યુવક યુવતીઓની લાઈફ ખરાબ કરવા માટે પેરેંટ્સ કેટલા જવાબદાર?

0
331
Photo Courtesy: indianexpress.com

“પાપા કહેતે હૈં બડા નામ કરેગા… બેટા હમારા એસા કામ કરેગા…”  અથવા તો  “પાપા કી પરી હું મેં…” જેવા થોડા જૂના ગીતો આજની જનરેશનએ સાંભળ્યા જ હશે. ગીતના શબ્દો પણ એવાં પાછા. સાંભળીને કોઈ પણ પેરેંટ્સ ને એમ જ લાગે કે આ તો તેને માટે જ રચાયું છે.

પણ આપણી આજુબાજુ જોશું તો શાબ્દિક સ્વતંત્રતા માત્ર ગીતો, સંવાદો, ભાષણો, વ્યાખ્યાનો, કે પછી માત્ર ‘વાતો’  પૂરતી જ મર્યાદિત રહી છે તેનો છેડો ‘સમજણ’ સુધી પહોંચે તે પહેલાં જ તેનો વળ આવી જાય છે. આ વાતની ચાડી ખાઈ રહ્યાં છે, આપણી આજુબાજુ વધી રહેલાં લગ્ન જીવનમાં આવતાં પરિવર્તનો કે પછી લગ્ન સુધી ન પહોંચી શકતા સંબંધો.

Photo Courtesy: indianexpress.com

આપણે છેલ્લા દસકામાં કદાચ સૌથી વધારે લોકોને સંબંધોનો અંત લાવતા જોયા હશે. નાની નાની વાતમાં પરિણામ સુધી પહોંચી જતાં, આજકાલની પેઢીને વાર નથી લાગતી. એકાદ બે એવા કિસ્સાઓની વાત કરીએ તો, એક કિસ્સામાં પેરેંટ્સ ની ઈચ્છા તેમનાં દીકરાને તેમની પસંદ મુજબ પરણાવાની હતી. દીકરાએ ના પાડી દીધી હતી. પણ માનસિક રીતે એટલું પ્રેશર હેન્ડલ કરવા કરતાં  દીકરો સગાઈ કરવા તૈયાર થઈ ગયો. એણે વિચાર્યું, પડશે તેવા દેવાશે. લગ્નને દસ દિવસ બાકી હતા. કાર્ડ પણ વહેંચાઈ ગયા હતાં અને અચાનક દીકરાએ પેરેંટ્સને કહી દીધું કે તેને આ લગ્ન નથી કરવા. જો ફરજ પડાશે, તો તે ખુશ નહીં રહે અને ‘એને’ ખુશ નહીં રાખી શકે. અંતે પેરેંટ્સ એ નમતું જોખ્યું અને લગ્ન કેન્સલ કર્યાં. તેમણે જેની સાથે લગ્ન નક્કી કર્યા હતા, તેને સાચું કહેવું પડયું અને સામાજિક બહિષ્કાર પણ સહન કરવો પડ્યો. સામે પક્ષે, દીકરીના ઘરના સભ્યો પણ આઘાતમાંથી માંડ બહાર આવ્યાં. વિચારો, જો લગ્ન નહોતા જ કરવા તો હા શું કામ પાડી? જો લગ્ન મોકૂફ જ રાખવા હતાં તો સગાઈ કરીને તે છોકરીને સ્વપ્ન દુનિયામાં શું કામ લઈ ગયો? અને એવાં ઘણાં પ્રશ્નો ઉભા થયા.

બીજા એક કિસ્સામાં, લગ્ન થયાને બે વર્ષ પણ નહીં થયા હોય. ઘરનાં સભ્યોની જવાબદારી વહુને બોજો લાગવા માંડી. ન્યૂક્લિયર ફેમિલી કોન્સેપ્ટમાં રહેતાં બીજા કુટુંબો સાથેની સરખામણીએ માનસિકતા પર એવું આક્રમણ કર્યું કે પોતાના પેરેંટ્સને સતત વચ્ચે રાખી પતિને માનસિક ત્રાસ આપવામાં આવતો. પેરેંટ્સ તેમની દીકરીને સતત નેગેટિવલી સપોર્ટ કરતાં અને એમ જ કહેતા કે “તું ચિંતા ન કરતી. અમે છીએ ને!! કાંઈક થાય તો આવતી રહેજે.”.

બસ, આ “આવતી રહેજે” એ જ નિયમો બદલી નાખ્યા છે. હા, પેરેંટ્સ નો સપોર્ટ દરેકે દરેક ક્ષેત્રે વંદનીય છે પણ સંબંધ તૂટતો હોય ત્યારે જોડવા કરતાં તોડવાની વાત આવે, ત્યારે નહીં જ. અસહ્ય કૌટુંબિક વાતાવરણની વાત અલગ છે, પણ થોડું ઘણું જતું કરવાની લાગણી શીખવાડવાની ફરજ વડીલોની છે.

