુ રીતસર ખૂંચવા લાગ્યા છેવટે ચૂંટણીપૂર્વના ગઠબંધનને પૂર્ણ બહુમતી મળી હોવા છતાં નિતીશે લાલુ સાથે છેડો ફાડ્યો અને ફરીથી ભાજપના ખોળે બેસી ગયા.

અહીં તો પરિસ્થિતિ હજી પણ તરલ છે. સોનિયા ગાંધીએ જાતેજ નિર્ણય લઈને (જે કોંગ્રેસી કલ્ચર છે) કુમારસ્વામીને મુખ્યમંત્રીપદ ઓફર કરી દીધું પણ કોંગ્રેસના ચૂંટાયેલા વિધાનસભ્યોમાંથી કેટલા આ નિર્ણય સાથે છે એની હજીસુધી ખબર નથી. હા, ગઈકાલે સાંજે કર્ણાટક કોંગ્રેસના લિંગાયત વિધાનસભ્યો નાખુશ હોવાના અને ભાજપના સંપર્કમાં હોવાના સમાચાર આવ્યા હતા, પરંતુ કોંગ્રેસમાંથી ત્રણ ચતુર્થાંશ સભ્યો તોડવા જેથી પક્ષ પલટા કાયદાનો ભંગ ન થાય, એ હાલપૂરતું ભાજપ માટે અઘરું છે. પણ ભવિષ્યમાં કર્ણાટક કોંગ્રેસમાં કોઈક નવાજૂની થાય એ માટે ભાજપ રાહ જોવા તૈયાર હોય તો કદાચ તેને ફાયદો થઇ શકે છે.

તો JDSમાં પણ ગમે ત્યારે તકલીફ ઉભી થઇ શકે એવો એનો ભૂતકાળ રહ્યો છે. ભૂતકાળમાં HD દેવેગૌડા અને કુમારસ્વામી વચ્ચેના ખટરાગ અને કુમારસ્વામી અને તેમના ભાઈ રેવન્ના વચ્ચેની તકલીફો આપણે સાંભળી જ છે. એટલે જો સિનીયર HD બધું સાંભળી લે તો એમના પુત્રને ફરીથી કર્ણાટકની ગાદી મળશે અને એમના વિધાનસભ્યોને સત્તાની લાલચ આપીને શાંત રાખી શકાશે. જો કે લિંગાયતનો મામલો અહીં પણ ગરમ હોવાના કાલે સમાચારો વહેતા થયા હતા ખરા.

જો કોંગ્રેસ અને JDSની અંદર કોઈ તૂટફૂટ ન થાય તો પછી બિહારની જેમજ કર્ણાટકની આ ‘અનૈતિક’ સરકાર પોતાનાજ ભારથી એકાદ બે વર્ષમાં તૂટી પડે અને કાં તો ફરીથી ચૂંટણીઓ થાય અને ભાજપ સત્તા મેળવે અથવાતો કુમારસ્વામીને અધવચ્ચે ટેકો આપે એવી પરિસ્થિતિ ઉભી થઇ શકે તેમ છે. આમ થઇ શકે છે એમ માનવા પાછળનું કારણ ખુબ મજબૂત છે. કારણકે કોંગ્રેસને અમુક ઉદાહરણોને બાદ કરતા રાજ્યોમાં ક્યારેય સત્તા શેર કરવાનું ગમ્યું નથી. અત્યારે તો ભાજપને સત્તાથી દૂર રાખવા કર્ણાટકમાં ઉતાવળે JDSને ટેકો આપી દીધો છે, પરંતુ એકહથ્થુ સત્તાની કોંગ્રેસની જૂની ખરજ એને ફરીથી પરેશાન કરવા લાગશે તો કોઈને નવાઈ ન લાગવી જોઈએ.

હાલમાં નૈતિકતાને વેકેશન પર મોકલી દઈને આવનારા ચાર-પાંચ દિવસોમાં આપણે બધાએ ફક્ત તાલ જોવાનો છે. રિસોર્ટ રાજકારણ ફરીથી રમાય એની પૂરેપૂરી શક્યતાઓ છે જ. બાકી, અત્યારે જે ચિત્ર દેખાય છે એમાં ઝડપી અને અકલ્પનીય બદલાવ આવે તો પણ આશ્ચર્ય નહીં લાગે કારણકે છેવટે અમિત શાહના હાથમાં ભાજપની કમાન છે.

જતા અગાઉ ભારતીય લોકશાહી કેવી રીતે વર્તે છે એ અંગે સ્વ. પ્રમોદ મહાજનના એક યાદગાર ભાષણના વિડીયોનો આ ટુકડો જરૂર જોતા જજો.

eછાપું

તમને ગમશે: 

ચાલો વાંચીએ એક બરબાદ થઇ ગયેલા ફેસબુકિયા ની આત્મકથા

ઉનાળુ વેકેશન દરમ્યાન આપણી સમક્ષ પ્રગટ થતા બાળકોના પ્રકારો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here