જરા વિચારો તો? જો ભારત અને પાકિસ્તાન વચ્ચે દોસ્તી થઇ જાય તો?

0
302
Photo Courtesy: bharattimes.com

ટાઈટલ વાંચીને આમ તો હેરાની જ થઇ જાય, નહીં? ભારત અને પાકિસ્તાન, જેમની વચ્ચે આઝાદીથી લઈને અત્યાર સુધી કોઈ વખત થયેલી વાટાઘાટો સફળ થઇ નથી, અને જેમની વચ્ચે બબ્બે મોટા યુદ્ધો થઇ ચુક્યા હોય એવા આ બંને દેશ જો મિત્રરાષ્ટ્ર બની જાય તો શું થાય?

Photo Courtesy: bharattimes.com

જેમની સરકારો અને આર્મી તો ઠીક પરંતુ દેશના મોટા ભાગના સામાન્ય નાગરીકો પણ એકબીજાને નફરત કરે છે અને જેનું કારણ પૂછવામાં આવતા, “રઘુકુલ નીતિ સદા ચલી આઈ, પ્રાણ જાયે પર વચન ન જાયે” જેવો જવાબ મળે છે. તમે જો ધ્યાનથી વિચારશો તો પાકિસ્તાન તરફની તમારી આટલી બધી ઘૃણાના જુદા જુદા કારણો તમને મળી આવશે, કોઈ એક એકઝેટ કારણ શોધવું મુશ્કેલ છે. પાકિસ્તાનવાસીઓ માટે પણ કંઈક એવું જ છે. ઘડીકમાં તેઓ કાશ્મીર મુદ્દે ભડકે બળે છે તો ઘડીકમાં ખોટા આરોપો મુકીને!

પણ જો પાકિસ્તાન આતંકવાદને પોષવાનું છોડે અને ભારત એના પર વિશ્વાસ કરી લે અને જો આ બંને વાક્યો જે ક્રમમાં લખાયેલા છે એ જ ક્રમમાં રાતોરાત ઘટિત થાય અને કાલે સવારે ભારત અને પાકિસ્તાન મિત્રરાષ્ટ્રો બની જાય તો એ સવારે શું જોવા મળે?

તો સૌથી પહેલા તો છાશવારે થતા સીઝફાયરના ઉલ્લંઘનો અટકી જાય અને બોર્ડર પર એક ન જોયેલી અને ન અનુભવેલી શાંતિ છવાઈ જાય. આમ બોલતા જ કેવો હાશકારો થાય કે હવે આપણને બોર્ડરથી ડરવાની જરૂર નહી રહે, બિલકુલ અમેરિકા-કેનેડા સરહદની જેમજ! ઈચ્છા પડે ત્યારે આપણે ઉનાળો માણવા માટે વગર ચિંતાએ કાશ્મીર જઈ શકીએ અને ધરતી પરના સ્વર્ગની હસીન વાદીઓની સુંદરતાનુ ચક્ષુપાન કરી શકીએ. જેથી કાશ્મીરનો પ્રવાસન ઉદ્યોગ સ્વીત્ઝરલૅન્ડની ટક્કરનો વિકસવા લાગે!

બંને દેશો જો મિત્ર બની શકે તો સરહદ સુરક્ષા અને ડીફેન્સ ક્ષેત્રે બંને દેશોના થતા કેટકેટલાય મસમોટા ખર્ચા બચી જાય અને જેથી વૈશ્વિક લોન ઓછી થાય. બંને દેશની ઈકોનોમી ઝડપથી સુધારવા લાગે અને વિકાસશીલ રાષ્ટ્રોમાંથી વિકસિત રાષ્ટ્રો તરફના ચક્રો વધારે ઝડપથી ફરી શકે.

ભારત અને પાકિસ્તાનના મૈત્રીપૂર્ણ વ્યવહારો જો ખીલી ઉઠે તો ચીન, કે જે આ બંને વચ્ચેના તાણભર્યા સંબંધોનો ફાયદો ઉઠાવે છે, એને મોટો ફટકો પડે. ભારત અને પાકિસ્તાનના આયાત નિકાસ સંબંધો જો સુધરી જાય તો ચીનના પેટમાં તેલ ચોક્કસ રેડાય જ. કારણ કે પાકિસ્તાનમાં પોતાની અસંખ્ય ચીજો નિકાસ કરીને પાકિસ્તાનનો એક બીઝનેસ હબ તરીકે ઉપયોગ કરતા ચીનની વ્યાપારી પકડ ભારત પાકિસ્તાનના ટ્રેડીંગ સંબંધો વિકસવાથી ઢીલી પડે.

