બચત નું નાણાંકીય પ્રોડક્ટ્સમાં રોકાણ કરતા પહેલાં આટલું જરૂર ધ્યાન રાખજો

0
332
Photo Courtesy: edelweiss.in

બચત નું નાણાકીય પ્રોડક્ટ્સમાં રોકાણ કરીએ તો વળતર કેટલું હોવું જોઈએ ?

આ સવાલનો જવાબ મેળવતા પહેલા આપણે એ સમજીએ કે કયા પ્રોડક્ટમાં કેટલું વળતર મળે છે અને સામે સલામતી કેટલી?

વિશ્વની સૌથી શ્રીમંત વ્યક્તિ વોરન બફે પોતાની બચત નું માત્ર ડાયરેક્ટ ઇક્વિટીમાં રોકાણ કરે છે. એનું રોકાણ ખુબ જ લાંબાગાળાનું હોય છે એટલેકે દસ વર્ષ, પંદર વર્ષ, અરે પચ્ચીસ વર્ષ!! તો એને આ રોકાણમાં છેલ્લા પચ્ચીસ વર્ષમાં આશરે 20 ટકાથી 22 ટકા CAGR વળતર મળ્યું છે. CAGR એટલે ક્યુંમ્યુલેટીવ એન્યુઅલ ગ્રોથ રેટ એટલેકે વ્યાજ પર વ્યાજ અથવા વળતર પર વળતર એમ કહી શકાય આ થઇ એક વાત.

Photo Courtesy: edelweiss.in

હવે જોઈએ દસ ગ્રામ સોનાની કિંમત 31/03/2081માં રૂપિયા 1522 હતી એ વધીને 31/03/2017માં થઇ ૨૯૬૫૧ રૂપિયા. તો આ વધારો 8.48 ટકા CAGR થયો હવે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેસ્ક્સ આંક જોઈએ તો એ 31/03/1981 માં હતો 173 અને 31/03/2017માં વધીને થયો 29,621 જે 15.07 ટકા CAGRનો વધારો સૂચવે છે. આનો અર્થ જો તમે મુંબઈ સ્ટોક એક્સચેન્જના સેન્સેક્સના શેરોમાં 1981માં રોકાણ કર્યું હોત અને એને જાળવી રાખ્યું હોત તો તમને વળતર 15.07 ટકા છૂટ્યું હોત. અહીં એક વાત નોંધી લો કે તમને અમુક કંપનીના શેરોએ આ 15.07 ટકાથી વધુ વળતર આપ્યું હોત જે વોરન બફેના 20 ટકા જેટલું પણ થયું હોઈ શકે

આમ તમારી બચત નું જેટલું લાંબાગાળાનું રોકાણ એટલું વળતર વધુ એવું ઇક્વિટીની બાબતમાં કહી શકાય, કારણકે ઇક્વિટીમાં રોકાણ એ આપણે કોઈના ધંધામાં જ રોકાણ કરીએ છીએ અને જો ધંધો વિકસે તો આપણા રોકાણનું વળતર પણ વિકસે જ એટલેકે વધુ વળતર મળે. પરંતુ એ સામે જોખમ પણ એટલું જ છે ધંધો ડૂબે તો આપણું ઇક્વિટીમાં રોકાણ પણ ડૂબે જ એમાં બેમત નથી અને એ જોખમ તો કહેવાય.

બચત કરીને પછી તેને સોનામાં સલામત રોકાણ કહેવાય, પરંતુ એ તમારે બેંક લોકરમાં સંઘરી રાખવું પડે એમાં આવક કઈ નહીં અને એ વેચવાનો જીવ ન ચાલે એથી એને ડેડ ઇન્વેસ્ટમેન્ટ જ કહેવાય.

એજ પ્રમાણે બેંક ફિક્સ્ડ ડીપોઝીટમાં હાલ વળતર માત્ર 6.5 ટકા થી સાત ટકા જ છે. અહીં તમારી બચત  સલામત કહેવાય પરંતુ એ ઓછું વળતર છે, ક્યાં આ સાત ટકા અને ક્યાં ઇક્વિટીમાં મળતા ૧૫ ટકા? લગભગ બમણું વળતર થાય એથી થોડું જોખમ તો લેવું જ જોઈએ એમ મારું માનવું છે. આ જોખમ ઘટાડવા તમે મ્યુચ્યુઅલફંડનો માર્ગ અપનાવી શકો.

