ઘરનું બજેટ: દર વર્ષની શરૂઆતમાં બચત અને રોકાણનું આયોજન કરો

0
173
Photo Courtesy: emirates247.com

સરકાર દર વર્ષે પોતાનું બજેટ રજુ કરે છે. કંપનીઓ દરેક વર્ષે પોતાના નફા તોટા તથા સરવૈયાનો હિસાબ રજુ કરે છે. એજ પ્રમાણે દરેક વ્યક્તિએ પણ દર વર્ષે 31 માર્ચ અંતનું કે જે આપણું નાણાકીય વર્ષ છે એનો આવકજાવકનો હિસાબ જોઈ જવો જોઈએ જેથી ઘરની બચત અને રોકાણનું આયોજન કરી શકાય.

Photo Courtesy: emirates247.com

હવે જોઈએ આ આવક જાવકનો હિસાબ કઈરીતે થઇ શકે અને સાથે સાથે એ પણ જોઈએ કે અહી રોકાણ કે બચતની કઈ કઈ શક્યતા છે એની આપણને આપમેળે જાણ કઈ રીતે થાય છે.

સૌ પ્રથમ તો તમારી દરેક બેન્કની પાસબુક એકપછી એક હાથમાં લો ધારી લઈએ કે તમારું એક જ બેંક ખાતું છે અને હવે પાસબુક ખોલો એમાં 1 એપ્રિલ થી 31 માર્ચ તારીખ સુધીનો પીરીયડ લો.

પાસબુકમાં સૌ પ્રથમ જુઓ દરમહિને કેટલું ઓછામાં ઓછું બેલેન્સ છે. ધારોકે તે રૂ 25,000 છે તો તેનો સીધો મતલબ એ છે કે  આ તમારી બચત બેન્કના સેવિંગ્સ ખાતામાં પડી રહેલી રકમ છે. બસ તો તુરંત આની ફિક્સ્ડ ડીપોઝીટ કરવાનો નિર્ણય લઇ લો આમ બચતનું રોકાણ થઇ ગયું નવા વર્ષ માટે!

હવે દર મહીને કેટલા રૂપિયા જમા થયા એ જુઓ અને સાથે સાથે એ પણ જુઓ કે એ ક્યાંથી આવ્યા. પગારના કે ધંધામાંથી ઉપાડ મુખ્ય હોઈ શકે. આ ઉપરાંત શેરમાં રોકાણ હોય તો ડીવીડન્ડ અને જો કોઈ ફિક્સ્ડ ડીપોઝીટ હોય તો ત્રિમાસિક વ્યાજની આવક જમા થશે. તો આ ત્રણ તમારી મહત્વની આવક છે અન્ય પૈસા આવ્યા હોય તો એની નોધ લો ક્યાંથી આવ્યા અને એનું શું કર્યું કઈ કર્યું નહીં હોય તો બેંક ખાતામાં જ પડ્યા રહેશે.

તમારી કુલ ડીવીડન્ડ આવક એ તમારા કુલ શેરની બજાર કિંમતના લગભગ એક થી દોઢ ટકા જેટલી જ હશે. ધારોકે ડીવીડન્ડની કુલ જમા રૂ 50,000 છે તો તમારા તમામ શેરની બજાર કિંમત લગભગ રૂ 35 લાખની આજુબાજુ હશે કારણકે કંપનીના શેર રોકાણમાં ડીવીડન્ડ ઇલ્ડ એક થી દોઢ ટકા જેટલી હોય છે. એજ પ્રમાણે જો તમે ફિક્સ્ડ ડીપોઝીટ 7 ટકા વ્યાજ દરે મૂકી હશે તો એ મુજબની તમારી કુલ ફિક્સ્ડ ડીપોઝીટ રહેશે. આમ, તમારા કુલ જમા તમારા કુલ રોકાણનો અડસટ્ટો તમને આપશે એ પછીથી તાળો મેળવી લેવો પણ આ તમારી પાસબુક તમને તમારા રોકાણનો અડસટ્ટો આપે છે એ મારે કહેવું છે.

હવે જોઈએ વિડ્રોઅલ. તમે દર મહીને બેન્કમાંથી કેટલા રૂપિયા ઉપાડયા એ ગણો અને એમાં રોકડ ઉપાડ હશે એ તમારા ઘરખર્ચ પેઠે જ રહેવાની અને બાકીના ચેક પેમેન્ટ ક્યાં થયા એ જુઓ, જેમકે ઇન્સ્યુરન્સ પ્રીમીયમ ભર્યું, લાઈટ બીલ, સોસાઈટી ચાર્જીસ આ ઘરખર્ચ જ ગણાય. આ ઉપરાંત ક્રેડિટકાર્ડનું પેમેન્ટ જુદું તારવો અને એનું એનાલીસીસ કરો તો તમારો કુલ ખર્ચ ક્યાં થયો છે એનો અંદાજ તમને આવશે, જેમકે ઘરખર્ચના કેટલા શોપિંગના કેટલા પેટ્રોલ ખર્ચ કેટલો વગેરે. અહી ઘરખર્ચ જે તમે ગૃહિણીના હાથમાં દર મહીને મુકો એનો હિસાબ ગૃહિણી પાસે માંગવાની ભૂલ એક શાણા પતિએ કદી ના કરવી એને માંડવાળ જ કરવાના હોય.

