સ્ત્રી આ શબ્દ કાને પડવાની સાથેજ ઘણીબધી બાબતો આંખ સામે તરવરી ઉઠે છે. 19મી મે 2018ના દિવસે યુ.કે.ના બ્રિટિશ રોયલ પરિવારમાં ભવ્યાતિ ભવ્ય લગ્નનો પ્રસંગ પૂરો થયો. રાણી એલિઝાબેથ (2)ના પૌત્ર પ્રિન્સ હૅરી (Prince Harry) અને અમેરિકન મોડેલ હીરોઈન મેગન માર્કલ (Meghan Markle) એકબીજા સાથે લગ્નગ્રંથીમાં જોડાયા. એક સાચા અર્થમાં આ પ્રસંગ ‘રોયલ’ હતો. એક સે બઢકર એક વસ્ત્ર પરિધાનો, મહેમાનો, સજાવટ, શણગાર, જમણવાર, સંગીત વગેરેની હાજરીમાં લગ્નનો સમારંભ ગોઠવાયો. એવો અંદાજ છે કે રોયલ વેડિંગ દરમિયાન યુ.કે.ની 1 બિલિયન ડોલર (અંદાજે છ હજાર પાંચસો કરોડ રૂપિયા)ની કમાણી થઈ. જે થયું તે, પણ અગત્યની વાત છે પ્રિન્સ હૅરીએ જેની સાથે લગ્ન કર્યા એ હીરોઈન મેગન માર્કલની! મેગન માર્કલ 37 વર્ષની છે. પ્રિન્સ હૅરી કરતાં 3 વર્ષ મોટી. પહેલા એકવાર લગ્ન કરીને છૂટાછેડા લીધેલા છે. ‘ડીલ ઓર નો ડીલ’ નામના રિયાલિટી શોમાં ધનરાશિ ભરેલી બ્રીફકેસ લઈને ઊભી રહેતી. (‘ડીલ યા નો ડીલ’ નામથી ભારતમાં પણ 2005-6માં આર. માધવને હોસ્ટ કરેલો શો આવેલો). દેખાવમાં પ્રિન્સ હૅરી મેગન કરતાં ખાટી જાય. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતી વખતે મેગને ઘણાં બીજા પુરુષો સાથે કિસ અને પ્રગાઢ સેક્સના દ્રશ્યો શૂટ કરેલા છે. મેગન વર્જિન નથી. એ કોઈ કુલીન કે શ્રીમંત પરિવારની નથી, એના મા-બાપે મેગન 6 વર્ષની હતી ત્યારે જ છૂટાછેડા લઈ લીધેલા. સામાન્ય રીતે રોયલ પરિવારના વરરાજાને બંધબેસે એવી કોઈ જ લાક્ષણિકતા નથી, પણ…હરિનું કરવું અને હૅરીનું પરણવું…એ જ સચ્ચાઈ છે!!

પાઉલો કોલ્હોની ‘અલકેમીસ્ટ’માં એક ક્વોટ છેઃ When you want something all the universe conspires in helping you to achieve it. જેની ચોરી કરીને ‘ઓમ શાંતિ ઓમ’ ફિલ્મ માટે ડાયલોગ લખાયોઃ कहते हैं अगर किसी चीज़ को दिल से चाहो तो पूरी कायनात उसे तुमसे मिलाने की कोशिश में लग जाती है। આ વાતનું જીવતુ-જાગતું ઉદાહરણ એ છે કે જે છોકરી વર્ષો પહેલાં રોયલ પેલેસની બહાર ફોટા પડાવે એ જ છોકરી એ જ રોયલ પેલેસની પૌત્રવધુ બને. મેગનના કેસ પરથી એક તારણ એવું કાઢી શકાય કે કોઈ પણ બહાનું કે અવરોધ હોય, મોટા સપના જુઓ કારણ કે સપનાઓ સાચા થાય છે. આપણી સ્ત્રી પણ સપના જુએ છે, પણ ખળખળ વહેતી નદી જેવી સ્ત્રી ક્યારેક કોઈ કારણસર થીજી જાય છે, અને એનામાં બરફ તોડવાની તાકાત છે એ ભૂલી જાય છે. એ કારણ કોઈ પણ હોઈ શકે. કપરા સંજોગોમાં નારીને જીગર અને હિંમત આપવામાં આવે તો ભલભલાના હાંજા ગગડાવી દે.