યુનાઇટેડ નેશન્સ, જે પાકિસ્તાનને આતંકવાદનું કારખાનું ગણાવે છે તેની નજરમાં આ ઘટના ખુબ જ મહત્વની બની રહે. જો આવું થાય તો પાકિસ્તાનની છબી વૈશ્વિક સ્તરે સુધરે અને ભારતની મહત્તા અત્યારે છે એના કરતા વધારે બુલંદી હાંસિલ કરી શકે.

ભારત-પાક. મૈત્રીની અસરો બાંગ્લાદેશ, નેપાળ અને મ્યાનમાર પર પણ સારી પડે. કારણ કે આ બંને દેશોની આપસી દુશ્મનાવટનો ભોગ ઘણી વાર આ દેશોએ પણ બનવું પડે છે. આ ત્રણેય દેશો ભારત પાકિસ્તાનની મિત્રતા થવાથી હાશકારો અનુભવશે અને ભારતમાં તેમનો વિશ્વાસ વધારે મજબુત બનશે.

પાડોશી દેશો સાથે વ્યવહાર વધતાની સાથે ભારતમાં આંતરરાષ્ટ્રીય આવકમાં વ્યાપાર વધવાના લીધે નોંધપાત્ર ઉછાળો આવે અને સરહદી તંગદીલીઓ તમામ પાડોશી દેશો સાથે ઓછી થવા પામે. જેથી ASEAN અને SAARC તેમજ BRICKS જેવા સંગઠનોમાં ભારત એક મજબૂત સ્થાન જમાવી શકે જેથી યુ.એન.માં પણ ભારતની શાખ વધવા પામે! અલ્ટીમેટલી જો આમ થાય તો ભારતના સુપર પાવર બનવાની તકો વધારે નજીક આવતી જાય.

ઉપર્યુક્ત બાબતો ત્યારે જ શક્ય છે જ્યારે ભારત અને પાકિસ્તાન એમ બંને દેશો આપસી દુશ્મનાવટ ખતમ કરીને એક નવા અને મૈત્રીપૂર્ણ યુગની શરૂઆત કરી શકે. ‘આપ કી અદાલત’માં રજત શર્મા દ્વારા આપણા વડાપ્રધાનને પાકિસ્તાન વિષે જ્યારે પૂછવામાં આવ્યું હતું ત્યારે એમણે કહ્યું હતું કે, “પાકિસ્તાનને એની જ ભાષામાં જવાબ આપવો જોઈએ”. વાતમાં દમ છે. કાઢવાવાળાએ આનો મતલબ એવો કાઢ્યો કે, ‘હા, એ લોકોને પાડી જ દેવાના, આપણા પર હુમલો કરે તો આપણેય બંદુક ચલાવતા ખચકાવવાનું નહિ’.

પરંતુ એમના આ વિધાનની બીજી બાજુ જોઈએ તો, જો પાકિસ્તાન શસ્ત્રો અને યુદ્ધની ભાષા વાપરવાની જગ્યાએ પરસ્પર સહકારની ભાષા વાપરે તો વડાપ્રધાન એનો પણ એ જ ભાષામાં જવાબ આપવા માટે તૈયાર છે. ઘણીવાર પદ પર આવ્યા પછી એમણે આ માટે પ્રયત્નો પણ કર્યા છે. એ પ્રયત્ન પછી પાકિસ્તાનની વિઝીટ હોય કે ત્યાના વડાપ્રધાનના જન્મદિવસની શુભેચ્છાઓ હોય! પરતું આપણે ત્યાં એક કહેવત છે કે તાળી એક હાથે ક્યારેય નથી વાગતી. જે અહી બિલકુલ ફીટ બેસે છે.

જો પાકિસ્તાન સમજદારી દાખવે અને દંભનું આકાશ છોડી વાસ્તવિકતાની જમીન પર રહીને વિચાર કરે તો ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવાથી ફાયદો પોતાને જ છે એવું ચિત્ર સ્પષ્ટ થાય. વગર કામના દેવા કરીને ખરબો રૂપિયા ડીફેન્સ માટે વાપરીને ચીનને અને અન્ય દેશોને લ્હાણી કરાવવાની જગ્યાએ એ તમામ રૂપિયા દેશમાં જ વાપરી શકાય તો દેશની સ્થિતિ નોંધપાત્ર રીતે સારી બનાવી શકાય એવો વિચાર પાકિસ્તાનની સરકારને આવે એ દિવસની રાહ જોવી રહી.

આચમન: “આપણે ત્યાં કહેવત છે કે ‘પહેલો સગો પાડોશી’, ખરેખર આ કહેવત જો સોસાયટીઓમાંથી નીકળી દેશની સરહદો સુધી પોતાની પહોચ વધારે તો તો પછી “ઘટે તો જિંદગી ઘટે, બીજું કાંઈ નો ઘટે”

eછાપું

તમને ગમશે: પિત્ઝા નો ટુકડો – સિક્યોરીટી ગાર્ડના જીવનના સંઘર્ષ પર મીઠડી લઘુકથા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here