ચોમાસું – ભારતના વિવિધ ભાગોમાં એ કેવી રીતે દસ્તક દે છે?

0
364
Photo Courtesy: sanjeevnitoday.com

ચોમાસું કેરાલાને કાંઠે દસ્તક દઉં દઉં કરે છે. બેંગ્લોરમાં તો મે ના બીજા વિકથી જ સાંજ વાદળઘેરી હોય છે અને હમણાંથી ગાજવીજ સાથે લગભગ રોજ સાંજે વરસાદ પડે છે જ્યારે અમદાવાદ તો 47 સેન્ટિગ્રેડમાં શેકાઈ રહ્યું છે.

જાણીને નવું લાગશે કે ભારતના અમુક ભાગોમાં ચોમાસું વેચાય છે એટલે કે આ ચોમાસામાં જે કાંઈ નિપજે એ લેનારનું, એણે વેચનારને પૈસા આપી દેવાના, એથી વધે તો નફો નહીતો ખોટ. મોટે ભાગે એનો નફો જ હોય.

ચોમાસું એક મોટા દીર્ઘકાલિય દરિયાઈ મોજા સાથે સરખાવી શકાય. ચોક્કસ સમયે એ આવે અને જાય.

મહદ અંશે કેરાલા માં 31 મે ના શરૂ થઈ આગળ વધતું 6 દિવસમાં 1800 કી. મી. જેવું અંતર કાપી મોડામાં મોડું 10 જૂનના તો મુંબઇ પહોંચે એની એર્નાકુલમ એક્સપ્રેસ.

ઊંચા ટાવરો અને લોકોથી ખદબદતા રસ્તાઓ કાળી અને હવે રંગબેરંગી છત્રીઓથી ઢંકાઈ જાય એટલે મુંબઈમાં ચોમાસું આવ્યું અને ગુજરાતીઓ રાજીના રેડ. બસ હવે આવ્યું કે આવશે.

Photo Courtesy: sanjeevnitoday.com

પછી આ જ ચોમાસું પાકિસ્તાન અને ઉત્તર ભારતની અતિ ગરમ થયેલી હવા ઉપર જઈ દરિયાનો ભેજ ચૂસીલે, પેટ ભારે થઈ જાય એટલે ઠાલવે નીચે પશ્ચિમ કાંઠે.

પૂર્વ કાંઠે એ મોટામસ કાંઠાને સમાંતર આવતાં મોજાની જેમ જ એને સમાંતર જ ચોમાસું આગળ વધે છે.

વિંધ્યાચળ અને ઉપર અરવલ્લી પર્વતમાળા વાદળોને રોકે એટલે ત્યાં વરસી પડે ને પર્વતની બીજી બાજુ સાવ કોરી ધાકોર. એ લોકો “ઓ રે વાદળ ઉમટો ઉમટો “ ગાતા રહે અને હાથનું નેજવું કરી આકાશમાં જોયા કરે. મહારાષ્ટ્રની પૂર્વ દિશાએ દરિયો બેમાંથી એકેય બાજુ નથી ત્યાં તો ગાય ભેંસ ને ઘાસ પણ સુક્કું સાચવેલું પાણીમાં પલાળીને આપવું પડે છે. આપણને રોજ ભેળના મમરા ખાવા પડે એમ.

ઘણી જગ્યાએ, એમાં કચ્છ પણ આવે ને રાજસ્થાન પણ, ત્યાં તો ચાર માસ માલધારીઓ હિજરત કરી જાય.

વરસાદ એર્નાકુલમ માં  સરેરાશ 1300 મિમી તો બેંગ્લોરમાં 980 મિમી અને અમદાવાદ જેવામાં 700 મિમી તો ભયો ભયો.

મહાબળેશ્વરમાં વાદળોની ઘનતા અને પેટર્ન નો અભ્યાસ કરવા ખાસ વેધશાળા છે.

ચોમાસું આવે એટલે હવામાનખાતાને સેકંડની 3 કરોડ ગણતરીઓ કરી શકે એવા સુપર કોમ્પ્યુટરની જરૂર પડે છે. અનેક મોડેલ, ભૂતકાળના ટ્રેન્ડ અને વાદળોની ઘનતા,ઊંચાઈ,પવનની દિશા વિરુદ્ધ છે કે સામે, વગેરે ભારતના નકશામાં ચોક્કક્સ સ્થળ ઉપર સુપર ઈંપોઝ એટલે કે એ જગ્યા ઉપર બેસાડી આગાહી કરવામાં આવે છે.

ખાસ પ્રકારના બલુનો ઉડાડી એનો માર્ગ એટલે કે ટ્રેજેક્ટરી પરથી ચોમાસાની ગતિ જાણી શકાય છે. હવામાન ખાતાના કોમ્પ્યુટરો એક કીમી વિસ્તારના ક્ષેત્રમાં ભારે વરસાદ ની આગાહી કરી શકે છે અને ખૂબ ઊંડી ટેકનીકલ ગણતરીઓથી થતા એમના વરતારા ખેડૂતોને જ ખાસ ઉપયોગી થાય એ રીતે કરવામાં આવે છે જેથી વાવણી,પાક નો પ્રકાર જેવા નિર્ણયો ખેડૂતો લઈ શકે.

આપણું અર્થતંત્ર વરસાદ પર ઘણીરીતે આધારિત છે.