વિકલાંગતા આવતાની સાથે માણસ અંદરખાને તૂટી જાય છે અને પોતે સાવ બેબસ-લાચાર હોય એમ જિંદગીને માણવાનું છોડી કોસવાનું શરૂ કરી દે છે. આપણે ત્યાં વિકલાંગ માટે અદ્ભૂત શબ્દ છેઃ દિવ્યાંગ! ફેસબુક મિત્ર ધવલ મિસ્ત્રીએ ત્રણ-ચાર દિવસ પહેલા એક દોઢ મિનિટનો વિડીયો શેર કરેલો. વિડીયો એમની કઝીન સિસ્ટર હિમાલી મિસ્ત્રીનો છે. કોઈ દવાની ઝેરી અસરને કારણે શ્રવણ શક્તિ ગુમાવી બેઠેલી હિમાલી ડાબા કાનમાં સાંભળવાનું મશીન પહેરે છે અને જમણા કાનથી કંઈ સંભળાતું જ નથી. છતાં ઓનલાઈન ડેટિંગ સાઈટ દ્વારા એક પુરુષ સાથે સંપર્ક કેળવીને લગ્ન કર્યા અને એક દિકરી પણ છે. ઈશ્વરે સર્જેલી પરિસ્થિતિમાંથી પાર ઊતરી પોતાની આગવી ઓળખ ઊભી કરીને હિમાલી એક્સેન્ચરમાં મેડિકલ સેક્ટરમાં ક્વાલિટી એશ્યોરેન્સ ઓફિસર તરીકે કામ કરે છે અને ડ્રગ સેફ્ટીને પ્રોત્સાહન આપે છે. ખુદ એક્સેન્ચર કંપનીએ આ વિડીયો બનાવ્યો છે અને પોતાની વેબસાઈટ પર મૂકેલો છે.
સૌરાષ્ટ્રના ગીરના જાંબુર ગામના હીરબાઈ લોબી સીદી જાતિના અભણ અને ગરીબ ઘરમાં જન્મેલા સાધારણ સ્ત્રી છે પણ તેમના કાર્યો થકી દેશવિદેશમાં પ્રખ્યાત છે. જે ગામમાં વર્ષોથી શાળા નહોતી એ ગામમાં આંગણવાડી થી લઈને કોલેજ સુધી બધી જ સુવિધા અપાવવામાં હીરબાઈનો ખૂબ જ મહત્ત્વનો ફાળો રહ્યો છે. તેમના આદિવાસી મહિલા સંગઠન સાથે 900 જેટલી બહેનો સંકળાયેલી છે અને પશુપાલન, ડેરી ઉદ્યોગ, ઓર્ગેનિક ખાતરની બનાવટ, સસ્તા ભાવે સારું બિયારણ જેવા અનેક રોજગાર તેઓ સ્ત્રીઓને પૂરા પાડે છે. પોતે કોઈ માલિકીભાવથી કે જાતિધર્મના ભેદભાવથી કામ નથી કરતા. તેમની પાસે આવતી બહેનોને ટ્રેનિંગ આપી વિકાસ માટે મુક્ત કરી દે. આસપાસના અનેક ગામોમાં સફળ રીતે વ્યવસાય કરતી બહેનોની કહાણી જાણવા મળે તો તેમનું પીઠબળ હોય હીરબાઈ લોબી!