નાની નાની વાતે છૂટાછેડા, સગાઈ તોડવી, ભાઈ – બહેનના અબોલા, એકબીજાનું અંગત જીવન ખુલ્લું પાડવું, સંબંધોનો અંત લાવવા માટે કોઈ મજબૂત કારણ ન શોધવું, તે નબળી માનસિકતાની નિશાની છે. કોઈ પણ પગલું ભરતાં પહેલાં, તે ભર્યા પછીના સંજોગો વિશે આપણે કેટલો વિચાર કરીએ છીએ? સકારાત્મક વલણ સ્પષ્ટ પણે આપણામાંથી કેટલાં અપનાવે છે? અને નકારાત્મક પરિસ્થિતિઓનો સામનો હકારાત્મક અભિગમ અપનાવીને આપણામાંથી કેટલાં તેમાંથી બહાર આવે છે, તેના તારણો પણ આપણે આપણી આસપાસ બનતી ઘટનાઓમાંથી કાઢી શકીએ છીએ.

આજની જનરેશન પાસે ટેક્નોલોજીનું માધ્યમ છે. રીડિંગ માટે સોશિયલ મીડિયા છે. અનુભવ પરથી શીખવા માટે સોશિયલ નેટવર્કિંગ છે. દરેક જગ્યાએ દરેકે દરેક સિચુએશનનાં દાખલા છે અને તેનાં સફળ અને નિષ્ફળ પરિણામો પણ જાહેર કરેલાં છે. છતાં, જ્યારે તેઓ પોતે એ સિચુએશનનાં આવે, એટલે તમામ હથિયાર હેઠા મૂકી ઊંધી દિશામાં દોટ મૂકે છે.

લગ્ન કરવા માટે દીકરાનાં પેરેંટ્સ દીકરાની પસંદગીને મહત્વ આપતા થયા છે. સામે પક્ષે, દીકરીના પેરેંટ્સની ડિમાંડ પણ વધી છે. આર્થિક અને સામાજિક રીતે મજબૂતાઈ હોય તે પૂરતું નથી રહ્યું હવે. આજના સમયમાં સંબંધ બાંધતાં પહેલાં જોવામાં આવે છે કે સંયુક્ત કુટુંબ છે? કેટલાં સભ્યો છે ઘરમાં? રૂટિન શું છે? વિગેરે વિગેરે. “નાનું કુટુંબ, સુખી કુટુંબ” નો સંકલ્પ પરિવાર નિયોજન પૂરતો મર્યાદિત નથી. જેટલી જવાબદારી ઓછી, તેટલું સુખ વધારે, તેમ માનતા પરિવારોની સંખ્યા વધી રહી છે. હવે, એમાં સુખ છે કે દુઃખ એ તો સમય જ નક્કી કરે છે.

ફાઈનાન્શિયલ સ્ટેટસથી પણ એકબીજાને ઉતારી પાડતા લોકો જોવા મળે છે. લગ્ન જીવનમાં સૌથી વધારે તિરાડો “સરખામણી” નામનું નબળું પાસું પાડે છે. ઘરની વસ્તુઓથી લઈને લાઇફ સ્ટાઇલ તમામ પ્રકારની સરખામણીમાં હવેની જનરેશન ગૂંથાઈ ગઈ છે. “ગાડી તો હોવી જ જોઈએ”, “AC નથી?”, “ફરવા ક્યાં જવાના છો?”, “લગ્નમાં ડાંસ કોરિયોગ્રાફર તો હોવો જ જોઈએ”, “તમારું બાળક કઈ સ્કૂલમાં ભણે છે?”, “ઇંગ્લિશ મીડિયમમાં જ ભણાવવું જોઈએ”, ” પેરેંટ્સ ઈન લૉઝ સાથે રહે છે?”, અને આવા ઘણા તથ્ય વગરના પ્રશ્નો આપણી પેઢીને બરબાદ કરવાં માટે પુરતા છે.

સાક્ષરતા જેટલી જરૂરી છે, તેટલું જ મહત્વ સહનશીલતાનું છે. દરેક સંજોગોમાં સહનશીલ માણસ સફળતા મેળવે છે. આપણા હાથમાં નથી, તેવા સંજોગોમાં પણ સહનશીલતા રાખીને નિર્ણયો લેવામાં આવે તો ઘણી બધી અકલ્પ્ય ઘટનાઓનું નિવારણ ઝડપથી આવી જાય છે અને આપણી આસપાસ પણ એક પોઝીટીવ વાતાવરણ ખીલી ઉઠે છે. “કોઈની પાસે શું છે જે આપણી પાસે નથી, તેનાં કરતાં, આપણી પાસે શું છે જે કોઈની પાસે નથી” જો એવું વિચારશું તો આ માયાજાળમાંથી બહાર આવી શકશું. બાકી કોઈ પણ જગ્યાએ ઠરશું નહીં એ નક્કી છે.

અસ્તુ!!

eછાપું

તમને ગમશે: આપણો તો સ્ત્રી નો અવતાર! – યુવાન વહુની ભૂતકાળની સફર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here