મધરાતનું કોંગ્રેસનું સુપ્રિમ (કર) નાટક પણ તેના કામમાં ન આવ્યું

0
364
Photo Courtesy: ndtv.com

ગઈકાલે મધરાતે સુપ્રિમ કોર્ટ તેના ઇતિહાસમાં કદાચ બીજી વખત મધ્યરાત્રીએ ખુલી હતી. નિરાશ કરે એવી હકીકત એ હતી કે આ બન્ને સમયે તેણે આમ કરવાની કદાચ કોઈ જરૂર ન હતી. પહેલીવાર જ્યારે સુપ્રિમ કોર્ટને મધ્યરાત્રીએ જગાડવામાં આવી હતી ત્યારે પ્રશાંત ભૂષણ આણી કંપનીએ દેશદ્રોહી અને આતંકવાદી યાકુબ મેમણની ફાંસી અટકાવવાની અપીલ કરી હતી. મેમણ દેશના બંધારણે આપેલી તમામ છૂટછાટોનો ઉપયોગ કરી ચૂક્યો હતો તેમ છતાં કોઈ અગમ્ય કારણોસર એની ફાંસી અટકાવવા ભૂષણે મધરાતે સુપ્રિમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

Photo Courtesy: ndtv.com

આવીજ રીતે ગઈકાલે મોડી સાંજે જ્યારે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ બે દિવસ અગાઉ પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં સહુથી મોટા પક્ષ તરીકે ઉભરી આવેલા ભારતીય જનતા પક્ષના નેતા બી એસ યેદિયુરપ્પાને સરકાર રચવા માટે આમંત્રણ આપ્યું. કોંગ્રેસને સ્વાભાવિકપણે ભાજપ દ્વારાજ નિયુક્ત રાજ્યપાલનો નિર્ણય ગેરબંધારણીય લાગ્યો અને આથી એણે પહેલા તો પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને બાદમાં તેણે સુપ્રિમ કોર્ટમાં મધરાતે રાજ્યપાલના આ નિર્ણયને પડકારવાનું નક્કી કર્યું.

કોંગ્રેસ હજીપણ પોતાને બંધારણથી પણ ઉંચી કોઈ સંસ્થા માને છે અને આથીજ ભૂતકાળમાં તેણે આ જ પ્રકારના પેંતરાઓ અપનાવીને સરકારો બનાવી હતી તેને તે ભૂલી ગઈ હતી. ચાલો જે પણ હોય તે, આ રાજકારણ છે અને તેને રમવાનો દરેકને અધિકાર છે. કોંગ્રેસને તો સુપ્રિમ કોર્ટ પાસેથી આજની શપથવિધિ પર સ્ટે મુકાવડાવવાની પણ માંગણી કરી હતી.

આ લખનાર અભિષેક મનુ સિંઘવી, પી ચિદમ્બરમ કે પછી કપિલ સિબ્બલ જેવો કાયદાનો નિષ્ણાત નથી, પરંતુ વર્ષોથી ભારતના રાજકારણનો નજીકથી અભ્યાસ કર્યો છે અને આથી તે એટલું તો સમજી શકે છે કે કોર્ટ ક્યારેય કારોબારીના મામલામાં માથું નથી મારતી, એવી જ રીતે જેવી રીતે કારોબારી કોર્ટના મામલામાં પોતાનું નાક ખોંસતી નથી. આટલી સરળ સમજણથી એટલો ખ્યાલ તો આવી ગયો હતો કે ગમે તે થાય પણ સુપ્રિમ કોર્ટ શપથવિધિ પર સ્ટે તો નહીં જ આપે.

બન્યું પણ એવુંજ. રાત્રે લગભગ દોઢ-બે વાગે શરુ થયેલી સુનાવણી જે વહેલી સવારે સાડાપાંચ સુધી ચાલી એમાં સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ કહી દીધું કે શપથવિધિ પર કોઈજ સ્ટે આપવામાં નહીં આવે. ટૂંકમાં કર્ણાટકના આગામી મુખ્યમંત્રી તરીકે યેદિયુરપ્પા તમે આ વાંચતા હશો ત્યાંસુધીમાં શપથ લઇ ચૂક્યા હશે. શપથવિધિ પર સ્ટે ન મળ્યો એ સુપ્રિમ કોર્ટમાં કોંગ્રેસની હાર થઇ છે એ સ્પષ્ટ કરે છે

જોકે, કોંગ્રેસને રાહત આપે એવી બે બાબતો પણ ન્યાયમૂર્તિઓએ કહી છે. એક તો કર્ણાટક ભાજપના બે ચૂંટાયેલા વિધાનસભ્યોના વકીલ મુકુલ રોહતગી અને એટર્ની જનરલ કે કે વેણુગોપાલને તેમણે સવાલ કર્યો હતો કે જો કોંગ્રેસ અને JDS પાસે 118 સભ્યો છે તો તમારી પાસે 112 કેવી રીતે હોઈ શકે? બીજું, આવતીકાલે એટલેકે શુક્રવારે સવારે સાડાદસ વાગ્યે આ બંનેને યેદિયુરપ્પાએ ગવર્નર વજુભાઈને સરકાર રચવાનો દાવો કરતો પત્ર કોર્ટમાં જાહેર કરવાનો આદેશ આપ્યો છે.

સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિઓની કહેલી પહેલી બાબત એજ છે જે આપણા બધાના મનમાં રમી રહી છે કે ખરેખર ભાજપ પાસે જરૂરી વિધાનસભ્યો છે કે નહીં? હવે જે બીજી અને અતિશય મહત્ત્વનો આદેશ આ ન્યાયમૂર્તિઓએ આપ્યો છે કે આવતીકાલે કોર્ટમાં યેદિયુરપ્પાનો લેટર દેખાડવો તો એમાં પણ ટેક્નીકલ બાબતો સામે આવશે.

એક સામાન્ય સમજ અનુસાર જો યેદિયુરપ્પાએ ગવર્નરને પોતાના પત્રમાં માત્ર એટલુંજ કહ્યું હશે કે મારો પક્ષ સહુથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે એટલે બંધારણની જોગવાઈ મુજબ મને સરકાર રચવાનું આમંત્રણ મળવું જોઈએ, તો કદાચ તેમને કશો વાંધો નહીં આવે. પરંતુ એમાં એમણે અમુક સંખ્યાના વિધાનસભ્યોનો ટેકો એમને હાંસલ છે એવું લખ્યું હશે તો ત્યાં તેઓ કદાચ ફસાઈ શકે છે.

પરંતુ તેમ છતાં સુપ્રિમ કોર્ટે જ્યારે શપથવિધિ પર પ્રતિબંધ નથી મૂક્યો ત્યારે જો એ પત્રમાં સંખ્યા અંગેની કોઈ વાત હશે તો પણ તેઓ રાજ્યપાલના નિર્ણયને ઉલટાવી દેશે એવી શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે. બહુ ઓછા કિસ્સાઓમાં સુપ્રિમ કોર્ટ અન્ય બંધારણીય સત્તાધીશોના નિર્ણયો ઉલટાવતી હોય છે. ટૂંકમાં કહીએ તો કોંગ્રેસ અને JDS એ હવે પંદર દિવસ રાહ જોવા સિવાય બીજો કોઈજ રસ્તો નથી.

હા, વજુભાઈએ યેદિયુરપ્પાને બહુમતી સાબિત કરવા માટે પંદર દિવસ જેટલો માતબર સમય કેમ આપ્યો એ ખરેખર આશ્ચર્ય પમાડે તેવું છે. જ્યારે કર્ણાટકના તમામ પરિણામો આવી ગયા હતા ત્યારે એક ન્યૂઝ ચેનલ પર બંધારણના એક્સપર્ટ સુભાષ કશ્યપે સ્પષ્ટ કહ્યું હતું કે ગવર્નર આવા કિસ્સાઓમાં ઓછામાં ઓછા સાત અને વધુમાં વધુ બાર દિવસ કોઈ પણ પક્ષ કે ગઠબંધનને પોતાની બહુમતી સાબિત કરવા માટે આપતા હોય છે.

સવાલ માત્ર ત્રણ એક્સ્ટ્રા દિવસનો નથી, સવાલ આટલા બધા દિવસનો છે. સ્પષ્ટ છે કે રાજ્યપાલનો યેદિયુરપ્પાને બહુમતી સાબિત કરવા માટે આટલા બધા દિવસનો નિર્ણય એટલીસ્ટ એમના પૂર્વ રાજકીય જીવન સાથે જોડાયેલો હોય એવું લાગે છે. બાકી, હવે શુક્રવારે સુપ્રિમ કોર્ટ પર તમામની નજર રહેશે અને આશા કરીએ કે જો સુપ્રિમ કોર્ટનો નિર્ણય પોતાની તરફેણમાં ન આવે તો કોંગ્રેસ અને JDS ગુલામ નબી આઝાદની ગઈકાલની ધમકીને અવગણશે અને કર્ણાટકમાં શાંતિ હણાય એવું કશુંજ નહીં કરે.

eછાપું

તમને ગમશે: શા માટે આપણે કોમેન્ટ્રી હંમેશા અંગ્રેજીમાં જ સાંભળવી જોઈએ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here