યાદ આવે છે મને એ ધબકતી પોળ અને તેની ધબકતી સવાર

0
407
Photo Courtesy: dnaindia.com

આજથી લગભગ પાંત્રીસ કે ચાલીસ વર્ષો પહેલાં શહેરોમાં પોળ ની બોલબાલા હતી. એ બોલબાલા આજે રહી નથી. આજે પોળનું વાતાવરણ બદલાઈ ગયું છે. પરિવર્તન વહેતા પ્રવાહ જેવું છે. એનો સ્વીકાર કરવામાં જ સમજદારી છે. પરંતુ જૂનું જનજીવન કેવું હતું એ યાદ કરવાની પણ એક મજા હોય છે.

Photo Courtesy: dnaindia.com

ઓટલા કે જ્યાં પોળ ના નાનાંમોટાં માનવ  ભેગાં થઈને આખા દિવસનો થાક ઉતારતાં હતા અને અલકમલકની વાતો કરીને મુક્ત મને હસતાં હતાં એ ઓટલાઓ રહ્યા નથી. વિવિધ નામધારી ડેલાઓને દુખદ વિદાઈ આપી દેવામાં આવી છે. ઓટલા અને ડેલાની જગ્યાએ દુકાનો થઈ ગઈ છે. ઓટલા અને ડેલાઓની ક્યાં વાત કરવી, પોળોનાં આખેઆખાં ઘર ગોડાઉનમાં ફેરવાઈ ગયાં છે. બાળકો છૂટથી  પકડદાવ કે સંતાકૂકડીની રમતો રમતાં હોય અને બાળાઓ દોરડાઓ કૂદતી હોય કે એ દૃશ્યો હવે જોવા મળે એમ નથી. પોળનો ઉપયોગ હવે રહેવા માટે નથી થતો એટલો ધંધા રોજગાર માટે થાય છે. કેટલાંક લોકો તો પોળ માં માત્ર પોતાનું વાહન પાર્ક કરવા માટે જ દાખલ થતાં હોય છે! અથવા તો મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામ હોય તો પોળ માંથી પસાર થઈને બારોબાર નીકળી જવા માટે દાખલ થતા હોય છે. જ્યાં સ્કૂટર અને મોટરગાડીઓ બહુ જ ઓછા પ્રમાણમાં જોવા મળતાં હતાં અને માત્ર સાયકલોનું જ વર્ચસ્વ હતું, ત્યાં હવે માલની હેરાફેરી કરતાં વાહનોનું વર્ચસ્વ વધ્યું છે. એમ માની લો કે જ્યાં સામાજિક જીવન ધબકતું હતું ત્યાં હવે  આર્થિક પ્રવૃત્તિઓએ અડ્ડો જમાવ્યો છે.

કેવું હતું પોળોનું જીવન! બહુ જ ઓછું અંગત અંગત હતું. મોટાભાગનું જાહેર જાહેર હતું. એ પોળોની સવાર કેવી હતી!

દિવસની શરૂઆતમાં વહેલી સવારે સહુથી પહેલી પધરામણી છાપું નાખનારની થતી. છાપું નખાતાંની સાથે જ રસિકજન પથારીનો ત્યાગ કરી જતા. પથારીઓ પણ મોટાભાગે પોળ ના ઓટલે અને ફળિયામાં જ થતી હતી. મહેમાનોની પથારી પણ ઓટલે થતી અને એ જોઈને મહેમાનોને ધરતીમાં સમાઈ જવાનું મન નહોતું થતું. પોતાના ઓટલે જગ્યા ન હોય તો બીજાના ઘરના ઓટલે માણસ વિના સંકોચે નિદ્રા માણી શકતો. નિદ્રા કાજે બે ગજ જમીન પૂરતી થઈ પડતી. બેડ રૂમ,  મોટો બેડ રૂમ, નાનો બેડ રૂમ આવા શબ્દો હજી ચલણમાં આવ્યા નહોતા. ઘરની અંદર તો જરૂરિયાત પૂરતી જ પથારીઓ થતી. એ સિવાય વરસાદ હોય ત્યારે ઘરમાં સાંકડમોકડ પથારીઓ થઈ જતી. બાકી તો ઉપર ગગન વિશાળ!