આમ તમારા આવક જાવકનો વાર્ષિક હિસાબ તમે કાઢો અને હવે આવે છે મહત્વનો ભાગ એટલેકે બજેટ.

જો વીતેલા વર્ષના આવક જાવકનો હિસાબ તમને મળે તો નવા વર્ષ માટેના બજેટ બનાવવાનું સહેલું થાય છે. અહી તમારી આવક કેટલી વધશે એનો અવાસ્તવિક અંદાજ ન મુકતા વાસ્તવિક પગાર વધારો અથવા જો ધંધો કરતા હોવ તો માત્ર દસ ટકા વધારો ગણો. ધંધાના અંદાજ અને ટાર્ગેટ જુદાં હોય એને આમા ના ભેળવતા એવી રીતે અંદાજીત બજેટ બનાવો.

ધંધાદારીઓએ ધંધામાં કેટલી સરપ્લસ રહે છે એમાંથી ધંધામાં કેટલું નવું રોકાણ કરવાની જરૂર છે એનો અંદાજ લઇ બચત કેટલી શક્ય છે એ ગણવું. તમે બેંકમાં મુકો કે ધંધામાં, રોકાણ કરો રોકાણ જ છે. શેર એ પણ ધંધામાં રોકાણ જ છે પણ ધંધામાંથી કટોકટી માટે અમુક બચત દસ ટકા જેટલી તો કરવી જોઈએ અને એનું રોકાણ નાણાકીય પ્રોડકટમાં કરવું જોઈએ નિવૃત્તિ આયોજન તરીકે.

આ બજેટ તમને તમે કેટલી બચત કરી શકશો એનો ખ્યાલ આપશે આના આધારે તમે ક્યાં રોકાણ કરવું એના નિર્ણયો લઇ શકશો. પરંતુ એ નિર્ણય લેતા પહેલા તમારા ટુંકા ગળાના અને લાંબાગાળાના ગોલ નક્કી કરી લો જેમકે તમને બે થી પાંચ વર્ષમાં કેટલા રૂપિયાની જરૂર પડશે અને નિવૃત્તિ માટે કેટલી બચત કરવી જોઈએ વગેરે, આમ કરવાથી તમને એનો અંદાજ આવી જશે,

તમે જો ગૃહિણી હોવ અને તમને પતિ દર મહીને ઘરખર્ચ માટે મહીને કુલ જેટલા રૂપિયા આપે અને તમે એ ખર્ચ કરો છો એ ખર્ચ જો તમે એક ડાયરીમાં રોજેરોજ લખતા રહો અને દર મહીને હિસાબ માંડો કે કેટલા રૂપિયા ક્યાં વપરાયા તો બે થી ત્રણ વર્ષમાં જ તમે પણ બચત કરતા થઇ જશો એની હું ગેરેંટી આપું છું. અહી એ બાબત નોંધવી રહી કે તમારી બજેટ બુકમાં ઝીણામાં ઝીણો ખર્ચ પણ લખતા જવું.

હવે આ બજેટ દ્વારા આપણને એની જાણ થઇ કે આપણી આવક ક્યાં ખર્ચાય છે તો હવે આ ખર્ચનું એનાલીસીસ કરીએ તો જણાશે કે અમુક ખર્ચાઓ અનિવાર્ય હોય છે એમાં બચત શક્ય નથી. ઉલટું દર વર્ષે એ વધી શકે છે જેમકે કાર હોય તો પેટ્રોલનો ખર્ચ અથવા ગાડીભાડાનો ખર્ચ જ્યાં ખર્ચમાં કાપ મૂકી શકાય એ છે શોપીંગમાં જ.

હું અંગત રીતે માનું છું કે ખર્ચાઓ ઓછા કરી બચત કરવાને બદલે ખર્ચાઓ ગણી એટલી આવક વધારવાનો પ્રયત્ન દરેકે કરવો જોઈએ તો જ તમે શ્રીમંત બની શકો અથવા કહો બે પૈસા બચે કારણકે ખર્ચાઓ તો મોંઘવારીના હિસાબે અને પ્રગતિ કરીએ એમ વધતા જ જવાના છે.

પગારદારો માટે આવક વાર્ષિક દસ થી વીસ ટકા પગાર વધારાના હિસાબે વધે છે અથવા નવી નોકરીનું જોખમ લો તો એમાં ત્રીસ ટકા થી પચાસ ટકાનો કુદકો મારી શકો અને જો બચત નિયમિત હોય તો આ નવી નોકરીનું જોખમ લેવાની હિંમત આવે છે અન્યથા એ હિંમતમાં પાછીપાની થાય છે અને આવક વધતી નથી.

આમ જ બચત થશે અને બચત થશે તો રોકાણ ક્યાં કરવું એની સૂઝ અને સમજણ આવશે જે વધુ આવક રળશે આમ તમે પૈસો પૈસાને ખેચે એવી સ્થિતિમાં આવી જશો અને તમારી પ્રગતિ થઇ શકે

આમ જીવનમાં બચતનું આગવું મહત્વ છે જીવનધોરણ સુધારવા અને મોંઘવારી સામે ટક્કર લેવા માટે તેટલુંજ મહત્ત્વ બજેટ પણ ધરાવે છે.

આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

eછાપું

તમને ગમશે: એક પોદળા વિષે ઉપમા અલંકારમાં નિબંધ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here