ચોમાસું આવે એટલે વરસાદથી જ નદીનાળા ભરાય અને બોરવેલ, કુવાઓમાં પાણી આવે. હવામાનખાતું પણ દુકાળ કે અતિવૃષ્ટિ ની આગાહી ખૂબ જોઈ તપાસીને કરે છે કેમકે ઉદ્યોગો મંદ થઈ જાય અને શેર બજાર પણ એવી આગાહી સાંભળી કડડ ભૂસ થઈ જાય.

એ પણ જાણવું રસપ્રદ છે કે વિષુવવૃત્ત આસપાસ મહત્તમ વરસાદ પડે છે અને બે વૃત્તો, કર્ક એટલે આપણો ઉત્તર ગોળાર્ધ અને મકર એટલે ઓસ્ટ્રેલિયા આસપાસ વાળો દક્ષિણ ગોળાર્ધ એ બે વચ્ચે  જ મોસમી વરસાદ આવે છે. દિલ્હી અને ઉપર વરસાદ ઓછો અને ચોમાસું પણ જુલાઈના અંતમાં બેસે.

ગ્રીનહાઉસ ઇફેક્ટ અને ઓઝોન સ્તરમાં આપણે જાતે પાડેલા ગાબડાંને લઇ તેમજ પૃથ્વીની થોડી ઝૂકીને ફરવાની વાર્ષિક ગતિમાં નજીવો ફેર પડ્યો છે એમ વૈજ્ઞાનિકો કહે છે એટલે ચોમાસું હવે એક દસકા પહેલાં આવતું એ કરતાં અઠવાડિયું મોડું આવે છે અને વધુ લાબું ચાલે છે.

દક્ષિણ ભારતના પૂર્વ ભાગ જેવા કે ચેન્નાઇ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર જેવામાં વર્ષમાં બે વખત ચોમાસુ આવે છે. એક વાર અરબી સમુદ્રનું અને બીજીવાર બંગાળના ઉપસાગરનું. ગુજરાતમાં અરબી સમુદ્રના પવનો મોસમી વરસાદ લાવે છે.

જંગલો વરસાદ ખેંચે છે અને વરસાદ હોય ત્યાં વધુ જંગલો હોય છે. ઈંડુ પહેલું કે મરઘી જેવું.

ઉપર તરસ્યાં વાદળો હજુ દરિયાનું પાણી વધુ ચૂસી લો ડિપ્રેશન ઉભું કરે તો ગમે ત્યારે વરસાદ પડી જાય. નવરાત્રીના મંડપો વરસી પડે કે સાલમુબારક કરવા છત્રી રેઇનકોટ લઇ જવું પડે.

પર્વતમાળાઓ નજીક હોઈ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધુ પડે છે અને બિચારું સૌરાષ્ટ્ર કચ્છ સંતોષી જીવ.. થોડામાં રાજી. ઉપર રાજસ્થાનમાં જેસલમેર કે બાડમેર ઉપર તો એટલો ઓછો વરસાદ પડે કે એ લોકો નહાવાનું પાણી એકઠું કરી એમાં કપડાં ધુએ.

કુદરત દરિયાનું ખારુંમસ પાણી મીઠું બનાવી વરસાવે છે. રાક્ષસી નહીં પણ દૈવી RO.!

ચોમાસું આવે એટલે ઘણા જુના મકાનોમાં વૉટર હારવેસ્ટિંગ કરી વરસાદી પાણી ટાંકામાં એકઠું કરે છે. મુંબઈની અમુક સોસાયટીઓએ આ પ્રયોગ હાથ ધર્યો છે. એ પાણી ચૂનો કે ફટકડી નાખી શુદ્ધ કરવું પડે પછી અનંત કાળ પીવા લાયક સમજો.

ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ રિસર્ચ લેબોરેટરીએ ખારા પાણી ને મીઠું બનાવવામાં સફળતા મેળવી છે પણ એ ખર્ચાળ છે.

ક્યાંક વરસાદ જરા પણ પડે નહીં તો સિલ્વર આયોડાઈડ નો વાદળો પર છંટકાવ કરી, એને ભારે કરી કૃત્રિમ વરસાદ વરસાવી શકાય છે પણ એમાં વાદળ ફાટ્યું કહીએ એવી અતિવૃષ્ટિનો ડર પણ છે એટલે સરકાર ‘સો ગળણે ગાળી‘ એ પાણી પીવે કે પાવાનો વિચાર કરે.

તળાવનું પાણી બાષ્પીભવન થઈ ઉડી જતું અટકાવવા તળાવ કાંઠે વિશાળ ઘટાવાળા વૃક્ષો એ દિશામાં વવાય છે જેથી બપોર પછીનો વધુ ગરમ તડકો તળાવ પર પડતો અટકે. તળાવમાં પાણી સાચવે એવી એક્વા વનસ્પતિ, નાના ફ્લોટિંગ બોલ કે ખાસ પ્લાસ્ટિક જેવું તળિયે આવરણ કરી શકાય છે. તળાવ સુક્કું હોય ત્યારે એને તળિયે એવું આવરણ લગાવાય છે.

ચોમાસું એટલેકે વરસાદ એટલે દરિયાનું આકાશમાંથી પડતું વિશાળ મોજું અને ગરમી એટલે એ મોજાનું પરત જવું. એ ચક્ર આપણા મોસમી પ્રદેશોમાં ચાલ્યા કરે છે અને જળ છે તો જીવન છે.

તો આવો મેઘરાજાને આવકારવા તૈયાર થઈ જઈએ ગાઈએ “આવ રે વરસાદ”

eછાપું

તમને ગમશે: અમદાવાદ ની એ સલૂણી સવારે…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here