આપણે કેમ વર્ષોથી કેરીની સિઝનમાં છુંદો, મુરબ્બો અને કેરીનાં અથાણા બનાઈને મૂકીએ છીએ? વર્ષોથી ચાલ્યું આવે છે. પેઢી દર પેઢી ફક્ત અથાણા છુંદા વગેરે બનાવાની રેસિપીમાં થોડો ફેરફાર થાય છે પરંતુ છુંદો, મુરબ્બો કેરીના અથાણા બનતા આવ્યા છે અને પેઢી દર પેઢી બનતા રહેશે. મેં થોડું લોજીકથી વિચાર્યું કે આપણે કેમ કેરી ની સિઝન આવે એટલે રાજાપૂરી લેવા જતા રહીએ છીએ અને કેમ અથાણા બનાવીએ છીએ?

- અથાણા આપણ ને ભાવે છે ચટપટા અને સ્વાદથી ભરપુર હોઈ બનાવીએ છીએ.
- અથાણું ઘરમાં પડ્યું હોય અને કોઈ દિવસ શાક ભાવે એવું ન હોય અથવા તો શાક લેવા જવાનો કંટાળો આવતો હોય ત્યારે બનાવેલા અથાણા વગેરે ભાખરી કે ઢેબરા જોડે ખાવામાં કામ લાગે છે.
- ગુજરાતીઓ ને હરવા ફરવા અને ખાવાનો બહુ શોખ છે, કોઈ જગ્યાએ ફરવા ગયા અને ત્યાં સારું જમવાનું ન મળતું હોય ત્યારે ઘરેથી લઇ ગયેલા અથાણા, છુંદો વગેરે કામ આવે છે.
- મારા બા કહેતા હતા કે ‘સંઘરેલો સાપ પણ કામનો’ આપણે ગુજરાતીઓને બચતની ટેવ છે એટલે જ નોટબંધીની સૌથી ઓછી અસર આપણા ઉપર પડી કેમકે ઘરમાં ઘઉં, ચોખા, મસાલા બધું ભરેલું જ હોય ફક્ત રોજનો દૂધ અને શાકનો જ ખર્ચો થાય. એવી જ રીતે પૂર જેવી પરિસ્થિતિ હોય, શાક ના આવ્યું હોય અથવા તો ટ્રકોની હડતાળના કારણે શાકભાજી આવ્યા ન હોય અથવાતો મોઘા હોય એ વખતે ઢેબરા કે ભાખરી જોડે એક ટાઈમ જમવામાં અથાણા અને છુંદો કામ લાગે છે.
- ખીચડી જોડે પણ જો બીજું કાઈ ન હોય તો અથાણા અને પાપડથી પણ એક ટાઈમનું જમવાનો મેળ પડી જ જાય છે.
- અથાણા સ્વાસ્થ માટે પણ ફાયદાકારક છે કેરીમાં થી મળતા લાભો આપણ ને ઘણાખરા અથાણા રૂપે આખું વર્ષ મળતા રહે છે .
અથાણા વગરનું ગુજરાતી ભોજન અધૂરું ગણાય છે. અથાણા આપણી જોડે એવા તો જોડાયેલા છે કે ગુજરાતીમાં એક કહેવત છે કે “જેની ચા બગડી એની સવાર બગડી, દાળ બગડી એનો દિવસ બગડ્યો, પાપડ બગડ્યો એનો મહિનો બગડ્યો અને અથાણું બગડ્યુ એનુ વરસ બગડ્યું.”
અને હા જેની પત્ની બગડી એની જિંદગી બગડી તો પછી પત્ની ને રાજાપુરી કેરી કાપવામાં મદદ કરો અથવા તો અથાણા કે છુંદો બનાવેલા તપેલા ધાબે લઇ જવામાં મદદ કરો. આને સમયનું કરેલું મૂડી રોકાણ જ સમજવું કારણકે જો પત્ની પણ ખુશ અને બારેમાસ અથાણા ખાઈ ને તમે પણ ખુશ રહેશો .
નોંધ : કોઈના થી અથાણું કે છુંદો વધારે બની ગયો હોય તો પાર્સલ આવકાર્ય છે.
લી – વ્યવસ્થીત લઘર વઘર અમદાવાદી.
eછાપું
તમને ગમશે: ભક્ત અંધ જ હોય પણ દ્વેષીને ચાર આંખો છે