આદરણીય રાહુલ ગાંધી તમને આવા આઈડીયાઝ કોણ આપે છે?

0
193
Photo Courtesy: india.com

ઘણીવાર સામાન્ય લાગતો તાવ મગજમાં ચડી જાય પછી માણસ લવારી પર ઉતરી આવતો હોય છે. રાહુલ ગાંધી અને એમની પાર્ટીને કર્ણાટકમાં જે રીતે બનાવો બની રહ્યા છે તેનો તાવ કદાચ મગજ પર ચડી ગયો છે. જો આમ ન હોત તો રાહુલ ગાંધી અને એમની પાર્ટીએ એકજ દિવસમાં બે ગંભીર ભૂલો ન કરી હોત જે તેમણે ગઈકાલે કરી છે.

Photo Courtesy: india.com

પહેલા તો રાહુલ ગાંધી જ્યારે કોંગ્રેસી કાર્યકર્તાઓના સંમેલનમાં બોલી રહ્યા હતા ત્યારે તેમણે ભારતની હાલની પરિસ્થિતિને પાકિસ્તાન અને આફ્રિકાના અમુક દેશો સાથે સરખાવી લીધી. અરે રાહુલ ગાંધી ભાઈ, જરાક બે ઘડી વિચાર કરીને તો આવો આરોપ મુકવો હતો? એક તરફ તમે કહો છો કે ભારતમાં પાકિસ્તાન ટાઈપની સરમુખત્યારશાહી હોય એવું વાતાવરણ છે અને બીજી તરફ તમે એ ભૂલી ગયા કે ખાસ તમારા જ પક્ષની વિનંતીને માન આપીને દેશની સુપ્રિમ કોર્ટે રાત્રે દોઢ વાગ્યે પોતાના દરવાજા ખોલીને સવારોસવાર કર્ણાટકનો કેસ સાંભળ્યો? શું કોઈ સરમુખત્યારશાહી ધરાવતા દેશમાં આ શક્ય બને ખરું?

હજી તો રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા બફાટથી ફૂટેલા માથા પરથી આંગળીઓની છાપ ભૂંસાઈ પણ ન હતી કે એવા સમાચાર આવ્યા કે ગોવામાં કોંગ્રેસના પ્રભારી આજે ગોવાના રાજ્યપાલને મળીને કર્ણાટકની તર્જ પર પોતે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હોવાથી સરકાર કેમ ન બનાવી શકે એમ પૂછવા જવાના છે. હે રામ! ગોવામાં ઓલરેડી એક સરકાર ચાલી રહી છે અને એ પણ ત્યારે જ્યારે તમારી પાસે દોઢ વર્ષ અગાઉ ચૂંટણી પત્યા બાદ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હોવાને નાતે સરકાર બનાવવાનો દાવો પેશ કરવાનો મોકો હતો પણ બે દિવસ તમે બેસી રહ્યા અને ભાજપ એનો લાભ લઇ ગઈ હતી.

ટૂંકમાં દોઢ વર્ષ અગાઉની ભૂલને તમે બે દિવસ અગાઉના કોઈ બીજા રાજ્યના રાજ્યપાલના નિર્ણયને શસ્ત્ર બનાવીને સુધારવા માંગો છો? કે પછી રાહુલ ગાંધી તમને કોઈએ એવી સલાહ આપી છે કે આમ કરીને આપણે પ્રજામાં victim card બહુ આસાનીથી રમી શકીશું? ભાઈ સાહેબ, પ્રજા હવે ભોળી નથી રહી. એમાંય સોશિયલ મિડિયા ક્રાંતિ બાદ એ પણ જાણે છે કે જો તમને એવું લાગતું હોય કે તમારી પાસે હાલની સરકારને ઉથલાવીને ખુદ સરકાર બનાવવાની તક છે તો ગોવા વિધાનસભામાં હાલની સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવોને?

રાહુલ ગાંધી, ઉપરોક્ત બન્ને ભૂલો એ ભૂલો નથી પરંતુ મૂર્ખાઈનું પ્રદર્શન છે. પાકિસ્તાનની ભારત સાથે સરખામણી કરીને ભારતીયોમાં આપ વધુ અળખામણા બન્યા છો અને અલગ અલગ રાજ્યોના અલગ અલગ રાજ્યપાલોની અલગ અલગ વિચારધારાને આધારે લેવામાં આવેલા નિર્ણયોનો સહારો લેવા જતા તમે ફરીથી અક્કલ વગરના સાબિત થયા છો એ હકીકત છે. આથી યોગ્ય એ રહેશે કે આ બંને આઈડીયાઝ આપનારને આપ સત્વરે એમના ઘર ભેગા કરો.

eછાપું

તમને ગમશે: શું કરી શકાય?? આ જુઓને હળાહળ કવિયુગ આવી ગયો છે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here