સહુથી પહેલાં પધારે છાપું નાખનાર. છાપું નાખનાર જાય ન જાય ત્યાં તો પધારે નળ રાજા! હા, નળને નળરાજા તરીકેનું બહુમાન આપવામાં આવતું. આમ જોઈએ તો નળ તો આવેલા જ હોય, નળમાં પાણી આવ્યું હોય પણ કહેવાય એવું કે નળ આવ્યા. નળનું આવવું, ન આવવું, આવીને વધારે વાર રોકાવું, વહેલાં ચાલ્યા જવું આ બધી ઘટનાઓ વિષે રોજ રોજ ઘણી ઘણી ચર્ચાઓ થતી. એ ચર્ચાઓ પરથી લેખકો વાર્તાઓ અને લેખો લખતા. પાણી, માત્રને માત્ર નળ દ્વારા જ મેળવવામાં આવતું. પાણીની સુવિધા માટે કૂવાને બદલે જાહેર નળ આવ્યા અને પછીથી ઘરે ઘરે નળ આવ્યા, તો પણ એ મોટાભાગે ઘરની બહાર રસ્તાના કાંઠે જ હતા. બોરિંગ અને વોટરપંપ એ ઘર ઘરની વાત નહોતી.

નળ આવે તે પહેલાં જ નળ ખોલીને નીચે ઘડા મુકાઈ જતા. એની આસપાસ ઘરમાં ખાલી હોય એટલાં નાનાંમોટાં વાસણો મુકાઈ જતાં. નળ આવે એટલે નારી સમુદાય એકદમ સક્રિય થઈ જતો. કારણ કે નળ કાંઈ લપળા મહેમાનની જેમ ધામો નાખવા નહોતો આવતો. એનો સમય થાય એટલે કોઈની પણ દયા ખાધા વગર ચાલ્યો જતો. નારી સમુદાય, નળમાં આવેલું પાણી ઘડાંમાં ભરી ભરીને ઘરમાં પહોંચાડે ત્યારનાં દૃશ્યો અદ્ભુત હતાં. ઘણી જગ્યાએ એવું બનતું એવું કે નળ આવ્યા પછી નારી સમુદાય તો સક્રિય થયો હોય પરંતુ નર સમુદાય હજુ નળ અને ઘરની વચ્ચેની પથારીમાં નિષ્ક્રિય અવસ્થામાં પડ્યો હોય. પરિણામે નારી સમુદાયે એમને ત્યાંથી હટાવવા માટે હાકલ કરવી પડતી હતી. એની અસર ન થાય તો નારી સમુદાયે લાતોનો તેમ જ પાણીની છાલકોનો પ્રયોગ કરવો પડતો હતો. છતાંય પથારી સાથેની વફાદારી ન  છોડનારા ટેકીલા નરોની સંખ્યા ઓછી નહોતી. તો સમગ્ર નર સમુદાયને અન્યાય ન થાય એ માટે, એ પણ જણાવવું જરૂરી છે કે પાણી ભરવામાં નારીને મદદ કરનારા કેટલાક નર પણ એ યુગમાં હતા. પીવાનું અને વાપરવાનું પાણી ભરાઈ જાય, એટલે નળ આવતાં હોય એ દરમ્યાન જ નારી સમુદાય કપડાં ધોવાંનું કામ હાથમાં લેતો. કલ્પના કરો કે એ કેવાં દૃશ્યો હશે કે, પોળોમાં દરેક નળ નીચે ધબાધાબી થતી હોય! કપડાં ધોનારી દરેક નારીનું એક જ લક્ષ્ય રહેતું કે, નળ જાય તે પહેલાં કપડા ધોવાઈ જવાં જોઈએ. ક્રિકેટની મેચમાં છેલ્લી ઓવરો ફેંકાતી હોય, ત્યારે બેટ્સમેન વધું વધું રન કરવાનું લક્ષ્ય રાખે એવી પરિસ્થિતિનું સર્જન થતું.