હવે જોઈએ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ, આમાં બચત રોકવાથી વળતર કઈ નથી છતાં તે જરૂરી છે કારણકે એ તમારી જિંદગીનું જોખમ કવર કરે છે. તમે જે વ્યક્તિ કુટુંબનું ભરણપોષણ કરે છે જેના પર કુટુંબીજનો નભે છે એને જો કઈ થઇ જાય તો? આ જોખમ ને એ આવરી લે છે એજ પ્રમાણે મેડીક્લેઈમ પોલીસી ગંભીર બીમારી કે અકસ્માતમાં હોસ્પીટલના ખર્ચા કવર કરે છે. આમ ઇન્સ્યુરન્સમાં વળતર નથી છતાં એ પોલીસી લેવી જોઈએ કારણકે એ જોખમ કવર કરે છે.

આમ કરેલી બચત નું રોકાણ કરતી વખતે માત્ર વળતર ન જોતાં જોખમ અને સલામતી પણ ધ્યાનમાં લેવાના રહે છે દરેક પ્રોડક્ટ ના લાભાલાભ હોય છે પરંતુ જરૂરી પણ હોય છે.

જયારે ઇક્વિટી જેવા જોખમી પ્રોડક્ટમાં બચત રોકતા હોઈએ ત્યારે જોખમ કઈ રીતે ઘટાડી શકાય એની તકેદારી લઇ શકાય. જેમકે આવા સમયે નિષ્ણાતની સલાહ લઇ શકાય સારી સારી કંપનીઓમાં જ રોકાણ કરવું મ્યુચ્યુઅલફંડ દ્વારા રોકાણ કરવું વગેરે.

તમે દર મહીને હજાર રૂપિયા સાત ટકા કે આઠ ટકા દરે રોકાણ કરો તો એ તારણ વર્ષમાં પછી વર્ષમાં કે દસ વીસ વર્ષમાં કેટલા થશે એનો ચાર્ટ કે રકમ તમને ગુગલ કરતા મળી જશે. રીટર્ન કેલ્ક્યુલેટર સર્ચ કરશો તો એ તમને કહી આપશે

હવે જોઈએ કે તમારી બચત નું રોકાણ લાંબાગાળાનું હોવું જોઈએ કે ટુંકા ગાળાનું? તો આ તો તમારી પૈસાની જરૂરીયાતને આધારે લાંબાગાળાનું હોઈ શકે અથવા ટુંકા ગાળાનું જેમકે બે થી ત્રણ વર્ષમાં કાર લેવી છે તો એ ટુંકાગાળા નું રોકાણ કરવું પડશે અને જો નિવૃત્તિ આયોજન હોય તો એ લાંબાગાળાનું રોકાણ થશે.

ટુંકમાં રોકાણ કરવા માટે કોઈ ગોલ નક્કી હોવો જોઈએ અને એ માટે ચોક્કસ રકમ પણ નક્કી કરવી જોઈએ તો જ રોકાણનો મતલબ સરે અને ગોલ પૂર્ણ થાય.

આમ મહામૂલી બચત રોકતી વખતે સૌ પ્રથમ ગોલ અને એ માટે જોઈતી ચોક્કસ રકમ નક્કી થાય તો દર મહીને કેટલી બચત એ માટે જરૂરી છે એનો અંદાજ આવી શકે. ગુગલ પર મળતા કોષ્ટક કે જે તમને કહે કે દર મહીને સાત કે આઠ ટકા દરે કેટલી રકમ બચાવો તો પાંચ વર્ષ દસ વર્ષમાં કેટલી રકમ ભેગી થઇ શકે એ એક માર્ગદર્શક છે એનાથી ગોલ નક્કી કરવું સહેલું પડે છે.

આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

eછાપું

તમને ગમશે: દાઢીવાલી ફૌજ એટલે કે MARCOS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here