એબી ડી’વિલીયર્સ: ‘શાંત વાવાઝોડું’ પણ જ્યારે થાકી જાય છે

1
399
Photo Courtesy: cricket.yahoo.net

એબી ડી’વિલીયર્સ જ્યારે પણ રમતો હોય ત્યારે આક્રમકતા તેની રમતમાં દેખાય, તેના હાવભાવમાં નહીં. જો ગયા યુગની વાત કરીએ તો સર વિવિયન રિચર્ડ્સ પણ આક્રમક બેટ્સમેન હતા પરંતુ એમના શોટ્સમાં અને એ શોટ્સ માર્યા બાદ તેમની બેફીકરાઇ જોવા મળતી. વીરેન્દર સહેવાગ પણ આક્રમક ખરો પણ એ કોઈને કોઈ રીતે પોતાની રમત દરમ્યાન સતત હસતો હસાવતો રહેતો. ત્રીજું નામ આવે ક્રિસ ગેઈલનું. આ ખેલાડીની આક્રમકતા હંમેશા ઠંડી લાગી છે.

Photo Courtesy: cricket.yahoo.net

જ્યારે એબી ડી’વિલીયર્સ આક્રમણ મોડમાં હોય ત્યારે એ શાંત હોય. ભાગ્યેજ આપણે એબી ડી’વિલીયર્સના મુખ પર સામેવાળા બોલરને કે પછી સામેવાળી ટીમને ‘પાડી દેવાની’ ભાવના જોઈ હશે. એબી ડી’વિલીયર્સને 360 ડિગ્રી ક્રિકેટર પણ કહેવામાં આવે છે કારણકે એ મેદાનના કોઇપણ ખૂણે સિક્સર કે પછી બાઉન્ડ્રી મારવા માટે સક્ષમ છે. તેની આ કુશળતાને તેણે પોતાની આક્રમકતામાં ઢાળી પરંતુ તેણે ક્યારેય પોતાની રમત દરમ્યાન સામેની ટીમને ખતમ કરી નાખવા જેવો ભાવ ઉત્પન્ન નથી કરવા દીધો અને આથીજ એબી ડી’વિલીયર્સ એક ‘શાંત વાવાઝોડું’ પણ હતો એમ કહી શકાય.

હા, એબી ડી’વિલીયર્સ હતો…. કારણકે ગઈકાલેજ તેણે તમામ પ્રકારના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લેવાની જાહેરાત કરી દીધી. આ જાહેરાતથી ઘણાને આઘાત લાગ્યો હશે પરંતુ વર્ષો પહેલાનું અને સુનિલ ગાવસ્કર દ્વારા પ્રચલિત કરવામાં આવેલું વિજય મર્ચન્ટનું એક અવતરણ યાદ કરીએ તો કદાચ એ આઘાતની અસર ઓછી થાય એવું બને. “રિટાયર ત્યારે થાવ જ્યારે લોકો પૂછે શા માટે? નહીં કે ક્યારે? દુનિયામાં એવા ઘણા ઓછા ક્રિકેટર્સ અને કહેવાતા ‘ક્રિકેટિંગ ભગવાનો’ છે જેમણે વિજય મર્ચન્ટની આ સલાહ માની હોય, પરંતુ એબી ડી’વિલીયર્સ તેમાંથી એક નથી એ જાણીને તેના કોઇપણ ફેનને ગર્વ થાય જ.

એબી ડી’વિલીયર્સ પોતે નિવૃત્ત થાય છે તે પાછળ તેણે કારણ આપ્યું છે કે તે ખૂબ થાકી ગયો છે. વર્ષો પહેલા એબી ડી’વિલીયર્સ જેવાજ આક્રમક બેટ્સમેન અને વિકેટકીપર આડમ ગીલક્રિસ્ટે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો જે રીતે દરરોજ ક્રિકેટ રમવા મેદાન પર ઉતરતા હોય છે તેનાથી તેઓને બહુ જલ્દીથી heart burnની સમસ્યાનો સામનો કરવો પડશે એવી ચેતવણી આપી હતી. એબી ડી’વિલીયર્સની નિવૃત્તિ પાછળ પણ વધુ પડતા ક્રિકેટને જ કારણ આપવામાં આવ્યું છે. જો ઓસ્ટ્રેલિયન અને સાઉથ આફ્રિકન ક્રિકેટર્સની આ હાલત હોય તો બે ઘડી ભારતીય ક્રિકેટર્સની હાલત અંગે વિચારવાનું અને એમની દયા ખાવાનું મન જરૂર થઇ આવે.