પોળ માં પથારીઓ બહાર રહેતી, નળ બહાર રહેતા તો શૌચાલય પણ ઘરની બહાર ફળિયામાં કે ઓટલા પાસે જ રહેતા. કોણ શૌચાલયની મુલાકતે ક્યારે જાય છે અને ક્યારે બહાર નીકળે છે એ વાત  પણ અંગત નહોતી રહેતી. ઘરદીઠ વધુંમાં વધું એક જ શૌચાલય રહેતું. એક શૌચાલય હોય એ પણ એ સારી પરિસ્થિતિ કહેવાતી, કારણ કે ક્યાંક ક્યાંક તો બેત્રણ ઘરો વચ્ચે એક જ શૌચાલય રહેતું તો ક્યાંક ક્યાંક તો લોકોને જાહેર શૌચાલયોનો ઉપયોગ કરવો પડતો. ટૂંકમાં, શૌચાલયની મુલાકાતે માણસ પોતાની મરજી મુજબ નહોતો જઈ શકતો, માણસે એ માટે ણસે ધીરજ અને ખંત રાખવાં પડતાં. ‘લાવ્ય ઘોડો ને કાઢ્ય વરઘોડો’ એવું નહોતું ચાલતું. છતાંય દુનિયા ચાલતી હતી!

કપડાં ધોવાઈ જાય, સ્નાનવિધિ પતી જાય, પછી નારી સમુદાય ચા નાસ્તો તૈયાર કરવા માટે  સીધો રસોડા તરફ દોટ મૂકતો. એ દરમ્યાન પરિવારનાં ભાવિક જનો અને એમાંય ખાસ કરીને વડીલો મંદિર તરફ પ્રયાણ કરવા માટે ઉતાવળા થયા હોય, કામધંધે જનારા ચાનાસ્તાની રાહ જોતા હોય, જે બાળકોને ભણવા જવાનું હોય એ પણ તૈયાર થવા માટે એમની મમ્મીઓની રાહ જોતાં હોય, આવી પરિસ્થિતિમાં ઝડપથી પ્રાયમસ પેટાવવો અને ચાનાસ્તો તૈયાર કરવાં એ કાંઈ નાનીમાના ખેલ નહોતા! ગેસના ચૂલા નહોતા આવ્યા, પ્રાયમસ અને સગડીનો જમાનો  હતો.

પ્રાયમસ પણ તોફાની છોકરા જેવા, વાતવાતમાં રિસાઈ જાય એવા હતા.  કોઈનો પ્રાયમસ તોફાને ચડ્યો હોય ત્યારે એની હાલત કફોડી થઈ જતી. કોઈ પરિવારનો પ્રાયમસ તોફાને ચડે ત્યારે એ વાતની ખબર એના પાડોશીઓને પણ થઈ જતી. એમાંથી કોઈ ભલો પાડોશી એ પરિવારની મદદે આવી ચડતો. પ્રાયમસમાં કચરો ભરાઈ ગયો હોય તો એને કાઢવા માટે પિન મારવામાં આવતી. આ ‘પિન મારવી’ એ રૂઢીપ્રયોગ ત્યારથી શરૂ થયો.

આવી સવારમાં રેડિયો પરથી કોઈનું મનગમતું ગીત વાગતું તો એની સવાર સુધરી જતી. ગીતો પણ કેવાં તત્ત્વજ્ઞાનથી ભર્યાં ભર્યાં હતા! આવું જ એક ગીત હતું…

યે જીવન હૈ ઈસ જીવન કા યહી હૈ, યહી હૈ, યહી હૈ રંગ રૂપ

થોડે ગમ  હૈ  થોડી ખુશિયાં  

યહી હૈ, યહી હૈ, યહી હૈ છાંવ ધૂપ

યે જીવન હૈ…

eછાપું

તમને ગમશે: જો ‘સોશિયલ મીડિયા ચૂંટણી’ આવે તો?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here