કુમારાસ્વામી શપથવિધિમાં જોવા મળેલી વિપક્ષી એકતા કાશીએ પહોંચશે ખરી?

0
365
Photo Courtesy: ANI

ઓહોહોહો! ગઈકાલનો દિવસ દેશના ડાબેરી મિડિયા, લિબરલો, libtards અને મોદીદ્વેષી રાજકીય પક્ષોના નેતાઓ અને તેમના ટેકેદારો માટે જાણેકે ઓચ્છવ બનીને આવ્યો હતો એવું લાગ્યું. એચ ડી કુમારસ્વામીની શપથવિધિના મંચ પર જોવા મળેલી વિપક્ષી એકતાએ અસંખ્ય મોદીદ્વેષીઓની આંખમાં હરખના આંસુ લાવી દીધા હશે એવું ચોક્કસપણે કહી શકાય.

Photo Courtesy: ANI

જે મંચ પર માયાવતી અને અખિલેશ યાદવ એકસાથે જોવા મળે, ચંદ્રાબાબુ નાયડુ અને રાહુલ ગાંધી ખભેખભો મેળવીને ઉભા હોય, શરદ પવાર અને સોનિયા ગાંધીના મુખડાં પણ મલકાતા હોય, બાકી હતું તો લાલુપુત્ર તેજસ્વી યાદવ પણ એ મંચની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા હોય એવું દ્રશ્ય ખડું થાય તો કોઇપણ મોદીદ્વેષી ગદગદ થઇ જ જાય. આ સ્વર્ગીય અનુભવ કરાવતું દ્રશ્ય જોઇને ભાજપને દિલથી નફરત કરનાર અને મોદીને રોકવા માટે કોઇપણ આલીયો, માલિયો કે ઇવન જમાલિયો પણ ચાલી જાય એવો વિચાર રાખનાર વ્યક્તિએ એવું માની જ લીધું હશે કે બસ! 2019માં મોદી ગયા!

પરંતુ, જ્યાં ભરપુર માત્રામાં દ્વેષ હોય ત્યાં અક્કલનો એક છાંટો પણ પોતાની હાજરી પૂરાવતા ડરતો હોય છે. મોદીદ્વેષમાં લોકો એ ભૂલી જાય છે કે ગઈકાલે જોવા મળેલી વિપક્ષી એકતા એ બેંગ્લોરની હોટલો અને રિસોર્ટ્સમાં ગયા અઠવાડિયે અચાનક જ ઉત્પાદન કરવામાં આવેલા પારસ્પરિક વિરોધી રાજકારણના વાયરસથી ભરપૂર એક સોફ્ટવેરની સોફ્ટ જમીન પર તૈયાર કરવામાં આવી હતી. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પૂરી થઇ તે પછી જે કોઇપણ ખેલ રમાયો તેનાથી આપણે અજાણ નથીજ. ભાજપ બહુમતીથી સાત સીટ દૂર રહી ગયું તેની પાછળ ઘણાબધા કારણોમાંથી એક કારણ હતું અસંખ્ય એવી સીટો જે તેણે અમુક હજાર કે તેનાથી પણ ઓછા મતોથી જ ગુમાવી હતી.

જો આ સીટો ભાજપ અમુક હજાર મતોથી જીત્યું હોત તો ગઈકાલે વિપક્ષી એકતાનું જે નયનરમ્ય દ્રશ્ય મોદીદ્વેષીઓને જોવા મળ્યું તે ન જોવા મળત. કહેવાનો મતલબ એક જ છે કે ભાજપ કર્ણાટકમાં છેલ્લું વિઘ્ન પાર ન કરી શક્યું અને એનો લાભ કોંગ્રેસ અને JDS મોંઘેરા રિસોર્ટના પાછલા બારણેથી લઇ ગયા હતા. ચૂંટણી અગાઉ એ બંને પક્ષોએ એકબીજા પર જે પ્રકારે શાબ્દિક આક્રમણ કર્યા હતા તેનાથી સાબિત થાય છે કે કર્ણાટકમાં તેમનું નાતરું અકુદરતી છે અને એ કદાચજ લાંબો સમય ચાલે.

સ્પષ્ટ વિજય નહીં પરંતુ માત્ર ભાજપને સત્તા પરથી રોકવા માટે અને પોતાના હાથમાંથી છેલ્લું કમાઉ રાજ્ય ન નીકળી જાય એની કોશિશમાં કોંગ્રેસે ચૂંટણી બાદ પોતાના કટ્ટર વિરોધી એવા કુમારસ્વામી સાથે હાથ મેળવીને ઉભી કરેલી વિજય આભાને જો વિપક્ષી નેતાઓ સ્વર્ગની સીડી જોતા હોય તો તેઓ ખાંડ ખાય છે એવું સોય ઝાટકીને કહેવું પડે. કદાચ ચંદ્રાબાબુ નાયડુ, શરદ પવાર અને માયાવતી સરીખા નેતાઓ આ સત્યને અંદરખાને સમજતા હોય એવું પણ બને.