કોઇપણ સ્પોર્ટ્સ પર્સન હોય તો તેને આગળ તો શું પરંતુ આવતીકાલે રમવા માટે પણ કોઈ મોટીવેશનની સતત જરૂર હોય છે. એબી ડી’વિલીયર્સની નિવૃત્તિ ભલે તેના થાકી જવાને લીધે આવી પડી હોય પરંતુ ગઈકાલે સોશિયલ મિડીયામાં તેના ટાઈમિંગ અંગે પણ આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવ્યું હતું. આવતે વર્ષે ઇંગ્લેન્ડમાં વર્લ્ડ કપ રમાવા જઈ રહ્યો છે એવામાં એબી ડી’વિલીયર્સને રિટાયર થવાનું મન કેમ થયું? શું દેશ માટે વર્લ્ડ કપ રમવો એને જીતવો એ કોઇપણ ખેલાડી માટે પુરતું મોટીવેશન નથી?

કદાચ એબી ડી’વિલીયર્સ માટે એવું ન હતું. થોડા સમય પહેલાં જ એક મુલાકાતમાં તેણે જણાવ્યું હતું કે જો સાઉથ આફ્રિકા વર્લ્ડ કપ જીતશે તો તેને ગમશે પરંતુ હવે તે વર્લ્ડ કપને અલગ નજરે જોવા લાગ્યો છે. જો તેને વર્લ્ડ કપ રમવાની તક મળશે તો તેને જરૂર આનંદ થશે પરંતુ તે એનું અંતિમ લક્ષ્ય નહીં હોય. એબી ડી’વિલીયર્સે કદાચ એ જ વખતે પોતાની નિવૃત્તિનો સંકેત આપી દીધો હશે. જો એબી ડી’વિલીયર્સની નિવૃત્તિ પાછળ થાક જવાબદાર હોય તો ICC અને વિશ્વભરના ક્રિકેટ બોર્ડ્સ ફરી એકવાર અતિશય અને સતત રમાતા ક્રિકેટ વિષે ફરીથી સાથે બેસીને વિચાર કરે એ ઇચ્છનીય છે, પરંતુ એમ નહીં થાય એ પણ એટલુંજ સત્ય છે.

એબી ડી’વિલીયર્સ એક એવો ક્રિકેટર હતો જે તમારી ટીમને ‘ધોકાવતો’ હોય તો પણ એના શોટ્સ જોવાની એની પ્રશંસા કરવાની કે એના પ્રેમમાં પડી જવાની તમને મજા આવતી. બદનસીબે આ પ્રકારના ક્રિકેટર્સ બહુ ઓછા જન્મ લેતા હોય છે અને હવે એ લિસ્ટમાં એબી ડી’વિલીયર્સ પણ સામેલ નથી એ વિચાર આવનારા દિવસોમાં જેટલીવાર આવશે તેટલીવાર તે દુઃખ પહોંચાડી જશે એ નિશ્ચિત છે.

પરંતુ, ફક્ત આપણા મનોરંજન માટે આપણે એક થાકેલા અને રમત રમવા પરથી મન ગુમાવી ચુકેલા ‘મોડર્ન મહાન’ ક્રિકેટર્સમાંથી એક એવા એબી ડી’વિલીયર્સના નિવૃત્ત જીવન માટે આપણે તેને શુભેચ્છાઓ ન પાઠવીએ એટલા સેલ્ફીશ પણ ન બનવું જોઈએને?

eછાપું

તમને ગમશે: Mother’s Day Special: ગૃહિણીના કાર્યમાં ઓતપ્રોત મા નું આવું અપમાન?

1 COMMENT

  1. अत्यारे एनी कक्षा नो एक पण क्रिकेटर नथी

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here