ઉંમર વધવાની સાથે ખાટલો પકડી લેનારાઓને એ વાતનો ખ્યાલ નથી આવતો કે ‘એજ ઈઝ જસ્ટ અ નંબર’. વી. નાનામ્મ્લ નામના 99 વર્ષના વૃદ્ધાને 26 જાન્યુઆરી 2018ના રોજ પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે. જે ઉંમરે લોકો ચાલી નથી શકતા એ ઉંમરે તે યોગ ટીચર બનીને યોગ શિખવાડે છે. આટલી ઉંમરે પણ તે એવા યોગાસનો કરે છે કે જોનારા સ્તબ્ધ થઈ જાય છે. ઍના મેરી રોબર્ટસન મોઝેઝ (જેને અમેરિકામાં Grandma Moses તરીકે ઓળખવામાં આવે છે) નામની સ્ત્રી એ 78 વર્ષની ઉંમરે પોતાની લાજવાબ પેઇન્ટિંગ્સની કરિયર શરૂ કરી અને 2006માં એની એક પેઈન્ટીંગ 1.2 મિલિયન ડૉલરમાં વેચાઈ. ‘હરિ ઓમ હરિ’, ‘રંભા હો….’, ‘દોસ્તો સે પ્યાર કિયા…’, ‘દમ મારો દમ’ જેવા સુપરહીટ ગીતો ગાનાર પોતાની લાક્ષણિક અદા, કપડા, કપાળનો મોટો ચાંલ્લો અને ઘેઘૂર અવાજથી ફિલ્મજગતમાં પોતાનું સ્થાન બનાવનાર ઉષા ઉત્થુપે 1960 ના દશકમાં ગાવાની શરૂઆત કરી હતી. હિન્દી, તેલુગુ, મલયાલમ ગીતો ગાયા, સ્ટેજ શો કર્યા, મ્યુઝિક અલ્બમ બનાવ્યા પણ છેક 2012માં ફિલ્મજગતનું અનન્ય બહુમાન ‘ફિલ્મફેર એવોર્ડ ફોર બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર’ પ્રાપ્ત થયું. એ જ વર્ષે ભારત સરકારે પદ્મશ્રીનો એવોર્ડ પણ અર્પણ કર્યો. અમેરિકાની Zipcar નામની કાર ભાડે આપતી કંપનીની સ્થાપના રોબિન ચેઝ નામની સ્ત્રી એ 42 વર્ષની ઉંમરે કરી. 40 વર્ષની ઉંમરે ફેશન ઉદ્યોગમાં પ્રવેશતા પહેલાં વેરા વાંગ એક આકૃતિ સ્કેચર અને પત્રકાર હતી. આજે તે વિશ્વના અગ્રણી મહિલા ફેશન ડિઝાઇનર્સ પૈકી એક છે.
નોરા જોન્સ એક ઈન્ટરનેશનલ મ્યુઝિક આઈકન છે જે નવ વાર ‘ગ્રેમી’ એવોર્ડ્સ જીતી ચૂકી છે. આ પોપ્યુલર અમેરિકન પોપસ્ટાર સિંગર, એક્ટ્રેસ અને ગીતકારનું સાચું નામ ‘ગિતાલી’ છે (યેસ્સ્સ, ઈન્ડિયન નેમ!) અને તેમના પિતાશ્રીનું નામ છે ભારતના હીરા સ્વર્ગસ્થ પંડિત રવિશંકર! નોરાની માતા હોટલ વેઈટ્રેન અને પિયાનિસ્ટ ‘સૂ જોન્સ’ સાથે રવિશંકરજી અમેરિકામાં લિવ-ઈનમાં રહેતા ત્યારે 1979માં નોરા જન્મી. ગેરકાયદેસર રીતે ફક્ત પ્રેમ (કે વિષયવાસના!)