પરંતુ, જ્યાંસુધી આ તમામ વિપક્ષી નેતાઓ અને કોંગ્રેસ પાસે એમના ગુણગાન ગાતું મેઈન સ્ટ્રીમ ડાબેરી મિડિયા અને પત્રકારો છે ત્યાંસુધી તેઓ દેશભરમાં મોદીના દિવસો હવે ગણાઈ ચૂક્યા છે એવી એક આભા ઉભી કરવામાં અને મોદી સરકારના અસંખ્ય સારા કાર્યોનો એક ટકો પણ પ્રચાર ન થાય એ ચોક્કસ કરવામાં જરૂર સફળ થશે.

કદાચ ડાબેરી મિડીયાની મદદ લઈને આ વિપક્ષી પાર્ટીઓ મોદી સરકાર વિરુદ્ધ આવતી લોકસભાની ચૂંટણીઓ અગાઉ કોઈ હવા ઉભી કરવામાં સફળ જાય તો પણ આ તમામ નેતાઓ અને તેમની આકાંક્ષાઓનો ભાર એટલા બધા મણનું વજન ધરાવે છે કે તેઓ તે ભાર હેઠળજ ચૂંટણીઓ અગાઉ દબાઈ જાય એવી સંપૂર્ણ શક્યતાઓ છે.

રાહુલ ગાંધીએ હાલમાં જ પોતે 2019ની લોકસભા ચૂંટણીઓ બાદ વડાપ્રધાન બનશે એવી જાહેરાત કરી ચૂકયા છે, તો સામે પક્ષે આ જ શરદ પવાર, માયાવતી અને ચંદ્રાબાબુ નાયડુની દેશનું સુકાન સંભાળવાની છૂપી ઈચ્છા કોઈનાથી છાની નથી. એમના સપનાના આ વાવેતર જ્યારે બેઠકો વહેંચવાની વાત આવશે ત્યારે થોરના કાંટાની જેમ ઉગી આવશે અને જે સત્તા મેળવવાનું સ્વપ્ન તેઓ વર્ષોથી જોઈ રહ્યા છે તેની ભાગબટાઈમાં પોતાને મોટો અને મહત્ત્વનો ભાગ મળે એ લાલચ તેઓ રોકી નહીં શકે.

આ ઉપરાંત એક બીજું ફેક્ટર પણ આ આભાસી વિપક્ષી એકતા વિરુદ્ધ જાય છે અને તે એ છે કે માયાવતી અને અખિલેશની પાર્ટીઓને કે પછી ચંદ્રાબાબુ નાયડુ અને કે ચંદ્રશેખર રાવને ઉભે નથી બનતું. જો પોતાને જરાક પણ મોકો મળે તો રાહુલ ગાંધીના વડાપ્રધાન બનવાના સ્વપ્નની સળી નહીં પરંતુ સાવરણો કરવાની ઈચ્છાશક્તિ શરદ રાવ પવાર આ ઉંમરે પણ ધરાવે છે એ પણ આપણે બધાએ ભૂલવું જોઈએ નહીં. ટૂંકમાં વિપક્ષી એકતા અત્યારે પણ આભાસી છે અને આવનારા બાર મહિનામાં પણ આભાસી રહેવાની જ છે.

ન કરે ને નારાયણ અને ભાજપ 2019માં કર્ણાટકની તર્જ પર જ બહુમતીથી થોડું દૂર રહી જશે તો આ તમામ વિપક્ષી નેતાઓ સેકયુલરિઝમને બચાવવા એક થઇ જશે પરંતુ તેનાથી ઉભી થનારી અસ્થિરતાને લીધે  ભારતના માંડમાંડ પાટે ચડેલા અર્થતંત્રની, વિદેશમાં સુધરેલી છબીની અને કાબુમાં આવેલા ભ્રષ્ટાચારની ગાડી પાટા પરથી જરૂર ઉતરી જવાની અને તેની ભારતના આવનારા દાયકાના સંભવિત બળુકા વિકાસ પર પૂરી ન શકાય એવી નકારાત્મક અસર પણ જરૂર પડવાની.

આમ, હવે એ ભારતીય પબ્લિક જો સબ જાનતી હૈ, તેની સમજણ પર આધાર રાખે છે કે 2022 સુધીમાં ભારતને યોગ્ય શબ્દોમાં મહાસત્તા બનાવવાની ભરસક કોશિષ કરી રહેલા નરેન્દ્ર મોદીને તે ફરીએકવાર વડાપ્રધાન તરીકે ચૂંટે છે કે પછી માત્ર મોદીને રોકવાનો એક લીટીનો એજન્ડા ધરાવતી કહેવાતી વિપક્ષી તાકાતને તે પસંદ કરે છે.

eછાપું

તમને ગમશે: આપણે ગુજરાતીઓ દર ઉનાળે છુંદો, મુરબ્બો અને અથાણાં કેમ બનાવીએ છીએ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here