થી પોતાનો જન્મ થયો છે એ જાણતી હોવા છતાં નોરાએ ક્યારેય પોતાને નિમ્ન સ્તરની સમજી નથી. એક લેખમાં લખવામાં આવ્યું હતું કે વર્જિનિટીને આપણે ત્યાં લાયકાતનું માપદંડ મનાય છે. સ્ત્રી ના કૌમાર્યને ચરિત્રના સમાનાર્થી તરીકે ગણવામાં આવે છે. સોશિયલ મીડિયા અને અલ્ટ્રામોડર્ન કલ્ચરના યુગમાં કોઈ પર આંધળો વિશ્વાસ અથવા કોઈ પર અખૂટ પ્રેમ દર્શાવીને સ્વેચ્છાએ પોતાનું કૌમાર્ય ગુમાવનાર સ્ત્રી ચરિત્રહિન થઈ જાય? વિશ્વના 12 વિકસિત દેશો પૈકી 10 દેશોના 67 ટકા યુવાનો તેમની ટીનેજમાં જ સેક્સ્યુઅલ ઈન્ટરકોર્સનો અનુભવ લઈ ચૂક્યા હોય છે. આ બાબતનું આંધળુ અનુકરણ કરવાની વાત નથી પણ એ દેશોની જનતાના દ્રષ્ટિકોણમાં વર્જિનિટી ગુમાવનાર વ્યક્તિ અસ્પૃશ્ય નથી થઈ જતી. મહર્ષિ વેદવ્યાસ, જેણે અઢાર પુરાણો એકત્ર કર્યાં અને મહાભારત જેવા મહાકાવ્યની રચના કરી, એમની માતા મત્સ્યગંધાએ લગ્ન પૂર્વે વર્જિનિટી ગુમાવી દીધેલી.
ઘણી જગ્યાએ મહિલા-સશક્તિકરણના કાર્યક્રમોમાં સાંભળ્યું છે કે આજની મહિલાએ પુરુષ-સમોવડી થવાની જરૂર છે. પુરુષોના દબાવમાં રહેવાથી સ્ત્રીઓના પક્ષે અત્યાચાર થાય છે…વગેરે વગેરે. સૌથી પહેલાં તો ‘સમોવડી’ કે ‘સમોવડું’ શબ્દ જ મને નથી ગમતો. કોઈનું સમોવડું થવાની જરૂર જ શું છે? આપણી પોતાની આગવી શૈલી એ જ આપણી ઓળખ-પહેચાન છે. નારી નરની ખાણ કહેવાય, નારીથી નર નીપજે. ઝાડ મોટું કે પાંદડું? તો પુરુષ સમોવડી થવા જતાં પોતાનું લેવલ નીચું થાય છે એ કેમ સમજાતું નથી. જે સ્ત્રી પોતાના અસ્તિત્વ સાથે, પોતાના સ્ત્રીત્વ સાથે ખુશ છે, પોતાના સ્ત્રીત્વને માણે છે અને જાણે છે એ ક્યારેય પોતાના અસ્તિત્વને પુરુષ સાથે સરખામણીમાં નહીં મુકે. અને આગવી ઓળખ નથી બનતી એ માટે આપણી પાસે શું બહાનું છે? ઉંમરનું? ભણતર? વિકલાંગતા? વર્જિનિટી? નાત-જાત? વિધવા હોવાનું? છૂટાછેડા થયા હોવાનું?
પડઘોઃ
પહેલી વાર લાઈટનું બિલ ભર્યું
આજે કપાયેલા ટેલિફોનનું
કરાવ્યું મે કનેક્શન
પહેલી વાર બૅંકમાં જઈ ચેક ભર્યો
થોડા પૈસા ઉપાડ્યા મેં
પહેલી વાર ટિકુડાની સ્કૂલમાં જઈ
અરજી કરી ફ્રીશીપની
ગઈ કાલે રેશનકાર્ડમાંથી
એક નામ
કરાવીને આવી
કમી
આ બધું મેં
પહેલી વાર કર્યું
તારા ગયા પછી…
– સતીશ વ્યાસ
eછાપું
તમને ગમશે: અધીજનનશાસ્ત્ર: ગર્ભસંસ્કારની જરૂરીયાત